ખેતરોમાં અનાજ સડે છે, લોકોની થાળીમાં પણ પહોંચતું નથી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અંધાધૂંધ વિકાસ : દેશમાં પોષણક્ષમ આહારની વાતો માત્ર કાગળો ઉપર, ખાદ્ય સુરક્ષા મુદ્દે મોટા પડકારો
- યુદ્ધ પહેલાં રશિયા અને યુક્રેન ઘઉં, સૂર્યમુખી તેલ અને મકાઈના મુખ્ય નિકાસકારોમાં સ્થાન ધરાવતા હતા. છેલ્લાં ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધની ઉત્પાદન અને નિકાસ બંને ઉપર અસર થઈ છે, જેના કારણે વૈશ્વિક બજારમાં ખાદ્ય ચીજોના ભાવ અને પુરવઠા પર દબાણ વધ્યું : ૨૦૨૫માં એક પૌષ્ટિક થાળીની સરેરાશ વૈશ્વિક કિંમત પ્રતિદિન લગભગ ૪.૨૮ ડૉલર થઈ ગઈ, જ્યારે ૨૦૧૭માં તે ૨.૯૪ ડૉલર હતી. વર્ષ ૨૦૨૫માં ભારતની આશરે ૩૫.૫ ટકા વસ્તી, એટલે કે અંદાજે ૫૨ કરોડથી વધુ લોકો પૌષ્ટિક અને સંતુલિત આહારનો ખર્ચ ઉઠાવવાની સ્થિતિમાં નહોતા. ભારતમાં પૌષ્ટિક ભોજનનો અંદાજિત ખર્ચ ૨૦૨૫માં દૈનિક આશરે ૪.૧૧ ડૉલર રહ્યો હતો : મોંઘવારી, ડીઝલ અને ખાતરના વધતા ભાવ તેમજ કઠોળ અને તેલીબિયાંની આયાત પર નિર્ભરતા કૃષિ વ્યવસ્થા પર દબાણ લાવે છે. સાથે જ અનિયમિત ચોમાસું, દુષ્કાળ, પૂર, ભૂગર્ભજળનો અતિશય વપરાશ અને જમીનની ઘટતી ફળદ્રુપતા ભવિષ્યની ખાદ્ય સુરક્ષા માટે ગંભીર જોખમ ઊભું કરે છે. લોકો સુધી આ પોષણક્ષમ ભોજન પહોંચતું નથી તેની પાછળ સૌથી મોટું કારણ પોલિસી પેરાલિસીસ છે
વિશ્વભરમાં હાલમાં એનર્જી સેક્ટરમાં, આર્થિક બાબતોમાં અને ખાસ કરીને ખાદ્યાન્ન સેક્ટરમાં પણ વ્યાપક અસ્થિરતાનો માહોલ ઊભો થયો છે. વૈશ્વિક અસ્થિરતા, આબોહવા પરિવર્તન અને વિશ્વમાં વધી રહેલા યુદ્ધોના કારણે માત્ર અર્થતંત્ર, મોંઘવારી, પર્યાવરણ અને ઊર્જા સંકટને જ ઘેરું નથી બનાવ્યું, પરંતુ ખાદ્ય સંકટને પણ એક નવા પડકાર તરીકે સામે લાવી દીધું છે. તેમાંય ભારતમાં જે અવ્યવસ્થાની સ્થિતિ છે તેણે લોકોની હાલત ખરાબ કરી નાખી છે. ભારતમાં ખાદ્ય સંકટ હવે માત્ર ભૂખનો વિષય નથી રહ્યો, પરંતુ તે રાષ્ટ્રીય સુરક્ષા, સામાજિક સ્થિરતા અને આર્થિક વિકાસ સાથે પણ જોડાઈ ગયો છે. વધતી વસ્તી, મર્યાદિત સંસાધનો અને મોંઘવારીના દબાણને કારણે કરોડો લોકોની થાળી સુધી સુરક્ષિત, પર્યાપ્ત અને પૌષ્ટિક આહાર પહોંચી રહ્યો નથી. તેથી ખાદ્ય સુરક્ષાને હવે માત્ર અનાજની ઉપલબ્ધતાને બદલે ઉત્પાદન, પહોંચ, ખરીદશક્તિ અને વિતરણ સાથે સંકળાયેલા વ્યાપક પડકાર તરીકે સમજવી પડશે.
ભારતમાં આજે સ્થિતિ એવી છે કે, જે ખેડૂતો મહેનત કરે છે, પોતાની રીતે વીજળી, પાણી, ખાતર, બિયારણ વગેરેનું ધ્યાન રાખે છે અને કદાચ કુદરતનો સાથ તેમને મળી જાય છે તેવા તમામ ખેડૂતોના ખેતરોમાં મબલખ પાક ઊગે છે. સમસ્યા એ થાય છે કે, પોસ્ટરોમાં વિકાસ બતાવતી અને આંકડાઓમાં દેશની પ્રગતિ રજૂ કરતી સરકાર આ ખેડૂતોના પાકને બજાર સુધી યોગ્ય ભાવે પહોંચાડી શકતી નથી. તેના પગલે અનાજ અને શાકભાજી સડવા લાગે છે અને લોકો સુધી પહોંચતા નથી. સ્થિતિ એવી થયેલી છે કે, ખેતરોમાં અનાજ અને શાકભાજી છે પણ પ્રજા સુધી પોષણ પહોંચતું જ નથી.
વૈશ્વિક સ્તરે વાત કરીએ તો, છેલ્લાં કેટલાક વર્ષોમાં યુદ્ધ અને ભૂ-રાજકીય તણાવે ખાદ્ય સંકટનો એક નવો ચહેરો રજૂ કર્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. યુદ્ધ પહેલાં રશિયા અને યુક્રેન ઘઉં, સૂર્યમુખી તેલ અને મકાઈના મુખ્ય નિકાસકારોમાં સ્થાન ધરાવતા હતા. છેલ્લાં ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધની ઉત્પાદન અને નિકાસ બંને ઉપર અસર થઈ છે, જેના કારણે વૈશ્વિક બજારમાં ખાદ્ય ચીજોના ભાવ અને પુરવઠા પર દબાણ વધ્યું. જાણકારોના મતે સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ'ના જૂન ૨૦૨૬ના વિશ્લેષણ અનુસાર, યુદ્ધના ચાર વર્ષ પછી સ્થિતિ બદલાયેલી છે. અહેવાલો પ્રમાણે યુક્રેનની ૨૦૨૫ની અનાજ નિકાસ ૨૦૨૦ની સરખામણીએ લગભગ ૩૫ ટકા ઓછી રહી. રશિયા એક મહત્વપૂર્ણ ખાતર નિકાસકાર હોવાને કારણે યુદ્ધની અસર ખેતીના ખર્ચ પર પણ પડી. પશ્ચિમ એશિયાના સંઘર્ષોએ દરિયાઈ વેપાર માર્ગોને જોખમમાં મૂકીને ખાદ્ય પુરવઠાની અનિશ્ચિતતા વધુ વધારી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, આ પરિસ્થિતિઓએ વિશ્વભરની સરકારોને એ વિચારવા મજબૂર કરી છે કે ખાદ્ય સુરક્ષા હવે રાષ્ટ્રીય સુરક્ષાનો અભિન્ન હિસ્સો છે. સંયુક્ત રાષ્ટ્રની પાંચ એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલા અહેવાલ 'વિશ્વમાં ખાદ્ય સુરક્ષા અને પોષણની સ્થિતિ, ૨૦૨૬' અનુસાર, વર્ષ ૨૦૨૫માં વિશ્વની લગભગ ૭.૮ ટકા વસ્તી એટલે કે આશરે ૬૪.૫ કરોડ લોકો ભૂખમરા સામે ઝઝૂમી રહ્યા હતા. આ આંકડો સતત ત્રીજા વર્ષે ઘટયો છે. વર્ષ ૨૦૨૪માં તે ૮.૧ ટકા અને ૨૦૨૨માં ૮.૬ ટકા હતો. જોકે, આ સુધારાને કાયમી સિદ્ધિ ગણવી ઉતાવળ ગણાશે, કારણ કે પૌષ્ટિક આહારની કિંમતો સતત વધી રહી છે. અહેવાલ અનુસાર, ૨૦૨૫માં એક પૌષ્ટિક થાળીની સરેરાશ વૈશ્વિક કિંમત પ્રતિદિન લગભગ ૪.૨૮ ડૉલર થઈ ગઈ, જ્યારે ૨૦૧૭માં તે ૨.૯૪ ડૉલર હતી.
એપ્રિલ ૨૦૨૬માં જાહેર કરાયેલ 'ખાદ્ય સંકટ પર વૈશ્વિક અહેવાલ' પણ ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. તે મુજબ ૪૭ દેશોમાં આશરે ૨૬.૬ કરોડ લોકો ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા હતા. પ્રથમ વખત એક જ વર્ષમાં ગાઝા અને સુદાનમાં દુકાળ જેવી સ્થિતિ ઊભી થઈ. સ્પષ્ટ છે કે વૈશ્વિક સ્તરે ખાદ્ય સંકટનું સ્વરૂપ એકસમાન નથી. દક્ષિણ એશિયા અને લેટિન અમેરિકામાં સ્થિતિમાં થોડો સુધારો જણાય છે, પરંતુ આફ્રિકા અને પશ્ચિમ એશિયાના ઘણા ભાગોમાં કટોકટી સતત ઘેરી બની રહી છે. આવી સ્થિતિમાં ભારતનું ચિત્ર સિદ્ધિ અને પડકાર બંનેનું મિશ્રણ છે.
નોંધનીય છે કે ભારતમાં કુપોષિત લોકોનું પ્રમાણ ૨૦૦૪-૦૬ના ૨૧.૧ ટકાથી ઘટીને ૨૦૨૩-૨૫માં ૯.૮ ટકા રહી ગયું છે. આ સમયગાળા દરમિયાન કુપોષિત લોકોની સંખ્યા પણ આશરે ૨૪ કરોડથી ઘટીને ૧૪.૨૫ કરોડ થઈ ગઈ. બે દાયકામાં થયેલો આ સુધારો ચોક્કસપણે મહત્વપૂર્ણ છે, પરંતુ બીજી તરફ આ અહેવાલોમાં જ સ્પષ્ટ થયું કે, વર્ષ ૨૦૨૫માં ભારતની આશરે ૩૫.૫ ટકા વસ્તી, એટલે કે અંદાજે ૫૨ કરોડથી વધુ લોકો પૌષ્ટિક અને સંતુલિત આહારનો ખર્ચ ઉઠાવવાની સ્થિતિમાં નહોતા. આ આંકડો ૨૦૧૭ના ૫૯.૮ ટકા કરતાં ઘટયો જરૂર છે, છતાં તે હજુ પણ ઘણો મોટો છે. ભારતમાં પૌષ્ટિક ભોજનનો અંદાજિત ખર્ચ ૨૦૨૫માં દૈનિક આશરે ૪.૧૧ ડૉલર રહ્યો હતો.
જાણકારોના મતે અહીં જ ભારતના ખાદ્ય સંકટનો સૌથી મોટો વિરોધાભાસ સામે આવે છે. દેશમાં અનાજની અછત નથી, પરંતુ સંતુલિત પોષણનો અભાવ હજુ પણ ગંભીર છે. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણના અહેવાલો અનુસાર, ભારતમાં આશરે ૩૫.૫ ટકા બાળકોની ઊંચાઈ તેમની ઉંમરના પ્રમાણમાં ઓછી છે અને ૧૯.૩ ટકા બાળકો ઓછા વજનની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. બીજી તરફ, મહિલાઓમાં એનિમિયા અને શહેરી વિસ્તારોમાં વધતો સ્થૂળતાનો દર એક અલગ ચિંતા ઊભી કરી રહ્યો છે. સસ્તો અને વધુ પ્રોસેસ્ડ ખોરાક ઘણા પરિવારો માટે મજબૂરી બની રહ્યો છે. પરિણામે ભારત એક સાથે અલ્પપોષણ અને સ્થૂળતાના બેવડા બોજનો સામનો કરી રહ્યું છે. આ સ્થિતિ વધારે જોખમી અને ભયાનક છે. એક તરફ છેવાડાની વસતીને પોષણ મળતું નથી, બીજી તરફ શહેરી વસતી સતત ફાસ્ટફુડ અને પ્રોસેસ્ડ ફૂડ ઉપર નિર્ભર થતી જાય છે અને સ્વાસ્થ્ય ઉપર તેની પણ વિપરિત અસર થઈ રહી છે. ખાસ વાત એ છે કે, કેન્દ્રીય કૃષિ મંત્રાલયના નવેમ્બર ૨૦૨૫ના અંતિમ અંદાજ મુજબ, વર્ષ ૨૦૨૪-૨૫માં દેશે આશરે ૩૫.૭૭ કરોડ ટન અન્નનું ઉત્પાદન કર્યું હતું. ચોખા અને ઘઉંનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે રહ્યું. જાહેર વિતરણ પ્રણાલી પણ ૮૦ કરોડથી વધુ લોકો સુધી સસ્તું અનાજ પહોંચાડી રહી છે. તેથી ભારતનો મૂળ પડકાર હવે માત્ર વધુ અનાજ પકવવાનો નથી, પરંતુ દરેક પરિવારની થાળીમાં વિવિધતા અને પોષણ સુનિશ્ચિત કરવાનો છે. દેશમાં જે પડકાર ઊભો થયો છે તેમાં અનેક કારણો જવાબદાર છે પણ લોકો સુધી આ પોષણક્ષમ ભોજન પહોંચતું નથી તેની પાછળ સૌથી મોટું કારણ પોલિસી પેરાલિસીસ છે.
જાણકારો માને છે કે, આ પડકારના મૂળ અનેક સ્તરો પર ફેલાયેલા છે. મોંઘવારી, ડીઝલ અને ખાતરના વધતા ભાવ તેમજ કઠોળ અને તેલીબિયાંની આયાત પર નિર્ભરતા કૃષિ વ્યવસ્થા પર દબાણ લાવે છે. ગરીબી અને આવકની અસમાનતા એ નક્કી કરે છે કે કુટુંબ પોતાની આવકનો કેટલો હિસ્સો પૌષ્ટિક આહાર પાછળ ખર્ચી શકે છે. ગામડાં અને શહેર વચ્ચેનું આર્થિક અંતર પણ ભોજનની ગુણવત્તાને અસર કરે છે. સાથે જ અનિયમિત ચોમાસું, દુષ્કાળ, પૂર, ભૂગર્ભજળનો અતિશય વપરાશ અને જમીનની ઘટતી ફળદ્રુપતા ભવિષ્યની ખાદ્ય સુરક્ષા માટે ગંભીર જોખમ ઊભું કરે છે.
ખેડૂતની આવક સ્થિર થશે તો ઉત્પાદન ટકાઉ બનશે અને ખાદ્ય સુરક્ષાનો પાયો મજબૂત બનશે
આ સમગ્ર વ્યવસ્થાના કેન્દ્રમાં ખેડૂત છે. જો ખાદ્ય સુરક્ષા રાષ્ટ્રીય પ્રાથમિકતા હોય, તો ખેડૂતની આર્થિક સુરક્ષાને તેનાથી અલગ ન કરી શકાય. નાના અને સીમાંત ખેડૂતો માટે બિયારણ, ખાતર, ડીઝલ અને સિંચાઈના વધતા ખર્ચ સાથે હવામાનનું જોખમ અને બજારમાં ભાવોની અનિશ્ચિતતા મોટા પડકારો છે. પાક વીમો, બહેતર સંગ્રહ અને પ્રોસેસિંગની સુવિધાઓ તેમજ ડિજિટલ માર્કેટ સુધી પહોંચને મજબૂત બનાવવી અનિવાર્ય છે. ખેડૂતની આવક સ્થિર થશે તો કૃષિ ઉત્પાદન પણ વધુ ટકાઉ બનશે અને દેશની ખાદ્ય સુરક્ષાનો પાયો મજબૂત થશે. આગળનો માર્ગ સ્પષ્ટ છે. ભારતે ક્લાઇમેટ-રેઝિલિયન્ટ ખેતી, દુષ્કાળ અને ગરમી સામે ટકી શકે તેવી પાકની જાતો, પ્રિસિઝન ફાર્મિંગ અને સ્માર્ટ સિંચાઈ જેવી ટેકનીકોને ઝડપથી અપનાવવી પડશે. મિલેટ્સ એટલે કે જાડા અનાજ, કઠોળ અને સ્થાનિક અનાજને પ્રોત્સાહન આપવું એ પોષણ અને પર્યાવરણ બંને માટે ફાયદાકારક સાબિત થશે. તેની સાથે સારા કોલ્ડસ્ટોરેજ, ફૂડ પ્રોસેસિંગમાં રોકાણ, સપ્લાય ચેઈનને સુદ્રઢ બનાવવી અને ખોરાકનો બગાડ અટકાવવો પણ આવશ્યક છે. સ્થાનિક ખાદ્ય પ્રણાલીઓને મજબૂત કર્યા વિના દીર્ઘકાલીન ખાદ્ય સુરક્ષા શક્ય નથી. એકવીસમી સદીમાં જે દેશ પાસે ફળદ્રુપ જમીન, પર્યાપ્ત અને સ્વચ્છ પાણી, સ્વસ્થ ખેડૂતો તેમજ દરેક નાગરિક સુધી પૌષ્ટિક ખોરાકની પહોંચ હશે, તે જ આર્થિક અને વ્યૂહાત્મક રીતે મજબૂત બનશે. ભારતે અનાજ ઉત્પાદનમાં મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે; હવે આગામી લક્ષ્ય ગુણવત્તાસભર થાળીનું છે. પ્રશ્ન એ ન હોવો જોઈએ કે દેશ કેટલું અનાજ પેદા કરે છે, પરંતુ એ હોવો જોઈએ કે શું દરેક ભારતીયને સંતુલિત, સુરક્ષિત, પૌષ્ટિક અને પોષાય તેવો ખોરાક મળી રહ્યો છે કે નહીં. ભારતે ખાદ્ય સુરક્ષાથી આગળ વધીને આયોજનો કરવા પડશે.
ખાસ કરીને ભારતમાં પોષણ, ખેડૂત અને પર્યાવરણ આ ત્રણેયની સુરક્ષા એકસાથે કરવી પડશે. ખાદ્ય સંકટ એ માત્ર ખેતરોનો પ્રશ્ન નથી, પણ રાષ્ટ્રના વર્તમાન અને ભવિષ્યની સુરક્ષાનો સવાલ છે. કોઈપણ પ્રકારની ઉણપો, નીતિઓમાં બાંધછોડ કે પોલિસી પેરાલિસિસ આગામી પેઢીના અસ્તિત્વ માટે મોટું જોખમ ઊભું કરી શકે તેમ છે.




