mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

યુદ્ધવિરામનો ઢોંગ આચરીને પાકિસ્તાન પીઠ પર વારની ફિરાકમાં

Updated: Aug 7th, 2021

યુદ્ધવિરામનો ઢોંગ આચરીને પાકિસ્તાન પીઠ પર વારની ફિરાકમાં 1 - image


- મોટો હુમલાને અંજામ આપવા માટે સરહદપારથી આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવા તૈયાર

- પાકિસ્તાન ઉપર ટેરર ફંડિંગ પર લગામ કસવાનું આંતરરાષ્ટ્રીય દબાણ છે અને ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવા માટે તે સીઝફાયરનો ઢોંગ આચરી રહ્યું છે, ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળતાની સાથે જ તે ફરી પોતાનું અસલ સ્વરૂપ બતાવશે અને ફરી ભારતમાં આતંકવાદીઓને ઘૂસાડવા માટેના પ્રયાસો શરૂ કરી દેશે

ભારત અને પાકિસ્તાન વચ્ચે છ મહિના પહેલા લાગુ કરવામાં આવેલા સીઝફાયર બાદ બંને દેશોની સેના વચ્ચે ફાયરિંગના બનાવ નોંધાયા નથી એ સંજોગોમાં સરહદે શાંતિ છે પરંતુ ગુપ્તચર એજન્સીઓના અહેવાલ પ્રમાણે સરહદપાર હજુ પણ આતંકવાદી કેમ્પો ધમધમી રહ્યાં છે અને ૧૪૦ જેટલા આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવા તૈયાર છે. એજન્સીઓના ઇન્પુટ્સ પ્રમાણે ૧૫ ઓગસ્ટ પહેલા આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં છે.

ગત ફેબુ્રઆરીમાં બંને દેશો વચ્ચે લશ્કરીસ્તરે યુદ્ધવિરામની સમજૂતિ થયા બાદ પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન ન કરવાની ખાતરી આપી હતી. આમ તો વર્ષ ૨૦૦૩ની ૨૬ નવેમ્બરે બંને દેશો વચ્ચે જમ્મુ-કાશ્મીરની ૨૬૪ કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ અને ૮૧૪ કિલોમીટર લાંબી અંકુશ રેખા ઉપર સીઝફાયર લાગુ કરવાની મૌખિક સમજૂતિ થઇ હતી.

પરંતુ સીઝફાયર લાગુ થયાના બે મહિના બાદ જ પાકિસ્તાની સેનાએ સીઝફાયર વાયોલેશન શરૂ કરી દીધું હતું. આ રીતે વારંવાર યુદ્ધવિરામ ભંગ કરવા પાછળ પાકિસ્તાની સેનાની ગણતરી એ હોય છે કે પાકિસ્તાનમાં તૈયાર થયેલા આતંકવાદીઓને ભારતમાં ધકેલવા માટે કવરિંગ ફાયર કરવું.

આ રીતે આતંકવાદીઓને ભારતની સરહદમાં ઘૂસાડવા માટે કવરિંગ ફાયર કરવાનું પરિણામ એ આવે છે કે સીઝફાયરનું મહત્ત્વ જ રહેતું નથી અને જવાબમાં ભારતીય સુરક્ષા દળોએ આતંકવાદીઓની ઘૂસણખોરી રોકવા માટે બરાબર જવાબ આપવો પડે છે.  લશ્કરી તાકાતમાં ભારત સામે જરાય ટકી શકે એમ ન હોવાના કારણે પાકિસ્તાન ભારતમાં આતંકવાદ ફેલાવવાના કારસા રચે છે. થોડા સમય અગાઉ પણ ઇન્પુટ્સ હતાં કે ચારે તરફથી નિરાશા સાંપડયા બાદ પાકિસ્તાન સરહદપારથી આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવામાં લાગી ગયું છે.

આતંકવાદી સંગઠનો કાશ્મીરના લોકોને બંદી બનાવીને તેમને આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોરજબરજસ્તી સામેલ કરવા માટે અને સેના અંગે જાણકારી આપવા માટે દબાણ કરે છે. આતંકવાદી સંગઠનો કાશ્મીરના યુવાનોને ભરતી કરવા માટે પ્રયાસો કરે છે એવામાં સેના અને સુરક્ષા દળો માટે પહેલા કરતા પણ કઠિન સમય આવ્યો છે. 

જાણીતી વાત છે કે પાકિસ્તાન આતંકવાદીઓનું શરણસ્થાન છે. પાકિસ્તાન આતંકવાદીઓને બેમર્યાદ ફંડ પૂરું પાડે છે. આતંકવાદીઓ અને આતંકવાદ સપ્લાય કરતા આકાઓ પાકિસ્તાનની ધરતી ઉપર સરેઆમ ફરે છે. ભારતને નબળું પાડવા માટે પાકિસ્તાની સેના આતંકવાદીઓને ચાર હાથે મદદ કરે છે.

આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવા માટે કાયમ પ્રયાસો કર્યા કરે છે. દગાબાજી માટે જાણીતી પાકિસ્તાની સેના સરહદ પર છાશવારે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને ભારતના જાબાંઝ જવાનોના જીવ લે છે. હકીકતમાં પાકિસ્તાન એવી તમામ નાપાક હરકતો કરે છે જે ભારતને નુકસાન પહોંચાડે. 

જોકે ભારતીય સેના પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપે છે. ૨૦૧૬ની સર્જિકલ સ્ટ્રાઇક બાદ ભારતીય સુરક્ષાદળો અનેક મોરચે પાકિસ્તાનને પોતાની અસલ તાકાતનો પરચો આપી ચૂક્યાં છે. તેમ છતાં પાકિસ્તાન એમાંથી કશો બોધપાઠ લીધો હોય એમ જણાતું નથી. ૨૮ સપ્ટેબર ૨૦૧૬ની એ રાતે ભારતીય સેનાના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરી દીધું.

પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ પઠાણકોટ એરબેઝ ઉપર કરેલા હુમલામાં ૧૯ જવાનો શહીદ થયા અને તેમની શહીદીનો બદલો લેવા સેનાના સ્પેશિયલ કમાન્ડોએ પાકિસ્તાનની સીમામાં ઘૂસીને આતંકવાદી છાવણીઓનો દાટ વાળી દીધો અને હેમખેમ ભારતીય સીમામાં પરત ફર્યાં. એ પછી પણ ભારતીય સેનાએ ઘૂસણખોરોને આશરો આપતી પાકિસ્તાની ચોકીઓને તબાહ કરી છે. તેમ છતાં પાકિસ્તાનની નાપાક હરકતો અટકતી નથી. 

સ્પષ્ટ બાબત છે કે પાકિસ્તાની સરકાર અને તેની સેનાની મરજી વગર કોઇ આતંકવાદી સંગઠન પોતાની કામગીરી ન કરી શકે. પાકિસ્તાની સરકાર અને સેના ઉપરાંત સમાંતર સરકાર ચલાવતી ગુપ્તચર સંસ્થા આઇએસઆઇની સમસ્યા એ રહી છે કે તે નીતિગત રીતે આતંકવાદી સંગઠનો અને તેમના આકાઓનો ઉપયોગ કરવો યોગ્ય સમજે છે. આ આત્મઘાતી વિચારધારાના કારણે જ પાકિસ્તાનમાં મોટા પાયે આતંકવાદી સંગઠનોને પાળવા અને પોષવાનું કામ થતું આવ્યું છે.

કોઇ આતંકવાદી સંગઠન ઉપર પ્રતિબંધ મૂકાય ત્યારે દુનિયાને ગેરમાર્ગે દોરવા માટે જ એ સંગઠન અને આતંકવાદના આકાને નવા નામ સાથે નવેસરથી નવું સંગઠન ઊભું કરવાની સુવિધા આપવામાં આવે છે. એ સાથે આતંકવાદની ફેકટરી ચલાવતા હાફિઝ સઇદ જેવા આતંકવાદીઓ બેરોકટોક સામાન્ય જીવન જીવી શકે છે. ખરેખર તો પાકિસ્તાન સુધરે એવા અણસાર ઓછા છે. ઉલટું દુનિયાની આંખોમાં ધૂળ નાખવા તે એવો ડોળ કરે છે કે તે ખુદ આતંકવાદથી પીડિત છે.

ભારત સાથે સંબંધો સામાન્ય કરવાની દિશામાં પાકિસ્તાનની ઇમરાન ખાન સરકાર સમક્ષ ભારે પડકારો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વણસવાનું મુખ્ય કારણ સરહદપારથી ચાલતા આતંકવાદી કરતૂતો છે. એ તો જગજાહેર છે કે પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠનો ભારતમાં અશાંતિ ફેલાવવાના પ્રયાસોમાં રત રહે છે. ઇમરાન ખાનનું આ સંગઠનોને લઇને જે વલણ છે એ ભારત માટે ચિંતાજનક છે. ઇમરાન ખાન ચૂંટણીમાં કટ્ટરપંથીઓનું સમર્થન હાંસલ કરીને વિજયી બન્યા હતાં. 

આતંકવાદનું આશ્રિત બની ગયેલા પાકિસ્તાનનું અર્થતંત્ર ખસ્તાહાલ છે અને આતંકવાદને પોષવામાં રત રહેલો દેશ દેવાના મોટા ડુંગર તળે દબાયેલો છે. ખુદ ઇમરાન ખાને કબૂલ કર્યું છે કે પાકિસ્તાને જૂનું દેવું ચૂકવવા માટે નવું દેવું કરવું પડે છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને સુધારવા માટે જરૂરી છે કે તે સાફ નિયત સાથે કામ કરે અને દેશમાં અને બહાર શાંતિપૂર્ણ માહોલ સ્થપાય એ માટે જરૂરી પગલાં લે. ઇમરાન ખાન સમક્ષ મોટી જવાબદારી છે કે તે સેના કે કટ્ટરવાદી તત્ત્વોના દબાણમાં આવીને એવી નીતિઓ અખત્યાર ન કરે જે તેમના ખાડે ગયેલા દેશને સાવ પાયમાલ કરી દે.  માત્ર ભારત તરફથી જ નહીં, દુનિયાના બીજા દેશો તરફથી પણ પાકિસ્તાનને લપડાક મળી છે.

પાકિસ્તાનના સૌથી મોટા મદદગાર ગણાતા અમેરિકાએ પણ આતંકવાદી ગતિવિધિઓમાંથી ઊંચા ન આવતા પાકિસ્તાનને આપવામાં આવતી આર્થિક મદદ ઉપર મનાઇ લગાવી દીધી છે. ટેરર ફંડિંગની દેખરેખ રાખતી સંસ્થા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)એ પણ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત્ રાખ્યું છે. યૂ.એન. સહિતના વૈશ્વિક મંચો ઉપર પાકિસ્તાન વિરુદ્ધ અવાજ ઊઠી રહ્યાં છે. તેમ છતાં પાકિસ્તાનની બદમિજાજી અટકવાનું નામ નથી લેતી અને ભારતમાં અશાંતિ ફેલાવવાના શક્ય તમામ કાવાદાવા આચર્યા કરે છે. 

પાકિસ્તાની સેના અને આઇએસઆઇની છત્રછાયા હેઠળ પાકિસ્તાનમાં અનેક આતંકવાદી કેમ્પો ચાલી રહ્યાં છે. દુનિયાભરમાંથી ભારે દબાણ છતાં પાકિસ્તાનસ્થિત આતંકવાદીઓને ઉની આંચ પણ આવતી નથી. પાકિસ્તાન ઉપર ટેરર ફંડિંગ પર લગામ કસવાનું આંતરરાષ્ટ્રીય દબાણ છે.

જાણકારોના મતે તો સરહદે સંઘર્ષવિરામ કરવો એ પાકિસ્તાનનો ડોળમાત્ર છે અને ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવા માટે તે આ ઢોંગ આચરી રહ્યું છે. ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળતાની સાથે જ તે ફરી પોતાનું અસલ સ્વરૂપ બતાવશે અને ફરી ભારતમાં આતંકવાદીઓને ઘૂસાડવા માટેના પ્રયાસો શરૂ કરી દેશે. 

છેલ્લા થોડા સમયથી સુરક્ષા દળોની ચોકસાઇ અને ગુપ્તચર તંત્રની સચોટ બાતમીઓના આધારે કાશ્મીરમાં આતંકવાદી સંગઠનો વિરુદ્ધ જે અભિયાનો ચલાવવામાં આવ્યાં છે એમાં આતંકવાદના ખાત્માની દિશામાં ભારે સફળતા મળી છે. હકીકતમાં બુરહાન વાની બાદ કોઇ પણ આતંકવાદી આકા કાશ્મીરમાં પોતાના મૂળિયા જમાવી શક્યો નથી એ સુરક્ષા દળોની મોટી સફળતા ગણાય. 

જ્યારે જ્યારે ભારતે પાકિસ્તાન સાથેના સંબંધો સુધારવાની દિશામાં પહેલ કરી છે ત્યારે ત્યારે પાકિસ્તાને તેનો જવાબ ઉરી, પઠાનકોટ, ગુરદાસપુર જેવા મોટા આતંકવાદી હુમલાના સ્વરૂપમાં આપ્યો છે. ભારતે પાકિસ્તાન સાથે મંત્રણા કરવાનો કદી ઇન્કાર કર્યો નથી અને દર વખતે જૂના બનાવો ભૂલીને વાતચીત માટે હાથ લંબાવ્યો છે.

પરંતુ દર વખતે કોઇ મોટી આતંકવાદી ઘટના બને છે અને વાર્તાલાપ તૂટી જાય છે. એ જ કારણે પાછલા લાંબા સમયથી ભારતનું વલણ રહ્યું છે કે બંને દેશો વચ્ચે મંત્રણા ત્યારે જ શક્ય છે જ્યારે પાકિસ્તાન આતંકવાદીઓને સમર્થન આપવાનું બંધ કરશે અને સરહદપારથી ભારતમાં આતંકવાદીઓને મોકલવાનું બંધ કરશે. ભારતે પાકિસ્તાન સાથેના વિવાદો ઉકેલવા માટે હંમેશા સકારાત્મક વલણ જ દાખવ્યું છે પરંતુ દર વખતે પાકિસ્તાન જ આડું ફાટે છે. આ વખતે પણ તે સીઝફાયરનું પાલન તો કરી રહ્યું છે પરંતુ આતંકવાદીઓને પોષવાનું અટકાવ્યું નથી.

Gujarat