આરોપીને છાવરનારા કુતિયાણાના PI, હેડ કોન્સ્ટેબલ અને પોરબંદરના ડીવાયએસપી સામે FIR નોંધવા કોર્ટનો આદેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Porbandar Police News : કેશોદ ફેમિલી કોર્ટે ભરણપોષણના કેસમાં કોર્ટના સજા વોરંટની બજવણી ન કરી આરોપીને છાવરવા અને અદાલત સમક્ષ ખોટા દસ્તાવેજો તથા રિપોર્ટ રજૂ કરવા બદલ ત્રણ પોલીસ અધિકારીઓ સામે ગુનો દાખલ કરવાનો ઐતિહાસિક આદેશ આપ્યો છે.
માયાબેન મકવાણાએ પોતાના પતિ રણછોડભાઈ વિરમગામા (રહે. ખુનપુર, તા. કુતિયાણા, જિ. પોરબંદર) સામે ભરણપોષણ મેળવવા માટે અદાલતમાં અરજી કરી હતી. કોર્ટે અગાઉ માસિક રૂ. 2,000 ભરણપોષણ ચૂકવવાનો આદેશ કર્યો હતો, પરંતુ પતિએ ચડત ભરણપોષણની રકમ ન ચૂકવતા કોર્ટ દ્વારા 158 દિવસ અને 165 દિવસની સાદી કેદની સજાના બે અલગ-અલગ વોરંટ કાઢવામાં આવ્યા હતા. આ વોરંટ તા. 23/07/2024 ના રોજ કુતિયાણા પોલીસને મોકલવામાં આવ્યા હોવા છતાં આશરે બે વર્ષ સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી ન હતી.
કોર્ટના રેકોર્ડ મુજબ, કુતિયાણા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.ડી. વાળા અને આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ડી.એચ. જાડેજાએ આરોપી 5 વર્ષથી ગામમાં આવતો ન હોવાના અને અસલ સજા વોરંટ ગુમ થયા હોવાના અથવા ટપાલથી પરત મોકલ્યા હોવાના વિરોધાભાસી અને ખોટા રિપોર્ટ રજૂ કરી કોર્ટને ગેરમાર્ગે દોરી હતી. જોકે, સીસીટીવી ફૂટેજની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી તા. 30/06/2026 ના રોજ રાત્રે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં પોતાની ખુશીથી આવ્યો હતો અને કોઈપણ કાયદેસરની અટકાયત કે સ્ટેશન ડાયરીમાં નોંધ કર્યા વગર ત્યાં રોકાયો હતો.
આ ગંભીર બેદરકારી અને ગેરરીતિઓને છાવરવા માટે પોરબંદરના નાયબ પોલીસ અધીક્ષક (મુખ્ય મથક) દ્વારા પણ પોતાના તાબા હેઠળના પોલીસ કર્મચારીઓના બચાવમાં ખોટો તપાસ અહેવાલ તૈયાર કરી પોરબંદર એસ.પી. સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર હકીકતો ધ્યાને લઈ, કેશોદ કેમ્પ ખાતેના ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ પી.એચ. સિંહે તા. 15/07/2026 ના રોજ હુકમ કરી પોરબંદર એસ.પી.નો અહેવાલ નામંજૂર કર્યો છે. કોર્ટે અદાલતના સીનિયર ક્લાર્ક અફરોઝખાન એસ. તુર્કને આદેશ કર્યો છે કે તેઓ હુકમનો અનાદર કરવા, ખોટા દસ્તાવેજો ઉભા કરવા અને આરોપીને બચાવવા બદલ કુતિયાણાના પી.આઈ. એમ.ડી. વાળા, અ.હે.કો. ડી.એચ. જાડેજા અને પોરબંદરના ડીવાયએસપી (મુખ્ય મથક) વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ 198, 199, 201, 208 સહિતની અનેક કલમો તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 145(3) મુજબ FIR નોંધાવે.









