Panchmahal

પંચમહાલ: વરસાદ ખેંચાતાં 1.5 લાખ હેક્ટરનો પાક સુકાવાના આરે, ખેડૂતોએ વળતરની માગ કરી

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
પંચમહાલ જિલ્લામાં 1.5 લાખ હેક્ટરમાં વાવેતર કરાયેલ મકાઈ, ડાંગર સહિતના પાકને વરસાદ ખેંચાતા નુકસાન થયું છે. ખેડૂતો ઈયળનો ઉપદ્રવ અને પાણીની અછતથી ચિંતિત છે. આગામી 2-4 દિવસમાં વરસાદ નહીં આવે તો પાક નિષ્ફળ જશે. ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવી વળતર ચૂકવવા અને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પંચમહાલ: વરસાદ ખેંચાતાં 1.5 લાખ હેક્ટરનો પાક સુકાવાના આરે, ખેડૂતોએ વળતરની માગ કરી

Panchmahal Farmers Seek Compensation: પંચમહાલ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વરસાદે ખેંચાણ કરતાં ધરતીપુત્રો ભારે ચિંતામાં મુકાયા છે. ખેડૂતો વરસાદ માટે ઇન્દ્રદેવને આજીજી કરી રહ્યા છે. જિલ્લામાં મકાઈ, ડાંગર અને તુવેર સહિતના વિવિધ પાકોનું આશરે 1.5 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે. હાલ મકાઈનો પાક તૈયાર થવાના આરે છે, ત્યારે જ મેઘરાજાએ લાંબો વિરામ લેતાં ઊભા પાકમાં ઈયળનો ઉપદ્રવ શરૂ થયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

એ જ રીતે ડાંગરના પાકમાં પણ હાલ પાણીની ભારે જરૂરિયાત છે. જમીનમાં ભેજનું પ્રમાણ સતત ઘટી રહ્યું હોવાથી જો આગામી બેથી ચાર દિવસમાં વરસાદ ન વરસે, તો મકાઈ અને ડાંગરના પાકને મોટું નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. જો પાક નિષ્ફળ જશે તો પરિવારનું ગુજરાન ચલાવવા માટે અન્ય જિલ્લાઓમાં મજૂરીકામ અર્થે સ્થળાંતર કરવું પડશે, તેમ ખેડૂતો કહી રહ્યા છે.

પંચમહાલ જિલ્લાના મોટા ભાગના ખેડૂતો મુખ્યત્વે ચોમાસું ખેતી પર જ નભે છે. આ વર્ષે પૂરતો વરસાદ ન થયો હોવાથી ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવ્યા નથી. જ્યાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ છે, ત્યાં ડેમમાંથી પાણી આપી પાકને જીવતદાન આપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જોકે, કેટલીક કેનાલોમાં સમારકામની જરૂરિયાત હોવાને કારણે છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચી શકતું ન હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતો માગણી કરી રહ્યા છે કે જો આગામી દિવસોમાં વરસાદ ન વરસે તો સરકાર તાત્કાલિક સર્વે કરાવી પાક નુકસાનીનું વળતર ચૂકવે અને અસરગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે.