ભારતીયો દેશની નાગરિકતા ગુમાવ્યા બાદ આ વિકલ્પ અપનાવી સિટીઝનશીપના લાભ લઈ શકે છે

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
citizenship


Duel Citizenship: વિદેશ જવાની ઘેલછા અને સારા જીવનશૈલીની શોધમાં ઘણા લોકો પોતાના દેશની નાગરિકતા છોડી અન્ય દેશમાં સ્થાયી થઈ રહ્યા છે. તાજેતરમાં જ જાહેર થયેલા આંકડાઓ મુજબ, ભારતનું નાગરિકત્વ છોડી રહેલા લોકોની સંખ્યા સતત વધી રહી છે. જો કે, ઘણા એવા દેશો પણ છે, જ્યાં નાગરિકને એક કરતાં વધુ દેશની નાગરિકતા લેવાની છૂટ છે. જે પોતાના નાગરિકોને એક કરતાં વધુ દેશનુ નાગરિકત્વ જાળવી રાખવાની મંજૂરી આપે છે. જો કે, તેના નિયમો અને શરતો અલગ અલગ છે. અહીં તમને એવા કેટલાક દેશોની યાદી આપવા જઈ રહ્યા છીએ, જ્યાં ડ્યુઅલ સિટીઝનશીપને માન્યતા છે.

ભારત

ભારત એક કરતાં વધુ સિટીઝનશીપને મંજૂરી આપતો નથી, પરંતુ તે ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) સ્ટેટસ ઓફર કરે છે. જેમાં તેમને ભારતીય નાગરિકોની જેમ જ ઘણા હક-અધિકારો મળે છે, જો કે, તેઓ મતદાન કરી શકતા નથી, જાહેર ઓફિસ કે, માલિકીની કૃષિલાયક જમીન ખરીદી શકતા નથી. OCI સ્ટેટ્સ ભારતમાં જીવનભર રહેવા અને કામ કરવાનો હક આપે છે. જો ભારતીય  અન્ય દેશની સિટીઝનશીપ અપનાવતી વખતે OCI સ્ટેટસનો વિકલ્પ અપનાવ્યો ન હોય તો તે પોતાનું ભારતનું નાગરિકત્વ આપમેળે જ ગુમાવી દે છે.

અમેરિકા

નિયમોઃ અમેરિકાના નાગરિક બન્યા બાદ સિટીઝનશીપ છોડવી જરૂરી નથી. જો કે, અમેરિકી કાયદામાં ક્યાંય ડ્યુઅલ સિટીઝનશીપનો ઉલ્લેખ નથી, પણ તે વ્યવહારૂ રીતે શક્ય છે. અમેરિકામાં ડ્યુઅલ સિટીઝનશીપમાં અન્ય દેશનું નાગિકત્વ જાળવી રાખવા મંજૂરી છે. 

શરતોઃ ડ્યુઅલ સિટીઝનશીપ ધરાવતા નાગરિકોએ અમેરિકામાં પ્રવેશ કરતી કે છોડતી વખતે અમેરિકાના પાસપોર્ટનો જ ઉપયોગ કરવો પડશે, તેમજ વિશ્વભરની આવક પર અમેરિકી ટેક્સ નિયમો હેઠળ ટેક્સ ચૂકવવો પડશે.

આ પણ વાંચોઃ ભારતીય વિદ્યાર્થીઓને હવે કેનેડા નહીં પણ આ દેશ સૌથી વધુ પસંદ, 5 વર્ષમાં સંખ્યા બમણી થઈ

યુનાઈટેડ કિંગ્ડમ

નિયમોઃ યુનાઈટેડ કિંગ્ડમમાં નાગરિકો બ્રિટિશનું નાગરિકત્વ છોડ્યા વિના અન્ય દેશની સિટીઝનશીપ લઈ શકે છે. બે દેશોની સિટીઝનશીપ ધરાવતા લોકોને યુકેના સિટીઝનની જેમ જ રાખવામાં આવે છે, પરંતુ જ્યારે તેઓ અન્ય દેશમાં હોય ત્યારે યુકેની સરકાર પાસેથી કોઈ પણ પ્રકારની મદદની માગ કરી શકતા નથી.

શરતોઃ બે નાગરિકતા ધરાવતા લોકોને મુસાફરી કરતી વખતે ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે, કારણકે, ઘણા દેશો ડ્યુઅલ સિટીઝનશીપને મંજૂરી આપતી નથી.

કેનેડા

કેનેડા એક કરતાં વધુ દેશોનું નાગરિકત્વ મેળવવા મંજૂરી આપે છે. કેનેડિયન કેનેડાની સરકારને જણાવ્યા વિના જ પોતાના દેશની નાગરિકતા છોડ્યા વિના અન્ય દેશોના નાગરિક બની શકે છે. ડ્યુઅલ સિટીઝનશીપ ધરાવતા નાગરિકો ટેક્સેશન, સૈન્ય સુરક્ષા, અન્ય દેશના કાયદા પર નિર્ભરતા સહિત અનેક કાયદાકીય સમસ્યાઓનો સામનો કરી શકે છે.

ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયા ડ્યુઅલ સિટીઝનશીપને મંજૂરી આપે છે, જેમાં ઓસ્ટ્રેલિયાની નાગરિકતા છોડ્યા વિના જ અન્ય દેશની સિટીઝનશીપ અપનાવવા મંજૂરી છે. ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ કે છોડતી વખતે ઓસ્ટ્રેલિયન પાસપોર્ટનો જ ઉપયોગ કરવાની શરત છે.

જર્મની

જર્મનીમાં ડ્યુઅલ સિટીઝનશીપ પર પ્રતિબંધ છે, પરંતુ અમુક હદે તેઓ ડ્યુઅલ સિટીઝનશીપને મંજૂરી આપે છે, જેઓ અન્ય દેશમાં જન્મેલા હોય, સ્વિસ કે ઈયુના નાગરિક હોય તેઓ વિશેષ કરાર હેઠળ પોતાના દેશની સિટીઝનશીપ છોડ્યા વિના જ જર્મનીનુ નાગરિકત્વ મેળવી શકે છે. ડ્યુઅલ સિટીઝનશીપ ધરાવતા લોકોને જર્મન નાગરિક તરીકે જ અપનાવવામાં આવે છે. પરંતુ તેઓ સૈન્ય સેવાઓ જેવા કાનૂની પડકારોનો સામનો કરી શકે છે.

ફ્રાન્સ

ફ્રાન્સ કોઈ વિશેષ પરિસ્થિતિમાં ડ્યુઅલ સિટીઝનશીપને મંજૂરી આપે છે, ફ્રેન્ચ નાગરિકો તેમની ફ્રેન્ચ સિટીઝનશીપ ગુમાવ્યા વિના અન્ય દેશની સિટીઝનશીપ લઈ શકે છે. ફ્રાન્સ અને અન્ય દેશની સિટીઝનશીપ ધરાવતા નાગરિકોને ટેક્સ, સૈન્ય સેવાઓ જેવા પડકારોનો સામનો કરવો પડે છે.

સ્વિટ્ઝરલેન્ડ

સ્વિટ્ઝરલેન્ડ ડ્યુઅલ અને મલ્ટીપલ સિટીઝનશીપને મંજૂરી આપે છે. સ્વિસ નાગરિકો સ્વિસ સિટીઝનશીપ ગુમાવ્યા વિના અન્ય દેશની નાગરિકતા મેળવી શકે છે. જો કે, તેમને સૈન્ય સેવાઓ અને ટેક્સ સંબંધિત સમસ્યાઓ નડે છે.

આ પણ વાંચોઃ અમેરિકામાં ભણતા STEM વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, 3 વર્ષ સુધીની વર્ક પરમિટ મળશે

ઈટલી

ઈટલીના નાગરિકો પોતાની સિટીઝનશીપ છોડ્યા વિના અન્ય દેશની સિટીઝનશીપ લઈ શકે છે. જેમના પર એક કરતાં વધુ સિટીઝનશીપ મુદ્દે કોઈ પ્રતિબંધ હોતો નથી. જેમાં નાગરિક ઈટલીમાં હોય ત્યારે તેની સાથે ઈટાલિયન નાગરિક જેવા જ હકો અને વર્તન કરવામાં આવે છે, જો કે, બીજા દેશમાં ગયાં બાદ તેને અમુક પડકારોનો સામનો કરવો પડી શકે છે.

દક્ષિણ આફ્રિકા

દક્ષિણ આફ્રિકા ડ્યુઅલ સિટીઝનશીપને મંજૂરી આપે છે, જો કે, તેના માટે દક્ષિણ આફ્રિકાના નાગરિકોએ સરકારની મંજૂરી લેવી આવશ્યક છે. જો જાણ કરવામાં ન આવે તો દક્ષિણ આફ્રિકાની સિટીઝનશીપ પર જોખમ આવી શકે છે. આ સિવાય ટેક્સ સંબંધિત નીતિનિયમો દક્ષિણ આફ્રિકાના કાયદા પ્રમાણે જ અનુસરવા રહેશે.

ભારતીયો દેશની નાગરિકતા ગુમાવ્યા બાદ આ વિકલ્પ અપનાવી  સિટીઝનશીપના લાભ લઈ શકે છે 2 - image


Google NewsGoogle News