Parijat no Parisamvad

હોર્મુઝમાં રોજેરોજ હોમાતી જીવસૃષ્ટિ!

By GS Team
21 Nov 20267 mins read
હોર્મુઝમાં રોજેરોજ હોમાતી જીવસૃષ્ટિ!
  • પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
  • યુદ્ધ દરમિયાન માત્ર તેલનાં લીકેજની જ નહીં, બલ્કે બીજી ઘણી બાબતમાં પર્યાવરણીય અસર થતી હોય છે. ધ્વનિ પરિવર્તન થાય છે, દરિયાઈ જીવોને ઈજા થાય છે…

છે ક ૨૮મી ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલનાં લશ્કરી હુમલાઓ સાથે યુદ્ધનો પ્રારંભ થયો. એના વળતા પ્રતિકાર રૂપે વિશ્વનાં ઓઇલ અને પ્રવાહી કુદરતી પરિવહન માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવતી હોર્મુઝની સામુદ્રધુનીને બંધ કરી દીધી અને આજ સુધી ઈરાન અને અમેરિકાની હોર્મુઝ ખોલવા અંગેની વાટાઘાટો હાલકડોલક ચાલી રહી છે. નજીકના ભવિષ્યમાં એના અંતની કોઈ આશા નથી. આવે સમયે ભયાનક શસ્ત્રોનો પ્રહાર, લોહી નીગળતું માનવજીવન અને અર્થકારણમાં આવનારી ઓટ અંગે જગત આખું ઘણી ચિંતા સેવે છે, પરંતુ આટલા મહિનાઓથી યુદ્ધની પારાવાર અસ૨ અનુભવતા હોર્મુઝની સામુદ્રધુનીમાં વસતી જીવસૃષ્ટિની કઈ હાલત થતી હશે એને વિશે ભાગ્યે જ કશી જાગૃતિ જોવા મળે છે.
યુદ્ધઘેલી માનવજાત દરિયાના પેટાળમાં વસતી જીવસૃષ્ટિને તબાહ કરી રહી છે, પણ એને ખુદને એના ભયસ્થાનોની બહુ ઓછી કલ્પના છે. દુનિયાની સૌથી મહત્ત્વની સામુદ્રધુનીઓમાંથી એક 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' એક ત૨ફ ઈરાન અને બીજી ત૨ફ ઓમાન તથા સંયુક્ત આરબ અમિરાતનો દરિયાઈ વિસ્તાર ધરાવે છે. એનું મહત્ત્વ આંતરરાષ્ટ્રીય તેલ વેપાર માટે તો છે જ, પરંતુ એથીયે વિશેષ આ સામુદ્રધુની સાથે પરવાળાના ખડકો, મેન્ગ્રોવનાં જંગલો, ડોલ્ફિન, દરિયાઈ કાચબા, દરિયાઈ ઘાસનાં મેદાનો અને ડયુગોંગ જેવા દુર્લભ જીવોનું અસ્તિત્વ જોડાયેલું છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું પાણી છીછરું, ગરમ અને ખારાશવાળું છે અને ઉનાળામાં એનું તાપમાન ખૂબ વધી જાય છે. આવી પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરીને દરિયાઈ પ્રજાતિઓ હોર્મુઝના પેટાળમાં જીવતી હોય છે. એમાં અનેક માછલીઓ, દરિયાઈ જીવજંતુઓ અને અન્ય પ્રજાતિઓનાં નિવાસસ્થાન જેવા એમાં પરવાળાનાં ખડકો છે. તો દરિયાઈ કાચબા અને ડયુગોંગ માટે ખોરાકના મહત્ત્વનાં સ્ત્રોત સમું દરિયાઈ ઘાસ અહીં ઊગે છે. આ ડયુગોંગ એ દરિયાઈ ઘાસ ખાનારું દુર્લભ સસ્તન પ્રાણી છે, જેને ઘણી વાર દરિયાઈ ગાય પણ કહેવામાં આવે છે. એના મેન્ગ્રોવ જંગલો માછલીઓ, કરચલા, પક્ષીઓ અને અન્ય જીવો માટે પ્રજનનનું અને આશ્રયનું સ્થાન છે. અહીં દરિયાઈ કાચબા અને ડોલ્ફિન પણ સારા પ્રમાણમાં જોવા મળે છે.
મહત્ત્વની બાબત એ છે કે પોતાના નિવાસસ્થાનની સાથે આ દરિયાઈ જીવોનાં આહારની સાંકળ ગોઠવાયેલી હોય છે. પરિણામે એક જગ્યાએ થતું પ્રદૂષણ સમગ્ર પર્યાવરણ પર અસર કરે છે. હોર્મુઝ સામુદ્રધુનીમાં કેટલાંક તેલવાહન ટેન્કરો પર આક્રમણ થાય છે. ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદકો લઈ જતા આ ટેન્કરોને દુશ્મનો દ્વારા જળસમાધિ આપવામાં આવે છે, ત્યારે આ દરિયાઈ જીવસૃષ્ટિ પર ઘાતક અસર થતી હોય છે.
૨૦૨૬ની ત્રીજી ઓગસ્ટના દિવસે હોર્મુઝની સામુદ્રધુની નજીક ઓમાનના દરિયાઈ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા લાઇબેરિયાના માલવાહક જહાજને યુદ્ધના હુમલામાં નુકસાન થયું અને એ જહાજમાંથી નીકળેલું બળતણ અને તેલ દરિયામાં ફેલાઈને છેક દરિયાકાંઠા સુધી પહોંચી ગયું. વિશ્વની સૌથી વ્યસ્ત એવો તેલવહન કરતી હોર્મુઝની સામુદ્રધુની પર હુમલાઓ થતા દરિયામાં તેલનું પાણી ફેલાય છે અને એ તેલ પાણીની સપાટી પર એક એવું પડ બનાવે છે કે જે પડ દરિયાઈ જીવસૃષ્ટિઓ માટે જીવલેણ સાબિત થાય છે.
દરિયાઈ પક્ષીઓનાં પીંછા પર એ તેલ ચોંટી જાય છે, તેથી તેઓ શરીરની ગરમી જાળવી શકતા નથી. આને કારણે દરિયાઈ કાચબાની ચામડી, આંખો અને શ્વસનતંત્રને પણ નુકસાન થઈ શકે છે. માછલીઓનાં ઈંડા અને લાર્વા પર પણ ઝેરી અસર થાય છે. પરવાળાનાં ખડકો અને દરિયાઈ ઘાસનાં વિકાસ પર પણ પ્રતિકૂળ અસર થાય છે. એથીયે વિશેષ સપાટી પર રહેલા તેલનો કેટલોક ભાગ કિનારાનાં કાદવમાં અથવા તો દરિયાનાં તળિયે જમા થઈ જાય છે, જે લાંબા સમય સુધી રહેતો હોવાથી ઘણું મોટું નુકસાન કરે છે.
આ વિસ્તારમાં હોક્સબિલ કાચબાના માળા બાંધવાના વિસ્તારો પણ આવેલા છે. અહીં તેલ પ્રદૂષણ થાય, ત્યારે કાચબાનાં ઈંડા, એમના બચ્ચાં અને એમના નિવાસસ્થાન પર જોખમ ઊભું થાય છે. વળી આ તેલ જ્યારે દરિયાઈ જંગલનાં મૂળિયાંમાં અથવા તો કાદવમાં ચોંટી જાય છે, ત્યારે તો ઘણી મોટી હાનિ થતી હોય છે. પક્ષીઓ અને અન્ય જીવોનાં ખોરાકની ઉપલબ્ધતા ઘટી જાય છે. નાની માછલીઓ અને કરચલાંનાં પ્રજનન ક્ષેત્રો દૂષિત થાય છે અને વૃક્ષોનાં મૂળિયા દ્વારા ઓક્સિજનનું શોષણ ખોરવાઈ જાય છે. આ રીતે કાદવમાં તેલ લાંબા સમય સુધી રહેવાથી પણ ઘણું નુકસાન થાય છે.
આને માટે દરિયાકિનારા પર સફાઈ કામગીરી કરવી પડે છે અને કેશ્મના દરિયાકનારે થયેલી કામગીરીમાં તો ઘણી સંસ્થાઓએ સાથે મળીને ઠેર ઠેર પ્રસરેલું તેલ એકત્ર કરવાનું કામ કર્યું હતું. એમાં પણ પરવાળાનાં ખડકોને જે નુકસાન થાય છે તે ઘણું મોટું ગણાય, કારણ અસંખ્ય દરિયાઈ જીવોને પરવાળાનાં ખડકો આશ્રય આપતા હોય છે. ખુદ હોર્મુઝની આસપાસ પણ સેંગમ અને કેશ ટાપુઓ પાસે આવા પરવાળાનાં ખડકો આવેલાં છે. એના પર તેલ કે રસાયણ આવતા એની સૂક્ષ્મ શેવાળને નુકસાન પહોંચે છે અને એમાં વિસ્ફોટ થતા એ ખડકોને ભૌતિક રીતે નુકસાન થાય છે અને પરવાળાંની સ્થિતિ બગડે તો માછલીઓ અને અન્ય જીવોનાં નિવાસસ્થાન પર પણ અસર થાય છે. હોર્મુઝ ખાડીમાં ડયુગોંગ અને દરિયાઈ કાચબા જેવી મહત્ત્વની પ્રજાતિઓ વસે છે. આમાં ડયુગોંગની પ્રજનન પ્રક્રિયા ધીમી થઈ જાય છે અને સામાન્ય રીતે એક સમયે એક બચ્ચાંને જ ડયુગોંગ જન્મ આપે છે, તેથી એની વસ્તીમાં પણ ઘટાડો થતો રહે છે.
દરિયાઈ જહાજોની અવરજવરથી આ જીવોનાં વર્તનમાં ફેરફાર થાય છે અને ખોરાકની ભારે અછત ઊભી થઈ છે. દરિયાઈ ઘાંસનાં મેદાનોને નુકસાન થાય છે, તો વળી લીલા દરિયાઈ કાચબાને તેલને કારણે એમની ત્વચા અને આંખને નુકસાન થાય છે, એમનો ખોરાક પ્રદૂષિત બને છે અને એમની ઈંડા મુકવાની જગાઓ પણ તેલ અને અન્ય કચરાને કારણે જોખમમાં
આવે છે.
યુદ્ધમાં સતત વિસ્ફોટ થતા રહે છે અને આવો વિસ્ફોટ એ ખાસ કરીને ડોલ્ફિન અને વ્હેલ જેવા પ્રાણીઓને વિશેષ પરેશાન કરે છે, કારણ કે તેઓ અવાજના માધ્યમથી એકબીજા સાથે સંવાદ કરે છે, ખોરાક શોધે છે અને દિશાઓ નક્કી કરે છે. વિસ્ફોટોને કારણે અવાજ સંભળાતો નથી. આ ઉપરાંત ઉચ્ચ તીવ્રતા ધરાવતો અવાજ કેટલીક પ્રજાતિઓને સાંભળવામાં તકલીફ અને શારીરિક રીતે નુકસાનકારક પણ બને છે.
આપણે સમાચાર વાંચીએ કે હોર્મુઝમાં એક જહાજ ડુબાડી દેવામાં આવ્યું કે બોમ્બવિસ્ફોટથી જહાજ જળશરણ થઈ ગયું, પરંતુ એક જહાજ ડૂબે છે એની સાથે કેટલું બધું નુકસાન થાય છે, એનો અંદાજ મેળવવો મુશ્કેલ છે. સૌપ્રથમ તો જહાજનો માલસામાન, પ્લાસ્ટિક, ડિઝલ, લુબ્રિકેટિંગ ઓઇલ, બેટરી, અન્ય રસાયણો એ દરિયામાં વહેતા થઈ જાય છે.
વળી પર્શેયિન ગલ્ફના દેશોમાં પીવાના પાણીને શુદ્ધ કરવાની જે પ્રક્રિયા ચાલે છે, તેમાં આવી પરિસ્થિતિ વધુ જોખમી બને છે. દરિયામાં તેલ અને રસાયણો ફેલાય તો આવા પ્લાન્ટમાં પાણી લેવાની પ્રક્રિયા ખોરવાઈ જાય છે અને તેની બેવડી અસર થાય છે. એક તો લોકોને પીવાના પાણીની અછતનો સામનો કરવો પડે છે અને બીજું દરિયાઈ પાણીની ગુણવત્તા બગડે તો એને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં વધુ રસાયણો અને ઉર્જાની જરૂર પડે છે.
આજની આ પરિસ્થિતિ અંગે ભૂતકાળમાં નજ૨ કરીએ તો ૧૯૯૧માં ઈરાક અને કુવૈત વચ્ચે યુદ્ધ થયું હતું. આ યુદ્ધ સમયે મોટા પ્રમાણમાં તેલનું પ્રદૂષણ થયું હતું. લગભગ સિત્તેર લાખ બે૨લ જેટલું ક્રૂડ ઓઇલ દરિયામાં છોડવામાં આવ્યું હતું અને એનો મોટો જથ્થો કુવૈત અને સાઉદી અરેબિયાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ફેલાયેલો હતો. આને કારણે દરિયાઈ પક્ષી અને જીવોને નુકસાન થયું. દરિયાના કિનારાના વિસ્તારો તેલથી દૂષિત થયા અને એવી સઘળી મુશ્કેલીઓ જોવા મળી.
આમ યુદ્ધ દરમિયાન માત્ર તેલનાં લીકેજની જ નહીં, બલ્કે બીજી ઘણી બાબતમાં પર્યાવરણીય અસર થતી હોય છે. ધ્વનિ પરિવર્તન થાય છે, દરિયાઈ જીવોને ઈજા થાય છે, એમની જીવનપદ્ધતિ પર આઘાત થાય છે, ડૂબેલાં જહાજો, ધાતુનાં ટુકડા, દારૂગોળો અને અન્ય કાટમાળ દરિયાનાં તળિયે જમા થતા ઘણાં દરિયાઈ જીવોનાં કુદરતી આવાસને નુકસાન થાય છે.
જેમ યુદ્ધને કોઈ સરહદ હોતી નથી એ જ રીતે આ પ્રકારના પ્રદૂષણને કોઈ સીમા હોતી નથી. માત્ર યુદ્ધ માનવજાત વચ્ચેનું છે અને ભોગ સમગ્ર જીવસૃષ્ટિ બને છે !

ક્ષણનો સાક્ષાત્કાર
નેગેટિવ વિચાર કરનારા લોકોએ મનને લાગેલી ઉધઈ સાથે જીવતા હોય છે. નકારાત્મક વિચારોથી એ વ્યક્તિ પોતાના મનને દૂષિત કરતા રહે છે. વળી જેમ જેમ વધુને વધુ નેગેટિવિટી એટલે કે નકારાત્મકતાથી વિચા૨ ક૨શે, તેમ તેમ એની વિચારસૃષ્ટિ સાવ બોદી બની જશે. વળી આપણી સામાજિક વ્યવસ્થા અને દોષદેખા લોકોનું વલણ પણ એવું હોય છે કે એ મનમાં લાગેલી ઉધઈને સતત આગળ વધવાનો રસ્તો આપશે. કોઈની પ્રશંસા કરવી એ ઘણી વ્યક્તિઓનાં લોહીમાં જ હોતું નથી. સજ્જન વ્યક્તિની દુર્જનતા શોધવાની એમની પાસે આગવી ઇન્ટેલિજન્સ(AI) હોય છે. એ પછી એની દુર્જનતાની સતત ટીકા કરશે. વળી કોઈનીય નિંદા કરતી વખતે એ વ્યક્તિનું મન ઉછાળા માનીને નવું જોમ અનુભવતું હોય છે. ગુડઝટ્રેન અને મેલટ્રેનનો ભેદ તમે જાણો છો. ગુડ્ઝટ્રેન ધીમે ધીમે ચાલે, ચોપાસ ખડખડાટ કરતી જાય અને એમાં ડબ્બા પણ ઘણા વધુ લગાડેલાં હોય. જ્યારે મેલ ટ્રેનમાં ઓછા ડબ્બાં અને વધુ ઝડપ હોય છે. નિંદા એ ગુડ્ઝ ટ્રેન જેવી છે. એ ધીમે ધીમે લાંબા સમય સુધી ચાલે છે. જ્યારે પ્રશંસા સમયની સીમામાં બંધાયેલી હોય છે.
નિંદાનો છેડો જડવો મુશ્કેલ હોય છે. આથી ઋષિ વાલ્મિકીના રામાયણમાં સઘળાં પાત્રો મૃત્યુ પામે છે, પણ મંથરા ક્યાંય મૃત્યુ પામતી નથી. એ વિચારીએ કે આપણા સમાજમાં રહેલી મંથરાની મતિ ક્યારે સુધરશે ? આ મંથરા સાથે મહત્ત્વાકાંક્ષા જોડાયેલી હોય છે અને એ પણ કેવી મહત્ત્વાકાંક્ષા ? રામનો રાજ્યાભિષેક થવાનો હોવાથી અયોધ્યાનગરીના મહેલ પર દીવાઓ સળગતા હતા એ દીવાઓ મંથરાના હૃદયને સળગાવે છે. આમ જે નકારાત્મકતાને જુએ છે, એ હંમેશા બીજાની નિંદા કરે છે, પણ એ એમ વિચારતા નથી કે આમ કરવા જતા એ પોતાના ચિત્તને દૂષિત કરી નાખે છે.