Patan

પાટણમાં તળાવ-કેનાલ સૂકાભઠ્ઠ, સિંચાઈના અભાવે ખેડૂતોની કફોડી હાલત, અનિયમિત વરસાદને પગલે વિકટ સ્થિતિ

By GS Team
29 Oct 20263 mins read
TukuTouch Logo
પાટણ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરાતા ખેડૂતોમાં રોષ છે. સરસ્વતી તાલુકાના રણાવ સહિતના ગામોમાં પાણી વિના પાક સુકાઈ રહ્યો છે, જેથી ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. ખેડૂતોએ સુકાભઠ્ઠ તળાવમાં એકઠા થઈ સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. કેનાલોમાં તાત્કાલિક પાણી છોડવા અથવા પાટણને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી વળતર આપવાની માંગ છે. સાંસદ અને પૂર્વ ધારાસભ્યએ પણ CM ને રજૂઆત કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

પાટણમાં તળાવ-કેનાલ સૂકાભઠ્ઠ, સિંચાઈના અભાવે ખેડૂતોની કફોડી હાલત, અનિયમિત વરસાદને પગલે વિકટ સ્થિતિ

Patan News: રાજ્ય સરકાર દ્વારા ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવતા પાટણ જિલ્લાના ખેડૂતોમાં નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. જેમાં સરસ્વતી તાલુકાના રણાવ, મેલુસણ, મોરપા, ઘેચેલી, ધારૂસણા અને કાનોસણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વિના ઊભો પાક સુકાઈ રહ્યો છે, જેના કારણે ધરતીપુત્રો ભારે આર્થિક સંકટમાં ઘેરાયા છે. રાજ્ય સરકાર દ્વારા ચાર જિલ્લાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ પાટણ જિલ્લાને બાકાત રાખવામાં આવતા જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પાટણ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ઉગ્ર માંગ

પાટણના સરસ્વતી તાલુકાના રણાવ ગામે ખેડૂતો સુકાભઠ્ઠ તળાવમાં એકઠા થઈને સરકાર સામે બાંયો ચઢાવી ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા. જેમાં ખેડૂતોની માંગ છે કે કેનાલો અને તળાવોમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે, નહીંતર પાટણ જિલ્લાને પણ સત્વરે દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને યોગ્ય વળતર આપવામાં આવે. ખેડૂતોએ વીઘાડીઠ 10 હજાર રૂપિયાથી 12 હજાર રૂપિયા સુધીનો ખર્ચ કરીને એરંડા, કપાસ અને ઘાસચારા જેવા પાકોનું મોંઘા ભાવનાં બિયારણ અને ખાતર લાવીને વાવેતર કર્યું હતું. પરંતુ વરસાદ ખેંચાતા અને છેલ્લી ઘડીએ પાણી ન મળતાં તમામ પાક સુકાવાની અણી પર પહોંચી ગયો છે, જેના કારણે ખેડૂતોના માથે દવાનો મોટો ડુંગર ખડકાઈ રહ્યો છે.

માત્ર ખેતી જ નહીં, પરંતુ પશુપાલન વ્યવસાય પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. વિસ્તારમાં ઘાસચારાની ભારે અછત સર્જાઈ છે અને બજારમાં ઘાસના એક પૂળાનો ભાવ 40થી 50 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જે સામાન્ય ખેડૂત કે માલધારીને પોસાય તેમ નથી. પશુઓને સાચવવા હવે ખેડૂતો માટે અશક્ય બનતું જાય છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભી તેમજ પૂર્વ ધારાસભ્યએ પણ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને કેનાલોમાં તાકીદે પાણી છોડવા ઉગ્ર રજૂઆત કરી છે. હવે જોવું રહ્યું કે સરકાર ક્યારે આ સૂકી કેનાલોમાં નર્મદા અને દાંતીવાડાના નીર વહેવડાવીને મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને રાહત આપે છે.

સરસ્વતી તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ

સરસ્વતી તાલુકાના ખેડૂતોની માંગ છે કે સરકાર સરસ્વતી તાલુકાની સ્થિતિનો તાત્કાલિક સર્વે કરાવે. પાકને થયેલા નુકસાન અને પાણીની અછતને ધ્યાનમાં રાખી તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે. ખેડૂતોને રાહત સહાય ચૂકવવામાં આવે અથવા કેનાલોમાં પાણી છોડીને પાક બચાવવા વ્યવસ્થા કરવામાં આવે.

દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં પાટણને બાકાત રાખતાં રોષ

રાજ્યના ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સહાય પેકેજની જાહેરાત કરાઈ છે. જોકે, પાટણ જિલ્લાને બાકાત રાખવામાં આવતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. અનિયમિત વરસાદ અને અતિવૃષ્ટિથી પાકને નુકસાન થયું હોવાની રજૂઆત સાથે સરસ્વતી તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ ઉઠી છે.

કેનાલોમાં ધૂળ ઊડી રહી છે, નેતાઓ દ્વારા પણ રજૂઆત કરાઈ

સરસ્વતી તાલુકામાંથી પસાર થતી મુખ્ય સુજલામ સુફલામ કેનાલ હોય કે પછી દાંતીવાડા માઈનોર કેનાલ હાલ પાણીના અભાવે ધૂળ ઊડી રહી છે. ખેડૂતોએ પાક બચાવવા માટે તળાવો પર બબ્બે લાખ રૂપિયાના મોંઘા મશીનો અને પંપો વસાવ્યા હતા, પરંતુ પાણી જ ન હોવાથી આ તમામ ખર્ચ માથે પડ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાટણના સાંસદ ભરતસિંહ ડાભી તેમજ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પણ મુખ્યમંત્રીને પત્ર લખીને કેનાલોમાં તાકીદે પાણી છોડવા ઉગ્ર રજૂઆત કરી છે. સરકાર ક્યારે આ સૂકી કેનાલોમાં નર્મદા અને દાંતીવાડાના નીર વહેવડાવીને મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને રાહત આપે છે.

સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા ઉગ્ર માંગણી

નર્મદા ડેમમાં પાણીનો જથ્થો હોવા છતાં કેનાલોમાં પાણી ન મળતું હોવાની ખેડૂતોની રજૂઆત છે. સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોની ચિંતા વધી છે. એરંડા, કપાસ, ઘઉં અને ઘાસચારાના પાકને બચાવવા કેનાલોમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ કરવામાં આવી છે.