Panchmahal

પંચમહાલ: ગોધરા રેલવે સ્ટેશનની નવી જ લિફ્ટમાં 6 મુસાફરો ફસાયા, પતરા કાપીને લોકોને બહાર કાઢ્યા

By GS Team
18 Jul 20262 mins read
TukuTouch Logo
ગોધરા રેલવે સ્ટેશન પર ગંભીર બેદરકારી સામે આવી છે. પ્લેટફોર્મ નંબર 5 પર નવી બનાવેલી લિફ્ટમાં 6 મુસાફરો ફસાયા હતા. ગોધરા-વડોદરા મેમુ ટ્રેનમાંથી ઉતરેલા મુસાફરો લિફ્ટમાં સવાર થતાં જ તે અધવચ્ચે અટકી ગઈ હતી. ફાયર વિભાગે કટર મશીન વડે પતરા કાપી 1 કલાકની જહેમત બાદ 6 લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. રેલવે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પંચમહાલ: ગોધરા રેલવે સ્ટેશનની નવી જ લિફ્ટમાં 6 મુસાફરો ફસાયા, પતરા કાપીને લોકોને બહાર કાઢ્યા

Godhra Railway Station Lift Malfunction: ગોધરા રેલવે સ્ટેશન પર ગંભીર વહીવટી લાપરવાહી અને ટેકનિકલ ખામીના કારણે એક મોટી દુર્ઘટના સર્જાતા અટકી છે. રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે તાજેતરમાં જ શરૂ કરાયેલી લિફ્ટ અચાનક ખોટકાઈ જતાં 6 મુસાફરો તેમાં ફસાઈ ગયા હતા. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે અફડાતફડી મચી ગઈ હતી.

લોકાર્પણના ફૂલ કરમાયા નથી ત્યાં જ આધુનિક સુવિધા બની જાળ!

મળતી માહિતી અનુસાર, ગોધરા-વડોદરા મેમુ ટ્રેનમાંથી ઉતરેલા 6 મુસાફરો પ્લેટફોર્મ નંબર 5 પર આવેલી નવી જ લિફ્ટમાં સવાર થયા હતા. મુસાફરો અંદર બેઠા કે તરત જ લિફ્ટ અધવચ્ચે જ ખોટકાઈ ગઈ હતી. હજુ તો આ લિફ્ટના લોકાર્પણના ફૂલ પણ કરમાયા નથી, ત્યાં જ કરોડોના ખર્ચે બનેલી આ સુવિધા મુસાફરો માટે મોતની જાળ સાબિત થઈ હતી.

લિફ્ટ બંધ થઈ જતાં બંધિયાર જગ્યામાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. અંદર ફસાયેલા લોકોએ તાત્કાલિક 112 પર કોલ કરીને મદદ માંગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ કટર મશીન વડે લિફ્ટના પતરા કાપ્યા હતા અને ભારે જહેમત બાદ તમામ 6 મુસાફરોને હેમખેમ બહાર કાઢ્યા હતા. લિફ્ટની અંદર મુસાફરોએ એક કલાક સુધી મોતનો તાંડવ સહન કરવો પડ્યો હતો.

રેલવે તંત્રના વહીવટ સામે ઉઠ્યા ગંભીર સવાલો

આ ઘટનાને પગલે રેલવે તંત્રની ઘોર બેદરકારી અને વહીવટ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જે લિફ્ટનું લોકાર્પણ હજુ થયું છે, તેમાં પહેલા જ દિવસે આવી મોટી ટેકનિકલ ખામી કેમ સર્જાઈ? શું વિકાસના નામે માત્ર કરોડો રૂપિયાનો દેખાડો જ કરવામાં આવી રહ્યો છે? મુસાફરોના જીવ જોખમમાં મૂકનારી આ ગંભીર બેદરકારી પાછળ જવાબદાર કોણ? ગોધરા રેલવે સ્ટેશનના આધુનિકીકરણના દાવાઓ વચ્ચે 'પ્રથમ ગ્રાસે મક્ષિકા' જેવો ઘાટ સર્જાતા સ્થાનિક મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.