શુભાંશુ શુક્લા બન્યા અંતરિક્ષમાં હેરકટ કરનારા પહેલા ભારતીય, જાણો ઝીરો ગ્રેવિટીમાં વાળ કેવી રીતે કપાય છે
Shubhanshu Shukla ISS: ભારતીય અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લા હાલમાં પૃથ્વીથી લગભગ 400 કિલોમીટર ઉપર આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર છે. ગ્રુપ કેપ્ટનની ભૂમિકા ભજવી રહેલા શુભાંશુના પૃથ્વી પર પરત ફરવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે તેમણે અંતરિક્ષમાં પોતાના વાળ કપાવીને ઈતિહાસ રચ્યો છે. અંતરિક્ષમાં માઈક્રો ગ્રેવિટી હોવાથી ત્યાં વાળ કપાવવાનો અનુભવ કેવો હોય છે એ શુભાંશુના સાથી નિકોલ આયર્સે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને જણાવ્યું છે.
અંતરિક્ષમાં વાળ કપાવવાની પ્રક્રિયા અલગ
પૃથ્વી પર કાતર વડે વાળ કપાય એટલે કપાયેલા વાળ સીધા ફર્શ પર પડે, એ રીતે અંતરિક્ષમાં વાળ કાપી શકાતા નથી. જો એમ કરવા ગયા તો ગુરુત્વાકર્ષણ બળના અભાવે કપાયેલા વાળ ફર્શ પર પડવાને બદલે હવામાં ચારે તરફ ઉડવા લાગે અને અવકાશ મથકની વિવિધ સિસ્ટમનું કામ ખોરવી નાંખે.
અંતરિક્ષમાં વેક્યુમ ક્લિપર્સ વડે વાળ કપાય છે
આ કારણસર અંતરિક્ષમાં વાળ કાપવા માટે ખાસ પ્રકારના વેક્યુમ ક્લિપર્સનો ઉપયોગ કરવામાં આવે છે, જે વાળ કપાય કે તરત એને ચૂસી લે છે, જેથી કપાયેલા વાળ આમતેમ ભટકી જવાની શક્યતા જ નથી રહેતી અને કોઈપણ પ્રકારનું જોખમ સર્જાતું નથી. ISSમાં તમામ સિસ્ટમ બરાબર ચાલતી રહે એ માટે સ્વચ્છતા રાખવું ખૂબ જરૂરી હોવાથી વેક્યુમ ક્લિપર્સનો ઉપયોગ ફરજિયાતપણે કરવો પડે છે.
શુભાંશુ શુક્લાનું મિશન યાદગાર છે
રાકેશ શર્મા પછી ભારત વતી અંતરિક્ષમાં જનારા બીજી જ વ્યક્તિ બનવાનું ગૌરવ શુભાંશુ શુક્લાએ મેળવ્યું છે. તેમનું અંતરિક્ષ મિશન અનેક સિદ્ધિઓથી ભરેલું રહ્યું છે. ISS પરના વસવાટ દરમિયાન તેઓ અનેક વૈજ્ઞાનિક પરીક્ષણોનો હિસ્સો બન્યા છે, તેમણે 250 થી વધુ વખત પૃથ્વીનું પરિભ્રમણ કર્યું છે, અને હવે પૃથ્વી પર પરત ફરતા પહેલાં અંતરિક્ષમાં વાળ કપાવવાની સિદ્ધિ પણ તેમના નામે લખાઈ ગઈ છે.