Porbandar

તરૂણીનું છ વર્ષ સુધી શારીરિક શોષણ કરનાર ભાજપનો નામચીન કાર્યકર મુંબઈથી ઝડપાયો

By GS Team
7 Oct 20262 mins read
TukuTouch Logo
પોરબંદરમાં ભાજપના કાર્યકર અને કુખ્યાત ગેંગલીડર રમેશ છેલાણાની મુંબઈથી ધરપકડ થઈ છે. 17 ગુનાઓમાં સંડોવાયેલ આ શખ્સે 11 વર્ષની સગીરા પર 6 વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરાની ફરિયાદ બાદ પોરબંદર LCBએ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી તેને દબોચી લીધો.

Summarized by AI; it may make mistakes. Check important info

તરૂણીનું છ વર્ષ સુધી શારીરિક શોષણ કરનાર ભાજપનો નામચીન કાર્યકર મુંબઈથી ઝડપાયો

પોરબંદર : પોરબંદર નજીકના ઓડદર ગામના માથાભારે ગેંગલીડર એવા ભાજપના કાર્યકરે એક સગીરા ૧૧ વર્ષની હતી ત્યારથી ૧૭ વર્ષની થઈ ત્યાં સુધી છ -છ વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું હોવાની ફરિયાદ થઈ હતી. હત્યા, ખુનની કોશિશ, મારામારી, શારીરિક-માનસિક ત્રાસ, હથિયાર ધારા, ગુજસીટોક સહિત ૧૭ ગુનાઓની હારમાળા સર્જનાર આ હિસ્ટ્રીશીટરને પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી પકડી પાડયો છે.
પોરબંદરના હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં થોડાં દિવસો પહેલા ૧૭ વર્ષની સગીરાએ એવી વિગત જાહેર કરી હતી કે તે ૧૧ વર્ષની હતી ત્યારથી ઓડદર ગામે મોમાઈ માતાજીના મઢ પાસે રબારી કેડામાં રહેતો કુખ્યાત છેલાણા ગેંગનો લીડર રમેશ ભીખા છેલાણા નામનો ૪૭ વર્ષનો ઈસમ અવારનવાર દુષ્કર્મમાં ગુજારતો હતો. છ-છ વર્ષ સુધી આ સગીરા ઉપર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને 'જો આ વાત કોઈને કહીશ તો માતાજીના સમ છે અને નાના ભાઈના સમ છે' તેમ કહીને ધમકી આપતો હતો. આથી આ સગીરા તેનાથી ખૂબ જ ગભરાયેલી રહેતી હતી. અંતે તેને કોઈએ હિંમત આપતા પોલીસ ફરિયાદ કરવા માટે તે પોલીસ સ્ટેશનને પહોંચી ગઈ હતી અને પોલીસે બીજી ઓક્ટોબરના રોજ રમેશ ભીખા છેલાણા સામે પોકસો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
વળી, ગેંગલીડર રમેશ છેલાણા પોરબંદર ભાજપનો કાર્યકર પણ હોવાનું ખુલતા ઉહાપોહ મચી ગયો હતો. જેથી પોરબંદર એલસીબીને તપાસ સોંપવામાં આવી હતી અને ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર આર. કે. કાંબરીયાની ટીમે શોધખોળ શરૂ કરતા માહિતી મળી કે આરોપી રમેશ હાલમાં મુંબઈના વસઈ વિરાર વિસ્તારમાં હાઈવે પર આવેલી હોટલ સનસાઈન રેસિડેન્સી ખાતે રહે છે. જેથી ખાસ પોલીસ ટીમ બનાવીને તાત્કાલિક મુંબઈ ખાતે મોકલી હતી. પોલીસ જવાનો પહોંચ્યા ત્યારે રમેશ ભીખા હોટલ ખાતે હાજર મળી આવ્યો હતો, જેથી ત્યાંથી તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી માટે હાર્બર મરીન પોલીસને સોંપી દીધો છે.
નોંધનીય છે કે, કુખ્યાત રમેશ ભીખા સામે અત્યાર સુધીમાં ૧૭ જેટલા ગુનાઓ નોંધાયા હોવાનું પોલીસ દ્વારા જણાવ્યું હતું. જેમાં વર્ષ ૨૦૦૭થી માંડીને ૨૦૨૬ સુધીમાં ખૂનના ત્રણ ગુના, ખૂનની કોશિશ નો એક ગુનો, દારૂના ગુના, હથિયાર ધારાના ગુના, મારામારી અને ધાકધમકીના ગુના, ઉપરાંત ગુજસીટોક હેઠળ પણ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીના આગમન પહેલા ભાજપની બેઠકમાં 'અતિથિ' તરીકે હાજર હતો!
કુખ્યાત ગેંગલીડર રમેશ ભીખા પોરબંદરના ઓડદર ખાતે મુખ્યમંત્રીનું આગમન થવાનું હતું તેના આયોજન માટે ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં અતિથિ તરીકે ભાજપનો કેસરિયો ખેસ પહેરીને હાજર હતો અને તે ભાજપનો કાર્યકર હોવાનું બહાર આવ્યું હતું. જેથી કોંગ્રેસ એ પણ જે તે સમયે ભાજપની બે મોઢા વાળી નીતિનો વિરોધ કર્યો હતો અને રમેશ ભીખા સામે કડક હાથે પોલીસ કામ લે તેવી માંગ કરી હતી.