For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શ્રધ્ધા, આરાધના, આયુષી : ત્રણ ક્રૂર હત્યા માટે કોણ જવાબદાર ?

Updated: Nov 23rd, 2022

Article Content Image

- શ્રધ્ધા, આરાધના, આયુષીની હત્યાની ત્રણેય ઘટના આપણે ત્યાં સામાજિક રીતે આવી રહેલા પરિવર્તનનું પરિણામ છે. આયુષીની હત્યા માટે તો સીધેસીધાં માતા-પિતા જ જવાબદાર છે પણ બીજી ઘટનાઓમાં પણ માતા-પિતા જવાબદાર છે જ. સાથે સાથે જુવાનીના જોશમાં સાચું-ખોટું કે સારું-નરસું નહીં વિચારી શકવાની યુવા પેઢીની નબળાઈ પણ જવાબદાર છે.

દિલ્હીમાં શ્રધ્ધા વાલકરની ક્રૂર હત્યાને કારણે લાગેલા આઘાતમાંથી લોકો બહાર આવ્યાં નથી ત્યાં ઉત્તર પ્રદેશમા બનેલી બે ઘટનાએ લોકોને ફરી ખળભળાવી મૂક્યા છે. આ બંને ઘટનામાં મૃતક યુવતીઓ શ્રધ્ધાની જ ઉંમરની છે. બંનેને અત્યંત ક્રૂરતાથી, અમાનવિય રીતે મોતને ઘાટ ઉતારી દેવાઈ છે. બંને ઘટનામાં યુવતીના હત્યારા તેમની અત્યંત નજીકનાં જ લોકો છે.

આ પૈકી પહેલી  ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાની છે. આ ઘટનામાં  આઝમગઢ જિલ્લાના ગૌરીનાપુરા ગામ પાસે રોડ પાસેના કૂવામાં યુવતીનો મૃતદેહ મળ્યો નહોતો. શ્રધ્ધાની જેમ જ આ યુવતીના મૃતદેહના પણ પાંચ ટુકડા કરી દેવાયેલા અને તેનું મસ્તક ગાયબ હતું. પોલીસે તપાસ કરતાં યુવતીનું કપાયેલું માથું પણ મળી આવ્યું. તેના આધારે તપાસ કરતાં યુવતીની ઓળખ આરાધના પ્રજાપતિ તરીકે થઈ.  

પોલીસે આરાધના પ્રજાપતિના ભૂતકાળની તપાસ કરતાં  ખબર પડી કે, આરાધના પરીણિતા હતી પણ લગ્ન પહેલાં તેને પ્રિન્સ યાદવ નામના યુવક સાથે સંબંધ હતા. પ્રિન્સની બહેન આરાધાનની ખાસ મિત્ર હતી ને પ્રિન્સના ઘરે તેની આવનજાવન હતી. તેના કારણે બંનેની આંખો મળી, પ્રિન્સને  પોતાની બહેનની ફ્રેન્ડ આરાધના પ્રજાપતિ સાથે પ્રેમ થઈ ગયો.

પ્રિન્સ અને આરાધના પ્રેમમાં ગળાડૂબ હતાં ત્યાં અચાનક પ્રિન્સને વિદેશ જવાનું થયું. બંને વચ્ચે વાતચીત ચાલ્યા કરતી હતી પણ આરાધનાને લાગતું કે, પ્રિન્સ ભારત પાછો નહીં આવે. બીજી તરફ તેનો પરિવાર લગ્ન માટે દબાણ કરતો હતો તેથી આરાધનાએ ફેબ્રુઆરીમાં બીજા યુવક સાથે લગ્ન કરી નાંખ્યાં. આ વાતની ખબર પડતાં પ્રિન્સ વિદેશથી પાછો આવી ગયો અને આરાધનાને છૂટાછેડા લઈન પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરતો હતો.  આરાધના સુખરૂપ ચાલતા પોતાના લગ્નજીવનનો અંત લાવવા તૈયાર નહોતી તેથી બંને વચ્ચે ખેંચતાણ ચાલ્યા કરતી હતી. 

પ્રિન્સને લાગ્યું કે, આરાધના નહી જ માને તેથી તેણે તેનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યું. આરાધનાને મળવાના બહાને બોલવીને પ્રિન્સ પોતાના મિત્રના ખેતરમાં લઈ ગયો. ખેતરમાં આરાધનાની હત્યા કરી નાંખી અને તેની લાશના ટુકડા કરીને કૂવામાં ફેંકી દીધા. લાશ સડવા માંડતાં દુર્ગંધ આવી તેમાં હત્યાનો ભાંડો ફૂટી ગયો ને પ્રિન્સ જેલની હવા ખાતો થઈ ગયો છે. 

આરાધના જેવો જ હત્યાનો બીજો કેસ આયુષીનો છે કે જેની લાશ પાંચ દિવસ પહેલાં મથુરા પાસે યમુના એક્સપ્રેસવે પરના સર્વિસ રોડ પરની ઝાડીઓમાં મળી હતી. ઝાડીઓમાં એક મોંઘી ટ્રોલી બેગ પડી હતી ને એ ખોલતાં તેમાંથી લાશ મળી હતી. પોલીસે આજુબાજુમાં તપાસ કરી પણ લાશ કોની છે તેની ખબર ના પડી. પોલીસે દિલ્હીમાં પોસ્ટરો લગાવીને યુવતીની ઓળખ મેળવવા પ્રયત્ન કર્યો પણ તેમાં પણ સફળતા નહોતી મળી. 

પોલીસ રવિવાર સવાર સુધી અંધારામાં ગોથાં ખાતી હતી ને આ કેસ ઉકેલાવાની કોઈ આશા નહોતી. રવિવારે સવારે પોલીસને એક અજ્ઞાાત વ્યક્તિનો કોલ આવ્યો ને એ સાથે જ બે દિવસમાં તો કેસ ઉકેલાઈ ગયો. કોલ કરનારે આ લાશ આયુષી યાદવની હોવાનો દાવો કર્યો હતો. પોલીસે તપાસ કરતાં ખબર પડી કે, આયુષી  દિલ્હીના બદરપુરાની રહેવાસી હતી અને બીસીએમાં ભણતી હતી. પોલીસ દિલ્હી પહોંચી તો આ વાત સાચી લાગી.

પોલીસે ઘરે પહોંચીને મૃતદેહની તસવીરો અને લાશના કપડાં સહિતનો સામાન બતાવ્યો તો તેમણે બધું ઓળખી બતાવ્યું. પોલીસ આયુષીની માતા, ભાઈ અને પિતાને લઈને મથુરા પહોંચી. હોસ્પિટલમાં જઈને લાશ બતાવી તો ત્રણેયે લાશ આયુષીની જ હોવાનું સ્વીકાર્યું. 

પોલીસે આકરી પૂછપરછ કરતાં પરિવાર ભાંગી પડયો ને સ્વીકારી લીધું કે, આયુષીની હત્યા તેના જ પિતા નીતિશે કરી છે. 

નીતિશે હત્યા કરવા માટે જે કારણ આપ્યું એ અત્યંત આઘાતજનક છે. આયુષી ૧૭ નવેમ્બરે કોઈને કહ્યા વિના બહાર ફરવા જતી રહી હતી. કલાકો પછી એ પાછી ફરી ત્યારે પિતાએ પૂછતાં તેણે ઉડાઉ જવાબ આપ્યો. તેના કારણે ગુસ્સામાં આવી ગયેલા નિતેશે પિસ્તોલ કાઢીને આયુષીને ગોળી મારી દીધી, એક ગોળી છાતીમા વાગી ને બીજી ગોળી માથામાં વાગતાં આયુષીનું તરત મોત થઈ ગયેલું. નિતેશ પછી બજારમાંથી પોલિથિનની બેગ લઈ આવ્યો. 

આયુષીની લાશને તેમાં પેક કરીને બેગમાં ભરીને એક્સપ્રેસવે પર ફેંકી આવેલો. આયુષીની લાશ દૂર ફેંકેલી તેથી નિતેશ પકડાય એવી શક્યતા નહોતી પણ એક ફોન કોલે નીતિશને ભાંડો ફોડી નાંખ્યો.

શ્રધ્ધા, આરાધના અને આયુષી ત્રણેયની હત્યા આઘાતજનક છે. હજુ જીંદગીની મજા માણી શકે એ પહેલાં જ ત્રણેયની જીવનલીલા સંકેલાઈ ગઈ. ત્રણેયની હત્યા અલગ અલગ રીતે થઈ પણ ત્રણેયની હત્યામાં એક વાત સામાન્ય છે કે, ત્રણેયની હત્યા તેમની નજીકના લોકોએ જ કરી ને અત્યંત ક્રૂરતાથી કરી. 

શ્રધ્ધાએ જેને બધું ભૂલીને પ્રેમ કરેલો ને જેના માટે પોતાનાં માતા-પિતાને પણ છોડીને દિલ્હી આવી ગયેલી એ આફતાબ પૂનાવાલાએ તેની હત્યા કરી નાંખી. તેના શરીરના ૩૫ ટુકડા કરી નાંખ્યા ને પછી કશું ના બન્યું હોય એમ બીજી યુવતી સાથે અય્યાશીમાં મસ્ત થઈ ગયો. અરાધના પ્રજાપતિએ પણ પ્રિન્સને પ્રેમ કરેલો ને આ પ્રેમના ભરોસે જ એ તેને મળવા ગઈ તેમા મોત મળી ગયું. આયુષીને તો તેના અસ્તિત્વ માટે જવાબદાર એવા પિતાએ જ ક્રૂરતાથી પતાવી દીધી. 

શ્રધ્ધાની હત્યાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ થયો. આપ અને ભાજપના નેતા શ્રદ્ધાની હત્યાનો ઉપયોગ રાજકીય ફાયદા માટે કરવા હવાતિયાં મારી રહ્યા છે. આરાધના અને આયુષીની હત્યાના કેસમાં એવા કોઈ પ્રયત્ન થયા નથી પણ આ ત્રણેય ઘટનાને રાજકારણ સાથે કંઈ લેવાદેવા નથી. 

આ ત્રણેય ઘટના આપણે ત્યાં સામાજિક રીતે આવી રહેલા પરિવર્તનનું પરિણામ છે. આયુષીની હત્યા માટે તો સીધેસીધાં માતા-પિતા જ જવાબદાર છે પણ બીજી ઘટનાઓમાં પણ માતા-પિતા જવાબદાર છે જ. સાથે સાથે જુવાનીના જોશમાં સાચું-ખોટું કે સારું-નરસું નહીં વિચારી શકવાની યુવા પેઢીની નબળાઈ પણ જવાબદાર છે. 

શ્રધ્ધાના કેસમાં આફતાબના પ્રેમમાં ડૂબેલી શ્રધ્ધા માતા-પિતાની કોઈ વાત સાંભળવા જ તૈયાર નહોતી તેથી આફતાબ સાથે ચાલી નિકળી. તેનાં માતા-પિતા તેને રોકી ના શક્યાં પણ એ પછી તેમણે શ્રધ્ધા સાથે સંપર્ક રાખવાની જરૂર હતી.  શ્રદ્ધા સાથે સંપર્ક હોત તો તેના પર થતા અત્યાચાર કે મારઝૂડની વિગતો તેમને મળતી હોત. તેના કારણે શ્રદ્ધાને બચાવી શક્યાં હોત પણ તેમણે સામાજિક માન્યતાઓ અને અહમમાં શ્રધ્ધાને પોતાના ભરોસે છોડી દીધી તેમા તેનો જીવ ગયો. આરાધના પ્રજાપતિએ પણ પ્રેમી પર ભરોસો કરીને જીવ ખોયો. આરાધનાએ લગ્ન કર્યા પછી પ્રેમી સાથેના સંબધોનો અંત લાવી દીધો હોત તો કદાચ તેનો જીવ ના ગયો હોત. 

આયુષીના કેસમાં પણ યુવાન થતી જતી છોકરીની માનસિકતાને સમજ્યા વિના તેના પિતાએ ગુસ્સામાં આવીને ગોળી જ મારી દીધી. એક પુખ્ત વયની વ્યક્તિ કઈ રીતે આવી રીતે વર્તી શકે એ જ સમજાતું નથી. દીકરી કહ્યા વિના બહાર ગઈ તેના કારણે ચિંતા થાય પણ તેની હત્યા કરી દેવા જેટલો ગુસ્સો આવે એ આઘાતજનક કહેવાય.

હું હોત તો શ્રધ્ધાના 37 ટુકડા કર્યા હોત

શ્રધ્ધા વાલકર સહિતની યુવતીઓની હત્યાના મુદ્દા ગાજી રહ્યા છે ત્યારે ઈંટરનેટ પર એક વીડિયો જોરદાર વાયરલ થયો છે. આ વીડિયોમાં એક મુસ્લિમ યુવક પોતાને ઉત્તર પ્રદેશના બુલંદ શહેરનો રહેવાસી ગણાવીને કહે છે કે, શ્રધ્ધાના પ્રેમી આફતાબનો મૂડ ખરાબ હતો એટલે તેણે એ છોકરીના ૩૫ ટુકડા કર્યા પણ હું હોત તો ૩૭ ટુકડા કરી નાંખ્યા હોત. 

હું હોઉં તો ચાકુથી એક પછી એક પ્રહાર કરીને આફતાબથી વધારે ટુકડા કરી નાંખું. એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં યુવકે પોતાનું નામ રાશિદ ખાન હોવાનું જણાવ્યું. આ ઈન્ટરવ્યૂનો જ વીડિયો વાયરલ થયો છે. 

આ વીડિયોના પગલે સોશિયલ મીડિયા પર લોકો યુવક પર ફિટકાર વરસાવી રહ્યાં છે. લોકો યુવકને આકરી સજા કરવા માગણી કરીને આક્રોશ ઠાલવી રહ્યાં છે તેથી બુલંદશહેરની પોલીસ દોડતી થઈ ગઈ છે. બુલંદશહેરના એસપીએ પોલીસને આ યુવકની ઓળખ કરીને તેને શોધવા ફરમાન કર્યું છે.

તમામ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને શક્ય એટલી ઝડપથી આ યુવકને શોધવા આદેશ અપાયો છે.

Gujarat