For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોરોનાકાળમાં કથળતી અર્થવ્યવસ્થા છતાં રાજકીય પક્ષો માલામાલ

Updated: Aug 6th, 2021

કોરોનાકાળમાં કથળતી અર્થવ્યવસ્થા છતાં રાજકીય પક્ષો માલામાલ

- સત્તાધારી ભાજપને મુખ્ય પાંચ વિપક્ષોને મળેલા કુલ દાન કરતા ત્રણ ગણું વધારે ફંડ મળ્યું

- એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર રાજકીય પક્ષોને મળેલા ફંડની આ રકમ 20 હજાર રૂપિયાથી વધારેના ફાળાની જ છે કારણ કે 20 હજારથી ઓછી રકમના ફાળા અંગે ખુલાસો ન કરવાની રાજકીય પક્ષોને છૂટ આપવામાં આવી છે

કોરોના કાળ દરમિયાન ઘેરી બનેલી આર્થિક મંદી અને અસહ્ય મોંઘવારીની બૂમો વચ્ચે પણ દેશના રાજકીય પક્ષોની સંપત્તિમાં વધારો થઇ રહ્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશના મુખ્ય રાજકીય પક્ષોને વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ૫૫૨૦ સ્ત્રોત દ્વારા ૧૦૧૩ કરોડ રૂપિયા ફંડ તરીકે મળ્યાં છે. આ રિસર્ચમાં જે રકમ સામેલ કરવામાં આવી છે એ ૨૦ હજાર રૂપિયાથી વધારેના ફંડની છે. ઉલ્લેખનીય છે કે રાજકીય પક્ષોએ ૨૦ હજાર રૂપિયાથી વધારેની રકમનો જ હિસાબ આપવો પડે છે. 

વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ૨૦ હજાર રૂપિયાથી વધારે જે ફંડ મળ્યો એનો મોટો હિસ્સો કેન્દ્રમાં સત્તાધારી ભાજપના ફાળે ગયો છે. વીસ હજાર રૂપિયાથી વધારે રૂપિયાના ફંડનો ૭૭ ટકા હિસ્સો ભાજપના ખાતામાં ગયો છે. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, એનસીપી, સીપીઆઇ અને સીપીએમ જેવા પાંચ પક્ષોને મળેલા કુલ ૨૨૮ કરોડ રૂપિયાના ફંડ સામે એકલા ભાજપને ૭૭૫.૭૭ કરોડ રૂપિયાનું માતબર દાન મળ્યું છે. ગયા વર્ષે પણ ભાજપને ૭૪૨ કરોડ રૂપિયાનો ફંડ મળ્યો હતો જે બાકીના પક્ષો કરતા ત્રણગણો વધારે હતો. 

એ તો જગજાહેર છે કે રાજકીય પક્ષો પોતાની આવક અને ખર્ચના આંકડા જાહેર કરવામાં પારદર્શક નથી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રાજકીય પક્ષોને ફંડફાળા તરીકે જે કરમુક્ત રકમ પ્રાપ્ત થાય છે તેની માહિતી તેમની પાસે નથી હોતી. આમ તો માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોને મળતા ફંડ ફાળાના આંકડા પંચની વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે પરંતુ તેમાંની કેટલી રકમ ટેક્સ ફ્રી છે તેની તેમની પાસે કોઇ જાણકારી નથી. ઇન્કમ ટેક્સ એક્ટ, ૧૯૬૧ની કલમ ૧૩(એ) અનુસાર રાજકીય પક્ષોને તેમની આવકની જાણકારી આપવા અંગે છૂટ આપવાની જોગવાઇ છે.

આ આવકમાં આવાસ સંપત્તિ, અન્ય સ્ત્રોતો, કેપિટલ ગેઇન અને કોઇ વ્યક્તિ દ્વારા સ્વૈચ્છિક રીતે આપવામાં આવેલા ફાળાની રકમનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે આ છૂટ રાજકીય પક્ષોને એ જ સંજોગોમાં મળે જો તેમણે પોતાની આવકનો હિસાબ રાખ્યો હોય અને તેની ઓડિટ કોઇ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે કરાવી હોય.

રાજકીય પક્ષોએ દર વર્ષે ફાળા સ્વરૂપે મળેલી ૨૦ હજાર રૂપિયાથી વધારે રકમની જાણકારી ચૂંટણી પંચને આપવાની ફરજિયાત છે.  ઉલ્લેખનીય છે કે સરકારે રાજકીય પક્ષોને ફંડ આપવા માટે ઇલેક્ટોરલ બોન્ડની વ્યવસ્થા અમલમાં મૂકી છે.

ચૂંટણી બોન્ડ કેવી રીતે કામ કરે છે એ સાદા શબ્દોમાં સમજીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વર્ષમાં એક વખત અમુક ચોક્કસ દિવસોએ આ બોન્ડ જારી કરે છે. આ બોન્ડ એક હજાર રૂપિયાથી લઇને એક કરોડ રૂપિયા સુધીની હોય છે. દાન આપનાર આ બોન્ડ ખરીદે છે અને રાજકીય પાર્ટીના બેંકના ખાતામાં ટ્રાન્સફર કરી દે છે.

પાર્ટીના ખાતામાં આ રકમ તેને મળેલા ફંડરૂપે જમા થઇ જાય છે. પહેલી નજરે સરળ જણાતી આ પ્રક્રિયામાં એવા અનેક મુદ્દા છે જે ગંભીર સવાલ ખડા કરે છે. ઇલેક્ટોરલ બોન્ડ વિરુદ્ધ જતો પહેલો અને સૌથી મહત્ત્વનો મુદ્દો છે એમાં રહેલી ગુપ્તતા. ઇલેક્ટોરલ બોન્ડ યોજનામાં દાન આપનારનું નામ જાહેર ન કરવાની જોગવાઇ છે. તો રાજકીય પક્ષને પણ એ વાત જાહેર ન કરવાનો અધિકાર છે કે તેને ફંડ કોણે આપ્યો.

રાજકીય પક્ષોને મળતા ચૂંટણી ભંડોળમાં પારદર્શકતા લાવવાના ભાગરૂપે વર્ષ ૨૦૧૭માં તત્કાલિન નાણા મંત્રી અરુણ જેટલીએ ચૂંટણી બોન્ડની જાહેરાત કરી હતી. જે અંતર્ગત દરેક રાજકીય પક્ષને ફંડ રોકડ રકમ નહીં પરંતુ બોન્ડ દ્વારા આપવાની જોગવાઇ કરવામાં આવી હતી. 

આ ઇલેક્ટોરલ બોન્ડ ભારતના કોઇ પણ નાગરિક કે કંપની ખરીદી શકે છે. જેટલીએ ઇલેક્ટોરલ બોન્ડ રજૂ કરતી વખતે દાવો કર્યો હતો કે આ પ્રકારના બોન્ડની વ્યવસ્થા શરૂ થવાથી રાજકીય પક્ષોને મળતા ફંડની તમામ પ્રક્રિયામાં પારદર્શકતા આવી જશે. જોકે ઇલેક્ટોરલ બોન્ડ અમલમાં આવ્યા ત્યારથી સવાલમાં છે.

રાજકીય પક્ષોને મળતા કોર્પોરેટ ફંડિગમાં પણ અનેક ફેરફાર કરવામાં આવ્યાં છે. જેમકે અગાઉ એવી જોગવાઇ હતી કે કોઇ કોર્પોરેટ હાઉસ તેના છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ નફાના ૭.૫ ટકા રકમ જ રાજકીય ફંડમાં આપી શકે જે જોગવાઇ દૂર કરવામાં આવી છે. એટલું જ નહીં, હવે કોઇ કંપની પર એ બંધન પણ નથી કે તે પોતાના નફાનુકસાનના ખાતામાં રાજકીય પક્ષને અપાયેલા ફંડનો ઉલ્લેખ કરે. એ નિયમ પણ હટાવી દેવામાં આવ્યો છે કે છેલ્લા ત્રણ વર્ષથી અસ્તિત્ત્વમાં હોય એવી કંપની જ રાજકીય પક્ષોને ફંડ આપી શકે.

આ તમામ છટકબારીઓનો મતલબ એ નીકળે છે કે કોઇ ખોટ કરતી કંપની સત્તાધારી પક્ષને ફંડ આપીને અમુક લાભ સાધવાનો પ્રયાસ કરી શકે છે. તો બોગસ કંપનીઓ પણ મનફાવે એટલું દાન કરી શકે છે જે એક પ્રકારનું મની લોન્ડરિંગ જ કહી શકાય.

ખરી રીતે જોઇએ તો લોકશાહીમાં પારદર્શકતા હોવી અત્યંત જરૂરી છે. અગાઉની યૂપીએ સરકારે માહિતીના અધિકાર માટે આરટીઆઇ એક્ટ લાવીને પારદર્શકતાની દિશામાં મહત્ત્વનું પગલું ઉઠાવ્યું હતું. આ કાયદાના કારણે છેલ્લા થોડા વર્ષોમાં લોકોને એવી બાબતોની જાણકારી મળી જે અગાઉ મળવી અશક્ય હતી. આ કાયદા અનુસાર હવે કોઇ પણ સરકારી કામકાજની વિગતો મેળવી શકાય છે. જેના કારણે સરકારી અધિકારીઓએ તેમની કામગીરીમાં સજાગ રહેવું પડે છે. એમ થવાથી સરકારી કામકાજ સુધર્યું છે અને તેમાં પારદર્શકતા પણ આવી છે. પરંતુ આરટીઆઇ એક્ટમાંથી પણ રાજકીય પક્ષોને બાકાત રાખવામાં આવ્યાં છે.

દલીલ છે કે રાજકીય પક્ષો સ્વૈચ્છિક સંગઠન ગણાય. સવાલ એ છે કે જે રાજકીય પક્ષો ચૂંટણી લડતા હોય, સરકાર સ્થાપતા હોય, દેશ ચલાવતા હોય એ સરકારી ન ગણાય?  આમ તો વાતે વાતે એકબીજાની વિરુદ્ધ જતા રાજકીય પક્ષો આ વાતે એકમત છે કે તેમની આવકનો હિસાબ માગવાનો જનતાને હક નથી.

રાજકીય પાર્ટીઓની દલીલ છે કે તેમના નેતાઓ અને કાર્યકરો સરકાર દ્વારા મળતી રકમ પર ચાલતા નથી કે નથી પક્ષની કામગીરી સરકારી રકમથી થતી. તેમની આ દલીલમાં વજૂદ તો છે પરંતુ જ્યારે પારદર્શક વહીવટની વાત થતી હોય તો દેશના મતદારો સામે એ સ્પષ્ટ કરવાની તેમની નૈતિક જવાબદારી બને છે કે તેમની આવક યોગ્ય પ્રકારે થઇ છે અને ખર્ચ પણ સાચી દિશામાં કરવામાં આવ્યો છે. 

એ તો બધાં જાણે જ છે કે રાજકારણમાં ભ્રષ્ટાચારનું મોટું કારણ રાજકીય પક્ષોને મોટા મોટા ઔદ્યોગિક એકમો અને વ્યાવસાયિક કંપનીઓ દ્વારા મળતો ફંડ છે. આ ફાળો નજીવી માત્રામાં ચેક દ્વારા આપવામાં આવે છે અને મોટો હિસ્સો રોકડ રકમરૂપે આપવામાં આવતો હોય છે. આમ જાહેર ન કરવામાં આવતી રોકડ રકમના સ્વરૂપે જ કાળા નાણાનો વ્યવહાર વધતો હોય છે. અને આવું કાળું નાણું જ મોટા ભાગના રાજકીય પક્ષોને ચલાવવામાં મોટો ફાળો ભજવતું હોય છે. રાજકીય પક્ષો ચૂંટણી પંચને તેમની આવક અને ખર્ચનો હિસાબ તો આપતા હોય છે પરંતુ એમાં આવી બેહિસાબી નાણાની કોઇ વિગત હોતી નથી. ચૂંટણી પંચ પણ આ મામલે કંઇ કરવાને અસમર્થ છે. 

ચૂંટણી પંચે વિદેશી યોગદાન નિયમન કાયદામાં કરવામાં આવેલા સંશોધનનો પણ સુપ્રીમ કોર્ટમાં વિરોધ કરી ચૂક્યું છે. ચૂંટણી પંચનો દાવો હતો કે આ સંશોધનથી દેશના રાજકીય પક્ષોને અનિયંત્રિત વિદેશી ફંડિંગની અનુમતિ મળશે અને એનાથી ભારતીય નીતિઓ વિદેશી કંપનીઓથી પ્રભાવિત થઇ શકે છે.

સાદા શબ્દોમાં કહીએ તો વિદેશી કંપનીઓ પોતાના હિતો સાધવા સત્તાધારી પક્ષને મનફાવે એટલું ભંડોળ આપીને વેપાર નીતિઓને પોતાના પક્ષમાં કરી શકે છે. એક જોતાં તો આ પાછલા બારણેથી વિદેશી કંપનીઓના ગુલામ બનવા જેવું જ થયું કહેવાય. 

ચૂંટણી ટાણે રાજકીય પક્ષો પ્રજાને આકર્ષવા બેફામ ખર્ચ કરતા હોય છે. આ પ્રકારની ચૂંટણીના કારણે સામાન્ય વર્ગના લોકોનું રાજકારણમાં આવવું જ કે ચૂંટણીમાં ઊભા રહેવું મુશ્કેલ બની ગયું છે. આમ તો વિધાનસભા ઉમેદવાર ચૂંટણી દરમિયાન મહત્તમ ૨૮ લાખ રૂપિયા ખર્ચી શકે છે.

તો લોકસભાના ઉમેદવાર વધારેમાં વધારે ૭૦ લાખ રૂપિયાનો ખર્ચ કરી શકે છે, પરંતુ એ તો જગજાહેર છે કે ચૂંટણી સમયે મતદારોને આકર્ષવા રાજકીય પક્ષો આનાથી અનેક ગણી વધારે રકમ ખર્ચતા હોય છે જેની ચૂંટણી પંચ પાસે કોઇ જ માહિતી હોતી નથી.

Gujarat