ન્યૂમોનિક પ્લેગ : દુનિયા ઉપર તોળાઈ રહેલો બીજી મહામારીનો જીવલેણ ખતરો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ફરી લેબમાંથી માનવજાત ઉપર જોખમ ફેલાવાનો ભય : સાઈબિરીયાની લેબમાં મહિલા સંશોધકનાં મોતથી દુનિયાભરમાં ભયનો માહોલ
- ચેપ લાગ્યાના માત્ર ૧થી ૩ દિવસમાં અચાનક ધ્રુજારી સાથે સખત તાવ, માથાનો ભયાનક દુખાવો, આખા શરીરમાં નબળાઈ, લોહીવાળી ઉધરસ અને શ્વાસ લેવામાં ભારે તકલીફ શરૂ થઈ જાય છે. ફેફસાંમાં ભરાયેલા પ્રવાહી અને બેક્ટેરિયાના ઝેરને કારણે માત્ર બે થી ચાર દિવસની અંદર શ્વસનતંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ જાય છે : ૧૪મી સદીમાં યુરોપમાં ત્રાટકેલા આ જ પ્લેગને ઇતિહાસ 'ધ બ્લેક ડેથ' તરીકે ઓળખે છે. ઈ.સ. ૧૩૪૭માં જ્યારે તાતાર સેનાઓએ ક્રિમીઆ અને એશિયા માઇનોરના વેપારી બંદરો પર આ રોગ ફેલાવ્યો, ત્યારે યુરોપની લગભગ અડધી વસ્તી સાફ થઈ ગઈ હતી. લાખો-કરોડો લોકો કૂતરા-બિલાડાની જેમ શેરીઓમાં મરેલા પડયા હતા : કોરોના મહામારીએ દુનિયાને બતાવી દીધું છે કે એક નાનકડો સૂક્ષ્મજીવ કેવી રીતે આખી વૈશ્વિક અર્થવ્યવસ્થા, આરોગ્ય વ્યવસ્થા અને અબજો લોકોના જીવનને ઠપ કરી શકે છે. જો ન્યુમોનિક પ્લેગ જેવો જીવાણુ કોઈ પણ રીતે લેબમાંથી બહાર નીકળીને સામાન્ય વસ્તીમાં પ્રવેશી જાય, તો તેની વિનાશકતાની કલ્પના કરવી પણ અશક્ય છે
રશિયાના સાઇબિરીયામાંથી આવેલા એક ભયાનક અહેવાલે સમગ્ર માનવજાતના રૃંવાડા ઊભા કરી દીધા છે. ઇર્કુત્સ્કની એક અત્યંત સુરક્ષિત એન્ટિ-પ્લેગ પ્રયોગશાળામાં એક ૨૮ વર્ષીય યુવાન વૈજ્ઞાનિક દારિયા શિપિલોવાના અચાનક અને કરુણ મોતે રશિયા સહિત સમગ્ર વૈશ્વિક શક્તિઓને હચમચાવી દીધી છે. માત્ર એક ટેસ્ટ ટયુબ તૂટી જવાની બેદરકારી કે દુર્ઘટનાએ એવા રાક્ષસી જીવાણુને મુક્ત કરી દીધો છે, જે સદીઓ પહેલાં આખી પૃથ્વી પર કરોડો જીવોને ભરખી ચૂક્યો હતો. ક્રેમલિનથી લઈને વોશિંગ્ટન સુધી સાયરનો વાગી રહ્યા છે, ૨૦૦થી વધુ નિર્દોષ લોકોને રાતોરાત ક્વોરેન્ટાઇન કરી દેવાયા છે અને સમગ્ર પ્રદેશમાં કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. આ કોઈ સામાન્ય તાવ કે મોસમી ફ્લૂ નથી, આ ઇતિહાસનો સૌથી લોહિયાળ 'બ્લેક ડેથ' એટલે કે પ્લેગ છે. તેને ન્યૂમોનિક પ્લેગ પણ કહેવામાં આવે છે.
આ જીવલેણ ઘટનાક્રમની શરૂઆત ત્યારે થઈ જ્યારે સાઇબિરીયાની સુરક્ષિત લેબમાં કામ કરતી સંશોધક દારિયા શિપિલોવાના હાથમાંથી ૨૫ સપ્ટેમ્બરે ન્યુમોનિક પ્લેગના અત્યંત ઘાતક પેથોજેન ધરાવતી કાચની ટેસ્ટ ટયુબ અચાનક પડીને તૂટી ગઈ. લેબના બંધ વાતાવરણમાં ક્ષણાર્ધમાં શ્વાસ મારફતે ફેફસાંમાં ઉતરી ગયેલા બેક્ટેરિયાએ પોતાનું તાંડવ શરૂ કરી દીધું. આ ઘટના બન્યાના થોડા જ કલાકોમાં આ યુવતીના શરીરમાં અસહ્ય પીડા, ઉધરસ અને અતિશય તાવના ચિહ્નો દેખાવા લાગ્યા. ૨૯ સપ્ટેમ્બર સુધીમાં સ્થિતિ એટલી હદે વણસી ગઈ કે તેને ગંભીર ન્યુમોનિયા સાથે આઇસોલેશન વોર્ડમાં ખસેડવી પડી. આધુનિક તબીબી વિજ્ઞાન જ્યારે કશું વિચારે કે સમજે તે પહેલાં જ, માત્ર બે જ દિવસમાં, ૧ ઓક્ટોબરે તેનું દર્દનાક મોત નીપજ્યું. આ મોત જૈવિક સુરક્ષા વ્યવસ્થા પર પડેલો એવો કારમો તમાચો હતો જેણે સમગ્ર વહીવટી તંત્રના પગ નીચેથી જમીન સરકાવી દીધી.
ઉલ્લેખનીય છે કે, આ ઘાતક દુર્ઘટના સામે આવતાં જ રશિયન સત્તાધીશોમાં નાસભાગ મચી ગઈ. ઇર્કુત્સ્ક શહેરમાં આયોજિત તમામ જાહેર કાર્યક્રમો, સભાઓ અને મેળાવડાઓને તાત્કાલિક અસરથી રદ કરી દેવાયા. દારિયાના સંપર્કમાં આવેલા ૨૦૦થી વધુ ડોક્ટરો, નર્સો, પ્રયોગશાળાના સહકર્મીઓ અને સગા-સંબંધીઓને ક્વોરેન્ટાઇનમાં ધકેલી દેવાયા છે. રશિયાની સત્તાવાર તપાસ એજન્સીઓએ આરોગ્ય અને સુરક્ષા પ્રોટોકોલના ઘોર ઉલ્લંઘન બદલ ફોજદારી કેસ નોંધીને તપાસના આદેશ આપ્યા છે. આ આક્રોશ એટલા માટે વાજબી છે કારણ કે બેદરકારી કરનારાઓએ માત્ર પોતાના જીવ જોખમમાં નથી મૂક્યા, પરંતુ હજારો સામાન્ય નાગરિકોના શ્વાસમાં ઝેર ઘોળવાનું પાપ કર્યું છે. આ કટોકટીની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વ્હાઇટ હાઉસે પણ સત્તાવાર નિવેદન બહાર પાડીને કહ્યું છે કે ટ્રમ્પ પ્રશાસન રશિયામાં ફેલાઈ રહેલા આ સંભવિત રોગચાળા પર અત્યંત બારીકાઈથી નજર રાખી રહ્યું છે.
બીજી તરફ, આ મામલે રશિયાના સ્થાનિક તંત્રમાં જૂઠાણાં અને લીપાપોતીની રમત પણ શરૂ થઈ ચૂકી છે. મોંગોલિયા સરહદ નજીકના બુરિયાતિયા પ્રજાસત્તાકની આસપાસથી આ ચેપ આવ્યો હોવાના અહેવાલો વહેતા થતાં જ ત્યાંના વડા અલેક્સી ત્સીદેનોવે તરત જ હાથ અદ્ધર કરી લીધા અને દાવો કર્યો કે આ વૈજ્ઞાનિક ક્યારેય તેમના વિસ્તારમાં આવી જ નહોતી. સ્થાનિક અધિકારીઓ આ ઘાતક રોગને જાહેરમાં ન્યૂમોનિક પ્લેગ કહેવાને બદલે માત્ર ખતરનાક ચેપ તરીકે ખપાવવાનો મરણિયો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે રોગચાળાને છુપાવવાની આ શાસકીય વૃત્તિ હંમેશા વિનાશક સાબિત થઈ છે. જ્યારે વાયરસ કે બેક્ટેરિયા હવામાં વહેતા હોય ત્યારે નિવેદનોની ઢાલ કોઈ કામમાં આવતી નથી. લોકોના જીવ જોખમમાં મૂકીને પોતાની બેદરકારી છુપાવવાનો આ વહીવટી ખેલ અત્યંત શરમજનક અને અક્ષમ્ય છે.
વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો, પ્લેગ એ યર્સિનિયા પેસ્ટિસ નામના અત્યંત ઝેરી બેક્ટેરિયાથી ફેલાતો રોગ છે. પ્લેગના મુખ્ય ત્રણ સ્વરૂપો છે : બ્યુબોનિક, સેપ્ટિસેમિક અને ન્યુમોનિક. આ ત્રણેયમાં ન્યુમોનિક પ્લેગ એ પૃથ્વી પરનો સૌથી વિકરાળ, આક્રમક અને જીવલેણ અવતાર છે. સામાન્ય બ્યુબોનિક પ્લેગમાં દર્દીના લસિકા સૂજી જાય છે અને તે મોટે ભાગે ચાંચડના કરડવાથી ફેલાય છે, પરંતુ ન્યુમોનિક પ્લેગ સીધો માનવ ફેફસાં પર હુમલો કરે છે. આ રોગ હવામાં અત્યંત સૂક્ષ્મ કણો મારફતે ફેલાય છે. દર્દી માત્ર ખાંસી કે છીંક ખાય તો પણ તેની સામે ઊભેલી વ્યક્તિ આ જીવલેણ બેક્ટેરિયાનો શિકાર બની જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (ઉર્લ્લં) ના સત્તાવાર આંકડા અને ચેતવણીઓ સ્પષ્ટ કરે છે કે જો ન્યુમોનિક પ્લેગના દર્દીને લક્ષણો દેખાયાના પ્રથમ ૨૪ કલાકની અંદર અત્યંત શક્તિશાળી એન્ટિબાયોટિક્સ ન આપવામાં આવે, તો તેનો મૃત્યુદર લગભગ ૧૦૦ ટકા જેટલો રહે છે.
આ રોગનો આક્રમણ દર એટલો ઝડપી છે કે માનવ શરીરને રોગપ્રતિકારક શક્તિ ઊભી કરવાનો સહેજ પણ સમય મળતો નથી. ચેપ લાગ્યાના માત્ર ૧ થી ૩ દિવસમાં અચાનક ધ્રુજારી સાથે સખત તાવ, માથાનો ભયાનક દુખાવો, આખા શરીરમાં નબળાઈ, લોહીવાળી ઉધરસ અને શ્વાસ લેવામાં ભારે તકલીફ શરૂ થઈ જાય છે. ફેફસાંમાં ભરાયેલા પ્રવાહી અને બેક્ટેરિયાના ઝેરને કારણે માત્ર બે થી ચાર દિવસની અંદર શ્વસનતંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ જાય છે અને દર્દી તરફડીને દમ તોડી દે છે. હવામાં ઝડપથી પ્રસરવાની તેની અસાધારણ ક્ષમતાને કારણે જ તે સામાન્ય વસ્તીમાં સેકન્ડોમાં ફાટી નીકળી શકે છે અને ગણતરીના દિવસોમાં આખા શહેરોને સ્મશાનમાં ફેરવી શકે છે. આ જ કારણ છે કે પ્રયોગશાળામાં ટેસ્ટ ટયુબ તૂટવાની ઘટનાને માત્ર અકસ્માત નહીં, પરંતુ આખા પ્રદેશ પર તોળાતી જૈવિક આપત્તિ માનવામાં આવી રહી છે.
આ રોગનો ભયાનક અને જીવલેણ ઈતિહાસ છે. ૧૪મી સદીમાં યુરોપમાં ત્રાટકેલા આ જ પ્લેગને ઇતિહાસ 'ધ બ્લેક ડેથ' તરીકે ઓળખે છે. ઈ.સ. ૧૩૪૭માં જ્યારે તાતાર સેનાઓએ ક્રિમીઆ અને એશિયા માઇનોરના વેપારી બંદરો પર આ રોગ ફેલાવ્યો, ત્યારે યુરોપની લગભગ અડધી વસ્તી સાફ થઈ ગઈ હતી. લાખો-કરોડો લોકો કૂતરા-બિલાડાની જેમ શેરીઓમાં મરેલા પડયા હતા અને શબને અગ્નિદાહ કે દફનાવવા માટે પણ માણસો ખૂટી પડયા હતા. બાયઝેન્ટાઇન દરબારી ઇતિહાસકાર પ્રોકોપિયસ ઓફ સિઝેરિયાએ પોતાના ઐતિહાસિક ગ્રંથ 'હિસ્ટ્રી ઓફ ધ વોર્સ'માં આ રોગની ભયાનકતાનું વર્ણન કરતાં લખ્યું હતું કે, લોકો સવારે સામાન્ય હાલતમાં ઊઠતા, રસ્તા પર ચાલતા કે પોતાના રોજીંદા કામમાં વ્યસ્ત હોત, અને અચાનક તેમના શરીરમાં અજાણ્યો તાવ પ્રવેશતો.
શરીરમાં કોઈ સામાન્ય બળતરા કે ફેરફાર દેખાતો નહોતો, શરૂઆતમાં દર્દી કે તેની સારવાર કરનારા વૈદ્યને પણ ખતરાનો સહેજ પણ અનુભવ ન થતો, પરંતુ સાંજ પડતાં સુધીમાં તો તે અદ્રશ્ય ઝેર આખા શરીરને ભરખી જતું હતું. એ જ મધ્યકાલીન કાળો પડછાયો આજે ૨૧મી સદીના વૈજ્ઞાનિક યુગમાં પણ સજીવન થઈને ઊભો છે.
ઘણા લોકો એવી ભ્રમણામાં જીવે છે કે આધુનિક દવાઓ અને વિજ્ઞાનના યુગમાં પ્લેગ ભૂતકાળ બની ગયો છે, પરંતુ વાસ્તવિકતા અત્યંત ડરામણી અને કડવી છે. પ્લેગ પૃથ્વી પરથી ક્યારેય નાબૂદ થયો જ નથી અને વૈજ્ઞાનિક રીતે તેને જડમૂળથી નાબૂદ કરવો લગભગ અશક્ય છે. સાઇબિરીયાના વિશાળ બર્ફીલા જંગલો, મંગોલિયાના રણ પ્રદેશો અને મધ્ય એશિયાના પહાડોમાં આ યર્સિનિયા પેસ્ટિસ બેક્ટેરિયા કુદરતી રીતે જીવંત છે. જંગલી ખિસકોલીઓ, માર્મોટ્સ (ખાસ પ્રકારના જંગલી ઉંદરો) અને તેમના શરીર પર જીવતા ચાંચડોમાં આ ઝેરી જીવાણુ હજારો વર્ષોથી ટકી રહ્યા છે. જ્યારે પણ કોઈ માનવી આ જંગલી પ્રાણીઓના સીધા સંપર્કમાં આવે છે કે તેમનો શિકાર કરે છે, ત્યારે આ બેક્ટેરિયા પ્રાણીઓમાંથી માણસોમાં પહોંચી જાય છે. આ કુદરતી ચક્ર એટલું મજબૂત છે કે તેને ક્યારેય સંપૂર્ણપણે ખતમ કરી શકાતું નથી.
૧૯૯૦ પછી માણસોમાં પ્લેગના મોટાભાગના ચેપ આફ્રિકાના દેશોમાંથી આવ્યા હતા
વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા મુજબ ૨૦૧૯ થી ૨૦૨૫ દરમિયાન સમગ્ર વિશ્વમાં શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા પ્લેગના ૪,૦૦૦થી વધુ કેસો નોંધાયા છે, જેમાં રશિયાનો પણ સમાવેશ થાય છે.
વર્ષ ૧૯૯૦ પછી માનવીઓમાં પ્લેગના મોટાભાગના કેસો આફ્રિકાના દેશોમાંથી સામે આવ્યા હોવા છતાં, સાઇબિરીયા અને એશિયાઈ સરહદો પર તેનો સતત સળવળાટ રહ્યો છે. પરંતુ જ્યારે આ રોગ કુદરતી વાતાવરણમાંથી નીકળીને કોઈ માનવસર્જિત અતિસુરક્ષિત પ્રયોગશાળામાં બેદરકારીના કારણે વિસ્ફોટક રૂપ ધારણ કરે છે, ત્યારે સમગ્ર વિશ્વની ચિંતા બમણી થઈ જાય છે. લેબોરેટરીમાં ઉછેરવામાં આવતા પેથોજેન્સ કુદરતી બેક્ટેરિયા કરતાં અનેક ગણા વધુ એક્ટિવ અને જોખમી હોય છે, અને ત્યાં થયેલી નાની અમસ્તી ભૂલ પણ માનવજાત માટે વિનાશકારી સાબિત થઈ શકે છે. આ ઘટના માત્ર રશિયા માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે લાલબત્તી સમાન છે.
કોરોના મહામારીએ દુનિયાને બતાવી દીધું છે કે એક નાનકડો સૂક્ષ્મજીવ કેવી રીતે આખી વૈશ્વિક અર્થવ્યવસ્થા, આરોગ્ય વ્યવસ્થા અને અબજો લોકોના જીવનને ઠપ કરી શકે છે. જો ન્યુમોનિક પ્લેગ જેવો જીવાણુ કોઈ પણ રીતે લેબમાંથી બહાર નીકળીને સામાન્ય વસ્તીમાં પ્રવેશી જાય, તો તેની વિનાશકતાની કલ્પના કરવી પણ અશક્ય છે. જૈવિક સુરક્ષા પ્રોટોકોલ માત્ર કાગળ પરના નિયમો નથી, તે માનવજાતના અસ્તિત્વની રક્ષા કરતી અંતિમ દીવાલ છે. સાઇબિરીયાની આ લેબમાં જે બન્યું તે એક અક્ષમ્ય ચેતવણી છે કે જો વિજ્ઞાન પોતાની સુરક્ષા સરહદોનું ઉલ્લંઘન કરશે, તો પ્રકૃતિ અને ઇતિહાસ ફરી એકવાર માનવજાતને એવા નર્કમાં ધકેલી દેશે જ્યાંથી પાછા ફરવું અશક્ય બની જશે. હવે સમય માત્ર નિવેદનો આપવાનો કે રાજદ્વારી મૂલ્યાંકન કરવાનો નથી, પરંતુ આવી જૈવિક પ્રયોગશાળાઓ પર કડક આંતરરાષ્ટ્રીય અંકુશ લાદીને માનવજાતને વધુ એક સંભવિત 'બ્લેક ડેથ'ના મોંમાં ધકેલાતી બચાવવાનો છે.




