ઓસ્ટ્રેલિયા ફરવા જતાં યુવા ભારતીયો પણ કરી શકશે ડૉલરમાં કમાણી, આ શરતો માનવી પડશે

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
work and Holiday Visa


Australia Work And Holiday Visa: ઓસ્ટ્રેલિયામાં રજાઓ માણવાનું વિચારતા લોકો ખાસ કરીને યુવાનો માટે અત્યંત મહત્ત્વની જાહેરાત ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા કરવામાં આવી છે. ભારતથી આવતાં મુલાકાતીઓ ઓસ્ટ્રેલિયામાં હરવા-ફરવાની સાથે હવે કામ પણ કરી શકશે. ઓસ્ટ્રેલિયન સરકારે માઇગ્રેશન અમેન્ડમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ અંતર્ગત ફેરફાર કરતાં હવે વિઝિટર વીઝા ધારકો ઓસ્ટ્રેલિયામાં કામ પણ કરી શકશે. જેથી ઓસ્ટ્રેલિયાની મુલાકાતનો ખર્ચ ઘટશે.

સોમવારથી લાગુ નવા નિયમો મુજબ, દર વર્ષે 1000 ભારતીય યુવાનોને વર્ક એન્ડ હોલીડે વીઝા મળશે, જેને બેકપેકર વીઝા તરીકે પણ ઓળખવામાં આવે છે. જેની મદદથી યુવાનો ઓસ્ટ્રેલિયામાં રજા માણવાની સાથે કામ પણ કરી શકશે. 

સંસ્કૃતિનું આદાન-પ્રદાન વધારવાનો ઉદ્દેશ

આ વીઝા પ્રોગ્રામ એક કરારનો ભાગ છે. જેનો ઉદ્દેશ બંને દેશોના સંબંધને વધુ ગાઢ બનાવવા અને સંસ્કૃતિનું આદાન-પ્રદાન કરવાનો છે. જેમાં ભારતીય યુવાનો ઓસ્ટ્રેલિયાની સ્થાનિક પરંપરાઓ-સંસ્કૃતિને નિહાળી શકશે, સાથે આંતરરાષ્ટ્રીય બજારને સમજી મુસાફરી કરતાં કરતાં અસ્થાયી ધોરણે કામ કરી શકશે, પરિણામે તેમનો રોજિંદા ખર્ચ ડૉલરમાં સરળતાથી કાઢી શકશે.

આ શરતો હેઠળ મળશે વર્ક ઍન્ડ હોલીડે વીઝા

ઓસ્ટ્રેલિયાના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર નોટિફિકેશન અનુસાર, ભારતને સબ ક્લાસ 462 (વર્ક ઍન્ડ હોલીડે) વીઝા પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચીન, વિયેતનામ, ફિલિપિન્સ, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને મલેશિયા પણ આ યાદીમાં સામેલ છે. માઇગ્રેશન ઍક્ટમાં આ ફેરફાર સાથે 18થી 30 વર્ષના ભારતીય પાસપોર્ટ ધારક ઓસ્ટ્રેલિયા જઈ હરવા-ફરવા ઉપરાંત કામ કરી શકશે. પરંતુ તેના માટે અમુક શરતોનું પાલન કરવું પડશે.

આ પણ વાંચોઃ ભારતીયો દેશની નાગરિકતા ગુમાવ્યા બાદ આ વિકલ્પ અપનાવી સિટીઝનશીપના લાભ લઈ શકે છે

આ રીતે મળશે વીઝા

ભારતીય નાગરિકો માટે એક લોટરી સિસ્ટમ રાખવામાં આવશે. જેમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ લોટરીમાંથી પસંદગી પામેલ 1000 લોકોને વર્ક ઍન્ડ હોલીડે વીઝા મળશે. જેની વયમર્યાદા 18થી 30 વર્ષ છે. ફ્રાન્સ, કેનેડા અને આયર્લેન્ડના લોકો માટે વયમર્યાદા વધારી 35 વર્ષ કરવામાં આવી છે. જો ભારતીય ઉમેદવારની પસંદગી 31 વર્ષ સુધી ન કરવામાં આવે તો તેમનું નામ યાદીમાંથી આપોઆપ દૂર થઈ જશે.

ઓસ્ટ્રેલિયા ઉપરાંત, અન્ય ઘણા દેશો ન્યુઝીલેન્ડ, કેનેડા, જાપાન, યુનાઇટેડ કિંગડમ, જર્મની, આયર્લેન્ડ, સિંગાપોર, ફ્રાન્સ અને દક્ષિણ કોરિયા પણ વર્ક-હોલીડે વીઝા ઓફર કરે છે. દરેક દેશની અલગ-અલગ વર્ક-હોલીડે વીઝા પોલિસી હોય છે, જે બે દેશો વચ્ચેના દ્વિપક્ષીય કરારો પર કામ કરે છે. પરંતુ હાલમાં આવા સ્પેશિયલ વીઝા આપતાં લગભગ તમામ દેશો માત્ર પડોશી કે પશ્ચિમી દેશોને જ આ તક આપી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયા ફરવા જતાં યુવા ભારતીયો પણ કરી શકશે ડૉલરમાં કમાણી, આ શરતો માનવી પડશે 2 - image


Google NewsGoogle News