ભારતીયોએ અમેરિકાના ગ્રીન કાર્ડ માટે 179 વર્ષ રાહ જોવી પડશે! 10 લાખ લોકો લાઇનમાં, જાણો કારણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Green Card Wait for Indians: EB-2 Backlog May Take 179 Years to Clear | જો તમે આજે અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા માટે કાગળિયાં કરવાનું વિચારી રહ્યા હો, તો એક કડવી વાસ્તવિકતા પચાવવી પડશે. તમારી ફાઇલ જ્યારે લાઇનમાં સૌથી આગળ પહોંચશે ત્યાં સુધીમાં કદાચ તમારું આયુષ્ય પૂરું થઈ ચૂક્યું હશે.
ગ્રીન કાર્ડ માટે 179 વર્ષ રાહ જોવી પડશે!
નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી(NFAP)ના અહેવાલ અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં કાયમી વસવાટ ઇચ્છતા ઉચ્ચ કુશળ ભારતીયો માટે, એમ્પ્લોયમેન્ટ-બેઝ્ડ EB-2 કેટેગરીમાં અરજી કરનાર નવા અરજદારને ગ્રીન કાર્ડ મેળવવા માટે 179 વર્ષ સુધીની અસહ્ય રાહ જોવી પડી શકે છે.
સરળ શબ્દોમાં કહીએ તો, જો કોઈ ભારતીય વ્યાવસાયિક આજે EB-2 કેટેગરીમાં પ્રોસેસ શરૂ કરે, તો તેનો વારો છેક વર્ષ 2205માં આવી શકે છે. કન્ટ્રી-બેઝ્ડ લિમિટ અને વિશાળ બેકલોગને કારણે સર્જાયેલી આ પરિસ્થિતિએ હજારો H-1B વિઝા ધારકોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે.
કેટેગરી મુજબ પ્રતીક્ષા: EB-2માં 179 વર્ષ, તો EB-3માં પણ 38 વર્ષ
- EB-2 કેટેગરી: ઉચ્ચ ડિગ્રી ધરાવતા અથવા વિશિષ્ટ ક્ષમતાવાળા પ્રોફેશનલ્સ માટે સંભવિત રાહ 179 વર્ષ સુધી પહોંચી શકે છે.
- EB-3 કેટેગરી: સ્કિલ્ડ વર્કર્સ અને પ્રોફેશનલ્સ માટે રાહનો સમયગાળો EB-2 કરતાં ઓછો છે, છતાં પણ તે 38 વર્ષ જેટલો લાંબો છે.
- EB-1 કેટેગરી: સૌથી ઉચ્ચ પ્રેફરન્સ ધરાવતી આ શ્રેણીમાં આવતા લોકોને પ્રમાણમાં ઘણી ઓછી રાહ જોવી પડશે, જેનો અંદાજ લગભગ 4થી 5 વર્ષનો છે.
10 લાખ ભારતીયો કતારમાં છે: 5 વર્ષમાં બેકલોગ 20.6% વધ્યો
ડિસેમ્બર 2025 સુધીના આંકડા મુજબ, લગભગ 10 લાખ ભારતીયો યુએસ એમ્પ્લોયમેન્ટ-બેઝ્ડ ઇમિગ્રેશન બેકલોગમાં અટવાયેલા છે. જો ત્રણેય મુખ્ય શ્રેણીઓ(EB-1, EB-2, EB-3)નો સરવાળો કરવામાં આવે તો કુલ બેકલોગ ડિસેમ્બર 2025 સુધીમાં 12.6 લાખ લોકો સુધી પહોંચી ગયો છે.
આટલી લાંબી લાઇન પાછળનું અસલી કારણ શું?
ગ્રીન કાર્ડ સિસ્ટમમાં આટલો મોટો અવરોધ કેમ ઊભો થયો છે? તેની પાછળનું મુખ્ય કારણ અમેરિકન કાયદાની અમુક ચોક્કસ મર્યાદાઓ છે.
- અમેરિકન ઇમિગ્રેશન કાયદા હેઠળ દર વર્ષે માત્ર 140,000 એમ્પ્લોયમેન્ટ-બેઝ્ડ ગ્રીન કાર્ડ ઇશ્યૂ કરી શકાય છે.
- કાયદા અનુસાર કોઈપણ એક દેશના નાગરિકોને વાર્ષિક કુલ વિઝાના 7% કરતાં વધુ ગ્રીન કાર્ડ આપી શકાતા નથી.
- ભારતમાંથી અમેરિકા જનારા કુશળ કામદારોની સંખ્યા લાખોમાં છે, પરંતુ આ 7%ની મર્યાદાને કારણે ભારતને દર વર્ષે માત્ર ગણ્યાગાંઠ્યા વિઝા મળે છે. પરિણામે, અરજદારોની સંખ્યા અને ઉપલબ્ધ ગ્રીન કાર્ડ વચ્ચેનું અંતર આસમાને પહોંચી ગયું છે.
H-1B વિઝા અને અનિશ્ચિતતા: અમેરિકન કંપનીઓ અને પરિવારો બંને દબાણમાં
આ લાંબી રાહ માત્ર એક સરકારી પ્રોસેસ નથી, પરંતુ અમેરિકામાં વસતા લાખો ભારતીય પરિવારો માટે એક અનિશ્ચિતતાનું જીવન છે. NFAPના વિશ્લેષણ મુજબ, આ પ્રચંડ લાઇનનો સામનો કરી રહેલા મોટાભાગના ભારતીયો હજુ પણ 'H-1B' અસ્થાયી ટેમ્પરરી વિઝા સ્ટેટસ પર ત્યાં દિવસો કાપી રહ્યા છે. દાયકાઓ સુધી વિઝા સ્ટેટસની તલવાર માથા પર લટકતી હોવાથી તેઓ પોતાના કરિયર, બાળકોના શિક્ષણ કે પ્રોપર્ટી ખરીદવા અંગે દીર્ઘકાલીન નિર્ણયો લઈ શકતા નથી. સાથે સાથે, આ પરિસ્થિતિને લીધે ટોચની અમેરિકન કંપનીઓ માટે પણ વૈશ્વિક પ્રતિભાને આકર્ષવી અને પોતાની સાથે લાંબો સમય ટકાવી રાખવી અત્યંત મુશ્કેલ બની રહી છે.
ટ્રમ્પ સરકારની કડક નીતિઓ: કાનૂની ઇમિગ્રન્ટ્સ પર ફી અને સ્ક્રૂટિનીનો બેવડો માર
આ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા વહીવટીતંત્ર હેઠળ ઇમિગ્રેશન નિયમો વધુ આકરા બનાવવામાં આવ્યા છે. ટ્રમ્પે ડિપોર્ટેશન, વિઝા અને ગ્રીન કાર્ડ રદ કરવા તેમજ તમામ ઇમિગ્રેશન અરજીઓની આકરી તપાસ સઘન બનાવી છે. આ ઉપરાંત, અમુક ચોક્કસ વર્ક વિઝા અરજદારો માટે નવી અને ભારેખમ ફી લાદવામાં આવી છે, જેનાથી કાનૂની માર્ગે અમેરિકા જવું કે ત્યાં રહેવું આર્થિક રીતે પણ કમરતોડ બની ગયું છે.
નોંધનીય છે કે, વર્ષ 2024 સુધીમાં અમેરિકામાં ભારતમાં જન્મેલા લોકોની વસ્તી આશરે 32 લાખ હતી, જે યુએસમાં વિદેશમાં જન્મેલા જૂથોમાં બીજા નંબરનું સૌથી મોટું જૂથ છે.




