Panchmahal

પંચમહાલ: જાંબુઘોડા-હાલોલ હાઈવે પર બેફામ ટેન્કરે સર્જ્યો અકસ્માત, પિતા-પુત્રીનું મોત, 9 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
પંચમહાલના જાંબુઘોડા-હાલોલ હાઈવે પર ઝબાન ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે આવતા ટેન્કરચાલકે કાબૂ ગુમાવતા ટ્રક, પદયાત્રીઓ અને દુકાનને અડફેટે લીધી. આ દુર્ઘટનામાં દુકાનદાર પિતા-પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે 9 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પંચમહાલ: જાંબુઘોડા-હાલોલ હાઈવે પર બેફામ ટેન્કરે સર્જ્યો અકસ્માત, પિતા-પુત્રીનું મોત, 9 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત

Panchmahal Road Accident News: પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા-હાલોલ નેશનલ હાઈવે પર આવેલા ઝબાન ગામના મલબાર પાટિયા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલા એક ટેન્કરના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં, રસ્તા પરના વાહનો તથા પદયાત્રીઓને અડફેટે લઈ ટેન્કર રોડ કિનારે આવેલી દુકાનમાં ઘૂસી ગયું હતું. આ ગંભીર દુર્ઘટનામાં દુકાન ચલાવતા પિતા અને તેની પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ટેન્કરચાલકે ટ્રક, પદયાત્રીઓ અને દુકાનને અડફેટે લીધી

મળતી માહિતી અનુસાર, ઘટના સમયે જાંબુઘોડા તરફથી પુરપાટ ઝડપે આવી રહેલા ટેન્કરે સામેથી આવતી ટ્રક સાથે જોરદાર ટક્કર મારી હતી. ત્યારબાદ પાવાગઢથી દર્શન કરીને મધ્ય પ્રદેશ પરત ફરી રહેલા શ્રદ્ધાળુ પદયાત્રીઓની કાર તથા રસ્તા પર ચાલી રહેલા લોકોને અડફેટે લીધા હતા. આટલેથી ન અટકતાં અનિયંત્રિત ટેન્કર માર્ગ કિનારે આવેલી દુકાનમાં ધડાકાભેર ઘૂસી ગયું હતું. આ અકસ્માતમાં દુકાનમાં હાજર દીપસંગ રાઠવા અને તેની માસૂમ પુત્રી દેવાંશીનું કચડાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે મૃતકના પત્નીનો આબાદ બચાવ થયો હતો.

9 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા

આ અકસ્માતમાં મધ્ય પ્રદેશના 9 જેટલા પદયાત્રીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક જાંબુઘોડા સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ડૉક્ટરોની ટીમે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ ગંભીર હાલત ધરાવતા 6 ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે બોડેલી ખાતે રિફર કરવામાં આવ્યા છે.

અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ જાંબુઘોડા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને રોડ પરનો ટ્રાફિક હળવો કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે ટેન્કરચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.