For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

19 વર્ષે મુસ્લિમ બનીને લગ્ન, પછી મોત : દિવ્યાનું મોત હજુ પણ રહસ્ય

Updated: Apr 14th, 2024

19 વર્ષે મુસ્લિમ બનીને લગ્ન, પછી મોત : દિવ્યાનું મોત હજુ પણ રહસ્ય

- દિવ્યા ભારતી 1990ના દાયકાની શરૂઆતમાં યંગસ્ટર્સની હાર્ટ થ્રોબ બની એ પહેલાંથી તેને ફિલ્મોની ઓફર મળવા લાગી હતી

- હિંદી ફિલ્મોમાં નાની ઉંમરે જબરદસ્ત સફળતા મેળવનારી અને પછી રહસ્યમય રીતે  માત્ર 19 વર્ષની ઉંમરે ગુજરી જનારી દિવ્યા ભારતીના મોતનો મુદ્દો ફરી ચર્ચામાં છે. દિવ્યાની છેલ્લી ફિલ્મ 'રંગ'ના હીરો કમલ સદાનાએ દાવો કર્યો છે કે, દિવ્યાએ આપઘાત નહોતો કર્યો. સદાનાએ દિવ્યાના મોતના બે દિવસ પહેલાં જ તેની સાથે શૂટિંગ કરેલુ તેથી દિવ્યાની માનસિક સ્થિતી અને સંઘર્ષથી સદાના વાકેફ હોવાનું કહેવાય છે. સદાનાએ પોતે ભેરવાઈ ના જાય એટલે તેની હત્યા થઈ હોવાની વાતને પણ ખોટી ગણાવી પણ સદાનાની વાતોને કારણે દિવ્યા ભારતીનું રહસ્યમય મોત ફરી ચર્ચામાં આવી ગયું છે. 

હિંદી ફિલ્મોમાં નાની ઉંમરે જબરદસ્ત સફળતા મેળવનારી અને પછી રહસ્યમય રીતે ૧૯૯૩માં માત્ર ૧૯ વર્ષની ઉંમરે ગુજરી જનારી દિવ્યા ભારતીના મોતનું રહસ્ય કદી ના ઉકેલાયું. પહેલાં અંગત જીવનમાં સોંપડેલી નિરાશાના કારણે દિવ્યાએ આપઘાત કર્યો હોવાની વાત બહાર આવેલી.  પોલીસે દિવ્યાનું મોત અકસ્માતે થયું હોવાનું કહેલું. દિવ્યાના મોતના ૫ વર્ષ પછી ૧૯૯૮માં કોર્ટે પણ પોલીસની થીયરી પર મંજૂરીની મહોર મારતાં દિવ્યાના મોતની ફાઈલ કાયમ માટે બંધ થઈ ગઈ પણ લોકો દિવ્યાના મોતને અકસ્માતે થયેલું માનવા તૈયાર નથી. આ કારણે થોડા થોડા સમયે કોઈ ને કોઈ કારણે દિવ્યાના મોતની ચર્ચા છેડાઈ જ જાય છે.   

હમણાં દિવ્યાના મોતની ચર્ચા પાછી છેડાઈ છે કેમ કે દિવ્યાની છેલ્લી ફિલ્મ 'રંગ'ના હીરો કમલ સદાનાએ દિવ્યાના મોત વિશે ચર્ચા કરતાં જ આ મુદ્દો પાછો છેડાઈ ગયો છે. સદાનાનો દાવો છે કે, દિવ્યાએ આપઘાત નહોતો કર્યો. સદાનાએ દિવ્યાના મોતના બે દિવસ પહેલાં જ તેની સાથે શૂટિંગ કરેલુ તેથી દિવ્યાની માનસિક સ્થિતી અને સંઘર્ષથી સદાના વાકેફ હોવાનું કહેવાય છે. સદાનાને લાગ્યું કે પોતાની વાતથી બબાલ થઈ જશે તેથી તેણે વાતને વાળી લેતાં રહ્યું કે, દિવ્યા રમતિયાળ હતી ને મોત વખતે તેણે  રમ પીધી હતી તેથી ઉછળકૂદ કરતી વખતે તેનો પગ લપસી ગયો હશે એવું લાગે છે, બાકી દિવ્યા આપઘાત કરે એ વાતમાં માલ નહોતો. 

સદાનાએ પોતે ભેરવાઈ ના જાય એટલે તેની હત્યા થઈ હોવાની વાતને પણ ખોટી ગણાવી પણ સદાનાની વાતોને કારણે દિવ્યા ભારતીનું રહસ્યમય મોત ફરી ચર્ચામાં આવી ગયું છે.એ સ્વાભાવિક પણ છે કેમ કે દિવ્યા ભારતીની લાઈફ અને ડેથ કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી.  

દિવ્યા ભારતી ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં યંગસ્ટર્સની હાર્ટ થ્રોબ બની એ પહેલાંથી તેને ફિલ્મોની ઓફર આવવા માંડેલી. દિવ્યા સારી એક્ટ્રેેસ નહોતી પણ તેની પાસે જબરદસ્ત ફિગર અને ખૂબસૂરતી હતી.  તેના કારણે જુવાનિયા તેના પર ફિદા ફિદા હતા. શાહરૂખ ખાનની પહેલી ફિલ્મ દીવાનાની હીરોઈન દિવ્યા પાસે એકદમ નાની છોકરી જેવો નિર્દોષ ચહેરો હતો. એ જમાનામાં શ્રીદેવી સુપરસ્ટાર હતી ને દિવ્યા ભારતી શ્રીદેવી જેવી લાગતી તેથી  માંડ ત્રણે ફિલ્મો કરવા છતાં ઝડપથી લોકપ્રિય થઈ ગયેલી.

ફિલ્મ જગતમાં દિવ્યા ભારતી જેવી સફળતા ભાગ્યે જ કોઈ અભિનેત્રીને મળે. માત્ર ૧૯ વર્ષની વયે ગુજરી ગયેલી દિવ્યાએ ૪ વર્ષમાં ૨૧ ફિલ્મોમા કામ કર્યું અને બીજી ૧૨ ફિલ્મો તેના હાથ પર હતી. શાહરૂખ ખાન, સુનિલ શેટ્ટી, સન્ની દેઓલ, ગોવિંદા, જેકી શ્રોફ સહિતના હિંદી ફિલ્મોના એ વખતના તમામ યંગ હીરો સામે દિવ્યા હીરોઈન બની અને હિટ ફિલ્મો પણ આપી. 

દિવ્યા ભારતી ફિલ્મોમાં આવી એ પહેલાંથી જ બોની કપૂર સહિતના ફિલ્મ નિર્માતા તેની આગળ પાછળ ચક્કર લગાવતા હતા પણ દિવ્યાએ ભણવાને બહાને તેમને ટાળ્યા. ગોવિંદાના ભાઈ કીર્તિકુમારે તો રાધા કા સંગમ માટે દિવ્યાને સાઈન કરીને શૂટિંગ પણ શરૂ કરી દીધેલું પણ તેના બાળક જેવા વર્તનના કારણે તેને પડતી મૂકેલી.

દિવ્યા માટે આ નિર્ણય ફાયદાકારક સાબિત થયો કેમ કે સાઉથના ટોચના નિર્માતા ડી. રામાનાયડુએ પોતાના દીકરા વેંકટેશ સામે બોબલી રાજા માટે દિવ્યાને સાઈન કરી. તેલુગમાં બોબલી રાજા આવે એ પહેલાં દિવ્યાએ પછીથી સાઈન કરેલી નીલા પેન્ની રીલીઝ થઈ તેથી એ તેની પહેલી ફિલ્મ મનાય છે પણ દિવ્યાને અસલી સફળતા બોબલી રાજાથી મળી. આ ફિલ્મની સાડા ત્રણ કરોડ ટિકિટ વેચાયેલી. આ સફળતાને પગલે દિવ્યા સાઉથની સુપરસ્ટાર બની ગયેલી.  ચિરંજીવી, નંદમુરી બાલકૃષ્ણ, મોહનબાબુ જેવા સુપરસ્ટાર્સ સાથે દિવ્યાએ કામ કરેલું.  

દિવ્યા ગુજરી ગઈ ત્યારે તેના હાથમાં ૧૨ ફિલ્મો હતી. આ પૈકી બે ફિલ્મ કદી ના બની પણ બાકીની જે ૧૦ ફિલ્મો સુપરહીટ થઈ. મોહરા, ધવનાન, લાડલા, દિલવાલે, વિજયપથ, કર્તવ્ય, હલચલ, અંગરક્ષક એટલી મોટા બેનર્સની  ફિલ્મો દિવ્યાના હાથ પર હતી. રવિના ટંડન, કાજોલ, શ્રીદેવી, કરિશ્મા કપૂર, મનિષા કોઈરાલા, તબૂ, જુહી ચાવલા, પૂજા ભટ્ટ વગેરેને દિવ્યાના બદલે રીપ્લેસ કરીને બનાવાયેલી ફિલ્મોએ તેમની કારકિર્દી બનાવી દીધી. દિવ્યાએ આ ફિલ્મોમાં કામ કર્યું હોત તો તેની કારકિર્દી ક્યાં પહોંચી હોત એ કહેવાની જરૂર નથી. 

દિવ્યાની ભવ્ય કારકિર્દીની ટોચે હતી ત્યારે જ તેનું શંકાસ્પદ રીતે મોત થયેલું. દિવ્યા પાંચમા માળે આવેલા પોતાના એપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી નીચે પટકાઈને ગુજરી ગયેલી. એ વખતે તેની વય માત્ર ૧૯ વર્ષ હતી.  દિવ્યાના મોત અંગે ઘણા સવાલો પેદા થયેલા કેમ કે દિવ્યા પાસે આપઘાત કરવા માટે કોઈ કારણ નહોતું. દિવ્યાના મોત પછી જે વાતો બહાર આવી તેના કારણે તેના મોતનું રહસ્ય ઘેરું બનેલું. દિવ્યાએ મોતના થોડાક મહિના પહેલાં જ પોતાનાથી ૮ વર્ષ મોટા ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદવાલા સાથે લગ્ન કરી લીધેલાં. લગ્ન પછી મુસ્લિમ ધર્મ અંગિકાર કરીને દિવ્યા ભારતી સના બની ગઈ હતી. દિવ્યા અને સાજિદ વચ્ચે ઉંમર અને કલ્ચરમાં ભારે ફરક હતો તેથી તેના મોતનું કારણ તેનાં લગ્ન હોવાની વાતો ચાલેલી ને હત્યા થઈ હોવાની આશંકા પણ વ્યક્ત કરાયેલી. 

સાજિદ નડિયાદવાલાને અંડરવર્લ્ડ સાથે સંબંધ હોવાના દાવા પણ થતા હતા તેથી અંડરવર્લ્ડે દિવ્યાને પતાવી દીધી હોવાની વાતો પણ ચાલેલી. દિવ્યા અને સાજિદનાં લગ્નથી સાજિદનો પરિવાર ખુશ નહોતો તેથી લગ્ન પછી દિવ્યા મુસ્લિમ ધર્મ અંગિકાર કરીને ભલે સના બની ગઈ પણ સાજિદના પરિવાર સાથે નહોતી રહેતી. આ કારણે દિવ્યા અને સાજિદ વચ્ચે ટંટા શરૂ થઈ ગયેલા તેથી સાજિદે જ છૂટકારો મેળવવા દિવ્યાની હત્યા કરાવી દીધી હોવાની વાતો પણ  ચાલી હતી. 

દિવ્યાની માતાએ કહેલું કે, દિવ્યાને ગુસ્સો આવે ત્યારે પોતાની જાતને જ ઈજા પહોંચાડતી હતી. તેના કારણે દિવ્યાની માનસિક સ્થિતી વિશે પણ સવાલો ઉભા થયેલા પણ આ સવાલોના જવાબ કદી મળ્યા નહીં. દિવ્યાએ આપઘાત કર્યો, અકસ્માતે પડી ગઈ કે હત્યા કરી દેવાઈ એ સવાલ ૩૧ વર્ષે પણ વણઉકલ્યો જ છે. 

દિવ્યાના મોતની સાક્ષી મનાતી નોકરાણીનું એક મહિનામાં મોત

દિવ્યા ભારતી ૫ એપ્રિલ ૧૯૯૩ના દિવસે ગુજરી ગઈ એ દિવસે જ તેણે પોતાના માટે ફ્લેટ ખરીદવાનો સોદો કરેલો. દિવ્યાએ ૧૧ મહિના પહેલં ૧૦ મે, ૧૯૯૨ના રોજ મુંબઈની તુલસી બિલ્ડિંગમાં આવેલા પોતાના ભાડાના ઘરમાં કેટલાક નજીકના મિત્રો સાથે સાજિદ નડિયાદવાલા સાથે નિકાહ કરેલા. આ લગ્નમાં દિવ્યાની હેર  ડ્રેસર, મિત્ર સંધ્યા, સંધ્યાનો પતિ અને કાજી જ હાજર હતાં. સાજિદ તરફથી કોઈ હાજર નહોતું પણ દિવ્યા નિહાક પહેલાં ઈસ્લામ કબૂલ કરીને સના બની ગયેલી. 

મોતના દિવસે દિવ્યા હૈદરાબાદથી મુંબઈ આવેલી. પોતાના ફ્લેટનો સોદો કર્યો પછી ફેશન ડીઝાઈનર નીતા લુલ્લાએ ફિલ્મ આંદોલનના ડ્રેસને ફાઈનલ કરવા મળવા માગતી હોવાનો ફોન આવેલો. સાંજે નીતા, તેનો પતિ શ્યામ લુલ્લા મળવા આવી પછી બધાંએ ડ્રોઈંગ રૂમમાં બેસીને ડ્રીંક્સ લીધું હતું. 

દિવ્યા સાથે જ રહેતી અમૃતા કિચનમા ખાવાનું બનાવતી હતી. દિવ્યા કિચનમાં ગઈ ને પછી અચાનક અમૃતાએ ચીસાચીસ કરી મૂકતાં દિવ્યા નીચે પડી ગઈ હોવાની ખબર પડી. 

પોલીસ તપાસમાં આ રીપોર્ટ લખાયો પણ ખરેખર દિવ્યા સાથે શું થયું એ કોઈને ખબર નથી. ચોંકાવનારી વાત એ છે કે, દિવ્યાના મોત સમયે હાજર નોકરાણીનું એક મહિના પછી મોત થઈ ગયેલું. તેના મોતનું કારણ ર્હાર્ટ એટેક અપાયેલું પણ ખરેખર શું બન્યું તેની કોઈને ખબર નથી. 

દિવ્યાની આત્મા ફિલ્મોના સેટ પર ફરતી હોવાની વાતો ચાલેલી

દિવ્યાના મોત પછી દિવ્યાની માતા મીતાએ દાવો કરેલો કે. દિવ્યા તેમનાં સપનાંમાં આવતી હતી અને મારે વહેલું જાગવાનું હોય ત્યારે દિવ્યા મને જગાવી દેતી હતી. 

સાજિદ નડિયાદવાએ દિવ્યાના મોતના ૮ વર્ષ પછી પત્રકાર વર્દા ખાન સાથે લગ્ન કર્યાં. મીતા ભારતીનો દાવો હતો કે, દિવ્યા ભારતી વર્દા ખાનનાં સપનામાં આવતી હતી એવું વર્દાએ તેને કહેલું. વર્દા ખાન અને સાજિદને બે દીકરા છે. વર્દા ખાન પહેલા દીકરાની માતા બની પછી દિવ્યા ભારતી તેનાં સપનાંમાં આવતી બંધ થઈ ગઈ હતી. 

દિવ્યાની આત્મા તેની બાકી રહેલી ફિલ્મોના સેટ પર ફરતી હોવાની વાતો પણ ચગેલી. લાડલાના શૂટિંગ વખતે તો શ્રીદેવી વારંવાર ડરી જતી હતી તેથી ગાયત્રી મંત્રનો જાપ કરાવવો પડેલો.

Gujarat