Get The App

બિલ-બફેટની 30 વર્ષની દોસ્તીમાં દરાર કે બફેટનું પત્ની માટે પ્રાયશ્ચિત?

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
બિલ-બફેટની 30 વર્ષની દોસ્તીમાં દરાર કે બફેટનું પત્ની માટે પ્રાયશ્ચિત? 1 - image


- વિલ બદલ્યું અને વિવાદ થયો : બિલગેટ્સ ફાઉન્ડેશનને હવે ચપ્પણ્યું પણ નહીં મળે, બિલ- મિલિન્ડા છૂટા પડયાં પછીની અસરો : હવે સંપત્તિ ટ્રસ્ટને મળશે

- વોરનના કેથરાઈન ગ્રેહામ સાથેના અફેરના કારણે પત્ની સુસાન દુ:ખી થઈ હતી. સુસાને વોરનને અફેર છોડી દેવા કહેલું પણ કેથરાઈનના ગ્લેમરથી વોરન પોતાને મુક્ત ના કરી શક્યા તેથી સુસાન પોતાના ટેનિસ કોચ જોહ્ન મેકકેબ તરફ વળી. બંને વચ્ચે પ્રેમ થયો ને સંબંધો પણ બંધાયા. આ સંબંધોના કારણે સુસાને સૌથી નાનો દીકરો પીટર 19 વર્ષનો હતો ત્યારે વોરનને છોડીને મેકકેબ સાથે રહેવા જવાનું પસંદ કર્યું. વોરન અતિ ધનિક હતા ને તેમના ઘરમાં બહુ સુખસાહ્યબી હતી પણ સુસાન માટે એ બધું મહત્વનું નહોતું. 

વિશ્વના સૌથી ધનિકોમાં એક અને શેરબજારના સૌથી સફળ રોકાણકારોમાં પણ એક વોરન બફેટે પોતાનું વિલ એટલે કે વસિયતનામું બદલ્યું તેની ભારે ચર્ચા છે. ૯૩ વર્ષના વોરન બફેટે પહેલાં પોતાનું વિલ બનાવ્યું તેમાં પોતાના મોત પછી બધી સંપત્તિ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને મળે એવું લખેલું પણ હવે તેમણે વિચાર બદલી નાંખ્યો છે. 

વોરન બફેટે એલાન કર્યું છે કે, પોતે ગુજરી જાય પછી બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને પોતાની સંપત્તિમાંથી મળતું દાન બંધ થઈ જશે ને એક ફૂટી કોડી નહીં મળે. હવે વોરન બફેટ પોતે એક ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવાના છે કે જેનું સંચાલન તેમનાં ત્રણ સંતાનો કરશે. વોરન બફેટ પાસે અત્યારે ૧૩૫ અબજ ડોલરની સંપત્તિ છે.  દુનિયામાં સૌથી ધનિક લોકોની યાદીમાં વોરન દસમા સ્થાને છે. બફેટ ગુજરી જાય પછી આ બધી સંપત્તિ આ ટ્રસ્ટને મળશે.

બફેટના આ નિર્ણયના કારણે બિલ ગેટ્સ અને વોરન બફેટની ૩૦ વર્ષની દોસ્તીમાં દરાર આવી ગઈ કે શું એવો સવાલ થઈ રહ્યો છે. બિલ અને વોરન ૧૯૯૨માં એક બેઠકમાં મળ્યા પછી વિચારો મળતા આવતા હોવાથી સંબંધો ગાઢ બન્યા. વોરન બફેટે ૨૦૦૬ના જૂનમાં પોતાની સંપત્તિના ૮૩ ટકા સંપત્તિ બિલ ગેટ્સના ફાઉન્ડેશનને આપવાનું એલાન કરેલું. હવે વોરને એકદમ વિચાર બદલી નાંખ્યો તેથી આશ્ચર્ય થવું સ્વાભાવિક છે. વોરને જાહેરાત કરી ત્યારે બિલ અને મેલિન્ડા સાથે હતાં. હવે બંને સાથે નથી તેથી અસર પડી કે શું એવો પણ મુદ્દો ચર્ચામાં છે. આ ચર્ચા અકારણ નથી કેમ કે ૨૦૨૧માં બિલ અને મેલિન્ડા અલગ થયાં પછી તરત જ વોરને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું હતું. 

વોરન બફેટે આ નિર્ણય પોતાની પત્ની સુસાન તરફ બતાવેલી બેવફાઈ અને સંતાનોની અવગણનાના પશ્ચાતાપરૂપે લીધો હોવાનું પણ મનાય છે. વોરન બફેટ ૧૯૫૨માં સુસાન થોમ્પસનને પરણ્યા હતા. આ લગ્નથી વોરન ત્રણ સંતાનોના પિતા બન્યા. ૧૯૫૩માં દીકરી સુસાન એલિસ જન્મી, ૧૯૫૪માં દીકરો હાર્વર્ડ અને ૧૯૫૮માં બીજો દીકરો પીટર જન્મ્યો. સુસાન સમાજ સેવા કરે છે, હોવર્ડ રાજકારણી અને બિઝનેસમેન છે જ્યારે પીટર સંગીતકાર છે. બફેટનાં ત્રણેય સંતાનો પોતપોતાની સ્વતંત્ર કારકીર્દી બનાવવામાં સફળ થયાં છે. 

વોરનના કેથરાઈન ગ્રેહામ સાથેના અફેરના કારણે સુસાન દુ:ખી થઈ હતી. સુસાને વોરનને અફેર છોડી દેવા કહેલું પણ કેથરાઈનના ગ્લેમરથી વોરન પોતાને મુક્ત ના કરી શક્યા તેથી સુસાન પોતાના ટેનિસ કોચ જોહન મેકકેબ તરફ વળી. બંને વચ્ચે પ્રેમ થયો ને સંબંધો પણ બંધાયા. આ સંબંધોના કારણે સુસાને સૌથી નાનો દીકરો પીટર ૧૯ વર્ષનો હતો ત્યારે વોરનને છોડીને મેકકેબ સાથે રહેવા જવાનું પસંદ કર્યું. વોરન અતિ ધનિક હતા ને તેમના ઘરમાં બહુ સુખસાહ્યબી હતી પણ સુસાન માટે એ બધું મહત્વનું નહોતું. 

સ્વાભિમાની સુસાને પળમાં બધું છોડી દીધું અને કદી વોરનની સંપત્તિ પર દાવો ના કર્યો. વોરનની કંપની બેકવે હેથશાયરમાં લગભગ અઢી ટકા શેર  સુસાનના હતા. તેમાંથી જે ડિવિડન્ડ મળતું તેના પર જ સુસાને નવી જીંદગી શરૂ કરી. એકદમ નાના એપાર્ટમેન્ટમાં રહેવાનું શરૂ કરીને ધીરે ધીરે જીંદગીમાં સ્થિરતા કેળવી. 

વોરન બફેટે વરસો પછી સ્વીકારેલું કે, સુસાનને જવા દીધી એ પોતાના જીવનની સૌથી મોટી ભૂલ હતી.

 વોરને સુસાનને પાછી લાવવા બહુ પ્રયત્ન કર્યા પણ એ પાછી ના આવી. વોરન-સુસાનનાં ત્રણેય સંતાનો પણ અલગ થઈ થયાં તેથી વોરન કદી ફેમિલી લાઈફ ના જીવી શક્યા. વેકેશનમાં આખો પરિવાર સાથે ફરવા જતો પણ સાથે ના રહી શક્યાં 

સુસાને મેકકેબ સાથે રહેવા માંડયું પછી પોતાના સંગીતના શોખને કેળવ્યો. અમેરિકાના મહાન સંગીતકાર નીલ સેડાકા બફેટ પરિવારના મિત્ર હતા. નીલે સુસાનને ગાયિકા તરીકેની કારકિર્દી શરૂ કરવા પ્રોત્સાહન આપ્યું. સુસાનની પોતાની સીડીઓ બહાર પડી અને લાઈવ પરફોર્મન્સ પણ આપ્યાં. વોરનને છોડીને સુસાન ના પોતાની અલગ ઓળખ બનાવી શક્યાં પણ પોતાનાં સંતાનોને પણ આગવી ઓળખ ઉભી કરવામાં મદદ કરી. પીટર બફેટે સુસાનનો વારસો જાળવીને સંગીતમાં સફળ કારકિર્દી બનાવી છે.  

સુસાને ત્રણેય સંતાનો પુખ્ત વયનાં થઈ જાય પછી વોરન બફેટને છોડયા હતા તેથી તેમના ઉછેરમાં સુસાનનું યોગદાન મોટું છે. સુસાન અને વોરન અલગ થયાં એ પહેલાં જ દીકરી સુસાન પોતાની રીતે સમાજસેવાનાં કામ કરતી અને અલગ રહેતી હતી.  મોટો દીકરો હાવર્ડ માસયા સ્યુ ડંકનને ૧૯૭૭માં પરણ્યો પછી નેબ્રાસ્કામાં ખેતી કરવા જતો રહેલો. નાનો દીકરો પીટર સુસાન સાથે સાન ફ્રાન્સિસ્કો ગયો અને મ્યુઝિકમાં કરીયર બનાવી.  વોરને પોતાનાં સંતાનોને આર્થિક રીતે સ્વાવલંબી બનવા માટે પ્રેર્યા અને પછીથી મદદ પણ કરી પણ સુસાનને અન્યાય કર્યો હોવાનો અપરાધબોધ કદી ઓછા ના થયો. સુસાન તો ગુજરી ગઈ તેથી પોતાનાં સંતાનોને સંપત્તિ આપીને વોરન બફેટ એ અપરાધભાવ ઓછા કરવા મથે છે એવું ઘણાંને લાગે છે. 

વોરનના મનમાં શું હશે એ ખબર નથી પણ તેમનાં ત્રણેય સંતાનો વોરને બનાવેલા ટ્રસ્ટને સાચવશે તેમાં બેમત નથી. ધનિકોમાં હોય એવી આછકલાઈ કે અય્યાશીઓથી વોરન બફેટનાં સંતાનો દૂર છે. પોતાની કારકિર્દીમાં સફળ છે અને સંવેદનશીલ પણ છે એ જોતાં વોરનની સંપત્તિનો સદુપયોગ જ થશે. 

વોરનની લવ લાઈફ : 13 વર્ષ મોટી ધનિક મહિલા સાથે અફેર, કામવાળી સાથે સંબંધ

વોરન બફેટનું સુસાન સાથેનું લગ્નજીવન શરૂઆતમાં સારું હતું પણ અમેરિકાના ટોચના અખબાર ધ વોશિંગ્ટન પોસ્ટની ધનિક માલિક કેથરાઈન ગ્રેહામ સાથે બફેટના અફેરના કારણે તણાવ શરૂ થઈ ગયો. કેથરાઈન બફેટથી ૧૩ વર્ષ મોટી હતી અને વિધવા હતી તેથી તેને બફેટમાં રસ પડી ગયેલો. 

બફેટે પોતે સ્વીકાર્યું છે કે, કેથરાઈન પાર્ટીમાં મળતી ત્યારે બધાંની હાજરીમાં તેમને પોતાના ઘરની ચાવી આપતી ને પોતે પાર્ટી પત્યા પછી તેના ઘરે જઈને તેનામાં ખોવાઈ જતાં.  સુસાનને આ અફેરની ખબર પડી પછી સુસાને હોહા કર્યા વિના કેથરાઈનને પત્ર લખીને બફેટ સાથેનું અફેર ચાલુ રાખવા કહેલું. 

સુસાને પણ બફેટની જેમ પોતાના ટેનિસ કોચ જોન મેકકેબ સાથે સેક્સ સંબંધો બાંધ્યા. બફેટ અને સુસાન એકબીજાના અફેરથી વાકેફ રહીને દસેક વર્ષ જીવ્યાં. ૧૯૭૭માં સુસાને સાન ફ્રાન્સિસ્કોમાં પેન્ટહાઉસ ખરીદ્યું ને ત્યાં રહેવા જતી રહી. સુસાને બફેટની ખાવાની ને બીજી સવલતો સચવાય એ માટે એસ્ટ્રિડ મેન્ક્સ નામની ૩૦ વર્ષની યુવતીને ઘરે કામવાળી તરીકે મૂકી હતી. સુસાનના ગયા પછી બફેટનું કેથરાઈન સાથેનું અફેર ચાલુ રહ્યું પણ ૧૭ વર્ષ નાની એસ્ટ્રિટ મેન્ક્સ સાથે પણ સંબંધો બંધાયા. એસ્ટ્રિડ બફેટ અને તેમનું ઘર બંને સાચવતી.

સુસાન અને બફેટના સત્તાવાર રીતે કદી ડિવોર્સ ના થયા. ૨૦૦૪માં સુસાન ગુજરી ગઈ ત્યારે પોતાના પ્રેમી મેકકેબને ૮ કરોડ ડોલર આપતી ગઈ હતી. સુસાનના મોત પછી બફેટ મેન્ક્સને પરણ્યા અને અત્યારે બંને સાથે જ રહે છે. મેન્ક્સ સાથેના લગ્નથી બફેટન કોઈ સંતાન ના થયું. 

વોરને ગેટ્સ ફાઉન્ડેશનનને 3.60 લાખ કરોડનું દાન આપ્યું

બર્કશાયર હેથવેમાં સૌથી મોટા શેરહોલ્ડર વોરન બફેટ પાસે કંપનીના ૨૦૭૯૬૩ ક્લાસ એ અને ૨૫૮૬ ક્લાસ બી શેર છે. કંપનીમાં ક્લાસ એ શેરહોલ્ડર્સ પાસે સામાન્ય રીતે વધારે વોટિંગ રાઈટ્સ હોય છે  અને કંપની પર અંકુશ ધરાવતા મેનેજમેન્ટમાં ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકો પાસે ક્લાસ એ શેર વધારે હોય છે. વોરન બફેટ પાસે બર્કશાયર હેથવેમાં કુલ ૧૨૮ અબજ ડોલરના શેર હોવાનું મનાય છે. બફેટે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સને મોટા ભાગે પોતાના ક્લાસ બી શેર આપ્યા છે. 

બફેટે અત્યાર સુધી બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને ૪૩ અબજ ડોલર (હાલના ભાવે લગભગ ૩.૬૦ લાખ કરોડ રૂપિયા) નું દાન કર્યું છે. બિલ ગેટ્સ અને વોરન બફેટે ૨૦૧૦માં ધ ગિવિંગ પ્લેજની સ્થાપના કરીને અબજોપતિઓને પોતાની સંપત્તિમાંથી વધારે ને વધારે દાન કરવા માટે પ્રોત્સાહિત કરવાની ઝુંબેશ શરૂ કરેલી કે જેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. 

બિલ અને મેલિન્ડા અલગ થયાં પછ વોરને પોતાની સંપત્તિમાંથી પોતાના પરિવારનાં ચાર ટ્રસ્ટને દાન આપવાનું શરૂ કર્યું. ગયા વરસે વોરને ૮૭ કરોડ ડોલર અને આગલા વરસે ૭૫ કરોડ ડોલર દાનમાં આપેલા.

News-Focus

Google NewsGoogle News