અમેરિકાના વિઝા મળી ગયા પછી પણ સ્ક્રીનિંગ ચાલુ જ રહેશે, નિયમોનો ભંગ કરનારાને દેશનિકાલની ચેતવણી
તસવીર : Envato
US Tightens Visa Screening: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના કડક ઈમિગ્રેશન નિયમોને કારણે હવે વિઝા પ્રક્રિયા પહેલાં કરતાં વધુ કડક બની છે. તાજેતરમાં અમેરિકન દૂતાવાસે અમેરિકાના વિઝા ધરાવતા ભારતીયોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, અમેરિકન ઈમિગ્રેશન કાયદાનું પાલન ન કરનારાના મંજૂર થયેલા વિઝા પણ રદ થઈ શકે છે અને તેમણે દેશનિકાલની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
મંજૂરી પછી પણ ચાલુ રહેશે ‘વિઝા સ્ક્રીનિંગ’
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મૂકેલી પોસ્ટમાં અમેરિકન દૂતાવાસે નવી માર્ગદર્શિકા વિશે જણાવ્યું છે કે, ઈમિગ્રેશન પ્રક્રિયા હવે માત્ર ફોર્માલિટી નથી, પરંતુ એક સતત ચાલતી તપાસની પ્રક્રિયા છે. વિઝા મળી ગયા હશે એવા ભારતીયોનું ‘વિઝા સ્ક્રીનિંગ’ સતત ચાલુ જ રહેશે. જો કોઈ વ્યક્તિ અમેરિકાના કાયદા અથવા ઈમિગ્રેશન નિયમોનું ઉલ્લંઘન કરતી જણાશે તો તેનો વિઝા રદ થઈ શકે છે અને તેને દેશનિકાલ કરાઈ શકે છે. વિઝા સ્ક્રીનિંગ એટલે વિઝાધારક વિઝા સંબંધિત નિયમો અને અમેરિકાના કાયદાનું કેવું પાલન કરે છે એની અમેરિકન સત્તાવાળાઓ દ્વારા થતી તપાસ.
સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જાહેર કરવાનું કહેવાયું
અમેરિકન દૂતાવાસે F, M, અને J કેટેગરીના સ્ટુડન્ટ વિઝા અને એક્સચેન્જ વિઝા માટે અરજી કરનારા ભારતીયોને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ‘પબ્લિક’ કરવાનું એટલે કે કોઈપણ વ્યક્તિ જોઈ શકે એ રીતે ઓપન રાખવાનું (જાહેર કરવાનું) કહ્યું છે, જેથી ઈમિગ્રેશન અધિકારીઓ તેમના એ એકાઉન્ટ્સની ચકાસણી કરી શકે. અરજદારો દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ઉપયોગમાં લેવાયેલા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની ચકાસણી કરાશે. વ્યક્તિની ઓળખ અને વિઝાની પાત્રતા માટે યુઝર્સે કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ પણ ચકાસવામાં આવશે.
સોશિયલ મીડિયા પર મૂકેલી ખોટી માહિતી ભારે પડશે
દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી મૂકાઈ હશે તો અરજદારની વિઝા અરજી નકારાઈ શકે છે. અરજદારનું જૂઠાણું કે ગેરવર્તણૂક ગંભીર જણાશે તો તેના પર અમેરિકાના વિઝા અરજી કરવા બાબતે કાયમ માટે પ્રતિબંધ મૂકી દેવાશે.
આ પણ વાંચો : અમેરિકામાં રહેતા ભારતીયોને મોટી રાહત, ભારત પૈસા મોકલવા પર લાગુ ટેક્સમાં મળશે રાહત
અમેરિકન વિઝા એક વિશેષાધિકાર છે, હક નહીં
દૂતાવાસે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે, ‘અમેરિકન વિઝા અરજદારનો હક નથી, પરંતુ વિશેષાધિકાર છે. દરેક વિઝાનો નિર્ણય અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે.’
અમેરિકન વિઝા પર વધારાની ફી ચૂકવવી પડશે
ટ્રમ્પ સરકારે તમામ નોન-ઈમિગ્રન્ટ વિઝા માટે 250 ડોલર (લગભગ 21000 રૂપિયા) ની વધારાની ફી લાગુ કરી છે, જેને ‘વિઝા ઈન્ટિગ્રિટી ફી’ નામ અપાયું છે. આ ફી વર્ષ 2026 થી અમલમાં આવશે. તે એક પ્રકારની સુરક્ષા ડિપોઝિટ હશે, જે અમુક શરતો પૂરી થાય તો અરજદારને પરત કરવામાં આવશે.
ગેરકાયદે પ્રવાસીઓને મળશે જેલ અથવા દેશનિકાલ
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન ગેરકાયદે ઈમિગ્રેશન વિરુદ્ધ સખત પગલાં લઈ રહ્યું છે. અમેરિકન દૂતાવાસે ચેતવણી આપી છે કે, ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ કરનારાને જેલ અથવા દેશનિકાલની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત ઈમિગ્રેશન નિયમોનું ઉલ્લંઘન કરનારાને ભવિષ્યમાં અમેરિકાના કોઈપણ વિઝા માટે અરજી કરવાની મંજૂરી નહીં મળે.