પંચમહાલ: શહેરામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી, બોગસ સર્ટિફિકેટધારકો સામે લડતનો સંકલ્પ અને વિશાળ રેલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

World Tribal Day In Panchmahal: વિશ્વ આદિવાસી દિવસ (નવમી ઓગસ્ટ) નિમિત્તે પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય અને ઉત્સાહસભર ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિનું જતન કરવાની સાથે ખોટા બોગસ સર્ટિફિકેટના આધારે નોકરી મેળવનારાઓ સામે કાયદાકીય લડત આપવાનો મક્કમ સંકલ્પ લેવાયો હતો.
કેશવ ગ્રાઉન્ડ ખાતે વિશેષ કાર્યક્રમ અને સંકલ્પ
ઉજવણીના ભાગરૂપે સૌપ્રથમ શહેરાના અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલ કેશવ ગ્રાઉન્ડ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત તમામ આગેવાનો અને સમાજના લોકોએ આદિવાસી સંસ્કૃતિ અને વિરાસતને જાળવી રાખવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી. આ સાથે જ, ખોટા (બોગસ) સર્ટિફિકેટના આધારે સરકારી નોકરીઓ મેળવી ચૂકેલા લોકોને પદભ્રષ્ટ કરવા અને યોગ્ય હકદારોને ન્યાય અપાવવા માટે એકસૂર થઈને સંકલ્પ લીધો હતો.
ડીજે અને પરંપરાગત નૃત્ય સાથે નીકળી ભવ્ય રેલી
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કેશવ ગ્રાઉન્ડ ખાતેથી ડીજેના તાલે એક ભવ્ય રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રેલી અણીયાદ ચોકડીથી નીકળી સિંધી ચોકડી, શહેરાના મુખ્ય બજારો તેમજ હાઇવે માર્ગ પર ફરી હતી. રેલી દરમિયાન આદિવાસી સમાજના યુવાનો અને યુવતીઓ પરંપરાગત આદિવાસી ગીતો અને લોકનૃત્યોના તાલે ઝૂમી ઊઠ્યા હતા.
મોટી સંખ્યામાં માનવમેહરામણ ઉમટ્યો
શહેરા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી આદિવાસી સમાજના વડીલો, યુવાનો, મહિલાઓ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં આ ઉજવણીમાં જોડાયા હતા. પરંપરાગત વેશભૂષા અને ઉત્સાહપૂર્ણ માહોલને કારણે સમગ્ર શહેરા પંથક આદિવાસી સંસ્કૃતિના રંગોથી રંગાઈ ગયો હતો.









