પશ્ચિમ એશિયાનો 'ડબલ ચોક' વિશ્વ વેપારને અંધકાર તરફ ધકેલી રહ્યો છે!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અવિચારી યુદ્ધ અને ઉન્માદને પગલે વિશ્વના બે મોટા જળમાર્ગો અટવાતા વૈશ્વિક વેપાર જોખમમાં
- પશ્ચિમ એશિયાના વિવિધ પ્રદેશમાં દાયકાઓથી ચાલતા છૂટાછવાયા તણાવો હવે એકબીજા સાથે જોડાઈને એક વિશાળ, વિનાશક યુદ્ધમાં પરિવર્તિત થઈ ચૂક્યા છે. નવી નવી ભૌગોલિક સીમાઓ આ સંઘર્ષની લપેટમાં આવી રહી છે અને સમગ્ર વિસ્તાર વૈશ્વિક અર્થતંત્રના ગળા પર ફાંસો બનીને ત્રાટકવાની તૈયારી કરી રહ્યો છે ઃ આ સંકટની સૌથી ગંભીર કડી યમનના હુથી વિદ્રોહીઓ અને સાઉદી અરેબિયા વચ્ચે ફાટી નીકળેલું યુદ્ધ છે. આ લડાઈએ માત્ર નવો સૈન્ય મોરચો જ નથી ખોલ્યો, પરંતુ આંતરરાષ્ટ્રીય જળ પરિવહનની કરોડરજ્જુ ગણાતા બાબ અલ-મંદબ જળમાર્ગને સંપૂર્ણપણે બાનમાં લઈ લીધો છે. રાતા સમુદ્રના પ્રવેશદ્વાર પર સર્જાયેલી આ કટોકટીએ યુરોપ અને એશિયા વચ્ચેના સીધા સમુદ્રી માર્ગ પર ભરડો લઈ લીધો છે ઃ જો હોર્મુઝની ખાડી વધુ સમય બંધ રહેશે તો વૈશ્વિક તેલ ભંડાર ઘટીને તેના લઘુત્તમ ઓપરેશનલ સ્તર એટલે કે ૬.૮ અબજ બેરલ પર આવી જશે. આ સ્તરથી નીચે જતાં પાઇપલાઇનોમાં ક્રૂડનું જરૂરી પ્રેશર જાળવવું અશક્ય બની જાય છે અને તેલના ભાવ ગમે તેટલા ઊંચા હોય તો પણ વિશ્વભરની રિફાઇનરીઓ તકનીકી ખામીઓના કારણે આપોઆપ બંધ થવા લાગશે
વિશ્વ અત્યારે એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે જ્યાં આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરીની મર્યાદાઓ અને યુદ્ધના મેદાનની વાસ્તવિકતાઓ વચ્ચેનું અંતર સ્પષ્ટપણે છતું થઈ રહ્યું છે. એક તરફ ન્યૂયોર્ક શહેરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની વાર્ષિક બેઠક મળી રહી છે, જેમાં વિશ્વભરના સો કરતાં વધુ દેશોના નેતાઓ, રાજદ્વારીઓ અને વૈશ્વિક સંસ્થાઓ યુદ્ધો રોકવા, શાંતિ સ્થાપવા અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને ટકાવી રાખવા માટે વ્યર્થ મનોમંથન કરી રહ્યા છે. બીજી તરફ અમેરિકામાં જ દુનિયાના બે બળીયા ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યા છે. આ ઉપરાંત અન્ય એક બાજુ એટલે કે આ રાજદ્વારી મંચથી હજારો માઇલ દૂર પશ્ચિમ એશિયાના રણપ્રદેશો અને જળમાર્ગોમાં સંઘર્ષની જ્વાળાઓ દિવસેને દિવસે વધુ પ્રચંડ બની રહી છે. આ પ્રદેશમાં દાયકાઓથી ચાલતા છૂટાછવાયા તણાવો હવે એકબીજા સાથે જોડાઈને એક વિશાળ, વિનાશક યુદ્ધમાં પરિવર્તિત થઈ ચૂક્યા છે. નવી નવી ભૌગોલિક સીમાઓ આ સંઘર્ષની લપેટમાં આવી રહી છે અને સમગ્ર વિસ્તાર વૈશ્વિક અર્થતંત્રના ગળા પર ફાંસો બનીને ત્રાટકવાની તૈયારી કરી રહ્યો છે.
આ સંકટની સૌથી ગંભીર કડી યમનના હુથી વિદ્રોહીઓ અને સાઉદી અરેબિયા વચ્ચે ફાટી નીકળેલું યુદ્ધ છે. આ લડાઈએ માત્ર નવો સૈન્ય મોરચો જ નથી ખોલ્યો, પરંતુ આંતરરાષ્ટ્રીય જળ પરિવહનની કરોડરજ્જુ ગણાતા બાબ અલ-મંદબ જળમાર્ગને સંપૂર્ણપણે બાનમાં લઈ લીધો છે. હુથીઓએ સાઉદી અરેબિયાથી આવતા કે જતા તમામ પ્રકારના માલવાહક અને ક્રૂડ જહાજો પર સખત નાકાબંધી લાદી દીધી છે. એટલું જ નહીં, તેમણે ખુલ્લી ધમકી પણ ઉચ્ચારી છે કે જો વિશ્વનો અન્ય કોઈ પણ દેશ આ લડાઈમાં સાઉદી અરેબિયાના પક્ષે જોડાશે તો તેના જહાજોને પણ આ ખાડીમાંથી પસાર થવા દેવામાં નહીં આવે. રાતા સમુદ્રના પ્રવેશદ્વાર પર સર્જાયેલી આ કટોકટીએ યુરોપ અને એશિયા વચ્ચેના સીધા સમુદ્રી માર્ગ પર ભરડો લઈ લીધો છે.
ઉલ્લેખનીય છે કે, હવે આ સંકટ માત્ર દક્ષિણ પૂરતું મર્યાદિત નથી. તેનાથી ઉત્તરે આવેલા હોર્મુઝની ખાડીમાં સ્થિતિ આનાથી પણ વધુ ગંભીર અને વિસ્ફોટક બનેલી છે. ઈરાન અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં થયેલા સીધા મિસાઈલ હુમલા ભલે હાલ પૂરતા થંભી ગયા હોય, પરંતુ હોર્મુઝની ખાડી હજુ પણ સખત દરિયાઈ નાકાબંધી હેઠળ અટવાયેલી છે. નજીકના ભવિષ્યમાં આ નાકાબંધી ઉકેલાય તેવા કોઈ જ રાજદ્વારી સંકેતો દેખાતા નથી. પશ્ચિમ એશિયાના બે અતિસંવેદનશીલ દરિયાઈ ચોકપોઇન્ટ્સ, હોર્મુઝ અને બાબ અલ-મંદબ એકસાથે બંધ થવાની આ ઘટનાને વ્યૂહાત્મક વર્તુળો 'ડબલ ચોક' તરીકે ઓળખાવી રહ્યા છે. જો હોર્મુઝ એ ગલ્ફ દેશોના અબજો ડોલરના ક્રૂડ ઓઇલ, એલએનજી અને એલપીજીને વૈશ્વિક બજારો સુધી પહોંચાડવાનું એકમાત્ર મુખ્ય દ્વાર હોય, તો બાબ અલ-મંદબ એ હિંદ મહાસાગરને સુએઝ નહેર દ્વારા ભૂમધ્ય સમુદ્ર સાથે જોડતો અનિવાર્ય સેતુ છે. આ બંને માર્ગો એકસાથે રુંધાતા વૈશ્વિક ઊર્જા પૂરવઠો અને સામાન્ય વેપારી માલસામાનનું વહન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે.
આ વિનાશક ચક્રની શરૂઆત કેવી રીતે થઈ તે સમજવું અનિવાર્ય છે. સાઉદી અરેબિયા અને હુથીઓ વચ્ચેનો અણબનાવ નવો નથી, પરંતુ તાજેતરની ભીષણ અથડામણ ૧૩ જુલાઈના રોજ ભડકી હતી.
સાઉદી સમર્થિત યમની સરકારી દળોએ હુથીઓના નિયંત્રણ હેઠળના સના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સીધા હવાઈ હુમલા કર્યા હતા. સાઉદી ગઠબંધનનો દાવો હતો કે ઈરાનની 'મહાન એર'ની એક ફ્લાઇટ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (ૈંઇય્ભ)ના સૈન્ય સલાહકારો અને અત્યાધુનિક મિસાઇલ ટેકનોલોજીના સ્પેરપાર્ટ્સ લઈને સના આવી રહી હતી, જેને રોકવા આ હુમલો અનિવાર્ય હતો. પોતાના પાટનગર પરના આ હુમલાથી ઉશ્કેરાઈને હુથીઓએ સાઉદી અરેબિયાના આભા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ બેલેસ્ટિક મિસાઇલો અને આત્મઘાતી ડ્રોનનો મારો ચલાવ્યો, જેનાથી બંને દેશો વચ્ચે યુદ્ધનો નવો તબક્કો શરૂ થયો.
સપ્ટેમ્બરના મધ્યમાં સંઘર્ષે ચરમસીમા વટાવી દીધી. ૧૩થી ૧૫ સપ્ટેમ્બર વચ્ચે હુથીઓએ સાઉદી અરેબિયાના દક્ષિણના આભા, ખમીસ મુશાઈત, જીઝાન અને નજરાન શહેરો ઉપર ભારે મિસાઈલમારો કર્યો, જેમાં ૭૩ નાગરિકો ઘાયલ થયા. સાઉદી અરેબિયાએ વળતા પ્રહારમાં યમન પર ભીષણ એરસ્ટ્રાઈક કરી, જેના પ્રત્યાઘાતરૂપે જેદ્દાહના કિંગ અબ્દુલઅઝીઝ ઇન્ટરનેશનલ એરપોર્ટની ફ્લાઇટ્સ ખોરવાઈ ગઈ. સાઉદી અરેબિયા હવે એકલે હાથે હુથીઓનો સામનો કરવામાં ભારે લાચારી અનુભવી રહ્યું છે અને તેણે પોતાના સાથી દેશો સમક્ષ સૈન્ય મદદની ભીખ માંગી છે. જોકે, તેના પરંપરાગત મિત્રો પણ પીછેહઠ કરી રહ્યા છે. 'મક્કા પેક્ટ' હેઠળ જોડાયેલા દેશો પૈકી તુર્કી માત્ર ટેકનિકલ સપોર્ટ આપવા તૈયાર થયું છે, જ્યારે પાકિસ્તાન કોઈ સીધા લશ્કરી જોડાણથી દૂર રહીને અનિર્ણાયક સ્થિતિમાં છે. અમેરિકાએ પણ શરૂઆતમાં સહમતી દર્શાવ્યા બાદ ૨૦ સપ્ટેમ્બરે છેલ્લી ઘડીએ ઓપરેશનમાં જોડાવાનો ઈનકાર કરી દીધો.
આ તરફ ઈરાન મોરચે પણ પરિસ્થિતિ ભયાનક અનિશ્ચિતતામાં ઘેરાયેલી છે. અમેરિકાએ ૨૪ ઓગસ્ટે ઈરાનને આર્થિક રીતે પાયમાલ કરવા માટે 'ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ' શરૂ કર્યું હતું. આ ઈતિહાસનું સૌથી આકરું સેંક્શન પેકેજ હતું, જેનો ઉદ્દેશ્ય ઈરાની શાસનની તમામ નાણાકીય નસો કાપી નાખવાનો હતો. પરંતુ આર્થિક પ્રતિબંધો કામ ન કરી શક્યા અને સપ્ટેમ્બરના પ્રારંભમાં અમેરિકાએ લશ્કરી હુમલા કર્યા. ઈરાને તેના જવાબમાં જોર્ડન, કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકન લશ્કરી મથકો પર પ્રચંડ જવાબી હુમલા કરીને ભારે તબાહી મચાવી દીધી. લશ્કરી વિકલ્પ ઊંધો પડતાં અમેરિકા ફરી આર્થિક દબાણ તરફ વળ્યું. ૨૧ સપ્ટેમ્બરે યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે 'એર બ્લોકેડ'ની જાહેરાત કરી અને ચેતવણી આપી કે ૨૩ સપ્ટેમ્બરથી જે કોઈ દેશ ઈરાની વિમાનોને ઉતરાણ, ઈંધણ કે ટિકિટ બુકિંગની સુવિધા આપશે તેને વૈશ્વિક ડોલર સિસ્ટમમાંથી બહાર ફેંકી દેવામાં આવશે. ઇરાક અને તુર્કીએ તેનું પાલન શરૂ કરી દીધું છે, જે ઈરાની પ્રજા માટે ભયંકર મુશ્કેલીઓ ઊભી કરી રહ્યું છે.
જાણકારોના મતે આ બંને મોરચાઓના કારણે સર્જાયેલો 'ડબલ ચોક' સમગ્ર વૈશ્વિક અર્થતંત્રના પાયા હચમચાવી રહ્યો છે. સામાન્ય સંજોગોમાં હોર્મુઝની ખાડીમાંથી વિશ્વના કુલ ઊર્જા વેપારનો ૨૦ થી ૨૫ ટકા હિસ્સો પસાર થાય છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૬૦૦ અબજ ડોલર જેટલો હતો. બીજી તરફ, બાબ અલ-મંદબમાંથી સમગ્ર વિશ્વના દરિયાઈ વેપારનો ૧૦થી ૧૨ ટકા હિસ્સો વહન થાય છે. આ બંને માર્ગો બંધ થવાનો અર્થ એ નથી કે વેપાર અટકી ગયો છે, પરંતુ હવે જહાજોએ આખો આફ્રિકા ખંડ ફરીને 'કેપ ઓફ ગુડ હોપ'ના લાંબા રસ્તે જવું પડે છે. આના કારણે પરિવહન સમયમાં સીધા ૧૨થી ૧૪ દિવસનો વધારો થયો છે.
મુસાફરી લાંબી થવાથી શિપિંગ ભાડા અને વીમા પ્રીમિયમ આસમાને પહોંચ્યા છે. પશ્ચિમ એશિયાનો આ 'ડબલ ચોક' વિશ્વને એક એવા અંધકારમય આર્થિક અને માનવીય સંકટ તરફ ધકેલી રહ્યો છે, જેમાંથી બહાર નીકળવાનો કોઈ સરળ રસ્તો હાલ દેખાતો નથી.
બાબ અલ-મંદબની નાકાબંધીએ ભારતના વિદેશ વેપારની કમર તોડી નાખી છે
આ વૈશ્વિક મહાસંકટની સૌથી વિનાશક અને સીધી અસર ભારતની ઊર્જા સુરક્ષા તથા સમગ્ર અર્થતંત્ર પર પડી રહી છે. ભારત પોતાની ક્રૂડ ઓઇલ જરૂરિયાતનો ૮૫ ટકાથી વધુ અને કુદરતી ગેસ (ન્શય્) જરૂરિયાતનો લગભગ ૫૦ ટકા હિસ્સો વિદેશી આયાત દ્વારા પૂરો કરે છે. ભારતની તેલ આયાતનો મોટો હિસ્સો ઇરાક, સાઉદી અરેબિયા, યુએઇ અને કુવૈત જેવા પશ્ચિમ એશિયાના દેશોમાંથી આવે છે, જે સંપૂર્ણપણે હોર્મુઝની ખાડીમાંથી પસાર થાય છે. હોર્મુઝ બ્લોક થવાના કારણે ભારત તરફ આવતા લાખો બેરલ તેલના કન્સાઇનમેન્ટ્સ અધવચ્ચે અટવાઈ ગયા છે. આ ઉપરાંત, કતારથી ભારત આવતો એલએનજી પુરવઠો ઠપ થઈ જવાથી ભારતના વીજળી મથકો, ખાતર ઉદ્યોગ અને શહેરી ગેસ વિતરણ વ્યવસ્થા સામે અસ્તિત્વનું સંકટ ઊભું થયું છે. બીજી તરફ, બાબ અલ-મંદબની નાકાબંધીએ ભારતના વિદેશ વેપારની કમર તોડી નાખી છે. ભારતમાંથી યુરોપ, ઉત્તર અમેરિકા અને ઉત્તર આફ્રિકા તરફ નિકાસ થતો એન્જિનિયરિંગ માલ, દવાઓ, કાપડ, રસાયણો અને કૃષિ પેદાશો લાલ સમુદ્ર અને સુએઝ નહેરના રસ્તે જતી હતી. હવે આ જહાજોને આફ્રિકા ફરીને જવું પડતું હોવાથી કન્ટેનર ભાડામાં ત્રણથી ચાર ગણો તોતિંગ વધારો થયો છે. આનાથી વૈશ્વિક બજારમાં ભારતીય ઉત્પાદનો મોંઘા થઈ ગયા છે અને નિકાસકારોને અબજો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આયાતી તેલના આસમાને પહોંચેલા ભાવોના કારણે ભારતનું આયાત બિલ બેફામ વધી રહ્યું છે, જે દેશની કરંટ એકાઉન્ટ ડેફિસિટ (ભછઘ)ને ખતરનાક સ્તરે પહોંચાડી રહ્યું છે. વિદેશી હૂંડિયામણના ભંડાર પર ભારે દબાણ આવતા ભારતીય રૂપિયો અમેરિકી ડોલર સામે ઐતિહાસિક નીચલા સ્તરે ગગડી રહ્યો છે.
હોર્મુઝની ખાડી વધુ બંધ રહી તો એનર્જી સેક્ટર ઉપર મોટું જોખમ આવશે
ઉલ્લેખનીય છે કે, હાલમાં ઊર્જા બજારની હાલત અત્યંત દયનીય બની ગઈ છે.
જાણકારોના મતે, જો હોર્મુઝની ખાડી વધુ સમય બંધ રહેશે તો વૈશ્વિક તેલ ભંડાર ઘટીને તેના લઘુત્તમ ઓપરેશનલ સ્તર એટલે કે ૬.૮ અબજ બેરલ પર આવી જશે.
આ સ્તરથી નીચે જતાં પાઇપલાઇનોમાં ક્રૂડનું જરૂરી પ્રેશર જાળવવું અશક્ય બની જાય છે અને તેલના ભાવ ગમે તેટલા ઊંચા હોય તો પણ વિશ્વભરની રિફાઇનરીઓ તકનીકી ખામીઓના કારણે આપોઆપ બંધ થવા લાગશે. અમેરિકામાં ડીઝલનો ભાવ પ્રતિ ગેલન ૬.૫૦ ડોલરની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે, જ્યારે ગેસના ભાવ જાન્યુઆરીની સરખામણીએ ૮૦ ટકા વધીને ૪.૪૮ ડોલર થઈ ગયા છે. યુરોપમાં પણ હાહાકાર મચી ગયો છે; ફ્રાન્સમાં ૧૮ સપ્ટેમ્બર સુધીમાં ૧૧ ટકા પેટ્રોલ પંપો પર ડીઝલ કે પેટ્રોલનો સ્ટોક ખતમ થઈ ચૂક્યો છે અને કિંમતો સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે.




