For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બ્રિટન પર તવાઇ, કોહીનૂર સહિત લૂંટેલો માલ પાછો આપો ?

Updated: Sep 20th, 2022

Article Content Image

- ઈજીપ્ત, દક્ષિણ આફ્રિકા સહિતના બીજા દેશોમાં પણ અંગ્રેજોએ લૂંટેલી ચીજો પાછી મેળવવા અભિયાન શરૂ થતાં અત્યારે દુનિયાભરમાં આ મુદ્દો ગાજી રહ્યો છે

- ભારતીયો કોહીનૂર અને દક્ષિણ આફ્રિકનો 'ગ્રેટ સ્ટાર ઓફ આફ્રિકા' પાછો માગે છે એ રીતે ગ્રીસ એથેન્સના એક્રોપોલિસમાંથી અંગ્રેજોએ લૂંટેલું મૂલ્યવાન શિલ્પ એલ્ગિન માર્બલ્સ પાછું માગે છે. ઈજીપ્શિયનોને પુરાણા જમાનાનો રોસેટ્ટા સ્ટોન તો નાઈજીરિયનોને બેનિન બ્રોન્ઝ્સ જોઈએ છે. આ તો થોડાંક ઉદાહરણ આપ્યાં પણ અંગ્રેજોએ લાખો ચીજો લૂંટેલી ને એ બધું પાછું આપવાની માગ થઈ રહી છે. 

બ્રિટનનાં ક્વીન એલિઝાબેથના નિધન સાથે જ વિશ્વના ઘણા દેશોમાં, અંગ્રેજોએ બીજા દેશોમાંથી પડાવી લીધેલી મૂલ્યવાન ચીજો પાછી મેળવવાની ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. આ ચીજોમાં એક ભારતનો મૂલ્યવાન કોહીનૂર હીરો પણ છે. ભારતમાં કેટલીક સેલિબ્રિટીએ ક્વીનના નિધન પછી તરત જ નવા શાસક કિંગ ચાર્લ્સને કોહીનૂર પાછો આપવા વિનંતી કરી હતી. બીજા દેશોમાં પણ સમાંતર આવી જ ઝુંબેશ શરૂ થઈ ને વેગ પકડી ચૂકી છે. ભારતીયો પણ કોહીનૂર પાછો લેવા મચ્યા છે તો ઈજીપ્ત, દક્ષિણ આફ્રિકા સહિતના બીજા દેશોમાં પણ અંગ્રેજોએ લૂંટેલી ચીજો પાછી મેળવવા અભિયાન શરૂ થતાં અત્યારે દુનિયાભરમાં આ મુદ્દો ગાજી રહ્યો છે.

એક જમાનામાં કહેવાતું કે, અંગ્રેજોના શાસનમાં કદી સૂરજ આથમતો નથી. દુનિયાના સંખ્યાબંધ દેશોમાં અંગ્રેજોનું રાજ હતું.  એ વખતે લશ્કરના જોરે જ શાસન ચલાવાતું. તેનો લાભ લઈને અંગ્રેજોએ દુનિયાભરમાંથી રાજા-મહારાજા, બાદશાહો વગેરેના ખજાના પડાવી લીધા હતા. આ સિવાય બીજેથી પણ અનોખી અને મૂલ્યવાન ચીજો લૂંટીને અંગ્રેજો ઈંગ્લેન્ડ લઈ ગયેલા.

આ પૈકીની મોટા ભાગની ચીજો બ્રિટનના શાહી પરિવાર પાસે ગઈ. કેટલીક ચીજો મ્યુઝિયમ્સ તથા બીજે ઠેકાણે પણ ગઈ. ક્વીન એલિઝાબેથ સમક્ષ વારંવાર આ ચીજો પાછી આપવાની રજૂઆત થયેલી પણ એલિઝાબેથ નામક્કર ગયેલાં. તેમણે કદી આ વાતોને ગણકારી જ નહીં. ચાર્લ્સ ઉદારમતવાદી હોવાની છાપ ધરાવે છે તેથી માની જાય એ આશાએ ઘણા દેશોની સરકારોએ માગણી કરી છે. ભારત સહિતના દેશોમાં સરકારો કશું કહેતી નથી તો લોકોએ સ્વયંભૂ ચળવળ શરૂ કરી છે.  

આ ચળવળોમાં સૌથી આક્રમક ઝુંબેશ દક્ષિણ આફ્રિકનો પોતાના 'ગ્રેટ સ્ટાર ઓફ આફ્રિકા' પાછો મેળવવા ચલાવી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાની સરકારે સત્તાવાર રીતે બ્રિટિશ સરકારને વિનંતી કરી છે તો લોકો પણ સોશિયલ મીડિયા પર મચી પડયા છે. 'ગ્રેટ સ્ટાર ઓફ આફ્રિકા' અંગ્રેજોએ લૂંટેલી સૌથી મૂલ્યવાન ચીજ મનાય છે. ૫૦૦ કેરેટનો આ હીરો કુલ્લિનન વન તરીકે પણ જાણીતો છે.

 ૧૯૦૫માં થોમસ કુલ્લિનનની ખાણમાંથી મળેલો હીરો અત્યાર સુધીમાં મળેલો સૌથી મોટો અનકટ ડાયમંડ છે. ક્વીનના કુંભમાં ક્રોસમાં જડાયેલો 'ગ્રેટ સ્ટાર ઓફ આફ્રિકા' અબજોની કિંમતનો છે. ક્વીનના તાજમાં જડાયેલા ૨૯૦૦ હીરામાં કોહીનૂર અને તેમના કુંભમાં 'ગ્રેટ સ્ટાર ઓફ આફ્રિકા' સૌથી કિંમતી છે.

દક્ષિણ આફ્રિકાની જેમ ગ્રીસ પણ એથેન્સના એક્રોપોલિસમાંથી અંગ્રેજોએ લૂંટેલું મૂલ્યવાન શિલ્પ એલ્ગિન માર્બલ્સ પાછું માગે છે. ઈજીપ્શિયનોને પુરાણા જમાનાનો રોસેટ્ટા સ્ટોન પાછો જોઈએ છે તો નાઈજીરિયનોને બેનિન બ્રોન્ઝ્સ જોઈએ છે. આ તો થોડાંક ઉદાહરણ આપ્યાં પણ અંગ્રેજોએ લાખો ચીજો લૂંટેલી ને એ બધું પાછું આપવાની માગ થઈ રહી છે.

આ બધી ચીજો મૂલ્યવાન છે પણ ભારતીયોને વધારે રસ કોહીનૂરમાં છે કેમ કે કોહીનૂર ભારતની શાન છે. કોહીનૂર  સૌથી પહેલાં કોની પાસે હતો એ સ્પષ્ટ નથી પણ એ ભારતમાંથી મળ્યો તેમાં બેમત નથી. મોગલ બાદશાહ બાબરની આત્મકથા 'બાબરનામા'માં તેનો પહેલો ઉલ્લેખ છે. બાબરે જે ૧૮૭ કેરેટના હીરાનો ઉલ્લેખ કર્યો તે ૧૮૬ કેરેટનો કોહીનૂર જ હોવાનું મનાય છે. ગોલકોંડામાં કૃષ્ણા નદીના કિનારેની ખાણમાંથી મળેલો આ હીરો વારંગલના કાકટિયા વંશના રાજા પાસે હતો. 

અલ્લાઉદ્દીન ખિલજીએ દક્ષિણ ભારત પર આક્રમણ કર્યું ત્યારે આ હીરો પડાવી લેતાં દિલ્હીની ગાદી પર બેસનારા શાસકો  પાસે આવ્યો.  મોગલ બાદશાહ શાહજહાંએ પોતાના મયૂરાસનમાં કોહીનૂર જડાવેલો. ઔરંગઝેબે હીરાને કપાવીને નાનો કરાવ્યો હતો.

ઈરાનના નાદિર શાહે ૧૭૩૯માં દિલ્હીમાં લૂંટ ચલાવી ત્યારે કોહીનૂર ઈરાન લઈ ગયેલો. નાદિરશાહના મોત પછી બાદશાહ બનેલા તેના પૌત્રે અફઘાન બાદશાહ અહમદ શાહ દુર્રાનીને કોહીનૂર ભેટમાં આપેલો. દુર્રાનીના વારસ શુજા શાહને ઉથલાવાયો ત્યારે ભાગીને લાહોર ગયેલો. સીખ મહારાજા રણજીતસિંહે તેને આશરો આપતાં શુજાએ રણજીતસિંહને કોહીનૂર ભેટમાં આપેલો.

રણજીતસિંહનું ૧૮૩૯માં નિધન થયું ત્યારે કોહીનૂર  જગન્નાથ પુરીના મંદિરને આપી દેવાનું વસિયતનામું કરેલું પણ તેનો તરત અમલ ના થયો. રણજીતસિંહે સૌથી મોટા દીકરા ખડકસિંહને પોતાનો વારસ બનાવેલો પણ બે વર્ષમાં લાહોરમાં ખડકસિંહનું ભેદી રીતે મોત થતાં તકનો લાભ લેવા અંગ્રેજોએ હુમલા શરૂ કર્યા. ૧૮૪૫માં સીખો અને અંગ્રેજો વચ્ચેના પહેલા યુદ્ધમાં સીખો હાર્યા તેથી તેમની તાકાત સાવ ઘટી ગયેલી. ૧૮૪૯માં બીજા યુદ્ધમાં  અંગ્રેજોએ સીખોને ખદેડીને પંજાબ પર કબજો કરી લીધો.

સીખો  ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે હારેલા તેથી ગવર્નર ડેલહાઉસીએ મહારાજાની બીજી સંપત્તિ  સાથે કોહીનૂર પણ પડાવી લીધો. કોહીનૂરની નામના આખી દુનિયામાં હતી તેથી ડેલહાઉસીએ બ્રિટનનાં મહારાણીને રાજી કરવાનું નક્કી કર્યું. ડેલહાઉસી મહારાજાના સૌથી નાના ૧૩ વર્ષના દીકરા દુલિપસિંહને લઈને ઈંગ્લેન્ડ લઈ ગયો.  તેના ગાર્ડિયન તરીકે અંગ્રેજ દંપતિને રાખ્યું કે જેથી બબાલ ના થાય. ઈંગ્લેન્ડ જઈને દુલિપસિંહના હાથે ક્વીન વિક્ટોરીયાને કોહીનૂર હીરાની ભેટ અપાવી કે જેથી કોહીનૂર પડાવી લીધોનું આળ ના મૂકાય.

અંગ્રેજોએ દુલિપ સિંહને છેલ્લી ઘડી લગી ક્વીનને શું ભેટ આપવાની છે એ જ નહોતું કહ્યું. છેલ્લી ઘડીએ કોહીનૂર હીરાનું બોક્સ પકડાવીને કોહીનૂર ક્વીનને અપાવી દીધો. ક્વીને પણ કોહીનૂરની ચમકથી અંજાઈને હીરો લઈ લીધો. કોહીનૂર ત્યારથી અંગ્રેજો પાસે છે અને બ્રિટનનાં મહારાણીના તાજમાં શોભે છે.

કોહીનૂર હીરાને પાછો લાવવાની માંગ વારંવાર ઉઠી છે પણ આપણી કોઈ સરકારમાં દમ નહોતો તેથી કોહીનૂર ભારત પાછો ના આવી શક્યો. સુપ્રીમ કોર્ટમાં અરજીઓ થઈ તેમાં પણ સરકારોએ હાથ ઉંચા કરી દીધા. છેલ્લે ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટમા સુનાવણી થઈ ત્યારે મોદી સરકારે એફિડેવિટ કરેલી કે, આપણે કોહીનૂર હીરો પાછો લાવી શકીએ તેમ નથી કેમ કે અંગ્રેજો કોહીનૂર પડાવી નહોતા ગયા.  અંગ્રેજોએ સીખોને યુદ્ધમાં કરેલી મદદના બદલામાં મહારાજા રણજીતસિંહે ક્વીન વિક્ટોરીયાને ૧૯૫૦માં કોહીનૂર ભેટમાં આપી દીધેલો તેથી આપણો તેના પર કોઈ હક રહેતો નથી. 

આ જવાબ પરથી સ્પષ્ટ છે કે, સરકાર તો કોહીનૂર પાછો લાવી શકે તેમ નથી. અંગ્રેજો પણ કોહીનૂર પાછો આપવા તૈયાર નથી કેમ કે તેની કિંમત કરોડોમાં છે. અત્યારે કોહીનૂરની કિંમત ૬૦ કરોડ ડોલર એટલે કે લગભગ ૪૮૦૦ કરોડ રૂપિયા છે. આ કારણે બ્રિટનની સરકાર પણ એક જ રેકર્ડજ વગાડે છે કે, કોહીનુર અમે પડાવી નહોતો લીધો પણ ક્વીનને ભેટમાં મળ્યો હતો. 

કોંગ્રેસના સાંસદ શશી થરૂરે જુલાઈ ૨૦૧૫માં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એક ચર્ચામાં કહેલું કે, બ્રિટને ભારતીયો પર કરેલા અત્યાચારોના પ્રાયશ્ચિતરૂપે ભારતને કોહીનૂર  પાછો આપવો જોઈએ, અંગ્રેજોએ ભારતમાં ૨૦૦ વર્ષ લગી અત્યાચારો કરીને લૂંટ ચલાવી તેની પ્રતિકાત્મક માફીરૂપે ભારતને દર વર્ષે ૧ પાઉન્ડ રકમ આપવી જોઈએ. અંગ્રેજોએ આ વાતને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખી હતી.  

હવે કિંગ ચાર્લ્સ દયા ખાઈને દુનિયાના દેશો પાસેથી લૂંટેલી ચીજો પાછી આપવાનું સ્વીકારે તો ભારતને પણ કોહીનૂર મળી શકે, બાકી કોહીનૂર મૂળ તો આપણો હતો એવી વાતો કરીને ખુશ થયા કરવાનું. 

કોહીનૂર પાછો લાવવાની અરજી સુપ્રીમે ફગાવેલી

કોહીનૂર ભારતમાં પાછો લાવવા સુપ્રીમ કોર્ટમાં પણ અરજી થઈ હતી. ઓલ ઈન્ડિયા હ્યુમન રાઈટ્સ એન્ડ સોશિયલ જસ્ટિસ ફ્રન્ટ તથા હેરિટેજ બેંગાલ નામનાં સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાની સાથે આ હીરો ભારતને પાછો મળે એ માટે અભિયાન પણ છેડયું હતું. સુપ્રીમ કોર્ટે ૨૦૧૭માં ચુકાદો આપેલો કે,  કોહીનૂર અત્યારે બ્રિટન પાસે છે અને ભારતની સુપ્રીમ કોર્ટની સત્તા બ્રિટનને લાગુ ના પડે.  અમે વિદેશની સરકારને કોહીનૂર પાછો આપવા ના કહી શકીએ. બ્રિટનની સરકાર આ હીરો વેચવા માગતી હોય તો તેને રોકી પણ ના શકીએ.

સુપ્રીમ કોર્ટના આ ચુકાદા સામે રીવ્યુ પીટિશન થયેલી પણ સુપ્રીમ કોર્ટે તેનું વલણ નહોતું બદલ્યું. ૨૦૧૯માં તત્કાલિન ચીફ જસ્ટિસ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની પાંચ જજની બેંચે સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદા પર વિચારણા કરવાનો પણ સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. મોદી સરકારે પણ એફિડેવિટ કરેલી કે, આપણે કોહીનૂર હીરો પાછો લાવી શકીએ તેમ નથી કેમ કે આ હીરો ભેટમાં અપાયેલો.

Gujarat