વેદોનું જ્ઞાન, ટેક્નોલોજીનું ભાન જેન-ઝીને કરાવાશે તો વિકાસ થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ચીન રોકેટ ગતિથી વિકાસ કરી રહ્યું છે
- ચીન દ્વારા તાજેતરમાં પોતાના પૂર્વ કિનારે આવેલા સમુદ્રમાં એક વિશાળ જહાજમાંથી કોમર્શિયલ ગ્રેવિટી-૧ નામના રોકેટનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેના આ પરીક્ષણ સાથે જ સ્પેસરેસમાં એક નવું પાસું ઉમેરાયું હોવાની વૈશ્વિક ચર્ચાએ જન્મ લીધો છે : ભારત મોટો અને મજબૂત દેશ છે પણ તેની પાસે વૈશ્વિક આગેવાની માટેનું હજી સબળ પાસું અને વિઝનરી નેતૃત્વ નથી તેવું ચર્ચાઈ રહ્યું છે. હકિકતે હાલમાં ભારત પાસે નેતૃત્વ છે, યુવાધન છે, ટેક્નોલોજી વિકસી રહી છે પણ આ બધાને એકસૂત્રે સાંકળે તેવી કોઈ સિસ્ટમ નથી : ભારતના સનાતની ગ્રંથો-વેદો, ઉપનિષદો અને આરણ્યકો-માત્ર ધાર્મિક ઉપદેશો નથી, પણ વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, ગણિત, આયુર્વેદ, ભૌતિકશાસ્ત્ર અને ધાતુશાસ્ત્રનો અગાધ ભંડાર છે.
ચીન દ્વારા તાજેતરમાં પોતાના પૂર્વ કિનારે આવેલા સમુદ્રમાં એક વિશાળ જહાજમાંથી કોમર્શિયલ ગ્રેવિટી-૧ નામના રોકેટનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેના આ પરીક્ષણ સાથે જ સ્પેસરેસમાં એક નવું પાસું ઉમેરાયું હોવાની વૈશ્વિક ચર્ચાએ જન્મ લીધો છે. ચીન હવે જમીનના બદલે દરિયામાંથી કોઈપણ જગ્યાએથી અવકાશમાં રોકેટ છોડી શકે છે, સેટેલાઈટ લોન્ચ કરી શકે છે તેવું આ પ્રયોગ દ્વારા સિદ્ધ થયું છે.
આ ઉપરાંત ચીને તાજેતરમાં જ પોતાનો સૂરજ બનાવવાની દિશામાં પણ એક સફળ પરિક્ષણ કર્યું છે, જેમાં તેણે પોતાના આર્ટિફિશિયલ સન પ્રોજેક્ટ માટે ૫૮૨ ટનના દુનિયાના સૌથી મોટા સુપર કન્ડક્ટિંગ મેગ્નેટ અને સેન્ટ્રલ સોલનોઈડ કોઈલનું પરિક્ષણ કર્યું હતું. આ સાથે જ ટેક્નોલોજીમાં ચીનના દબદબાની ફરી એક વખત વૈશ્વિક ચર્ચા જોર પકડી રહી છે. એશિયાના દેશોની વાત કરીએ તો બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, પાકિસ્તાન અને ભારતમાં જેનઝી આંદોલનો થયા. સાઉથ એશિયાની વાત આવે ત્યારે ચીનને મજબૂત દેશ માનવામાં આવે છે અને હવે તો વૈશ્વિક સ્તરે પણ આ વાતને કોઈ અવગણી શકે તેમ નથી.
બીજી તરફ ભારત મોટો અને મજબૂત દેશ છે પણ તેની પાસે વૈશ્વિક આગેવાની માટેનું હજી સબળ પાસું અને વિઝનરી નેતૃત્વ નથી તેવું ચર્ચાઈ રહ્યું છે. હકિકતે હાલમાં ભારત પાસે નેતૃત્વ છે, યુવાધન છે, ટેક્નોલોજી વિકસી રહી છે પણ આ બધાને એકસૂત્રે સાંકળે તેવી કોઈ સિસ્ટમ નથી. ભારતની પાસે હાલમાં સાચા અર્થમાં વિશ્વગુરુ બનવાનો અવસર છે પણ તે દિશામાં હજી જોઈએ તેવું સક્રિય રીતે કામ થતું નથી.
૨૧મી સદી એ ટેક્નોલોજી, અર્થતંત્ર અને ભૌગોલિક-રાજનૈતિક પ્રભાવની સદી છે. આજે વિશ્વ જ્યારે ઝડપથી બદલાઈ રહ્યું છે, ત્યારે વૈશ્વિક મહાસત્તા બનવાની દોડમાં વિવિધ રાષ્ટ્રો પોતપોતાની શક્તિઓ અજમાવી રહ્યા છે. આ દોડમાં આપણો પાડોશી દેશ ચીન આર્થિક અને ટેક્નોલોજી ક્ષેત્રે વિશાળ કદ સાથે આગળ વધી રહ્યો છે. પરંતુ, ભારત અને ચીનની આ તુલના માત્ર ફેક્ટરીઓના ઉત્પાદન કે જિડીપીના આંકડા પૂરતી સીમિત નથી. ભારત પાસે એક એવી અજોડ ક્ષમતા છે જે વિશ્વના અન્ય કોઈ દેશ પાસે નથી, અનાદિકાળનું શ્રેષ્ઠ જ્ઞાન અને વિશ્વની સૌથી યુવાન વસતી. ભારતે જો ખરેખર વૈશ્વિક નેતૃત્વ મેળવવું હોય અને ચીન જેવા દેશો સામે વિજયી બનવું હોય, તો તેણે પોતાની પ્રાચીન વૈદિક વિરાસતને આધુનિક ટેક્નોલોજી સાથે જોડીને પોતાની 'જેનઝી'ને એક નવી દિશા આપવી પડશે.
ઉલ્લેખનીય છે કે, એક સમય હતો જ્યારે વિશ્વ જ્ઞાન, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા માટે ભારત તરફ જોતું હતું. ભારત માત્ર ભૌતિક સંપત્તિથી સમૃદ્ધ નહોતું, પરંતુ બૌદ્ધિક અને વૈજ્ઞાનિક ક્ષેત્રે પણ સમગ્ર દુનિયાનું સંચાલન કરતું હતું. દુનિયાભરના પ્રવાસીઓ ભારતની મુલાકાતે આવતા હતા. ભારતના સનાતની ગ્રંથો-વેદો, ઉપનિષદો અને આરણ્યકો-માત્ર ધાર્મિક ઉપદેશો નથી, પણ વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, ગણિત, આયુર્વેદ, ભૌતિકશાસ્ત્ર અને ધાતુશાસ્ત્રનો અગાધ ભંડાર છે. શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, પાઈનું મૂલ્ય, અને પૃથ્વી તથા સૂર્ય વચ્ચેનું અંતર ભારતીય ઋષિઓ અને ગણિતશાસ્ત્રીઓએ આધુનિક વિજ્ઞાનના જન્મ પહેલાં જ શોધી કાઢયું હતું.
આયુર્વેદ અને યોગ આજે સમગ્ર વિશ્વ સ્વીકારી રહ્યું છે, જે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ઉત્કૃષ્ટ ગણાય છે. ભારતમાં યુગોથી આ બંને પદ્ધતિ અપનાવાયેલી અને સમાજમાં સમાયેલી રહી છે. આપણું દુર્ભાગ્ય એ રહ્યું કે સમય જતાં વૈદેશિક આક્રમણો અને ગુલામીના કારણે આપણે આ વિરાસતને ભૂલી ગયા. આપણે આપણી જ શ્રેષ્ઠતા પર શંકા કરવા લાગ્યા. પરંતુ, આજે સમય પાછો ફર્યો છે. જે જ્ઞાન આપણા ગ્રંથોમાં છે, તે આજના આધુનિક વિજ્ઞાન કરતાં જોજનો આગળ છે. ભારતીય ઋષિપરંપરાએ આપેલા ગ્રંથો અને માહિતી આજના સમયમાં પણ સાપેક્ષ છે અને કદાચ તેનાથી પણ આગળ છે. જાણકારોના મતે, ચીને છેલ્લાં ચાર દાયકામાં મેન્યફેક્ચરિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. તેમણે ટેક્નોલોજી વિકસાવીને સમગ્ર વિશ્વના બજારો પર કબજો કર્યો છે. પરંતુ, ચીનની આ પ્રગતિ મોટે ભાગે કેન્દ્રીય સત્તા, ભૌતિકવાદ અને નિયંત્રણ પર આધારિત છે. તેની સામે ભારત પાસે શક્તિ છે. ભારત પાસે લોકશાહી અને સ્વતંત્રતા છે જે સર્જનાત્મકતા અને નવા વિચારોને જન્મ આપે છે. ચીન ભલે ગમે તેટલી ભૌતિક કે ટેકનોલોજીકલ પ્રગતિ કરી લે, જો ભારત તેની યુવા શક્તિને યોગ્ય દિશા આપે, તો ભારત ચીન સહિત તમામ દેશોને પાછળ છોડી શકે છે. ચીન પાસે મશીનો હોઈ શકે છે, પણ ભારત પાસે મશીન અને માનવતા બંનેનો આદર્શ સમન્વય કરવાની ક્ષમતા છે.
મહત્ત્વની વાત એ છે કે, હાલમાં ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ છે. ભારતની વસતીનો એક મોટો હિસ્સો 'જેનઝી'નો છે. આ પેઢીની કેટલીક ખાસિયતો છે. આ પેઢી જન્મથી જ ઈન્ટરનેટ, સ્માર્ટફોન અને ડિજિટલ દુનિયા સાથે ઉછરી છે. તેઓ નવી ટેક્નોલોજી ઝડપથી શીખી શકે છે. તેઓ વૈશ્વિક સ્તરે શું થઈ રહ્યું છે તેનાથી માહિતગાર છે. પરંતુ, આ યુવા ધનને જો યોગ્ય માર્ગદર્શન ન મળે, તો તે તેમની ઊર્જા વેડફાઈ જવાની શક્યતા રહે છે. તાજેતરમાં દિલ્હી ખાતે આપણે તેનું ઉદાહરણ જોયું જ છે. એક તરફ તેમની તાકાતને પગલે સરકારે કેટલાક નિર્ણયો લેવા પડયા. બીજી તરફ આ જ પેઢીએ પોતાના દેશ વિરોધી, પીએમ વિરોધી અને ધર્મ તથા દેવતાઓ વિરોધી બિભત્સ વાતો કરી, સૂત્રોચ્ચાર કર્યા, રીલ્સ બનાવી. આ પેઢી પાસે જુસ્સો છે પણ તેને કાબુ કરનાર કે કરાવનાર હજી કોઈ નથી. તેથી જ, ભારતે 'જેનઝી આર્મી' સજ્જ કરવાની જરૂર છે. આ સૈન્ય સમાજના દરેક ક્ષેત્રમાં જેમ કે, ટેક્નોલોજી, સંશોધન, વ્યાપાર, શિક્ષણ, અને કળામાં આગળ આવીને નેતૃત્વ કરવા માટેનું છે.
સમજવા જેવી વાત એ છે કે, ચીનનો ઉદ્દેશ્ય માત્ર વિશ્વનું કારખાનું બનવાનો છે, જ્યારે ભારતનો ઉદ્દેશ્ય સાચા અર્થમાં વિશ્વગુરુ બનવાનો હોવો જોઈએ. વૈશ્વિક નેતા એ નથી જે માત્ર આર્થિક કે સૈન્ય શક્તિથી અન્ય દેશોને ડરાવે, પરંતુ એ છે જે સમગ્ર માનવજાતને સાચો માર્ગ બતાવે. આજે વિશ્વ પર્યાવરણ સંકટ, માનસિક તણાવ, અને યુદ્ધોથી ઘેરાયેલું છે. ભારત પાસે વેદોનું પૃથ્વી સૂક્ત છે જે પર્યાવરણ રક્ષણ શીખવે છે, અને 'શાંતિ પાઠ' છે જે વૈશ્વિક શાંતિનો સંદેશ આપે છે. જો ભારતની જેનઝી એક હાથમાં આધુનિક લેપટોપ/ટેક્નોલોજી અને બીજા હાથમાં ઉપનિષદોનું જ્ઞાન રાખીને આગળ વધશે, તો વિશ્વ પાસે ભારતનું અનુસરણ કરવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે.
ભારત માટે ચીન કે અન્ય કોઈ દેશને પછાડવો જરાય મુશ્કેલ નથી, કારણ કે આપણી પાસે ઈતિહાસનો સૌથી મોટો માનવ સંસાધનનો ભંડાર છે. હવે માત્ર જરૂર છે તો એક સ્પષ્ટ વિઝન અને અમલીકરણની. આપણે આપણી નવી પેઢીને હીનભાવનામાંથી બહાર કાઢીને આપણી વિરાસત પ્રત્યે ગૌરવ અંકુરિત કરવું પડશે. જ્યારે જેનઝી પોતાની ઓળખ જાણશે અને તેને આધુનિક કૌશલ્યો સાથે જોડશે, ત્યારે ભારતને 'વિશ્વગુરુ' બનતા કોઈ રોકી શકશે નહીં. ભારતનો આ નવો ઉદય માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે એક નવો યુગ લાવશે.
વેદ અને વેબનો સમન્વય કરીને નવી પેઢીને સજ્જ કરવી પડશે
આપણે નવી પેઢીને માત્ર આધુનિક ટેક્નોલોજી નથી શીખવવાની અને માત્ર જૂના ગ્રંથોને પરાણે જાણવા કે અભ્યાસ કરવા માટે દબાણ પણ કરવાનું નથી. આપણે હવે નવો માર્ગ અપનાવવાનો છે જેમાં 'વેદ અને વેબ'નો સમન્વય થાય છે. આ સમન્વય દ્વારા જ નવીનતા, નૈતિકતા અને સ્થિર વિકાસ શક્ય બનશે.
ઉલ્લેખનીય છે કે, આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના કારણે જેનઝીમાં માનસિક તણાવ, એકલતા અને ધ્યાનનો અભાવ જેવા પ્રશ્નો જોવા મળે છે.
ઉપનિષદો અને ભગવદ્ ગીતાનું જ્ઞાન તેમને આંતરિક સ્થિરતા, વિવેક અને માનસિક મજબૂતી આપશે. આ ઉપરાંત વૈદિક ગણિત, ન્યાય દર્શન અને તર્કશાસ્ત્ર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડેટા સાયન્સના પાયાના સિદ્ધાંતો સાથે ખૂબ મેળ ખાય છે.
જો જેનઝી આ સિદ્ધાંતોને સમજીને કોડિંગ કે AI મોડેલ્સ બનાવશે, તો તે માત્ર ટેકનિકલ નહીં પરંતુ અનોખા ઈનોવેશન હશે.
ભારતે જેનઝીને વૈશ્વિક સ્તરે તૈયાર કરવા માટે વ્યાપક ફેરફાર કરવા પડશે. સૌથી પહેલાં તો શાળા અને કોલેજોમાં આધુનિક STEM (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ) શિક્ષણની સાથે IKS (ભારતીય જ્ઞાન પરંપરા)નો વ્યવહારિક સમાવેશ કરવો પડશે. તે ઉપરાંત સંસ્કૃત ભાષાને કોડિંગ અને પ્રોગ્રામિંગના દ્રષ્ટિકોણથી પ્રોત્સાહન આપવું, કારણ કે સંસ્કૃતને કમ્પ્યુટર અલ્ગોરિધમ માટે સૌથી સુસંગત ભાષા માનવામાં આવે છે. આ સાથે ભારતે સંશોધન ક્ષેત્રે બજેટ વધારવું પડશે. જેનઝી યુવાનોને આયુર્વેદિક ન્યુટ્રાસ્યુટિકલ્સ, વૈદિક સ્થાપત્ય આધારિત ગ્રીન બિલ્ડિંગ્સ, અને ઈકો-ફ્રેન્ડલી ટેક્નોલોજી પર કામ કરવા માટે ગ્રાન્ટ્સ અને સ્ટાર્ટઅપ ફંડ આપવું જોઈએ.
સૌથી મહત્ત્વની વાત સમાજના દરેક ક્ષેત્રમાં યુવાનોનું નેતૃત્વ ઊભું કરવું. પછી તે સ્પેસ ટેક્નોલોજી હોય, ફિનટેક હોય કે પછી બાયોટેક્નોલોજી તમામ સ્તરે તેમને પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરા પાડવા પડશે.




