NRI News

H-1B વિઝા અંગે ટ્રમ્પે એકસાથે ડબલ ઝટકો આપ્યો, ભારતીયોની નોકરી પર આફત, 1 લાખ ડૉલર ફી યથાવત્

By GS Team
19 Sep 20263 mins read
TukuTouch Logo
અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસને H-1B વિઝા પર 1 લાખ ડૉલરની ફીનો આદેશ વધુ એક વર્ષ લંબાવ્યો છે. વ્હાઇટ હાઉસે 18 સપ્ટેમ્બર, 2026ના રોજ નવો આદેશ જાહેર કર્યો, જેમાં વિઝાના ઉપયોગ પર કડક દેખરેખ રખાશે. આ નિર્ણયથી ભારતીય ટેક પ્રોફેશનલ્સને સીધી અસર થશે. ખાસ કરીને ઓછો પગાર આપી સ્થાનિકોની નોકરી છીનવનાર કંપનીઓ નિશાન પર રહેશે. આ કડકાઈથી ભારતીયો માટે અમેરિકામાં નોકરી મેળવવી વધુ મુશ્કેલ બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

H-1B વિઝા અંગે ટ્રમ્પે એકસાથે ડબલ ઝટકો આપ્યો, ભારતીયોની નોકરી પર આફત, 1 લાખ ડૉલર ફી યથાવત્
IMAGE - IANS

US H1B Visa: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને H-1B વિઝાને લઈને એક મોટો અને કડક નિર્ણય લીધો છે. ટ્રમ્પ પ્રશાસને H-1B વિઝા પર 1 લાખ ડૉલરની ફી વસૂલવાના આદેશને વધુ એક વર્ષ માટે લંબાવી દીધો છે, જેની સીધી અસર ભારતીય ટેક પ્રોફેશનલ્સ પર પડી શકે છે.

H-1B વિઝા પર 1 લાખ ડૉલરની ફીનો આદેશ એક વર્ષ વધાર્યો

અમેરિકામાં H-1B વિઝાના નિયમો અંગે ટ્રમ્પ પ્રશાસને ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે. વ્હાઇટ હાઉસે H-1B વિઝા પર 1,00,000 ડૉલરની ફી લગાવતા જૂના આદેશને વધુ એક વર્ષ માટે લંબાવી દીધો છે. આ સાથે જ 18 સપ્ટેમ્બર, 2026ના રોજ એક નવો આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં આ વિઝાના ઉપયોગ પર વધુ કડક દેખરેખ અને તપાસની વાત કહેવામાં આવી છે. ખાસ કરીને એવી કંપનીઓ પર નજર રાખવામાં આવશે જેના પર ઓછા વેતનવાળા વિદેશી કર્મચારીઓને રાખીને સ્થાનિક અમેરિકન કર્મચારીઓની નોકરી છીનવી લેવાનો આરોપ છે.

H-1B વિઝા એટલે શું અને તેનો હેતુ?

H-1B એ અમેરિકાનો એક એવો વિઝા છે જેના દ્વારા અમેરિકન કંપનીઓ વિદેશમાંથી પીએચડી કે વિશેષ કૌશલ્ય ધરાવતા નિષ્ણાતોને નોકરી માટે બોલાવી શકે છે. ટેક્નોલૉજી, એન્જિનિયરિંગ અને અન્ય વિશેષ ક્ષેત્રોમાં તેનો મોટા પાયે ઉપયોગ થાય છે. ભારત અને ચીનના પ્રોફેશનલ્સ માટે આ વિઝા અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે મોટી સંખ્યામાં ભારતીય ટેક પ્રોફેશનલ્સ આ જ વ્યવસ્થા હેઠળ અમેરિકામાં કામ કરે છે.

1 લાખ ડૉલરની ફી અને કાનૂની વિવાદ

ટ્રમ્પ પ્રશાસને 2025માં H-1B વિઝા માટે 1,00,000 ડૉલરની ફીનો આદેશ જાહેર કર્યો હતો. અગાઉ આ ફી સામાન્ય રીતે 2000થી 5000 ડૉલરની વચ્ચે રહેતી હતી, તેથી 1 લાખ ડૉલરની આકમ ખૂબ જ મોટી વૃદ્ધિ દર્શાવે છે. આ આદેશ સપ્ટેમ્બર 2026માં પૂરો થવાનો હતો, જેને હવે લંબાવવામાં આવ્યો છે. જો કે, આ ફીને લઈને કાનૂની લડાઈ પણ ચાલી રહી છે અને અગાઉ અમેરિકાની એક અદાલતે તેને ગેરકાયદે ગણાવતા સરકારને ફી વસૂલવાથી રોકી હતી.

ટ્રમ્પ પ્રશાસનની કડકાઈ પાછળના કારણો

નવા આદેશમાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે કેટલીક કંપનીઓ અને આઉટસોર્સિંગ ફર્મો H-1B વ્યવસ્થાનો દુરુપયોગ કરી રહી છે. વ્હાઇટ હાઉસના દાવા મુજબ, H-1B વિઝા ધારકોને સમાન કામ કરતા અમેરિકન કર્મચારીઓની તુલનામાં વાર્ષિક 9000થી 20,000 ડૉલર સુધીનું ઓછું વેતન આપવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, 2022થી 2026 વચ્ચે ટેક સેક્ટરમાં 8 લાખથી 13 લાખ અમેરિકન કર્મચારીઓની છટણી થઈ છે જ્યારે કંપનીઓએ મોટી સંખ્યામાં H-1B કર્મચારીઓ માટે અરજી કરી છે.

કંપનીઓની પ્રતિક્રિયા અને ભારતીયો પર તેની અસર

બીજી બાજુ, ઉદ્યોગ જગતનું માનવું છે કે અમેરિકામાં અનેક ક્ષેત્રોમાં કુશળ વિશેષજ્ઞોની અછત છે અને આ વિઝા કંપનીઓને જરૂરી પ્રતિભા મેળવવામાં મદદ કરે છે. પરંતુ આ મોંઘી ફી અને કડક નિયમોના કારણે વિદેશથી કર્મચારી લાવવાનું ખર્ચાળ બનશે, જેનાથી ભારતીય પ્રોફેશનલ્સ માટે અમેરિકામાં નોકરી મેળવવાનો માર્ગ વધુ મુશ્કેલ બની શકે છે. આ પડકારોને જોતાં કેટલીક મોટી ટેક કંપનીઓ પહેલેથી જ ભારતમાં પોતાનું કામ વધારવાની દિશામાં આગળ વધી રહી છે.