Prasangpat

ઘરડાં વિના ગાડાં ના વળેઃ ચન્દ્રા આગળ ટાટા સન્સે અંતે ઝૂકવું પડયું

By GS Team
18 Sep 20263 mins read
TukuTouch Logo
N. ચંદ્રશેખરનને ટાટા સન્સના ચેરમેન પદે ફરી નિયુક્ત કરાતા દેશનું સૌથી મોટું ટાટા ગ્રુપ આંતરિક વિવાદમાં સપડાયું છે. ટાટા ટ્રસ્ટે બહુમતીથી નિર્ણય લીધો, પણ ટાટા સન્સના નોએલ ટાટાએ આ નિમણૂકને ગેરકાયદેસર ગણાવી વિરોધ કર્યો. IPO આવવાનો હોવાથી ચંદ્રશેખરનની જરૂરિયાત ઊભી થઈ, પરંતુ આંતરિક વિખવાદ ગ્રુપની છબીને નુકસાન પહોંચાડી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘરડાં વિના ગાડાં ના વળેઃ ચન્દ્રા આગળ ટાટા સન્સે અંતે ઝૂકવું પડયું

પ્રસંગપટ
મહત્ત્વનો અને જાણકાર માણસ કંપનીમાંથી જતો રહે ત્યારે શૂન્યાવકાશ સર્જાતો હોય છે. દેશના નામાંકિત બિઝનેસ ગૃહમાંથી જ્યારે ચેરમેન એન. ચંદ્રશેખરને રાજીનામું આપ્યું, ત્યારે કંપનીને એમ હતું કે તેમની જગ્યાએ બીજી ગોઠવણ કરી દઈશું, પરંતુ કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે ત્યારે તેમની જરૂરિયાત ઊભી થઈ હતી અને તેમની સમક્ષ કંપનીએ ઝૂકવું પડયું. ગુજરાતી કહેવત 'ઘરડાં ગાડાં વાળે' અહીં બંધબેસતી આવે છે.
ટાટા ગુ્રપમાં જેને 'ચન્દ્રા' જેવા હુલામણા નામે દિવંગત રતન ટાટા અને અન્ય ડિરેક્ટરો બોલાવતા હતા, તે એન. ચંદ્રશેખરનને ટાટા સન્સના ચેરમેન પદે ફરી નિમણૂક કરવાના ટાટા ટ્રસ્ટના નિર્ણયના કારણે દેશનું સૌથી મોટું અને સૌથી નામાંકિત બિઝનેસ ગુ્રપ આંતરિક વિવાદમાં સપડાયું છે. સોફ્ટવેરથી માંડીને સોલ્ટ (મીઠા) સુધીના બિઝનેસમાં અગ્રેસર રહેનાર ટાટા ગુ્રપની કંપનીઓએ ગ્રાહકોનો ભરોસો જીત્યો છે, પરંતુ તેમના આંતરિક વિખવાદો ગુ્રપની ઈમેજને ધક્કો પહોંચાડી રહ્યા છે. બે મહિના અગાઉ ટાટા ગુ્રપના સીઈઓ અને ચેરમેન એન. ચંદ્રશેખરને ત્રીજી ટર્મ માટે પોતે ચેરમેન તરીકે રહેવા તૈયાર નથી એમ કહીને દેશના કોર્પોરેટ અને ફાઇનાન્સ સેક્ટરને ચોંકાવી દીધું હતું.
હવે જ્યારે ટાટા ટ્રસ્ટે ગુરુવારે એન. ચંદ્રશેખરનને ફરીવાર ચેરમેન બનાવવાનો નિર્ણય બહુમતીથી લીધો ત્યારે ટાટા સન્સના વડા નોએલ ટાટાએ આંચકો અનુભવ્યો હતો. એક તરફ ટાટા સન્સના બોર્ડે આઈપીઓ માટે મંજૂરી આપી છે, તો બીજી તરફ એન. ચંદ્રશેખરનનો મુદ્દો વિવાદ ઊભો કરી રહ્યો છે, કેમ કે ટાટા સન્સના નોએલ ટાટાએ આ નિમણૂકને ગેરકાયદેસર ગણાવી છે.
ચેરમેન તરીકે એન. ચંદ્રશેખરનની ફરી વરણી સામે ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાએ વાંધો ઉઠાવીને કહ્યું છે કે, 'મેં અને ટ્રસ્ટના એક નોમિની ડિરેક્ટરે ચન્દ્રાની ફેરનિમણૂકના નિર્ણયની વિરુદ્ધમાં મતદાન કર્યું છે.'
ટાટા ટ્રસ્ટ અને ટાટા સન્સ વચ્ચેની કોલ્ડ વોર અનેકવાર સપાટી પર આવી ચૂકી છે. કહે છે કે ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા સમગ્ર ગુ્રપ પર પકડ ઊભી કરવા માંગતા હતા. એન. ચંદ્રશેખરનને તેઓ ત્રીજી ટર્મ માટે ચેરમેન પદ આપવા તૈયાર નહોતા. નોએલ ટાટાનો પ્લાન જાણી જતાં ચંદ્રશેખરને પણ જાહેરાત કરી દીધી હતી કે તેઓ ત્રીજી ટર્મ માટે એપ્લાય નહીં કરે.
નોએલ ટાટાના આઇડિયા અનુસાર બધું ચાલતું હતું. નોએલ ટાટા પોતાની નજીકના લોકોને કંપનીમાં ટોપ પર બેસાડવા માંગતા હતા. અહીં મહત્ત્વનું એ પણ છે કે ટાટા ટ્રસ્ટ પાસે ટાટા સન્સ કરતાં વધુ સત્તાઓ હતી. ટાટા ટ્રસ્ટે નવા રોકાણ કે નવા ઉદ્યોગ સાહસો માટે નોએલ ટાટાના ટાટા સન્સ પાસે જવું પડતું હતું. જ્યારે બધા વચ્ચે સંબંધો સારા હતા ત્યારે માર્કેટમાં પણ સારા સંકેતો પહોંચતા હતા, પરંતુ ટાટા ટ્રસ્ટે જ્યારથી ટાટા સન્સના ચેરમેન ચંદ્રશેખરનની ઉપેક્ષા શરૂ કરી, ત્યારથી ડખા બહાર આવવા લાગ્યા હતા અને કોર્પોરેટ સર્કલમાં ચર્ચાનાો વિષય બન્યા હતા.
એન. ચંદ્રશેખરનનું મહત્ત્વ સમજ્યા વગર ટાટા સન્સે તેમનું રાજીનામું મંજૂર પણ કર્યું હતું અને ટાટા ટ્રસ્ટને સિલેક્શન કમિટી મારફતે નવી નિમણૂક માટે કહ્યું હતું. ટાટા ટ્રસ્ટે જ્યારે ચંદ્રશેખરનની ફરી નિમણૂક કરી ત્યારે કહ્યું કે બહુમતી ડિરેક્ટરોએ ફેરનિમણૂકને મંજૂરી આપી હતી, પણ નોએલ ટાટાએ તેનો વિરોધ કર્યો હતો.
નોએલ ટાટાએ એન. ચંદ્રશેખરનની ફેરનિમણૂકનો વિરોધ કરીને કંપનીની ઈમેજને ધક્કો પહોંચાડયો છે. નોએલ ટાટા ચન્દ્રાનો વિરોધ પહેલેથી કરતા આવ્યા છે, કેમ કે તેઓ સગાવાદમાં વધુ માને છે.
આ વોર પ્રમોટરો અને સીઈઓ વચ્ચેની છે. નોએલ ટાટા પ્રમોટરના ફેમિલીમાંથી આવે છે. પ્રમોટરો એમ માનતા હોય છે કે રોકાણ અમારું અને વહીવટ કોઈ બીજી વ્યક્તિ કરે એમ ન ચાલે. નોએલ ટાટાને એન. ચંદ્રશેખરન એટલા માટે ખૂંચતા હતા કે કંપનીમાં કોઈ નિમણૂક કે કામ માટે તેમની મંજૂરી નહોતી ચાલતીત તેમની ઉપર એન. ચંદ્રશેખરનને બેસાડી દેવાયા હતા.
ચંદ્રશેખરનની નિમણૂક રતન ટાટાએ કરી હતી. તેઓ સ્પષ્ટપણે માનતા હતા કે પ્રમોટરોને વહીવટ સોંપાય તો સગાવાદને ચાન્સ મળશે. કુટુંબ બહારના સીઈઓ સાથે વહેલા-મોડા વિવાદો થાય તે સ્વાભાવિક છે. રોકાણકારની મનમાની બહારથી નિમાયેલા અટકાવી દે છે.
એન. ચન્દ્રશેખરને રાજીનામું આપ્યું ત્યારે પણ વિવાદ થયો હતો . હવે તેમની ફેર નિમણૂક કરાઇ ત્યારે પણ વિવાદ થયો છે. બંને વિવાદ પાછળ નોએલ ટાટાનો ચહેરો ઉપસી આવ્યો છે.