Prasangpat

શનિવારથી શરૂ થતા શ્રાધ્ધ પહેલાં જ શેરબજાર પરની શ્રધ્ધાને મોટો ફટકો

By GS Team
25 Sep 20263 mins read
TukuTouch Logo
યુએસ બોન્ડ યીલ્ડ, ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને નબળા રૂપિયાને કારણે ગુરુવારે ભારતીય શેરબજારમાં મોટો કડાકો બોલાયો હતો. સેન્સેક્સ 1247 પોઇન્ટ અને નિફ્ટી 1% થી વધુ તૂટ્યા હતા. વૈશ્વિક યુદ્ધ જેવા પરિબળોને કારણે રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો, જેથી શ્રાદ્ધ પૂર્વે જ બજાર પરની શ્રદ્ધા ડગી ગઈ. બજાજ ફાઇનાન્સના શેરમાં 5% થી વધુનો ઘટાડો નોંધાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

શનિવારથી શરૂ થતા  શ્રાધ્ધ પહેલાં જ શેરબજાર પરની શ્રધ્ધાને મોટો ફટકો
  • યુએસ બોન્ડ યીલ્ડ, ઓઇલ અને નબળા રૂપિયાની અસર
  • પ્રસંગપટ
  • યુધ્ધ જેવા વૈશ્વિક પરિબળોને કારણે રોકાણકારોમાં ગભરાટ ફેલાતાં સેન્સેક્સ અને નિફ્ટી તૂટયાં

શનિવારથી શરૂ થતા શ્રાધ્ધ પહેલાં જ રોકાણકારોની શેરબજાર પરની શ્રધ્ધા તૂટી રહી છે.. ગુરૂવારે બજારો બંધ થયા ત્યારે સેન્સેક્સ ૧૨૪૭ પોઇન્ટનો ફટકો પડયો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૧%થી વધુનો ઘટાડો નોંધાતાં ભારતીય શેરબજારમાં ૨૪મીના ગુરૂવારે મોટો કડાકો બોલાયો હતો. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ યુએસ બોન્ડ યીલ્ડમાં થયેલો તીવ્ર ઉછાળો હતો, જે ૧૯ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની અપેક્ષાઓએ બજારની ચિંતાઓ અને અનિશ્ચિતતામાં વધારો કર્યો હતો. તદુપરાંત, ચાલુ ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો હતો.
શેરબજારના નિષ્ણાતો માટે કડાકો વહેલો મોડો આવવાનો હતો પરંતુ તૂટતો રૂપિયો અને ૧૦૦ ડોલરને વટાવી ગયેલા ઓઇલના કારણે ઉભી થયેલી ચીકાશમાં શેરબજાર લપસી પડયું હતું.
યુધ્ધ જેવા વૈશ્વિક પરિબળોને કારણે રોકાણકારોમાં ગભરાટ ફેલાતાં સેન્સેક્સ અને નિફ્ટી ૧%થી વધુ તૂટયા હતા. સેન્સેક્સમાં સૌથી વધુ નુકસાન સાથે બજાજ ફાઇનાન્સના શેરમાં ૫%થી વધુનો કડાકો બોલાયો હતો, જ્યારે એક્સિસ બેંક અને બજાજ ફિન્સર્વના શેર ૩-૪% ઘટયા હતા. ઇન્ડિગો, કોટક મહિન્દ્રા બેંક, એશિયન પેઇન્ટ્સ, એચડીએફસી બેંક અને ટ્રેન્ટના શેરમાં ૧-૨%નો ઘટાડો નોંધાયો હતો. શેરબજાર તૂટવાના કેટલાક કારણો અહીં આપ્યા છે.
૧. બોન્ડ યીલ્ડ ૧૯ વર્ષની ઉચ્ચતમ સપાટીએ પહોંચી
સપ્ટેમ્બરમાં યુએસ બિઝનેસ એક્ટિવિટી પાંચ વર્ષથી વધુ સમયની ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યાના ડેટા સામે આવ્યા બાદ, યુએસ ૧૦-વર્ષના ટ્રેઝરી બોન્ડની યીલ્ડ ૨૦૦૭ પછીના તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ હતી. વ્યાજ દર પ્રત્યે સંવેદનશીલ ૨-વર્ષની ટ્રેઝરી યીલ્ડ થોડા સમય માટે ૪.૯% ઓળંગી ગઈ હતી, જે મે ૨૦૨૪ પછી સૌથી વધુ છે.
૨. ફેડ દ્વારા વ્યાજદરમાં વધારાની અપેક્ષાઓ
યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં તીવ્ર વધારાની અપેક્ષાઓ વધતાં શેરબજારમાં ઘટાડો વધુ ઘેરો બન્યો હતો. ફેડ ફંડ્સ ફ્યુચર્સ ટ્રેડર્સ હવે ઓક્ટોબરમાં વ્યાજદર વધારાની ૬૬% શક્યતા ધારી રહ્યા છે, જે દિવસની શરૂઆતમાં ૫૩% હતી.
૩. ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો
ઓઇલના વધતા ભાવો ખલનાયકની ભૂમિકામાં છે એમ કહી શકાય. ગઈકાલે ક્રૂડ ઓઇલનો ભાવ ૯૯ ડોલરથી નીચે ગયા બાદ ફરીથી ઉછળીને બેરલ દીઠ ૧૦૨ ડોલરને પાર પહોંચી ગયો હતો. યુદ્ધનો અંત કેવી રીતે લાવવો તે અંગે ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે મતભેદો યથાવત છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને યુએન જનરલ એસેમ્બલીમાં કહ્યું હતું કે તહરાન ક્યારેય યુએસના દબાણ સામે આત્મસમર્પણ નહીં કરે.
૪. તૂટતો રૂપિયો ચિંતા વધારી રહ્યો છે
ક્રૂડ ઓઇલના ભાવ અને બોન્ડ યીલ્ડમાં ભારે ઉછાળા વચ્ચે શરૂઆતી કારોબારમાં ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે ૧૪ પૈસા ઘટીને ૯૫.૮૭ પર પહોંચી ગયો હતો જ્યારે ભારતીય બજારોમાં ખૈંૈં દ્વારા સતત વેચવાલીથી સેન્ટિમેન્ટ સાવચેતીભર્યું રહ્યું છે. આગળ જતાં યુએસ-ઈરાન ઘટનાક્રમ, શી જિનપિંગની યુએસ મુલાકાત અને યુએન મીટિંગના અપડેટ્સ કરન્સી માર્કેટને અસ્થિર રાખી શકે છે.'
૫. શેરબજાર કઇ દિશામાં જઇ રહ્યું છે
શેરબજારના નિષ્ણાતો કહે છે કે બજારમાં ઝડપી રિકવરીની શક્યતાઓ ઓછી દેખાય છે. તાજેતરના માર્કેટ ટ્રેન્ડમાં મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરો પર સતત ફોકસ રહ્યું છે. આ સેગમેન્ટ્સના ગ્રોથ સ્ટોક્સમાં તેમના ઊંચા વેલ્યુએશન છતાં સતત ખરીદી જોવા મળી રહી છે. આ ટ્રેન્ડ બદલાશે, પરંતુ તેનો સમય ક્રૂડના ભાવ અને બોન્ડ યીલ્ડના વલણ પર નિર્ભર રહેશે.
૬. રોકાણકારોમાં અવિશ્વાસ વધ્યો..
શેરબજારના મધ્યમ કદના રોકાણકારો પણ હવે બજારનો રૂખ જાણતા થઇ ગયા છે. રોકાણકારો યુધ્ધની બજાર પર અસર કે વધતા ઓઇલના ભાવોની અસર સમજતા થઇ ગયા છે. લોકો તૂટતા બજાર વખતે ખરીદી કરવાનું જોખમ પણ ઉપાડી રહ્યા છે. રોકાણકારને સમજવો અઘરો બની ગયો છે.