અમેરિકામાં રહેતા ભારતીયોને મોટી રાહત, ભારત પૈસા મોકલવા પર લાગુ ટેક્સમાં મળશે રાહત
US Senate Softens Remittance Tax: અમેરિકામાં રહેનારા નોન-રેસિડન્ટ ઈન્ડિયન (NRI) માટે મોટા સમાચાર આવ્યા છે. અમેરિકાના સેનેટે વન બિગ બ્યૂટિફૂલ બિલ એક્ટમાં સંશોધન કરતાં રેમિટન્સ (મની ટ્રાન્સફર) ટેક્સમાં ઘટાડો કર્યો છે. પ્રસ્તાવમાં રેમિટન્સ ટેક્સ 3.5 ટકાથી ઘટાડી 1 ટકા કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી અમેરિકામાં વસતા ભારતીયોને મોટી રાહત મળશે. તેઓ હવે સરળતાથી ભારતમાં વધુ રૂપિયા ટ્રાન્સફર કરી શકશે.
વન બિગ બ્યૂટીફૂલ બિલ એક્ટમાં નવા ફેરફારો હેઠળ બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓમાં જમા રકમ ટ્રાન્સફર કરવા પર ટેક્સ ઘટાડાનો લાભ મળશે નહીં. તેમજ ડેબિટ અને ક્રેડિટ કાર્ડના માધ્યમથી મોકલવામાં આવતાં રેમિટન્સ પણ આવરી લેવામાં આવ્યા નથી.
ભારતીયોને મળશે મોટી રાહત
માઈગ્રેશન પોલિસી ઈન્સ્ટીટ્યૂટ અનુસાર, અમેરિકામાં વિદેશી મૂળના વસતા લોકોમાં ભારતીયો બીજા ક્રમે છે. તેમની સંખ્યા 2023માં 29 લાખથી વધુ હતું. નાણાકીય વર્ષ 2023-24માં ભારતમાં આવેલા કુલ રેમિટન્સમાં 27.7 ટકા હિસ્સો અમેરિકામાંથી આવ્યો હતો. જે 32 અબજ ડોલર હતો. રેમિટન્સના ટેક્સમાં રાહત મળવાથી ભારતીયો વધુ નાણાં ભારત મોકલી શકશે. અગાઉ આ બિલમાં 5 ટકા ટેક્સ લાગુ કરવાનો નિર્ણય લેવાયો હતો. બાદમાં ઘટાડી 3.5 ટકા કર્યો હતો. હવે નવા સંશોધનમાં ટેક્સ 1 ટકા કરવાની જોગવાઈ રેમિટન્સ પાછળ થતાં ખર્ચમાં ઘટાડો કરશે.
આ પણ વાંચોઃ UAEએ વિદેશમાં વસતા ભારતીયો માટે પણ વિઝા ઓન-અરાઈવલ સુવિધા શરૂ કરી, જાણો નિયમ-શરતો
ભારત સાથે વેપાર કરાર પર ચર્ચા
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ જણાવ્યું હતું કે, અમેરિકા ભારત સાથે મોટો વેપાર કરાર કરવા જઈ રહ્ુયં છે. ભારતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ અંતિમ તબક્કાની વેપાર વાર્તા માટે વોશિંગ્ટન ગયું છે. ભારત પર ટ્રમેપે 26 ટકા ટેરિફ લાદ્યો હતો. પરંતુ બાદમાં ભારતના સમાધાનકારી વલણને ધ્યાનમાં લેતાં 9 જુલાઈ સુધીની રાહત આપી હતી. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધોના કરાર મુદ્દે ચર્ચાનો અંતિમ દોર ચાલી રહ્યો છે. બંને દેશોએ ડીલ સકારાત્મક રહેવાની શક્યતાઓ જણાવી છે.
કોને મળશે લાભ
બિલ હેઠળ ઉચ્ચ કૌશલ્ય ધરાવતા પ્રોફેશનલ્સ, વિદ્યાર્થીઓ અને ગ્રીન કાર્ડ હોલ્ડર્સને રેમિટન્સ મોકલવા પર ટેક્સમાં આ રાહતનો લાભ મળશે. જ્યારે પાર્ટ ટાઈમ નોકરી, ઈન્ટર્નશીપમાંથી કમાણી કરતાં વિદ્યાર્થીઓએ રેમિટન્સ પર ટેક્સ ચૂકવવો પડશે.