યુકેમાં સુનકની હારથી ભારતને ફાયદો, FTAનો માર્ગ મોકળો
- વહેલી ચૂંટણીનો જુગાડ ભારે પડયો, બ્રિટનમાં છેલ્લા આઠ વર્ષથી ભારે રાજકિય અસ્થિરતા હતી હવે લેબર પાર્ટીની જીતથી ફરી રાજકિય સ્થિરતા આવશે એવું મનાય છે
- લેબર પાર્ટી પહેલેથી ભારત તરફ કૂણું વલણ ધરાવે છે. ભારત અંગ્રેજોનો ગુલામ હતો ત્યારે ભારતને આઝાદી આપવા માટેની વિચારણા બ્રિટને પહેલી વાર ૧૯૨૯માં લેબર પાર્ટીની સરકાર આવી ત્યારે જ કરેલી. ગાંધીજીને લંડન બોલાવીને ગોળમેજી પરિષદો કરાવાયેલી. લેબર પાર્ટી સત્તામાંથી ફેંકાઈ જતાં બધું હવાઈ ગયેલું પણ બીજા વિશ્વયુદ્ધ પછી લેબર પાર્ટી ફરી સત્તામાં આવી અને ક્લેમેન્ટ એટલી વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે ભારતને આઝાદી આપેલી. એ પછી પણ ટોની બ્લેર સહિતના લેબર પાર્ટીના વડાપ્રધાનો ભારતને ફળ્યા જ છે. સ્ટેર્મર પણ ભારતને ફળે એવા અણસાર છે કેમ કે સ્ટેર્મર સત્તામાં આવતાં જ ઓક્ટોબર સુધીમાં ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) કરવાની જાહેરાત કરી ચૂક્યા છે.
બ્રિટનમાં ભારતીય મૂળના ઋષિ સુનકે વહેલી ચૂંટણી ખેલવાનો જુગાર ખેલ્યો ત્યારથી સુનકનો આ જુગાર ફળશે કે નહીં એ સવાલ પૂછાતો હતો. સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી ખરાબ રીતે હારી જતાં શુક્રવારે આ સવાલનો જવાબ મળી ગયો. બ્રિટનની સંસદની ૬૫૦ બેઠકોમાંથી ૪૧૦ બેઠકો જીતીને લેબર પાર્ટી ફરી સત્તામાં આવી ગઈ છે. હજુ કેટલીક બેઠકો પર પરિણામ બાકી છે એ જોતાં લેબર પાર્ટી ૧૯૯૭નો રેકોર્ડ તોડી નાંખે એવી પૂરી શક્યતા છે. ૧૯૯૭માં ટોની બ્લેરના નેતૃત્વમાં લેબર પાર્ટીએ ૪૧૯ બેઠકો જીતીને સપાટો બોલાવી દીધો હતો પણ એ વખતે કન્ઝર્વેટિવ પાર્ટીને ૧૬૫ બેઠકો મળી હતી. આ વખતે કન્ઝર્વેટિવ પાર્ટી સૌથી ખરાબ હાર સાથે ૧૧૯ બેઠકો પર સમેટાઈ ગઈ છે.
આ હાર સાથે બ્રિટનમાં છેલ્લાં ૧૪ વર્ષના કન્ઝર્વેટિવ પાર્ટીના શાસનનો અંત આવ્યો છે અને લેબર પાર્ટીના કેયર સ્ટેર્મરની વડાપ્રધાનપદે તાજપોશીનો તખ્તો તૈયાર છે. બ્રિટનમાં છેલ્લાં આઠ વર્ષ ભારે રાજકીય અસ્થિરતાનાં હતાં. લેબર પાર્ટીની જીત સાથે ફરી રાજકીય સ્થિરતા આવશે એવું મનાય છે. બ્રિટનમાં ૧૯૭૯થી ૧૯૯૭ સુધી સળંગ ૧૮ વર્ષ કન્ઝર્વેટિવ પાર્ટીનું શાસન હતું. આ ૧૮ વર્ષમાં માર્ગારેટ થેચરે અને જોન મેજર બે જ વડાપ્રધાન આવ્યા. ૧૧ વર્ષ અને ૨૦૮ દિવસ સત્તામાં રહેનારાં માર્ગારેટ થેચર વીસમી અને એકવીસમી સદીમાં યુકેમાં સૌથી લાંબો સમય રહેનારાં વડાપ્રધાન છે.
૧૯૯૭માં ટોની બ્લેરના નેતૃત્વમાં લેબર પાર્ટીએ કન્ઝર્વેટિવ પાર્ર્ટીને કારમી હાર આપી પછી ટોની બ્લેરનું ૧૦ વર્ષનું જ્યારે ગોર્ડન બ્રાઉનનાં ૩ વર્ષ મળીને સળંગ ૧૩ વર્ષ સુધી લેબર પાર્ટીનું શાસન હતું. ૨૦૧૦માં ફરી કન્ઝર્વેટિવ પાર્ટી જીતી અને ડેવિડ કેમરૂન વડાપ્રધાન બન્યા ત્યારથી ૧૪ વર્ષથી કન્ઝર્વેટિવ પાર્ટી સત્તામાં હતી. કેમરૂન ૬ વર્ષ વડાપ્રધાન રહ્યા ત્યાં સુધીનો સમગાળો રાજકીય સ્થિરતાનો હતો પણ પછીનાં ૮ વર્ષમાં રાજકીય અસ્થિરતા સર્જાતાં થેરેસા મે, બોરિસ જોનસન, એલિઝાબેથ ટ્રસ અને ષિ સુનક એમ ચાર વડાપ્રધાન આવી ગયા. થેરેસા મે અને બોરિસ જોનસન ત્રણ વર્ષથી વધારે સમય રહ્યાં જ્યારે સુનક પોણા બે વર્ષ વડાપ્રધાનપદે રહ્યા. લિઝ ટ્રસ માત્ર ૫૦ દિવસ વડાપ્રધાન રહ્યાં ને યુકેના ઈતિહાસમાં સૌથી ઓછો સમય ટકનારાં વડાપ્રધાન છે.
બ્રિટનમાં અત્યારે બેફામ મોંઘવારી અને નેતાઓનાં કૌભાંડોથી પ્રજા પરેશાન છે. સામાન્ય જીવન જરૂરીયાતની ચીજો પણ મળતી નથી અને બેરોજગારી સતત વધી રહી છે. યુરોપીયન યુનિયનથી અલગ થવાનો નિર્ણય બૂમરેંગ સાબિત થયો છે ને બ્રિટનની આર્થિક તકલીફો વધી છે. આ કારણે અકળાયેલા લોકોએ સુનકને ફેંકી દીધા ને સ્ટેર્મરને લાવ્યા. સ્ટેર્મરનો રેકોર્ડ જોતાં એ બ્રિટનને રાજકીય સ્થિરતા જ નહીં પણ લોકોને રાહત પણ આપશે એવું મનાય છે.
સ્ટેર્મરની સત્તામાં એન્ટ્રી ભારત માટે પણ ફાયદાકારક સાબિત થશે. લેબર પાર્ટી પહેલેથી ભારત તરફ કૂણું વલણ ધરાવે છે. ભારત અંગ્રેજોનો ગુલામ હતો ત્યારે ભારતને આઝાદી આપવા માટેની વિચારણા બ્રિટને પહેલી વાર ૧૯૨૯માં લેબર પાર્ટીની સરકાર આવી ત્યારે જ કરેલી. ગાંધીજીને લંડન બોલાવીને ગોળમેજી પરિષદો કરાવાયેલી. લેબર પાર્ટી સત્તામાંથી ફેંકાઈ જતાં બધું હવાઈ ગયેલું પણ બીજા વિશ્વયુદ્ધ પછી લેબર પાર્ટી ફરી સત્તામાં આવી અને ક્લેમેન્ટ એટલી વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે ભારતને આઝાદી આપેલી. એ પછી પણ ટોની બ્લેર સહિતના લેબર પાર્ટીના વડાપ્રધાનો ભારતને ફળ્યા જ છે.
સ્ટેર્મર પણ ભારતને ફળે એવા અણસાર છે કેમ કે સ્ટેર્મર સત્તામાં આવતાં જ ઓક્ટોબર સુધીમાં ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. બોરિસ જોનસન વડાપ્રધાન હતા ત્યારે ૨૦૨૨ના એપ્રિલમાં ભારત આવ્યા ત્યારે વચન પણ આપેલું કે, બંને દેશોનાં લોકોને એફટીએની દિપાવલી ગિફ્ટ મળશે. આ કરારને અંતિમ સ્વરૂપ આપવા બંને દેશો વચ્ચે લાંબી વાટાઘાટો પણ થઈ પણ સુનક સરકારે આખી વાતને અભરાઈ પર ચડાવી દીધી.
ભારત માટે યુ.કે. સાથેનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મહત્વનો છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થાય ભારતની યુકેમાં નિકાસ ૨૦૩૦ સુધીમાં ૩૦ અબજ ડોલર પર પહોંચી જાય તેથી ભારતીય અર્થતંત્ર મજબૂત બને. આ ઉપરાંત ભારતના સ્કીલ્ડ વર્કર્સ માટે યુ.કે.ના દરવાજા ખૂલી જાય. યુ.કે. યુરોપીયન યુનિયનમાંથી નિકળી ગયું પછી સ્કીલ્ડ વર્કર્સ માટે તેની નજર ભારત પર ઠરી છે કેમ કે ભારતમાંથી સસ્તા ભાવે મજૂરો મળી રહે છે તેથી દર વરસે ૧ લાખથી વધારે સ્કીલ્ડ વર્કર્સ યુ.કે. જવાની તક મળે.
યુ.કે. પોતાના ઓટોમોબાઈલ્સ અને સ્કોચ વ્હીસ્કી પરની આયાત ડયુટી ઘટાડાય એવું ઈચ્છે છે. હાલમાં સ્કોચ વ્હિસ્કી પર ભારતમાં ૧૫૦ ટકા ડયુટી છે.
આ ડયુટી ઘટાડાય તો ભારતને આવકમાં મોટો ફટકો પડે પણ નિકાસ વધે અને ભારતીયોને વિઝા મળે એ મોટો ફાયદો છે. યુકે સાથે એફટીએ થાય તો યુરોપીયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના દરવાજા ખૂલી અને ભારતના અર્થતંત્રને બહુ મોટો ફાયદો થઈ જાય.
સુનક ભારતીય મૂળના હતા તેથી ભારત તરફ નરમ વલણ અપનાવશે એવી આશા હતી પણ સુનકે વિઝાના નિયમો આકરા બનાવ્યા, ભારતીય વિદ્યાર્થીઓને મળતી રાહતો દૂર કરી અને એફટીએ પણ ન થવા દીધો. સ્ટેર્મર આ બધી ભૂલો સુધારીને ભારત અને યુકેના સંબંધોને નવી દિશામાં લઈ જશે એવી આશા રાખીએ.
સ્ટેર્મર સંપૂર્ણ શાકાહારી, વીક-એન્ડ ફેમિલી સાથે જ ગાળવાનો નિયમ
યહૂદી પરિવારમાંથી આવતા સ્ટેર્મર માનવાધિકારો માટે લડનારા વકીલ તરીકે જાણીતા છે. બ્રિટનની સરકારમાં પબ્લિક પ્રોસીક્યુટર રહી ચૂકેલા સ્ટોર્મેર ૬૧ વર્ષના છે.
બ્રિટનમાં છેલ્લાં ૫૦ વર્ષમાં ૬૦ વર્ષથી વધારે ઉમંરની કોઈ વ્યક્તિ વડાપ્રધાન બની નથી એ જોતાં અડધી સદીના સૌથી વૃધ્ધ વડાપ્રધાન છે પણ બ્રિટનના છેલ્લા ૫૦ વર્ષમાં આવેલા કોઈ પણ વડાપ્રધાન કરતાં સ્ટેર્મર વધારે સક્ષમ મનાય છે. સ્ટેર્મર દસ વર્ષ પહેલાં જ રાજકારણમાં આવ્યા છે અને ૨૦૧૫માં પહેલી વાર સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતા એ જોતાં બહુ ટૂંકા ગાળામાં મોટી છલાંગ લગાવી છે.
સ્ટેર્મર પાસે બોરિસ જોનસન કે સુનક જેવો કરિશ્મા નથી પણ સ્વચ્છ ઈમેજ અને કોઈનાથી નહીં ડરવાની માનસિકતા છે. સ્ટેર્મર સામાન્ય પરિવારમાંથી આવ્યા હોવાથી સામાન્ય લોકોને એ પોતાના જેવા લાગે છે. ર્સ્ટેર્મરના પિતા ટૂલમેકર અને માતા નર્સ હતાં.
તેમનાં પત્ની વિક્ટોરીયા હજય નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ)માં ઓક્યુપેશનલ થેરાપિસ્ટ તરીકે કામ કરે છે. લંડનથી પાંચેક કિલોમીટર દૂર આવેલા નાનકડા શહેરમાં સામાન્ય લોકોની વચ્ચે જ સ્ટેર્મર રહે છે.
સ્ટેર્મર વરસોથી શુક્રવારે સાંજ છ વાગ્યા પછી કામ કરવાનું બંધ કરીને વીક-એન્ડ પરિવાર સાથે જ ગાળે છે તેથી બ્રિટનના વર્કિંગ ક્લાસને સ્ટેર્મર પોતાનામાંથી જ એક લાગે છે.
સ્ટેર્મર સંપૂર્ણપણે શાકાહારી છે અને પોતાનાં સંતાનોને પણ દસ વર્ષનાં થયાં ત્યાં સુધી શાકાહારી જ રાખેલાં. એ પછી તેમને જે ખાવું હોય એ ખાવાની છૂટ આપેલી. સ્ટેર્મર પરિવારની પ્રાઈવસીમાં માને છે તેથી પોતાનાં બંને સંતાનોનાં નામ પણ કદી જાહેર કર્યા નથી.
પ્રીતિ પટેલ સહિત 30 મહિલા નેતાની ફેક સેક્સ ક્લીપ ફરતી કરાયેલી
બ્રિટનની ચૂંટણીમાં ડીપફેકનો પણ ભરપૂર ઉપયોગ થયો હતો. બલ્કે ડીપફેક પોર્નોગ્રાફી એક મહત્વનો મુદ્દો હતો. નેતાઓ જીતવા માટે ચારિત્ર્ય હનનીન સાવ નીચલી કક્ષાએ ઉતરી ગયા હતા અને મહિલા નેતાઓને ટાર્ગેટ કરીને ગંદકી ફેલાવી દીધી હતી. કન્ઝર્વેટિવ તથા લેબર પાર્ટી બંનેના ૩૦ જેટલી ટોચની મહિલા નેતાઓની ૪૦૦થી વધારે ફેક સેક્સ ક્લિપ અને ન્યુડ ફોટો ફરતા કરાયેલાં.
કેયર સ્ટાર્મરની કન્ઝર્વેટિવ પાર્ટીનાં ડેપ્યુટી લીડર એન્જેલા રેયનર નાયબ વડાપ્રધાન બનશે એવું મનાય છે. લેબર પાર્ટીને હરાવવા માટે એન્જેલા રેયનરની ફેક સેક્સ ક્લીપ ફરતી કરાયેલી. આ સિવાય પેની મોરડન્ટ, ગિલિયલ કિગાન, સ્ટેલ્લા ક્રીઝી. ડેહન્ના ડેવિડસન, પ્રીતિ પટેલની પણ ફેક સેક્સ ક્લીપ ફરતી કરાયેલી. ગુજરાતી મૂળમાં પ્રીતી પટેલ લંડનનાં મેયર રહી ચૂક્યાં છે અને યુકેમાં ગૃહ મંત્રી પણ હતાં. આ પૈકી કેટલીક મહિલા નેતાઓએન પોલીસ ફરિયાદ કરેલી પણ મોટા ભાગની નેતાઓએ તેની અવગણના કરી હતી. મતદારોએ પણ આ પ્રકારના ગંદા પ્રચારની અવગણના કરી છે એ દેખાઈ રહ્યું છે.
એન્જેલા રેયનરે લેબર પાર્ટી સત્તામાં આવશે તો બંને પાર્ટીની મહિલા નેતાઓની ડીપફેક પોર્નોગ્રાફિક ઈમેજ કે ક્લિપ ફરતી કરનારાં સામે આકરી કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી. એન્જેલા પોતાની વાતને વળગ રહે તો ઘણા બધા નેતાઓ પર તવાઈ આવશે એવું લાગે છે.