Explainer: ભારતના ધનવાનો વિદેશમાં સ્થાયી થવા આતુર, આ 4 કારણ જવાબદાર
Explainer: Indian Millionaires Are Moving Abroad | ભારતમાં ધનવાનોની સંખ્યા સતત વધી રહી છે, જે દેશની પ્રગતિનું સૂચક છે. આ સાથે એ પણ હકીકત છે કે દર વર્ષે હજારો ધનવાન ભારતીયો વિદેશોમાં સ્થળાંતર કરી રહ્યા છે. એની પાછળના કારણોમાં ઊંચો આવકવેરો તો છે જ, પણ એ ઉપરાંત વિદેશમાં રહેઠાણ માટેના સરળ વિકલ્પો અને ઉચ્ચ જીવનશૈલી પણ ભાગ ભજવે છે. અમેરિકા, UAE ઉપરાંત યુરોપના દેશો ભારતીયોને સ્થળાંતર માટે સૌથી વધુ આકર્ષે છે.
દર વર્ષે હજારો ભારતીયો દેશ છોડી રહ્યા છે
‘હેનલી વેલ્થ માઈગ્રેશન રિપોર્ટ 2025’ અનુસાર ભારતમાંથી દર વર્ષે 3,500 જેટલા HNWI (High Net-Worth Individuals) લોકો વિદેશ સ્થળાંતર કરે છે. 2023માં આ આંકડો 5,100 હતો અને 2024માં 4,300 હતો. સ્થળાંતર કરી રહેલા ભારતીયો કુલ મળીને અંદાજે 26 અબજ ડોલરથી વધુની સંપત્તિ વિદેશ લઈ જઈ રહ્યા છે.
વિશ્વભરના અબજોપતિનો મનપસંદ દેશ UAE
એક અંદાજ મુજબ વર્ષ 2025માં વિશ્વભરમાં અંદાજે 1,42,000 કરોડપતિ બિઝનેસમેન દેશ છોડીને બીજા દેશમાં સ્થળાંતર કરશે. આમાં સૌથી વધુ ધસારો UAE તરફ છે. ત્યાર પછી અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોર જેવા દેશોમાં સ્થાયી થવામાં લોકોને રસ છે. સ્થળાંતર કરનારા મોટા ભાગના લોકો ભારત, દક્ષિણ-પૂર્વ એશિયા અને રશિયા જેવા દેશોના નાગરિક છે.
UAEના ગોલ્ડન વિઝાની હકીકત શું છે?
તાજેતરમાં અફવા હતી કે UAE 100,000 દિરહામમાં (લગભગ 23 લાખ રૂપિયા) ભારત સહિત કેટલાક દેશોના નાગરિકોને આજીવન ગોલ્ડન વિઝા આપી રહ્યો છે. જો કે UAE સરકારએ આ સમાચાર સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા. આવી અફવા છતાં UAE ભારતીય ધનિકો માટે સૌથી મોટું આકર્ષણ છે, કારણ કે ત્યાં આવકવેરો શૂન્ય છે, ત્યાંનું વ્યવસાયિક માળખું સજ્જડ છે અને લાંબા ગાળાના રહેઠાણ માટે એ દેશ સૌથી અનુકૂળ યોજનાઓ ઓફર કરે છે.
ભારત છોડવાના મુખ્ય કારણો કયા કયા છે?
1. કરવિભાગની ચાંપતી નજર
તાજેતરના વર્ષોમાં ભારત સરકારે આવકવેરા પર વિશેષપણે ચાંપતી નજર રાખવા માંડી છે. 2024-25 ના પહેલા ક્વાર્ટરમાં CBDT (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ)એ 20,000 કરોડ રૂપિયાના બાકી લેણાં વસૂલ કર્યા છે, જે ગયા વર્ષના આ જ સમયગાળા કરતા લગભગ બમણી રકમ છે. આમાં કોર્પોરેટ ટેક્સમાં ₹17,244 કરોડ અને વ્યક્તિગત આવકવેરામાં ₹2,714 કરોડનો સમાવેશ થાય છે. CBDT એ ચાલુ નાણાકીય વર્ષ માટે 1.96 લાખ કરોડ રૂપિયાની વસૂલાતનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. હવે ભારતમાં આવક છુપાવવી મુશ્કેલ બની છે, કારણ કે UPI, GST, PAN, આધાર કાર્ડ વગેરેને જોડીને તમામ વ્યવહારોનું ટ્રેકિંગ થઈ શકે છે.
2. ભારતની ઔપચારિક અર્થવ્યવસ્થાની દિશામાં ગતિ
ભારતમાં આર્થિક પરિવર્તન ચાલી રહ્યું છે. ભારતની જૂની રોકડ વ્યવહાર આધારિત અનૌપચારિક અર્થવ્યવસ્થા હવે ઝડપથી ડિજિટલ અને ઔપચારિક બની રહી છે, જેની સીધી અસર કર પાલન અને વસૂલાત પર પડે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અનુસાર ‘યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ’ (UPI) થકી નાણાકીય વર્ષ 2024-25માં 261 લાખ કરોડ રૂપિયાના વ્યવહાર થયા હતા, જે પાછલા વર્ષ કરતા 41% વધુ છે. દરેક UPI વ્યવહાર PAN સાથે જોડાયેલો છે, જે કર અધિકારીઓ માટે ડિજિટલ ટ્રેલ્સ બનાવે છે. આના લીધે આવક છુપાવવી મુશ્કેલ બની છે. GST (ગુડ્સ અને સર્વિસીસ ટેક્સ), JAM (જનધન-આધાર-મોબાઈલ) અને MSME પોર્ટલ જેવી યોજનાઓથી છુપાવી શકાય એવી આવક ઘટી ગઈ છે.
3. ક્રિપ્ટોકરન્સી સામે કડક કાર્યવાહી
ભારત સરકારે ક્રિપ્ટોકરન્સી (VDA - વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ) માટે 30% સીધો કર અને ટ્રાન્ઝેક્શન પર 1% TDS લગાવ્યો છે, જેના કારણે ઘણાં ધનિક રોકાણકારોએ ભારત છોડીને તેમનાં ડિજિટલ એસેટ માટે વધુ અનુકૂળ દેશોની શોધ શરૂ કરી છે. ક્રિપ્ટોમાં ઓછા નફા પર પણ ટેક્સ લાગુ પડે છે અને નુકશાન પણ સરભર થતું નથી. તેથી ભારતીય રોકાણકારો હવે દુબઈ જેવા અન્ય દેશો તરફ નજર દોડાવી રહ્યા છે, જ્યાં આવા પ્રતિબંધો ઓછા છે.
4. ઉચ્ચ જીવનશૈલીની અપેક્ષામાં સ્થળાંતર
અનેક ધનિક ભારતીયો વધુ સારા જીવનધોરણ, આરોગ્ય સંભાળ, શિક્ષણ વ્યવસ્થા અને વ્યાવસાયિક સ્વતંત્રતા માટે વિદેશોમાં જઈને વસે છે. કોટક પ્રાઈવેટ દ્વારા કરાયેલા સર્વે અનુસાર 22% અતિ ધનવાન ભારતીયો ઉચ્ચ જીવનશૈલી માટે દેશ છોડવાની ઈચ્છા ધરાવે છે. વિઝા-મુક્ત મુસાફરી, ઓછા કરવેરા, વારસાગત સંપત્તિ બાબતે છૂટછાટ ધરાવતા નિયમો અને મજબૂત સ્થાયી સરકાર જેવા મુદ્દા પણ ભારતીય ધનિકોને વિદેશગમન માટે આકર્ષિત કરે છે.