બ્રિટનમાં હિંદુઓ પર હુમલા, પાકિસ્તાનીઓએ જાત બતાવી


- મીડિયાનો એક વર્ગ ગણાવે છે એમ આ હિંદુ-મુસ્લિમ તોફાનો નથી પણ પાકિસ્તાનીઓ અને ભારતીયોની અથડામણ છે. બ્રિટનની રાજધાની લંડનથી 160 કિલોમીટર દૂર આવેલા લિસેસ્ટરમાં હિંદુ, મુસ્લિમ, સીખ એમ તમામ ધર્મના ભારતીયો સાથે રહે છે. પાકિસ્તાની ગુંડાઓએ ભારતીયોને નિશાન બનાવીને હુમલા કર્યા છે ને તેમાં મુસ્લિમો પણ આવી ગયા.

બ્રિટનના લિસેસ્ટરમાં પાકિસ્તાનીઓએ પોતાની જાત બતાવીને ભારતીયો પર કરેલા હુમલાએ સૌને ચોંકાવી દીધા છે. ચોંકાવનારી વાત એ છે કે, આ તોફાનો મૂળમાં એશિયા કપની મેચમાં ભારતે પાકિસ્તાનને આપેલી કારમી હાર જવાબદાર છે. ભારત-પાકિસ્તાન મેચ પછી અમદાવાદ કે બીજા શહેરમાં તોફાનો થાય એ સમજી શકાય પણ બ્રિટન જેવા સમૃધ્ધ દેશમાં આ રીતે ભારત-પાકિસ્તાન મેચના કારણે રમખાણો થાય એ આખી દુનિયા માટે આઘાતની વાત છે. 

આમ તો પાકિસ્તાનીઓ ટોળાં બનાવીને હિંદુઓનાં મકાનો, દુકાનો ને મંદિરો પર પણ હુમલા કરીને ભાગી જાય એવી ઘટનાઓ છેલ્લા ત્રણ અઠવાડિયાંથી બન્યા કરતી હતી પણ બે દિવસ પહેલાં ભગવાન શિવના મંદિર પર હુમલો થયો તેનો વીડિયો ફરતો થતાં હિંદુઓમાં આક્રોશ હતો. હિંદુઓ સહિતના ભારતીયો આ અંગે રજૂઆત કરવા ગયેલા ત્યારે જ પાકિસ્તાની ગુંડાઓએ હુમલો કરતાં તોફાન થઈ ગયું. 

રવિવારે  ભારતીયો પર હુમલો કરાયો ત્યારે પોલીસે પાકિસ્તાનીઓને રોકવાનો પ્રયાસ કર્યો તો પોલીસ પર પણ કાચની બોટલો ફેંકવામાં આવી. હૂડી અને કાળાં કપડાં પહેરીને લાઠી-દંડાથી સજ્જ ભીડે ભારે તોડફોડ પણ કરી. કાળા રંગના માસ્ક પહેરીને સંપૂર્ણપણે મોં ઢાંકીને અને હૂડી પહેરીને આવેલા ટોળાએ રમખાણ કરી નાંખ્યું. 

રવિવારે થયેલી અથડામણ પછી પોલીસે ૧૮ લોકોની અટકાયત કરી છે અને તોફાનોને રોકવા માટે મોટી સંખ્યામાં પોલીસને ખડકી દેવામાં આવી છે. પોલીસને લોકોને રોકીને તેમની જડતી લેવાના અધિકાર પણ આપવામાં આવ્યા છે. આ તોફાનો બદલ અત્યાર સુધી પોલીસે ૪૭ લોકોની ધરપકડ કરી છે ને હથિયારો સાથે ઝડપાયેલા આમોસ નોરોન્હા નામના મુસ્લિમને દસ મહિનાની કેદની સજા પણ થઈ છે. 

લિસેસ્ટરનાં રમખાણોની શરૂઆત ગયા મહિને એશિયા કપની મેચમાં ભારતે પાકિસ્તાનને કારમી હાર આવી ત્યારે જ થઈ ગયેલી. એ વખતે જ પાકિસ્તાનીઓએ પોતાની હતાશા કાઢવા ભારતીયો પર હુમલા શરૂ કરી દીધેલા. ભારતીયો મેલ્ટન રોડ પર જીતનો જશ્ન મનાવવા બહાર નિકળેલા ત્યારે કેટલાક પાકિસ્તાનીઓએ ભારતનો રાષ્ટ્રધ્વજ આંચકીને તેનું અપમાન કરેલું. પાકિસ્તાનીઓની ઈચ્છા તો ત્યારે જ તોફાનો કરવાની હતી પણ ભારતીયોની ભારે ભીડ જોઈને પાકિસ્તાનીઓ છૂ થઈ ગયેલા પણ તેમણે છમકલાં ચાલુ રાખ્યાં. 

એશિયા કપની સુપર ફોર મેચમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું ત્યારે જીતના ઉન્માદમાં પાકિસ્તાનીઓએ એક ભારતીયના ઘર પર હુમલો કરેલો. એ વખતે ગણેશ મહોત્સવ ચાલતો હતો. હિંદુઓ ગણેશોત્સવની ઉજવણી કરતા હતા ત્યારે પાકિસ્તાનીઓએ ઘરમાં ઘૂસીને તોડફોડ કરેલી. આ કારણે ભારતીયોમાં આક્રોશ હતો જ. ભારતીયોએ પોલીસને ફરિયાદ પણ કરેલી. પોલીસ ધીમી ગતિએ કાર્યવાહી કરતી હતી તેથી લોકોમાં રોષ હતો ત્યાં મંદિર પર હુમલાનો વીડિયો બહાર આવતાં ભડકો થઈ ગયો. 

મીડિયાનો એક વર્ગ આ તોફાનોને હિંદુ-મુસ્લિમ તોફાનો ગણાવે છે પણ આ હિંદુ-મુસ્લિમ તોફાનો નથી પણ પાકિસ્તાનીઓ અને ભારતીયો વચ્ચેની અથડામણ છે. બ્રિટનની રાજધાની લંડનથી ૧૬૦ કિલોમીટર દૂર આવેલા લિસેસ્ટરમાં હિંદુ, મુસ્લિમ, સીખ એમ તમામ ધર્મના ભારતીયો સાથે જ રહે છે. પાકિસ્તાની ગુંડાઓએ ભારતીયોને નિશાન બનાવીને હુમલા કર્યા છે ને તેમાં ભારતીય મુસ્લિમો પણ આવી ગયા તેથી આ તોફાનોને હિંદુ-મુસ્લિમ રમખાણોમાં ખપાવવાં યોગ્ય નથી. સનસનાટી ફેલાવવા ભલે ગમે એવી વાતો ફેલાવાય પણ આ ઝગડો ભારતીયો અને પાકિસ્તાનીઓનો છે, હિંદુ-મુસ્લિમોનો નથી એ પાયાની વાત સમજવી જરૂરી છે. 

બીજી પણ એક વાત સમજવી જરૂરી છે. આપણે વરસોથી એવી વાતો સાંભળીએ છીએ કે, ભારત અને પાકિસ્તાન ભલે અહીં ઝગડયા કરે પણ વિદેશમાં તો બધાં હળીમળીને રહે છે કેમ કે ગોરાઓ માટે તો ભારતીયો કે પાકિસ્તાની એવા કોઈ ભેદભાવ નથી. તેમના માટે તો બધા એશિયનો જ છે ને એશિયનોને ગોરાઓ ભારે નફરત કરે છે તેથી ભારતીયો ને પાકિસ્તાનીઓએ એક થઈને જ રહેવું પડે. આ વાત પહેલાંના જમાનામાં સાચી હશે પણ લિસેસ્ટરમાં બનેલી ઘટનાને જોયા પછી આ પ્રકારની વાતોને હજમ કરવી અઘરી છે.

આ તોફાનો એ વાતનો પુરાવો છે કે, પાકિસ્તાનીઓની માનસિકતા હળાહળ ભારત વિરોધી છે. ભારત પોતાના કરતાં ચડિયાતું થઈ ગયું એ પાકિસ્તાનથી આમ પણ સહન થતું નથી. અલબત્ત તેની સામે પાકિસ્તાન કશું કરી શકે તેમ નથી. ભારતની પ્રગતિને રોકવા પાકિસ્તાન આતંકવાદ ફેલાવવા સુધીના ધમપછાડા કર્યા કરે છે પણ ફાવતું નથી તેનો ખાર આ રીતે નિકળે છે. 

પહેલાં શારજાહ જેવાં સ્થળે રમાતી ટુર્નામેન્ટ્સમાં પાકિસ્તાન અંચઈ કરીને જીતતું તેથી પાકિસ્તાનીઓ ભારતને હરાવ્યાનો મિથ્યા આત્મસંતોષ મેળવી લેતા. શારજાહમાં ભારતે રમવાનું બંધ કર્યું પછી તો પાકિસ્તાનીઓનું એ સુખ પણ છિનવાઈ ગયું છે. તેમાં પણ વર્લ્ડ કપ સહિતની મોટી સ્પર્ધાઓમાં તો ભારત-પાકિસ્તાન મેચમાં પાકિસ્તાનની હાર નક્કી જ હોય છે તેથી પાકિસ્તાનીઓ ધૂંધવાયા કરે છે. ક્રિકેટના મેદાન પર પહોંચી વળાતું નથી એટલે આ રીતે હિંસા કરીને સંતોષ માને છે. 

આઘાતની વાત એ છે કે, પાકિસ્તાન છોડીને ગયેલા પાકિસ્તાનીઓએ વતન તો છોડયું પણ માનસિક પછાતપણું, કટ્ટરવાદ અને ભારત વિરોધી માનસિકતા છોડી શકતા નથી. પાકિસ્તાનમાં પછાતપણું છે અને કટ્ટરવાદનો પ્રભાવ છે. પાકિસ્તાનમાં રાજકારણીઓને દુકાન ભારત વિરોધ પર ચાલે છે તેથી ભારત વિરૂધ્ધ પાકિસ્તાનીએઓના માનસમાં ઝેર રેડયા જ કરે છે. આ કારણે મોટા ભાગના પાકિસ્તાનીઓની માનસિકતા ભારત વિરોધી છે પણ જે લોકો પાકિસ્તાન છોડીને ગયા તેમની માનસિકતા પણ એવી જ છે. તેમને બ્રિટનની હવા અડી જ નથી અને ભારત દ્વેષમાં જ સુખ માને છે એ જોઈને આઘાત લાગે છે.  ખેર, પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય એ હિસાબે પાકિસ્તાનીઓ બદલાવાના નથી. એ લોકો દુનિયાના કોઈ પણ ખૂણામાં રહે, આ હરકતો જ કરતા રહેવાના કેમ કે તેમને પોતાની જાતને બીજા કરતાં ચડિયાતી સાબિત કરવા માટે હિંસા પર ઉતરવા સિવાય બીજું કંઈ આવડતું જ નથી.

પાકિસ્તાનીએ શિવ મંદિરની ધજા ઉખાડી નાંખી

દુબઈમાં રમાયેલા ટી -૨૦ એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની લીગ મેચમાં પાકિસ્તાન ભારત સામે હારી ગયું એ વાત પાકિસ્તાનીઓને પચી નહોતી.  

૨૮ઓગસ્ટની એ મેચમાં હાર્દિક પંડયાએ તોફાની બેટિંગ કરીને પાકિસ્તાનના જડબામાંથી મેચ આંચકી લેતાં પાકિસ્તાનીઓ હતાશ થઈ ગયા હતા. આ હતાશા તેમણે ભારતીયોને ને તેમાં પણ હિંદુઓને નિશાન બનાવીને બહાર કાઢી.

પાકિસ્તાની મુસ્લિમોની ગેંગ્સે હિંદુઓનાં મકાનો તથા દુકાનોને નિશાન બનાવીને હુમલા શરૂ કર્યા.

 હિંદુ મંદિરોને પણ નિશાન બનાવાયાં. હૂડી અને કાળી બુકાની પહેરીને નિકળેલા પાકિસ્તાનીઓએ ભારે તોડફોડ કરી. આ તોડફોડના વીડિયો પણ વાયરલ થયા છે. 

એક વીડિયોમાં તો હૂડી પહેરીને ચહેરો ઢાંકીને એક યુવક લિસેસ્ટરના ભગવાન શિવના મંદિર પર ચડીને ધજા ઉખાડી રહેલો દેખાય છે. આઘાતજનક વાત એ છે કે, પોલીસ ત્યાં હાજર હતી છતાં પોલીસે તેમને રોકવા પ્રયત્ન નહોતો કર્યા. પોલીસે એવો લૂલો બચાવ કરેલો કે, પોતે બીજે ઠેકાણે થઈ રહેલી હિંસાને રોકવા પ્રયત્નશીલ હતી ત્યારે હિંદુઓના મંદિર પરથી ધ્વજ દૂર કરાયો હતો પણ વીડિયો આ વાતને ખોટી સાબિત કરે છે.

આ ઘટના ત્રણ અઠવાડિયાં પહેલાંની છે. પોલીસે એ વખતે જ પાકિસ્તાની ગુંડાઓને રોક્યા હોત તો ફરી હિંસા ના ભડકી હોત. તેના બદલે પોલીસે કશું ના કર્યું તેથી હુમલા ચાલુ જ રહ્યા ને છેવટે રમખાણ થઈ ગયાં. 

હિંદુઓ પર હુમલા કરવા બહારથી ગુંડા બોલાવાયા

લિસેસ્ટરમાં થયેલાં તોફાનોમાં એક ચોંકાવનારી વાત એ છે કે, હિંદુઓ સહિતના ભારતીયો પર હુમલો કરનારા લોકોમાંથી ઘણા બધા તો લિસેસ્ટરમાં રહેતા જ નથી. લિસેસ્ટર પોલીસે ઈસ્ટ લિસેસ્ટરમાં થયેલી હિંસા અંગે સત્તાવાર રીતે આપેલા નિવેદનમાં કહ્યું છે કે, અત્યાર લગીમાં ૪૭ લોકોની ધરપકડ કરાઈ છે ને તેમાંથી કેટલાક લોકો બહારના છે. ઘણ બધા બર્મિંગહામના છે. આ લોકો ઘાતક હથિયારો સાથે ઝડપાયા છે. પોલીસના નિવેદનનો અર્થ એ થાય કે, હિંદુઓ સહિતના ભારતીયો પર હુમલો કરવા માટે બહારથી પાકિસ્તાનીઓ આવ્યા હતા. હિંદુ અને મુસ્લિમોની ભીડ એકઠી થઈ ગઈ તેમાં તોફાનો થઈ ગયાં એવું કંઈ નથી પણ પહેલેથી જ હુમલો કરવા માટે ગુંડાઓને બોલાવાયા હતા, આયોજન કરાયું હતું.

City News

Sports

RECENT NEWS