પંચમહાલ: બાવળના લાકડાની તકરારમાં આધેડની હત્યા, એક જ પરિવારના 6 સામે ફરિયાદ, 3 જેલ હવાલે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Panchmahal Morva Hadaf News: પંચમહાલના મોરવાહડફ તાલુકાના આલુ ગામમાં બાવળના લાકડા માટે થયેલી તકરારમાં આધેડની હત્યા કરવામાં આવી હતી. હત્યાના બનાવમાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. જ્યારે હવે આરોપીના રિમાન્ડ પૂરા થતાં ત્રણેયને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
બાવળના લાકડાની તકરારમાં આધેડની હત્યાના ગુનામાં એક જ પરિવારના 6 સામે ફરિયાદ
પોલીસ ફરિયાદ અનુસાર, મોરવાહડફના આલુ ગામના નિશાળ ફળિયામાં ખેતરમાં આવેલા બાવળના થડને કાપી ઘરે લઈ જવા માટે અણદાભાઈ ખાંટના પરિવારજનો ગયા હતા. આ દરમિયાન તેઓના જ કૌટુંબિક ભાઈઓએ વચ્ચે લાકડું ન લઈ જવા તકરાર અને આંતરિક શાબ્દિક ઘર્ષણ થયુ હતુ. ત્યારબાદ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો. મામલો વધુ ઉગ્ર બનતા ઘટનાસ્થળે હાજર સુરેશભાઈ ઝવરાભાઈ ખાંટે પોતાના હાથમાં રહેલા ધારીયાનો એક ફટકો અણદાભાઈના માથાના પાછળના ભાગે મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. જ્યારે અન્ય આરોપીઓએ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
રિમાન્ડ પૂરા થતાં 3 આરોપી જેલ હવાલે
આ બનાવમાં ગંભીર ઈજાઓ થવાના કારણે અણદાભાઈ ખાંટનું મોત નિપજ્યુ હતુ. જેને લઈને મૃતકના બહેન કોકિલાએ મોરવાહડફ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા એક જ ફળિયામાં રહેતા કૌટુંબિક ભાઈઓ વચ્ચે બનેલી ઘટનાને પગલે નિશાળ ફળિયામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ પોલીસે ફરિયાદ આધારે આરોપીમાં પરિવારના મોભી પિતા, ત્રણ પુત્રો અને બે પુત્રવધૂઓ એમ એક જ પરિવારના 6 સભ્યો સામે ગુનો નોંધાયો હતો. જેમાં પુત્ર સુરેશ ઝવરાભાઈ ખાંટ, જયદીપ ઝવરાભાઈ ખાંટ, હસમુખ ઝવરાભાઈ ખાંટ અને પિતા ઝવરાભાઈ દલાભાઈ ખાંટ તેમજ પુત્રવધૂ કૈલાશ સુરેશભાઈ ખાંટ અને આશા હસમુખભાઈ ખાંટનો સમાવેશ થાય છે.
3 ફરાર
જ્યારે મુખ્ય આરોપી સુરેશ ઝવરાભાઈ ખાંટ, જયદીપ ઝવરાભાઈ ખાંટ અને હસમુખ ઝવરાભાઈ ખાંટની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આમ, રિમાન્ડ પૂરા થતાં ત્રણેય આરોપીઓને ફરી કોર્ટમાં રજૂ કરીને જેલમાં મોકલવામાં આવ્યા છે. આ ગુનામાં અન્ય ત્રણ ફરાર આરોપીઓને પકડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




