mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

પાકિસ્તાન ધમકી ભલે આપે, અફઘાનિસ્તાન સામે યુધ્ધ નહીં કરે

Updated: Jun 30th, 2024

પાકિસ્તાન ધમકી ભલે આપે, અફઘાનિસ્તાન સામે યુધ્ધ નહીં કરે 1 - image


- એક સમયે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સુંવાળા સંબંધ હતા પણ તાલિબાન ફરી સત્તામાં આવ્યા પછી બંનેના સંબંધો કથળ્યા છે

- પાકિસ્તાન અફઘાનિસ્તાન સાથે ફુલ ફ્લેજ્ડ વોર નથી ઈચ્છતું કેમ કે યુધ્ધ લડવા જાય તો તેના માટે દુકાળમાં અધિક માસ જેવી હાલત થઈ જાય. ચોતરફથી આર્થિક ભીંસમાં મૂકાયેલા પાકિસ્તાનને યુધ્ધનો ખર્ચ પરવડે તેમ નથી. આ સંજોગોમાં પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં પ્રોક્સી વોર શરૂ કરી શકે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે અહમદ મસૂદની આગેવાનીમાં નેશવલ રેઝિસ્ટન્સ ફ્રન્ટ ઓફ અફઘાનિસ્તાન રચાયેલો જ છે. પાકિસ્તાન આ સંગઠનને મદદ કરીને તાલિબાનને ઉથલાવવા માટે પ્રોક્સી વોર શરૂ કરી શકે.

વિશ્વમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આતંકવાદને પોષનારા બે સૌથી મોટા દેશ છે. એક સમયે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના તાલિબાન વચ્ચે સુંવાળા સંબંધો હતા પણ તાલિબાન ફરી સત્તામાં આવ્યા પછી બંનેના સંબંધો બગડયા છે અને હવે પાછા બંને દેશ સામસામે આવી ગયા છે.  

અફઘાનિસ્તાનના શાસક તાલિબાને પોષેલું તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) પાકિસ્તાનમાં ઉપરાછાપરી આતંકવાદી હુમલા કર્યા કરે છે તેથી ભડકેલા પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે અફઘાનિસ્તાન પર હુમલાની ખુલ્લી ધમકી આપી દીધી. આસિફે હુંકાર કર્યો છે કે, પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં ઘૂસીને આતંકીઓને સાફ કરતાં પણ ખચકાશે નહીં કેમ કે પાકિસ્તાન માટે તેની સુરક્ષા અને સાર્વભૌમત્વથી મહત્વનું કંઈ જ નથી. 

તાલિબાની સંરક્ષણ મંત્રાલયે પણ એ જ ભાષામાં જવાબ આપતાં કહ્યું છે કે, અમે પણ બંગડીઓ પહેરીને નથી બેઠા કે, પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં ઘૂસીને હુમલો કરે ને એમે તમાશો જોયા કરીએ. 

પાકિસ્તાન કંઈ પણ કરશે તો તેનાં ગંભીર પરિણામો ભોગવવાં પડશે. તાલિબાને તો આસિફની વાતને સાવ બુધ્ધિ વિનાની ગણાવીને કહ્યું છે કે, આ વાતોથી ઉલટાની સ્થિતી વણસી જશે ને કોઈને ફાયદો નહીં થાય. પોતાના દેશમાં ઘૂસીને હુમલો કરવાની ધમકી અપાય તો કોઈ પણ દેશ આવું જ રીએક્શન આપે એ જોતાં તાલિબાનનું રીએક્શન બહુ સ્વાભાવિક છે.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બંનેના આકરા તેવરના કારણે બંને વચ્ચે જંગ છેડાઈ જશે એવી વાતો થઈ રહી છે પણ એવું નહીં થાય. તેનું કારણ એ કે, પાકિસ્તાન કે તાલિબાન બંનેને યુધ્ધ પરવડે એમ જ નથી.  પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બંને દુનિયાના સૌથી મોટા ભૂખડી બારસ દેશો છે, બંનેમાંથી કોઈમાં યુધ્ધ લડવાની તાકાત નથી પણ પોતે બાયલા નથી એવું સાબિત કરવા સામસામી ધમકીઓ આપે છે. 

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવ્યું ત્યારથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ છે પણ છેલ્લા કેટલાક મહિનાથી આ તણાવ વધ્યો છે કેમ કે તાલિબાનની પીઠ્ઠુ આતંકવાદી પાકિસ્તાનમાં ઘૂસીને હુમલા પર હુમલા કરી રહ્યા છે. તેના કારણે માર્ચમાં બંને દેશો વચ્ચે જંગ છેડાઈ જવાનો ખતરો ઉભો થઈ ગયેલો પણ પછી બંને દેશો ચૂપ બેસી ગયેલા.   

માર્ચમાં પાકિસ્તાનના ખૈબર પખ્તૂનવાલા પ્રાંતના નોર્થ વઝીરીસ્તાનમાં પાકિસ્તાન આર્મી પોસ્ટ પર તાલિબાન સુસાઈડ બોમ્બર્સે હુમલો કરીને સાત સૈનિકોને મારી નાંખેલા. સુસાઈડ બોમ્બર્સે વિસ્ફોટકો ભરેલી ટ્રકથી ચેક પોસ્ટની બિલ્ડિંગને ઉડાવી દેવાની કોશિશ કરી તેમાં એક કર્નલ અને એક મેજર સહિત સાતનાં મોત થયેલાં.  પાકિસ્તાને વળતો હુમલો કરીને અફઘાનિસ્તાનમાં જેટ ફાઈટર મોકલીને બોમ્બ મારો કરીને  ૮ નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.  આ હુમલાને પગલે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આર્મી વચ્ચે સરહદ પર બેફામ તોપમારો થયો પણ પછી બંને ચૂપ થઈ ગયેલાં. 

પાકિસ્તાને અત્યારે પાછી તાલિબાનને ધમકી આપી તેનું કારણ ચીન છે કેમ કે તાલિબાનની પીઠ્ઠુ આતંકીઓ ચીનાઓને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. પાકિસ્તાનમાં ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીઈપીસી)નું કામ ધમધોકાર ચાલી રહ્યું છે ને ચીનાઓનાં ધાડાં પાકિસ્તાનમાં ઉતરી પડયાં છે. કોરીડોરનું કામ આગળ ધપતું જાય છે તેમ તેમ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે ચીનનું વર્ચસ્વ પણ વધતું જાય છે. તાલિબાનને એ પસંદ નથી કેમ કે તેનો ડોળો આ વિસ્તારો પર છે. 

તાલિબાને પાકિસ્તાનની મેથી મારવા તહરીક એ તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) ઉપરાંત બીજાં સંગઠનો પણ બનાવ્યાં છે. જૈશ-એ-ફુરસાન-એ-મુહમ્મદ તેમાંથી એક છે. કુખ્યાત આતંકવાદી હફીઝ ગુલ બહાદુર આ સંગઠનનો કર્તાહર્તા છે. ગુલે આ વિસ્તારમાં અડિંગો જમાવ્યો છે અને આદિવાસી વિસ્તારોને અફઘાનિસ્તાનમાં ભેળવી દેવા માગે છે. પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે  ખૈબર પખ્તુનવાલામાં સંખ્યાબંધ આદિવાસી વિસ્તારો ફેડરલ કેપિટલ ટેરિટરી એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશો છે કે જેનો વહીવટ સીધો  ઈસ્લામાબાદથી થાય છે.  

આ વિસ્તારમાં કબિલાઓનું વર્ચસ્વ હોવાથી પાકિસ્તાની લશ્કર પણ જઈ શકતું નથી. ખૈબર પખ્તુનવાલામાં પશ્તુન પઠાણોની બહુમતી છે કે જે તાલિબાનના સમર્થક છે. અફઘાનિસ્તાનથી આવેલા શરણાર્થીઓ પણ મોટી સંખ્યામાં છે તેથી માહોલ તાલિબાનતરફી છે.  આ કારણે તાલિબાનને લાગે છે કે, આ વિસ્તારોને આઝાદ કરાવીને સરળતાથી અફઘાનિસ્તાનમાં ભેળવી શકાય છે. 

ચીનાઓની હાજરી તાલિબાનની મનસા સામે ખતરો છે કેમ કે ચીનાઓના કોરિડોરના કારણે શરૂ થનારી આર્થિક પ્રવૃત્તિઓના કારણો ગરીબ યુવકો કામ કરવા માટે એ તરફ જતા રહેશે એવો તાલિબાનને ડર લાગે છે. આ કારણે કોઈ પણ ભોગે ચીનને ભગાડવા તાલિબાન મથ્યા કરે છે. સામે પાકિસ્તાન પણ ચીના ભાગી ના જાય એવું ઈચ્છે છેે કેમ કે ચીન સાથે તેનાં આથક હિતો મોટા પ્રમાણમાં જોડાયેલાં છે. આ હિતો જાળવવા માટ ચીનને રાજી રાખવા કિસ્તાન સમયાંતરે હુમલા કરીને તાલિબાન સમર્થકોને સાફ કરવા મથ્યા કરે છે પણ સંપૂર્ણપણે સફાયો કરી શકતું નથી. તેના કારણે ચીન અકળાયેલું છે તેથી તેને ખુશ કરવા પાકિસ્તાને અફઘાનિસ્તાનને ધમકી આપી દીધી. 

ચીનને ખુશ કરવા માટે પાકિસ્તાન અફઘાનિસ્તાનના પ્રદેશોમાં ઘૂસીને હુમલા પણ કરી દેશે પણ તેના કારણે જંગ નહીં થાય કેમ કે તાલિબાન સીધા યુધ્ધમાં માનતું નથી. તાલિબાન આતંકવાદ ફેલાવીને દુશ્મનને કનડવામાં માને છે. અમેરિકા સામે એ જ વ્યૂહરચના અપનાવેલી, ચીન સામે પણ એ જ વ્યૂહરચના અપનાવી છે અને પાકિસ્તાન સામે પણ એ જ વ્યૂહરચના અમલમાં મૂકીને તેને કનડી રહ્યું છે. પાકિસ્તાન પણ ફુલ ફ્લેજ્ડ વોર નથી ઈચ્છતું કેમ કે યુધ્ધ લડવા જાય તો તેના માટે દુકાળમાં અધિક માસ જેવી હાલત થઈ જાય. ચોતરફથી આર્થિક ભીંસમાં મૂકાયેલા પાકિસ્તાનને યુધ્ધનો ખર્ચ જ પરવડે તેમ નથી. આ સંજોગોમાં પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં પ્રોક્સી વોર શરૂ કરી શકે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે અહમદ મસૂદની આગેવાનીમાં નેશવલ રેઝિસ્ટન્સ ફ્રન્ટ ઓફ અફઘાનિસ્તાન રચાયેલો જ છે. તાજિકિસ્તાનમાં રહીને મસૂદ તાલિબાન સામે લડી રહ્યો છે. અફઘાનિસ્તાનમાં પંજશીરમાં ફ્રન્ટનો કબજો પણ છે. આ ઉપરાંત તાલિબાન પર ગેરીલા એટેક પણ કરે છે. 

પાકિસ્તાન આ સંગઠનને મદદ કરીને તાલિબાનને ઉથલાવવા માટે પ્રોક્સી વોર શરૂ કરી શકે. અહમદ મસૂદને પાકિસ્તાન સાથે બહુ ફાવતું નથી પણ દુશ્મન કા દુશ્મન દોસ્ત એ હિસાબે તાલિબાનને પછાડવા પાકિસ્તાન સાથે હાથ મિલાવી શકે છે. પાકિસ્તાને ચીનના પૈસે આ પ્રોક્સી વોર લડવાનું છે તેથી કશું ગુમાવવાનું નથી એ જોતાં ભવિષ્યમાં અફઘાનિસ્તાનમાં પાછો તીવ્ર આંતરવિગ્રેહ ફાટી નિકળે એવું બને.

તાલિબાન સત્તામાં આવ્યા પછી પાકિસ્તાનમાં રોજ બે આતંકી હુમલા

અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં પાછા ફર્યા પછી પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા બેફામ વધી ગયા છે. ૨૦૨૧ના ઓગસ્ટમાં અમેરિકાનું લશ્કર અફઘાનિસ્તાન છોડી ગયું પછી તાલિબાને કાબુલમાં ઘૂસીને કબજો કર્યો હતો. તાલિબાન સત્તામાં આવતાં જ પાકિસ્તાનમાં આતંકી હુમલાનો સિલસિલો શરૂ થઈ ગયો. ૨૦૨૧માં પાકિસ્તાનમાં ૨૬૮ આતંકી હુમલા થયા હતા જે ૨૦૨૨માં વધીને ૩૬૫ થયા. મતલબ કે, વરસનો કોઈ દિવસ એવો ના ગયો કે પાકિસ્તાનમાં હુમલો ના થયો હોય. ૨૦૨૩માં આતંકી હુમલાની સંખ્યા વધીને ૫૨૭ થઈ અને ૨૦૨૪માં છ મહિના પૂરા થયા નથી ત્યાં આતંકવાદી હુમલાની સંખ્યા ૩૫૦ પર પહોંચી ગઈ છે. આ પહેલાં છેલ્લાં ૧૦ વર્ષમાં ૨૦૧૬નું વર્ષ જ એવું હતું કે જ્યારે પાકિસ્તાનમાં ૫૦૦થી વધારે આતંકવાદી હુમલા થયા હોય. ૨૦૧૬માં ૫૨૬ હુમલા થયેલા પણ ૨૦૧૭માં ઘટીને ૨૯૪ થઈ ગયા હતા. ૨૦૧૮માં ૧૬૪ અને ૨૦૧૯માં ઘટીને માત્ર ૧૩૬ થઈ ગયા હતા. ૨૦૨૦માં ૧૯૩ આતંકવાદી હુમલા થયા હતા. 

યોગાનુયોગ ૨૦૧૮માં ઈમરાન ખાન પાકિસ્તાનનો વડાપ્રધાન બન્યો પછી સળંગ ત્રણ વર્ષમાં પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાની સંખ્યા ૨૦૦ કરતાં ઓછી હતી. ઈમરાન ખાનના કટ્ટરવાદીઓ અને આતંકવાદી સંગઠનો સાથેના સારા સંબંધો હોવાના કારણે હુમલા ઘટી ગયેલા એવું કહેવાય છે. 

મૌલાના ડીઝલ પાકિસ્તાનમાં તાલિબાનના આશ્રયદાતા 

તાલિબાનને ઈમરાન ખાન અને મૌલાના ફઝલુર રહેમાન સહિતના ટોચના રાજકારણીઓનો ટેકો છે પણ આર્મી અને આઈએસઆઈ તેમની વિરૂધ્ધ છે. તાલિબાનને મજબૂત કરનારાં પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈને તાલિબાન સમર્થકો પાકિસ્તાનમાં સત્તા પર ચડી બેસે તેનો ડર લાગે છે. અત્યારે આર્મી અને આઈએસઆઈનું એકહથ્થુ શાસન છે પણ તાલિબાન સમર્થકો સત્તા પર આવે તો એ શાસન જતું રહે કેમ કે બધાં આતંકવાદી સંગઠનો એક થઈ જાય. 

ડીઝલ કૌભાંડ કરીને કરોડોની કમાણી કરનારા ફઝલુર રહેમાન પાકિસ્તાનમાં મૌલાના ડીઝલ તરીકે કુખ્યાત  છે. જમિયત ઉલેમા-એ-ઈસ્લામ(એફ)ના વડા રહેમાનને તાલિબાનની મદદથી પાકિસ્તાનમાં સત્તા મળવાની લાલચ છે તેથી તાલિબાન તરફીઓને પોષી રહ્યા છે. મોલાના ડીઝલ પાકિસ્તાનમાં તાલિબાનોના સૌથી મોટા આશ્રયદાતા મનાય છે.

Gujarat