For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ખેલનો નશો અને નશાનો ખેલઃ બૂરા ન માનો ઑલિમ્પિક હૈ!

Updated: Aug 1st, 2021

Article Content Image

- ટોક્યો ઑલિમ્પિકમાં 10થી 40 ટકા ખેલાડી ડ્રગ લઈ રહ્યા હોવાનો અંદાજઃ 10માંથી માત્ર એક જ પકડાય છે

- ડ્રગનો નશો ન પકડાય એના માટેનું પણ ડ્રગ છે બોલો, તેનું નામ છે બ્યુરેટિક્સઃ 1970 થી 2000નો સમયગાળો નશાખોર ખેલાડીઓ માટે સુવર્ણયુગ હતો, સૌથી વધારે ચીટિંગ જો કોઈ ક્ષેત્રમાં થતી હોય તો તે સ્પોર્ટ્સ છે, એટલે મેડલ ન મળે તો બહુુ દુઃખ ન લગાડવું

૧૯૮૪ પછી પહેલી વખત રશિયાએ ઓલિમ્પિક રમતોનો બહિષ્કાર કર્યો છે. રશિયન ખેલાડીઓ ઓલિમ્પિક રમી રહ્યા છે અને ગોલ્ડમેડલ પણ મેળવી રહ્યા છે પરંતુ દેશના ઝંડા તળે નહીં, વ્યક્તિગતરૂપે.  વિશ્વનું સૌથી મોટું ડોપિંગ કૌભાંડ બહાર આવ્યા પછી રશિયાની નેશનલ ટીમ પ્રતિબંધિત છે.

સાલ ૨૦૧૧થી ૨૦૧૫ દરમિયાન રશિયાએ સેંકડો ખેલાડીઓને પદ્ધતિસર રીતે ડ્રગ્સનો નશો કરાવેલો. વર્લ્ડ ડોપિંગ એજન્સી (વાડા) દ્વારા કરવામાં આવતાં એન્ટીડોપિંગ ટેસ્ટમાં ઘાલમેલ કરવા જાસૂસોને કામે લગાડેલા.

રશિયા પર લાગેલો ચાર વર્ષનો પ્રતિબંધ ગયા વર્ષે અદાલતે ટૂંકાવીને બે વર્ષનો કરી નાખ્યો હતો જે ૨૦૨૨માં પૂરો થશે. ટોક્યો ઑલિમ્પિકમાં ૧૦થી ૪૦ ટકા ખેલાડીઓ ચીટિંગ કરી રહ્યા હોવાનો અંદાજ છે.

રશિયાને સજા થયા પછી ઓલિમ્પિકમાં ડોપિંગ ઘટી ગયું છે કે બંધ થઈ ગયું છે તેવું માનવું ભૂલભરેલું છે. જગતમાં સૌથી વધુ છેતરપિંડી કે સર્વાધિક ભ્રષ્ટાચાર જો ક્યાંય થતો હોય તો તે સ્પોર્ટ્સ છે. ડોપિંગ ટેસ્ટ વધારે ચોકસાઈભર્યો બન્યો છે તો તેમાંથી છટકવાની પણ નવી-નવી ટ્રીક વિકસી ચૂકી છે.

નવા ડ્રગ્સ, નવી ચાલબાજી અને ભ્રષ્ટાચાર ખેલાડીઓને ડોપિંગ ટેસ્ટથી બચાવી શકે છે.  ખેલાડીઓ નશો કરે તે પછી તેમનું બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે, મસલ્સ વધારે તંગ  બને છે અને તેઓ બીજા ખેલાડીઓની તુલનાએ વધુ સારું પર્ફોમન્સ કરી શકે છે.

૨૦૧૬માં બ્રાઝિલ ખાતે યોજાયેલી ઓલિમ્પિકમાં ૧૦૦ મીટર ફ્રી સ્ટાઈલમાં ગોલ્ડમેડલ મેળવનાર ઓસ્ટ્રેલિયન તરણવીર કહે છે કે મારી સાથે સ્પર્ધામાં રહેલા ૫૦ ટકા કરતાં વધુ તરવૈયાઓ પર મને જરાય વિશ્વાસ હોતો નથી.

સ્પોર્ટસવેર કંપની નાઈકે ટોચના દોડવીરોને ટ્રેનિંગ આપવા માટે ઓરેગોનમાં એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. ૨૦૧૯માં તેના હેડ કોચ અર્લ્બટો સેલેઝા ડ્રગ્સ લેતા પકડાઈ ગયા હતા. તેમના પર ચાર વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને આ પ્રોજેકટની વગોવણી થતા તે બંધ કરવો પડયો. 

ધ  એથ્લેટિક્સ ઈન્ટીગ્રીટી યુનિટ જણાવે છે કે એન્ટીડોપિંગ ટેસ્ટમાં પોઝિટિવ આવવાના કારણે કેન્યાના  ૬૮ ખેલાડી પ્રતિબંધિત છે, જેમાં ઓલિમ્પિક મેડલિસ્ટ અને વિશ્વવિક્રમ સર્જક વિલિયમ કીપસાંગનો પણ સમાવેશ થાય છે.

બીજા પણ અનેક ચેમ્પિયનને ડ્રગ્સને કારણે ઓલિમ્પિક રમતોથી બહાર રખાયા છે. ચાઈનીઝ સ્વીમર સુનીયાંગ, અમેરિકન હર્ડલર બ્રિયાના રોલિંલ્સ  મેકલિનનો સમાવેશ થાય છે. 

માત્ર એથ્લેટિસને  જ નહીં અન્ય સ્ટાફને પણ સજા અપાઈ છે. જેમ કે ૨૦૧૨માં વિજેતા બનેલી બ્રિટનની ઓલિમ્પિક સાયક્લિંગના તબીબ રિચાર્ડ ફ્રીમેનને. દુનિયામાં કુલ જેટલા ડોપિંગ ટેસ્ટ થયા તેમાં સૌથી વધારે પોઝિટિવ રશિયામાં આવ્યા છે, ૭.૬ ટકા. ૬.૯ ટકા સાથે ઇટલી બીજા નંબરે છે. ફ્રાન્સ ૬.૦ ટકા સાથે ત્રીજા ક્રમે, પ.૬ ટકા સાથે ૪થા ક્રમે  ભારત અને યુક્રેનમાં ૪.૧ ટકા ડોપિંગ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. 

જે રમતોમાં ડોપિંગ ટેસ્ટ સૌથી વધુ પોઝિટિવ આવતા હોય તેમાં બોડીબિલ્ડિંગ ૧૩.૭ ટકા સાથે પહેલાં નંબર પર છે, સાયક્લિંગ ૧૧.૬ ટકા સાથે બીજા ક્રમે, એથ્લેટિક્સ ૧૦.૧ ટકા સાથે ત્રીજા નંબર પર, વેઈટલિફટિંગ ૮.૨ ટકા સાથે ચોથા ક્રમે અને પાવર લિફટિંગ ૬.૬ ટકા સાથે પાંચમા ક્રમે છે. આ આંકડા વર્લ્ડ એન્ટીડોપિંગ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલા છે. 

૨૦૧૮માં વાડા સંલગ્ન લેબોરેટરીઓમાં ૨,૬૩,૫૧૯ બ્લડ અને યુરિન સેમ્પલનું પરિક્ષણ કરવામાં આવેલું. તેમાંથી ૦.૬ ટકા ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતાં. આ માત્ર આઈસબર્ગ છે. ન પકડાતા નશેડી ખેલાડીઓની સંખ્યા આના કરતાં ૧૦ગણી વધારે છે. વાડાના વડા રહી ચૂકેલા ડેવિડ હોમેન જણાવે છે કે, ૯૦ ટકા રમતવીરો ડોપિંગથી બચી જાય છે.

૨૦૧૧માં પ્રસિદ્ધ થયેલા બ્લડ ડોપિંગ રિસર્ચ પેપરમાં જણાવાયેલું કે ૧૪ ટકા ખેલાડીઓ એવા હોય છે જે પરિક્ષણમાં પકડાતા નથી. ૨૦૧૮માં એક બીજો સર્વે થયેલો, જેમાં ૨ હજાર ખેલાડીઓને ડોપિંગ વિશે મૈત્રીભાવે પૂછવામાં આવ્યું હતું.

તેમને વચન અપાયું હતું કે તેમની ઓળખ ગુપ્ત રખાશે. આ સર્વેમાં ૪૩.૬ ટકા ખેલાડીઓએ કબૂલ્યું હતું કે તેઓ ભૂતકાળમાં ડ્રગ્સ લઈ ચૂક્યા છે. એક અંદાજ પ્રમાણે ટોક્યિો ઓલિમ્પિકમાં ૪૮૦૦ ખેલાડી નશો કરીને રમતમાં ભાગ લઈ રહ્યા છે. 

ડ્રગ લેનારા ખેલાડીની ક્ષમતા એટલી વધી જાય છે કે તે ન લેનાર ખેલાડી કોઈ કાળે સ્પર્ધા કરી શકતા નથી. વાડાએ અનેક પ્રકારના દ્રવ્યો પર પ્રતિબંધ મૂકેલો છે. તેમાંથી કેટલાક વિશે જાણવા જેવું છે. આઈજીએફ-૧ એલઆર-૩ અને એઓડી-૯૬.૨ આ બંને દ્રવ્યો સ્નાયુનું કદ વધારવા માટે લેવાય છે.

એમ્ફેટેમીન્સનો ઉપયોગ ઉત્તેજના વધારવા માટે થાય છે. ડ્રગ્સ લીધુ હોવા છતાં ડોપિંગ ટેસ્ટમાં ન પકડાય તે માટે કેટલાક ખેલાડીઓ બ્યુરેટિક્સ નામના દ્રવ્યનું સેવન કરે છે. ડ્રગ્સનો નશો ન પકડાય તે માટેનું ડ્રગ્સ! કમાલ છે ને!

મોટાભાગના ડ્રગ્સ એવા છે જે પર્ફોમન્સ વધારતા હોવાની કેવળ માન્યતા છે. તેની ખરાઈ કરતાં વૈજ્ઞાનિક અભ્યાસોનો અભાવ છે. કેટલાક ડ્રગ્સ એવા જરૂર છે જે ખેલાડીઓને ખરેખર ફાયદો પહોંચાડે છે, તેમની ક્ષમતા વધારી દે છે. કેટલાક ડ્રગ્સ એનેબોલીક એન્ડ્રોજેનિક સ્ટિરોઈડ છે, જે પુરુષ હોર્મોન ટેસ્ટોરેનના પિતરાઈ કહેવાય છે.

આવા સ્ટિરોઈડ્ઝ ખેલાડીઓના મસલ્સની સાઈઝ વધારી દે છે. કસરત બાદ જલદી રિકવરી આપે છે. પરિણામે ખેલાડીઓ વધારે આકરી તાલિમ લેવા સક્ષમ બને છે.

૧૯૯૭માં ક્લિનિકલ કેમિસ્ટ્રી શીર્ષકથી એક રીસર્ચ પેપર પ્રસિદ્ધ થયું હતું. તેમાં જણાવાયું હતું કે ટર્નિયાબોલ નામનું દ્રવ્ય ૧૧ અઠવાડિયા સુધી લેવાથી ખેલાડીની ક્ષમતામાં ૧/૬૮નો વધારો થયો હતો.

પહેલાં, બીજા અને ત્રીજા ખેલાડી વચ્ચેનું અંતર અત્યંત ઓછું હોવાથી ક્ષમતામાં આટલો ઓછો વધારો પણ ફાયદાકારક નિવડે છે. ખેલાડીઓને પ્રથમ આવવા અને વર્લ્ડ રેકોર્ડ સર્જવા સક્ષમ બનાવી દે છે. 

એનેબોલિક સ્ટિરોઈડ પછી સર્વાધિક પ્રચલિત ડ્રગ ઈપીઓ છે. તે શરીરમાં રક્તકણોનું પ્રમાણ વધારી દે છે. ૮૦ના દસકમાં એનિમિયાની સારવાર માટે તેનો વિકાસ કરવામાં આવ્યો હતો.

રક્તકણોનું કામ શરીરને ઓક્સિજન પહોંચાડવાનું છે. શરીરમાં રક્તકણ વધી જાય તો ઓક્સિજનનું લેવલ પણ વધી જાય છે અને ખેલાડીને બહેતર પરફોર્મર બનાવી દે છે.

અભ્યાસમાં બહાર આવ્યું છે કે ઈપીઓ સામાન્ય કિસ્સામાં શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ૧૨ ટકા વધારી દે છે તથા કસરત કરીને સખત થાકી ગયેલો ખેલાડી જો ઈપીઓનું સેવન કરે તો તેના શરીરમાં ઓક્સિજન લેવલમાં ૫૪ ટકાનો વધારો થાય છે. માત્ર ૫ ટકાનો વધારો પણ ખેલાડી માટે ફાયદાકારક નીવડે છે, તો ૧૨ ટકા અને ૫૪ ટકા તો બહુ મોટી વાત છે. 

૧૯૭૦થી સાલ ૨૦૦૦ સુધીનો સમય ગાળો ડોપિંગનો હીરોઈક યુગ ગણાય છે. એ સમયે સક્ષમ પરીક્ષણનો અભાવ હોવાથી ખેલાડીઓ છૂટથી નશો કરતાં અને આબાદ બચી જતાં. એ સમયમાં કેટલાક એવા વિક્રમ પણ સર્જાયેલા જે આજ સુધી તૂટી શક્યા નથી. વર્લ્ડ રેકોર્ડ સર્જનાર દરેક ખેલાડી નશાખોર હોય છે એવું જરૂરી નથી પરંતુ કેટલાક વિક્રમ આશ્ચર્ય પ્રેરે છે. 

૧૯૯૮માં દોડ વિરાંગના ફ્લોરેન્સ ગ્રીફીથ જોઈનરે ૧૦૦ મીટર દોડ ૧૦.૪૯ સેકન્ડમાં પૂરી કરીને સર્જેલો વિક્રમ આજસુધી અતૂટ છે. ત્રણ દશકમાં બીજી કોઈ એવી વિરાંગના આવી નથી જે આ વિક્રમ તોડી શકે. કેટલાક નિષ્ણાતોને એવી આશંકા છે કે ફ્લોરેન્સે ડ્રગ્સની મદદથી વિક્રમ રચ્યો છે.

અત્યારે વિશ્વમાં સૌથી વધુ ઝડપે દોડનારી વિરાંગના શેલીઆન ફ્રેઝરપ્રાઈસ છે. જમૈકાની આ માનુનીએ ૧૦૦ મીટર દોડ ૧૦.૬૩ સેકન્ડમાં પૂરી કરી છે અને એ પણ સ્પેશ્યલ હાઈટેક જૂતાની મદદથી. વિશ્વમાં સૌથી ઝડપથી આરોહણ કરનારા ૧૦ આરોહકોમાંથી માત્ર  એક જ આરોહક મિગલઈન્ડુરિયનની કારકિર્દી બેદાગ છે. બાકીના નવનો ક્યારેક ને ક્યારેક ટેસ્ટ પોઝિટિવ આવી ચૂક્યો છે.

ગમે તેટલા કડક નિયમો આવે તો પણ સ્ટિરોઈડનું ચલણ અટકવાનું નથી. નશેડીઓ કોઈ ને કોઈ રસ્તો શોધી લેવાના. આટલી જાણકારી પરથી સ્પષ્ટ થાય છે કે ૧થી ૩માં ન આવી શકતાં પ્રમાણિક ખેલાડીઓએ તેમનું મોરાલ ડાઉન કરવું જોઈએ નહીં અને રમતના ચાહક તરીકે આપણું તેમના પ્રત્યેનું માન ઓછું થવું જોઈએ નહીં. 

ગાંજા પરથી પ્રતિબંધ ઉઠાવી લેવાની ઊઠી રહી છે માગ

અમેરિકાની સુપરફાસ્ટ દોડ વીરાંગના કેરી રીચર્ડ્સને ટોક્યો ઑલિમ્પિકમાં જવા દેવાઈ નથી. વાંક એ કે તેણે ગાંજાનો નશો કરેલો. તે ઈતિહાસની છઠ્ઠા ક્રમની સૌથી ઝડપથી દોડતી એથ્લીટ છે. ક્વૉલિફાઇંગ મેચ દરમિયાન તેણે ગાંજાનું સેવન કરેલું. 

એન્ટિ ડોપિંગ એજન્સીના પરીક્ષણમાં તે બહાર આવતા તેના પર એક મહિનાનો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. તેના સમર્થકો દલીલ કરી રહ્યા છે કે, અમેરિકાના અનેક પ્રાંતોમાં ગાંજો કાયદેસર છે. 

તો પછી ઑલિમ્પિકમાં તેના પર પ્રતિબંધ શા માટે? બીજું, ગાંજો પીવાથી ખેલાડીની ક્ષમતા વધી જાય છે એવું કોઈ વૈજ્ઞાાનિક સંશોધન નથી. તો પછી ગાંજો શા માટે પ્રતિબંધિત છે?

વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સીએ સ્પોર્ટ્સ મેડિસિન જર્નલમાં ૨૦૧૧માં એક લેખ પ્રકાશિત કર્યો હતો. તેમાં જણાવાયું હતું કે ગાંજો સ્ટ્રેસ ઘટાડે છે. તેના નશામાં ખેલાડી દબાણ વચ્ચે પણ સારું પરફોર્મ કરી શકે છે. કોઈ ખેલાડીને આવો એડવાન્ટેજ ન મળે એટલા માટે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે.

જોકે ઑલિમ્પિકમાં ગાંજા પરથી પ્રતિબંધ હટાવી દેવાની માગણી પણ વધતી જાય છે. કાલે શું થશે એ કોને ખબર?

Gujarat