અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ એક 'આયોજિત ખેલ'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વૈશ્વિક મહાસત્તાઓ અને ઓઇલ જાયન્ટ્સ પોતાની આર્થિક જરૂરિયાતો પુરી કરવા માટે વૈશ્વિક તણાવને હથિયાર બનાવે છે
- મિડલ ઈસ્ટ આવા યુદ્ધોનું સૌથી મોટું કેન્દ્ર છે. હોર્મુઝની ખાડી અથવા રાતા સમુદ્ર જેવા વિસ્તારોમાંથી દુનિયાનું ૨૦%થી વધુ ઓઇલ ટ્રાન્ઝિટ થાય છે. જ્યારે પણ આ વિસ્તારોમાં કોઈ નાનો ડ્રોન હુમલો થાય અથવા કોઈ જહાજ પર કબ્જો કરવામાં આવે, ત્યારે આંતરરાષ્ટ્રીય ઓઇલ માર્કેટમાં 'ભય' ઊભો થાય છે ઃ નિષ્ણાતો આને ફેક વોર સિન્ડ્રોમ તરીકે ઓળખાવે છે, જ્યાં મોટો સૈન્ય વિનાશ કરવાનો હેતુ નથી હોતો, પરંતુ માત્ર ભયનું વાતાવરણ ઊભું કરીને કોમોડિટી માર્કેટમાં તેજી લાવવાનો ખેલ ખેલાય છે. ઓઈલ ઉત્પાદક દેશો એવા ખેલાડીઓ છે જેઓ વૈશ્વિક મંચ પર ભલે ગમે તેટલા વિવાદો બતાવતા હોય, પરંતુ ક્રૂડના વધતા ભાવથી તેમની તિજોરીઓ છલકાય છે ઃ દુનિયા સંપૂર્ણપણે હાઈડ્રોકાર્બન (ક્રૂડ-ગેસ) પરથી પોતાની નિર્ભરતા હટાવીને પુનઃપ્રાપ્ય ઊર્જા જેમ કે સોલાર, વિન્ડ, અને ગ્રીન હાઈડ્રોજન તરફ વળે. જ્યાં સુધી દુનિયા ક્રૂડ ઓઇલ પર નિર્ભર રહેશે, ત્યાં સુધી ક્રૂડના ભાવો વધારવાના આવા 'પ્રોક્સી યુદ્ધના નાટકો' વૈશ્વિક મંચ પર ભજવાતા જ રહેશે
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એક વખત સંઘર્ષ શરૂ થઈ ગયો છે. બંને દેશોએ એકબીજા ઉપર હવાઈ હુમલા કરવાની સાથે સાથે હોર્મુઝની ખાડીમાં પોતાનું વર્ચસ્વ જમાવવાના પ્રયાસ ફરી શરૂ કરી દીધા છે. ઈરાનને હોર્મુઝની ખાડી કુદરતી રીતે પોતાની પાસે જોઈએ છે જ્યારે અમેરિકા દુનિયાને બચાવવાના નામે હોર્મુઝનો કબજો કરવા ઈચ્છે છે. ઈરાન અહીંયા ટોલ વસુલવા ઈચ્છે છે જેથી દુનિયાભરના જહાજોને સુરક્ષિત રીતે પસાર થવા દે. બીજી તરફ અમેરિકા દુનિયાભરના જહાજોને સુરક્ષિત બહાર કાઢી આપવાની બાંહેધરી આપીને ૨૦ ટકા ટોલ વસુલવાની ફિરાકમાં છે. સીધી રીતે હોર્મુઝ કબજે ન થતાં બંને હવે શિંગડા ભરાવીને સમગ્ર દુનિયાને ભેખડે ભરાવી દીધા છે. બંને દેશોની જીદને પગલે હોર્મુઝ ફરી બંધ થઈ ગઈ છે. તેના પગલે ક્રૂડનો સપ્લાય ફરી ઘટી ગયો છે. તેથી હવે જે સ્થિતિ આવશે તેનાથી સમગ્ર વિશ્વના અર્થતંત્રને વ્યાપક ઝાટકો લાગે તેમ દેખાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક અર્થતંત્રના વહેણને નક્કી કરવામાં જો કોઈ એક વસ્તુ સૌથી મોટો ભાગ ભજવતી હોય, તો તે છે ક્રૂડ ઓઇલ કાચું ક્રૂડ. જેને આજે બ્લેક ગોલ્ડ એટલે કે કાળું સોનું પણ કહેવામાં આવે છે. દુનિયાના ઔદ્યોગિક પૈડાં ચાલતા રાખવા માટે ઓઇલ અનિવાર્ય છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે પણ ક્રૂડ ઓઇલના ભાવો આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટવા લાગે છે, ત્યારે અચાનક જ દુનિયાના કોઈ ખૂણે યુદ્ધ, તણાવ કે ડ્રોન હુમલા કેમ શરૂ થઈ જાય છે?
આર્થિક વિશ્લેષકો અને ભૂ-રાજકીય નિષ્ણાતો માને છે કે ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશો વચ્ચે ચાલતા દેખીતા વિવાદો ઘણીવાર વાસ્તવિક હોવા છતાં, તેની પાછળ ઓઇલના ભાવ ઊંચા રાખવાનું એક મોટું ગણિત છુપાયેલું હોય છે. વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન તથા રશિયા અને યૂક્રેન કે પછી અન્ય ઓઈલ ઉત્પાદક દેશો વચ્ચે ચાલતા પ્રોક્સી યુદ્ધો પાછળ આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવો આર્ટિફિશિયલ રીતે વધારવાનો કે નિયંત્રણમાં રાખવાનો એક આયોજિત આર્થિક વ્યૂહ હોવાની આશંકાઓને નકારી શકાય નહીં. મૂળ વાત એવી છે કે, વૈશ્વિક મહાસત્તાઓ અને ઓઇલ જાયન્ટ્સ પોતાની આર્થિક જરૂરિયાતો પુરી કરવા માટે વૈશ્વિક તણાવને હથિયાર બનાવે છે.
સામાન્ય રીતે જ્યારે બજારમાં કોઈ વસ્તુનો પુરવઠો વધુ હોય અને માંગ ઓછી હોય, ત્યારે તેના ભાવો ઘટી જાય છે, આ અર્થશાસ્ત્રનો સાદો નિયમ છે. ક્રૂડ ઓઇલના કિસ્સામાં પણ આવું જ છે. પરંતુ અહીં એક મોટો તફાવત છે, ક્રૂડ ઉત્પાદક દેશોના આખા બજેટ અને દેશની અર્થવ્યવસ્થા માત્ર ને માત્ર ક્રૂડની નિકાસ પર નિર્ભર હોય છે. જો ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ ૫૦ કે ૬૦ ડોલરની નીચે જતો રહે, તો રશિયા, ઈરાન કે વેનેઝુએલા જેવા દેશોની અર્થવ્યવસ્થા પડી ભાંગે તેમ છે.
બીજી તરફ, અમેરિકા આજે માત્ર ગ્રાહક નથી પરંતુ તે દુનિયાનો સૌથી મોટો શેલ ઓઇલ ઉત્પાદક દેશ પણ છે. અમેરિકામાં શેલ ઓઇલ કાઢવાનો ખર્ચ ઘણો વધારે હોય છે. તેથી જો બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ ૭૦ ડોલરથી ઊંચો રહે, તો જ અમેરિકન કંપનીઓને નફો થાય છે. આથી, દેખીતી રીતે એકબીજાના કટ્ટર દુશ્મન ગણાતા અમેરિકા, રશિયા અને ઈરાન ત્રણેયનો આર્થિક સ્વાર્થ એક જ બિંદુ પર ભેગો થાય છે. તેમનો એક જ આશય છે કે, ક્રૂડનો ભાવ ઊંચો રહેવો જોઈએ.
જાણકારોના મતે ડાયરેક્ટ યુદ્ધ લડવું એ કોઈપણ દેશ માટે આર્થિક અને શારીરિક રીતે વિનાશક સાબિત થાય છે. આથી જ આધુનિક યુગમાં મહાસત્તાઓ 'પ્રોક્સી વોર'નો સહારો લે છે. પ્રોક્સી વોર એટલે કે પોતે સીધા મેદાનમાં ઉતર્યા વગર નાના સંગઠનો, બળવાખોરો અથવા ત્રીજા દેશોનો ઉપયોગ કરીને યુદ્ધ લડવું. મિડલ ઈસ્ટ આવા યુદ્ધોનું સૌથી મોટું કેન્દ્ર છે. હોર્મુઝની ખાડી અથવા રાતા સમુદ્ર જેવા વિસ્તારોમાંથી દુનિયાનું ૨૦%થી વધુ ઓઇલ ટ્રાન્ઝિટ થાય છે. જ્યારે પણ આ વિસ્તારોમાં કોઈ નાનો ડ્રોન હુમલો થાય અથવા કોઈ જહાજ પર કબ્જો કરવામાં આવે, ત્યારે આંતરરાષ્ટ્રીય ઓઇલ માર્કેટમાં 'ભય' ઊભો થાય છે.
સટ્ટાબાજો અને ટ્રેડર્સ સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની બીકે ઓઇલના ભાવો રાતોરાત વધારી દે છે. તેના કારણે વૈશ્વિક તણાવ ઊભો થઈ જાય છે. નિષ્ણાતો આને ફેક વોર સિન્ડ્રોમ તરીકે ઓળખાવે છે, જ્યાં મોટો સૈન્ય વિનાશ કરવાનો હેતુ નથી હોતો, પરંતુ માત્ર ભયનું વાતાવરણ ઊભું કરીને કોમોડિટી માર્કેટમાં તેજી લાવવાનો ખેલ ખેલાય છે. આ ત્રણેય દેશો ઓઇલ માર્કેટના એવા ખેલાડીઓ છે જેઓ વૈશ્વિક મંચ પર ભલે ગમે તેટલા વિવાદો બતાવતા હોય, પરંતુ ક્રૂડના વધતા ભાવોથી ત્રણેયની તિજોરીઓ છલકાય છે.
લોકો માને છે કે અમેરિકા મિડલ ઈસ્ટમાં શાંતિ ઈચ્છે છે, પરંતુ હકીકત કંઈક જુદી છે. અમેરિકાની ડોલર હેજ મની, પેટ્રોડોલર સિસ્ટમ પર ટકેલી છે. દુનિયાનું બધું જ ક્રૂડ ડોલરમાં વેચાય છે. જ્યારે ક્રૂડ મોંઘું થાય છે, ત્યારે વૈશ્વિક બજારમાં અમેરિકન ડોલરની માંગ આપોઆપ વધી જાય છે. ઉપરાંત, અમેરિકાની અંદર કાર્યરત શેલ ગેસ અને ક્રૂડ કંપનીઓની લોબી ખૂબ શક્તિશાળી છે. ઊંચા ભાવો અમેરિકન આર્થિક સંસ્થાઓને મજબૂતી આપે છે. મિડલ ઈસ્ટમાં તણાવ જાળવી રાખીને અમેરિકા પોતાના હથિયારો પણ અબજો ડોલરમાં આરબ દેશોને વેચે છે. હકિકતે તેના હથિયારો વેચાય છે, ડોલર વેચાય છે અને તેની ઈકોનોમીને વેગ મળતો રહે છે અને તેની સ્થિતિ વધારે મજબૂત થતી જાય છે.
બીજી તરફ નજર કરીએ તો, રશિયા પર યુક્રેન સાથેના સંઘર્ષ બાદ પશ્ચિમી દેશોએ અસંખ્ય આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. આવી સ્થિતિમાં રશિયન અર્થતંત્રને જીવંત રાખવા માટે માત્ર ક્રૂડ અને ગેસની કમાણી જ એકમાત્ર આધાર બનેલી છે. જ્યારે પણ મિડલ ઈસ્ટ કે ઈરાન સાથે પશ્ચિમનો તણાવ વધે છે, ત્યારે ઓઇલના ભાવ વધે છે, જેનો સીધો ફાયદો રશિયાને થાય છે. વધેલા ભાવને કારણે રશિયા ડિસ્કાઉન્ટ રેટ પર પણ એશિયાઈ દેશોને ક્રૂડ વેચીને અબજો ડોલરની કમાણી કરી શકે છે અને પોતાના સૈન્ય ખર્ચને ભંડોળ પૂરું પાડી શકે છે. છેલ્લાં કેટલાક મહિનાથી રશિયા આવું જ કરી રહ્યું છે. તેણે અમેરિકા અને ઈરાન યુદ્ધ દરમિયાન ડિસ્કાઉન્ટ રેટ પણ આપ્યો નહોતો. તેણે પોતાની શરતે અને બજાર ભાવે ક્રૂડ વેચીને કરોડો ડોલરની કમાણી કરી હતી.
જાણકારોના મતે, ઈરાન દાયકાઓથી કડક અમેરિકન પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે. સત્તાવાર રીતે ઈરાન બહુ ઓછું ક્રૂડ વેચી શકે છે. પરંતુ તે ગ્રે માર્કેટ દ્વારા વ્યાપક નિકાસ કરે છે. ઈરાન મિડલ ઈસ્ટમાં હુથી બળવાખોરો, હિઝબુલ્લાહ અને અન્ય સંગઠનો દ્વારા પ્રોક્સી નેટવર્ક ચલાવે છે. જ્યારે પણ ઈરાનને પશ્ચિમી દેશો સામે સોદાબાજી કરવી હોય અથવા આર્થિક દબાણ વધારવું હોય, ત્યારે તે પોતાના પ્રોક્સીઝ દ્વારા ઓઇલ ટ્રાન્સપોર્ટ રૂટ્સ જેમ કે હોર્મુઝ કે બાબ-અલ-મંડેબ પર તણાવ ઊભો કરે છે. ભાવ વધવાથી પ્રતિબંધો હોવા છતાં ઈરાનની કમાણી જળવાઈ રહે છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ યુદ્ધો અને તણાવ ઉપરાંત, સત્તાવાર રીતે ઓઇલના ભાવો વધારવા માટે એક સંગઠન કામ કરે છે જેને આપણે ઓપેક (ર્ંઁઈભ) તરીકે ઓળખીએ છીએ, જેમાં સાઉદી અરેબિયા મુખ્ય છે. જ્યારે રશિયા પણ આમાં જોડાયું ત્યારે તે ર્ંઁઈભ+ બન્યું. જ્યારે દુનિયામાં ક્રૂડ પુષ્કળ માત્રામાં ઉપલબ્ધ હોય છે, ત્યારે આ દેશો મીટિંગ કરીને ઉત્પાદનમાં ઘટાડો જાહેર કરે છે. તેઓ જાણી જોઈને બજારમાં ક્રૂડ ની આર્ટિફિશિયલ અછત ઊભી કરે છે જેથી ભાવ આસમાને પહોંચે. જ્યારે ઉત્પાદન ઘટાડવા છતાં ભાવ ન વધે, ત્યારે ભૂ-રાજકીય તણાવનું કાર્ડ રમવામાં આવે છે. જિયોપોલિટિકલ ગેમ્સ દ્વારા જ તેઓ વિશ્વને દબાણમાં લાવે છે અને ઈચ્છે તેવા ભાવે ક્રૂડ વેચે છે.
- આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ દોસ્ત કે દુશ્મન નહીં માત્ર સ્વાર્થ સર્વોપરી
આ મહાસત્તાઓના ભૂ-રાજકીય ખેલ અને ફેક વોરની સૌથી મોટી કિંમત સામાન્ય જનતા અને ભારત જેવા વિકાસશીલ દેશોએ ચૂકવવી પડે છે. ભારત પોતાની જરૂરિયાતનું ૮૦% થી વધુ ક્રૂડ ઓઇલ આયાત કરે છે. ક્રૂડ મોંઘું થવાથી ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય છે, જેના કારણે શાકભાજી, અનાજ અને રોજિંદી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધે છે. બીજી તરફ ક્રૂડ ખરીદવા માટે ભારતે વધુ ડોલર ચૂકવવા પડે છે, જેનાથી ભારતીય રૂપિયો નબળો પડે છે અને દેશની ચાલુ ખાતાની ખાધ વધે છે.
લાંબા સમય સુધી ઊંચા ક્રૂડના ભાવ વૈશ્વિક સ્તરે આર્થિક મંદી તરફ દોરી જાય છે. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન હોતા નથી, ત્યાં માત્ર કાયમી સ્વાર્થ હોય છે. અમેરિકા, રશિયા અને ઈરાન વચ્ચેના પ્રોક્સી યુદ્ધો ભલે વૈચારિક કે ધાર્મિક લાગતા હોય, પરંતુ તેના આર્થિક પાસાને નકારી શકાય તેમ નથી. ક્રૂડ ઓઇલના ભાવોને આર્ટિફિશિયલ રીતે ઊંચા રાખીને આ દેશો પોતાની અર્થવ્યવસ્થા અને વૈશ્વિક પ્રભુત્વને ટકાવી રાખે છે.
આ ખેલ ત્યારે જ અટકી શકે જ્યારે દુનિયા સંપૂર્ણપણે હાઈડ્રોકાર્બન (ક્રૂડ-ગેસ) પરથી પોતાની નિર્ભરતા હટાવીને પુનઃપ્રાપ્ય ઊર્જા જેમ કે સોલાર, વિન્ડ, અને ગ્રીન હાઈડ્રોજન તરફ વળે. જ્યાં સુધી દુનિયા ક્રૂડ ઓઇલ પર નિર્ભર રહેશે, ત્યાં સુધી ક્રૂડના ભાવો વધારવાના આવા 'પ્રોક્સી યુદ્ધના નાટકો' વૈશ્વિક મંચ પર ભજવાતા જ રહેશે.




