News Focus

એઆઈના અતિશય ઉપયોગથી ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતા વધી!

By GS Team
23 Sep 20268 mins read
TukuTouch Logo
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના સંભવિત જોખમો અંગે અમેરિકા અને ચીન ન્યૂયોર્કમાં ચર્ચા કરી રહ્યા છે. બંને દેશો પોતાની સેનાઓમાં AI નો ઉપયોગ વધારી રહ્યા છે, જ્યાં ફાઇટર વિમાનો અને ડ્રોન સ્વાર્મ જેવા શસ્ત્રો AI દ્વારા નિયંત્રિત થઈ શકે છે. જોકે, પરમાણુ હથિયારોનો નિર્ણય AI ને નહીં સોંપવા પર સહમતિ છે. આ વાતચીતનો હેતુ AI સંબંધિત ભૂલોથી થતા વૈશ્વિક યુદ્ધને ટાળવાનો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એઆઈના અતિશય ઉપયોગથી ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતા વધી!
  • એઆઈની દિશામાં આંધળી દોટ મૂકનારા ચીન અને અમેરિકા એકાએક આ ટેક્નોલોજીના ઉપયોગ અંગે વાતચીત કરવા રાજી થયા
  • અમેરિકા પોતાના ફાઈટક વિમાનોમાં એઆઈ એજન્ટ લગાવવાનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. તેનો અર્થ એ છે કે વિમાનના કમ્પ્યુટરમાં એક એવું મગજ બેસાડી દેવામાં આવ્યું છે જે પોતે જ ઉડાન અંગેના નિર્ણયો લઈ શકે છે. એઆઈ એજન્ટ ફાઇટર પ્લેનના કેમેરા, રડાર અને સેન્સર્સ દ્વારા આસપાસ જોઈ શકે છે, સમજી શકે છે અને નિર્ણય લઈ શકે છે ઃ વિશ્વમાં મોટાભાગના દેશોની સેનાઓ દરેક પ્રકારના હથિયારોને એઆઈથી કંટ્રોલ કરવાનો અભ્યાસ કરી રહી છે. ડ્રોન સ્વાર્મ તૈયાર કરવામાં આવી રહ્યા છે. એટલે કે ૧૦૦-૨૦૦ નાના ડ્રોન અલગ-અલગ નથી ઊડતા, પરંતુ એક ટીમની જેમ ઊડે છે. એટલે કે એક જ મગજ ઘણાં બધાં શરીરોનું સંચાલન કરે છે. પહેલાં એક માણસ રિમોટ વડે એક ડ્રોન ઉડાવતો હતો જ્યારે હવે ડ્રોન જાતે જ લીડરશિપ ભૂમિકા ભજવે છે ઃ બંને દેશો અગાઉ પણ એ વાત પર સંમત થઈ ચૂક્યા છે કે પરમાણુ હથિયાર ચલાવવાનો નિર્ણય એઆઈને સોંપવામાં નહીં આવે. પરમાણુ બટન માણસોના હાથમાં જ રખાશે. પરંતુ એઆઈ જે રીતે આગળ વધી રહ્યું છે, વાત હવે માત્ર પરમાણુ બટન સુધી સીમિત નથી રહી. હવે એઆઈ ગમે તે સેક્ટરમાં હુમલો કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે

અમેરિકા અને ચીન પરસ્પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ચર્ચા કરી રહ્યા છે. મશીનની એ શક્તિ ઉપર ચર્ચા થઈ રહી છે જે હવે માણસ કરતાં પણ ઝડપથી નિર્ણયો લઈ શકે છે. અમેરિકા-ચીન દ્વારા તેને એઆઈ ડાયલોગ નામ અપાયું છે. આ માત્ર અમેરિકા અને ચીન પૂરતો મુદ્દો નથી. તેઓ જે જોખમ ઉપર ચર્ચા કરી રહ્યા છે, તે જોખમ આખી દુનિયાને યુદ્ધમાં ધકેલી શકે છે. જાણકારોના મતે તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે, હવે દેશો પોતાની સેનાઓને એઆઈ વડે કંટ્રોલ કરવાની દિશામાં આગળ વધી ચૂક્યા છે. જો દુનિયા એઆઈ આધારિત બની રહી હોય, તો એઆઈની શક્તિ જેની પાસે હશે, વૈશ્વિક સત્તા પણ તેના જ હાથમાં રહેશે.
વર્તમાન સમયની વાત કરીએ તો એઆઈ ક્ષેત્રે હાલ જે બે મહાસત્તાઓ અમેરિકા અને ચીન મોખરે ગણાય છે.
ઉલ્લેખનીય છે કે, બંને દેશોમાં સૈન્ય નિયંત્રણો ધીમે ધીમે માણસના હાથમાંથી નીકળીને મશિનો અને એઆઈના હાથમાં જઈ રહ્યા છે. અમેરિકા પોતાના ફાઈટક વિમાનોમાં એઆઈ એજન્ટ લગાવવાનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. વિમાનમાં એઆઈ એજન્ટ હોવાનો અર્થ એ નથી કે વિમાનમાં કોઈ રોબોટ પાયલટ બેઠો હશે. તેનો અર્થ એ છે કે વિમાનના કમ્પ્યુટરમાં એક એવું મગજ બેસાડી દેવામાં આવ્યું છે જે પોતે જ ઉડાન અંગેના નિર્ણયો લઈ શકે છે. આ માત્ર ઓટોપાયલટ નથી. એઆઈ એજન્ટ ફાઇટર પ્લેનના કેમેરા, રડાર અને સેન્સર્સ દ્વારા આસપાસ જોઈ શકે છે, સમજી શકે છે કે સામે શું છે, અને પછી જાતે જ નક્કી કરી શકે છે કે વળવું, ઊંચે જવું, નીચે આવવું કે હુમલો કરવો. તેનો સીધો અર્થ એ છે કે, જેમ એક ફાઇટર પાયલટ વિચારે છે, તેવું જ વિચારવાનો પ્રયાસ આ મશીન કરે છે, પરંતુ અત્યંત ઝડપથી.
અમેરિકાએ પોતાના ખ-૧૬ જેવા ફાઈટર વિમાનમાં આનો પ્રયોગ કર્યો છે. વિમાનમાં પાયલટ પણ બેઠો હોય છે, જેથી જરૂર પડયે તે નિયંત્રણ પોતાના હાથમાં લઈ શકે. એટલે કે હાલમાં સંપૂર્ણપણે મશીન એકલું ઉડાન નથી ભરી રહ્યું, માણસ તેના પર નજર રાખી રહ્યો છે. પરંતુ દિશા સ્પષ્ટ છે કે ભવિષ્યમાં ફાઈટર વિમાનનો એક મોટો હિસ્સો મશીન પોતે સંભાળશે. આ જ સૌથી મોટો ખતરો પણ છે.
જો બે દેશોના વિમાનોમાં આવા એજન્ટ હોય અને કોઈ ભૂલ થઈ જાય, ખોટો નિશાનો લાગી જાય કે ખોટો સંકેત મળી જાય, તો માણસ નિર્ણય લે ત્યાં સુધીમાં મશીન હુમલો કરી ચૂક્યું હશે. તેના કારણે યુદ્ધ ફાટી નીકળે અથવા તો યુદ્ધ વકરી જાય તેવી પણ સ્થિતિ આવી શકે છે.
જાણકારોના મતે વાત માત્ર વિમાનો પૂરતી મર્યાદિત નથી. સેનાઓ દરેક પ્રકારના હથિયારોને એઆઈથી કંટ્રોલ કરવાનો અભ્યાસ કરી રહી છે. ડ્રોન સ્વાર્મ તૈયાર કરવામાં આવી રહ્યા છે. એટલે કે ૧૦૦-૨૦૦ નાના ડ્રોન અલગ-અલગ નથી ઊડતા, પરંતુ એક ટીમની જેમ ઊડે છે. એટલે કે એક જ મગજ ઘણાં બધાં શરીરોનું સંચાલન કરે છે.
પહેલાં એક માણસ રિમોટ વડે એક ડ્રોન ઉડાવતો હતો. ઝૂંડ આધારિત એઆઈમાં મશીન જાતે નક્કી કરે છે કે કયો ડ્રોન આગળ જશે, કયો પાછળ રહેશે, કયો દુશ્મનને ઘેરશે અને કયો હુમલો કરશે.
જો ૧૦૦માંથી ૧૦ ડ્રોન તોડી પાડવામાં આવે, તો બાકીના ૯૦ તરત જ નવો પ્લાન બનાવી લે છે. જેમ પક્ષીઓનું ટોળું અચાનક દિશા બદલે છે, તેમ જ આ ડ્રોન પણ એકસાથે વળી જાય છે.
હાલમાં અમેરિકા અને ચીન આવા સસ્તા ડ્રોન બનાવી રહ્યા છે. આનો ફાયદો એ છે કે એક મોંઘા વિમાનને તોડી પાડવા માટે સસ્તા ડ્રોનનો વરસાદ કરી દેવામાં આવે છે. ખતરો એ છે કે નિર્ણય એટલી ઝડપથી લેવાય છે કે રોકવા માંગો તો પણ રોકી શકાતો નથી. મશીન આ ઝૂંડને પોતે ચલાવે છે. જો કોઈ એક દેશનું ડ્રોનનું ઝૂંડ ભૂલથી બીજા દેશની સરહદ કે યુદ્ધ જહાજ કે યુદ્ધ વિમાન તરફ આગળ વધી જાય, તો સામેવાળો પક્ષ એ સમજી નહીં શકે કે આ ભૂલથી આવી રહ્યું છે કે હુમલો થઈ ગયો છે.
મહત્ત્વની વાત એવી છે કે, ભવિષ્યના યુદ્ધમાં માણસ એકલો નહીં લડે, તેની સાથે અતિ ઝડપી મગજવાળું મશીન પણ ઊભું હશે. મુખ્ય જોખમ એ છે કે મશીન આખરે મશીન છે. ધનુષમાંથી તીર નીકળી જાય પછી પાછું આવતું નથી. જો ભૂલથી યુદ્ધ શરૂ થઈ ગયું, તો તે આખી દુનિયાને લપેટમાં લઈ શકે છે. એટલા માટે આ બંને દેશો વાતચીત કરી રહ્યા છે, જેથી એઆઈ આધારિત કોઈ હથિયારની ભૂલના કારણે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ ન થઈ જાય. આ જ ખતરો આ બંને મહાસત્તાઓને એક ટેબલ પર લઈ આવ્યો છે.
ન્યૂયોર્કમાં અમેરિકી નાણામંત્રી અને ચીનના નાયબ વડાપ્રધાન વચ્ચે લાંબી ચર્ચા થઈ હતી. ટ્રમ્પ અને શી જિનપિંગની સંભવિત મુલાકાત પહેલાંની આ બેઠક હતી. અમેરિકાએ પ્રસ્તાવ મૂક્યો છે કે બંને દેશો વચ્ચે કટોકટીના સમયે એકબીજાને તાત્કાલિક માહિતી મોકલવાની સિસ્ટમ ઊભી કરવામાં આવે, એક વોર્નિંગ સિસ્ટમ તૈયાર થાય. જો એઆઈના કારણે કોઈ ખતરનાક ભૂલ થઈ જાય, તો એક દેશ બીજા દેશને તરત જ જાણ કરી શકે.
એઆઈ જે સ્તરે વિકસાવવામાં આવી રહ્યું છે, તેમાં એવી પણ શક્યતા છે કે કોઈ દેશની એઆઈ સિસ્ટમ બીજા દેશના પરમાણુ કમાન્ડને જ હેક કરી લે. કોઈ ઓટોમેટિક સાયબર હુમલો શરૂ કરી દે. સામેની સેના એ નક્કી નહીં કરી શકે કે આ કોઈ અકસ્માત છે કે જાણીજોઈને કરાયેલો હુમલો. જૂના જમાનામાં તો માણસ ફોન ઉપાડીને વાત કરી શકતો હતો. એઆઈ એટલી ઝડપથી કામ કરે છે કે વળતો જવાબ આપવા વિચારીએ તે પહેલાં તો એટેક શરૂ થઈ ચૂક્યો હોય છે. એક ભૂલ બીજી ભૂલને જન્મ આપી શકે છે અને યુદ્ધ શરૂ થઈ શકે છે. આ કોઈ ફિલ્મની વાર્તા નથી રહી, પરંતુ વાસ્તવિક જોખમ છે જેને બંને દેશો ટાળવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે, બંને દેશો અગાઉ પણ એ વાત પર સંમત થઈ ચૂક્યા છે કે પરમાણુ હથિયાર ચલાવવાનો નિર્ણય એઆઈને સોંપવામાં નહીં આવે. પરમાણુ બટન માણસોના હાથમાં જ રખાશે.
પરંતુ એઆઈ જે રીતે આગળ વધી રહ્યું છે, વાત હવે માત્ર પરમાણુ બટન સુધી સીમિત નથી રહી. હવે એ ડર છે કે એઆઈ પોતે ન્યુક્લિયર સિસ્ટમ પર હુમલો ન કરી દે. અને જો એવું ન પણ થાય, તો પણ ક્યાંક વીજળી ગ્રીડને હેક ન કરી લે કે બેંકોની સિસ્ટમ પર સાયબર એટેક ન કરી દે.

એઆઈની એક ચુકને પગલે સમગ્ર વિશ્વ જોખમમાં મુકાઈ શકે છે
ડર એ વાતનો છે કે કોઈ મશીન પોતાના આદેશથી આગળ વધીને કોઈ સિસ્ટમ હેક ન કરી લે, કારણ કે એઆઈ સિસ્ટમમાં મશીન પોતે વિચારી શકે છે; તે બુદ્ધિશાળી હોય છે, એટલે જ તો તે એઆઈ છે. હાલમાં જ્યારે સામાન્ય લોકો પણ કોઈ એઆઈ મોડેલને સવાલ પૂછે છે, ત્યારે ઘણીવાર એઆઈ ખોટા જવાબો આપે છે. જો કોઈ હથિયારને નિયંત્રિત કરતું એઆઈ મોડેલ ખોટી માહિતી આપી દે, તો સમગ્ર સેના પણ ખોટો નિર્ણય લઈ શકે છે. થોડા સમય પહેલાં ઇરાન યુદ્ધ દરમિયાન નાની બાળકીઓની શાળા પર મિસાઇલ પડી હતી. અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે તે કેવી રીતે બન્યું, પરંતુ ઘણા નિષ્ણાતોનું કહેવું છે કે મશીને પોતાના ડેટાના આધારે નિર્ણય લઈ લીધો હતો અને જ્યાં સુધી કોઈ માણસ તેને રોકી શકે ત્યાં સુધીમાં મિસાઇલ છૂટી ચૂકી હતી અને શાળા પર જઈને પડી. હવે આ માણસની ભુલ હતી કે મશિનની તે હજી સ્પષ્ટ નથી પણ તેનું પરિણામ જીવલેણ હતું તે સ્પષ્ટ છે. જો તે કોઈ પરમાણુ મથક હોત તો? તેના પર હુમલો થઈ જાત અને કોઈ કશું કરી શક્યું ન હોત. પરમાણુ વાત તો બાજુ પર રાખો, આ તો ઇરાનની શાળા હતી. પણ જો અમેરિકાની કોઈ શાળા પર ચીનની મિસાઇલ પડી જાય તો? શું વિશ્વયુદ્ધ શરૂ ન થઈ જાય? નિષ્ણાતો સ્પષ્ટપણે 'રેડ લાઇન્સ' નક્કી કરવાની વાત કરી રહ્યા છે.
એઆઈ સિસ્ટમમાં એ સુનિશ્ચિત કરવામાં આવે કે તે પોતે પરમાણુ હથિયારો સાથે જોડાયેલો કોઈ નિર્ણય ન લે, સામેવાળા દેશના પરમાણુ કમાન્ડ પર જાતે હુમલો ન કરે, દરેક મોટા સાયબર હુમલાનો અંતિમ આદેશ હંમેશાં માણસના હાથમાં રહે, અને બંને દેશો વચ્ચે એક વિશેષ ઇમરજન્સી હોટલાઇન હોય જેના પર વિલંબ કર્યા વિના તરત કહી શકાય કે આ ભૂલથી થયું છે, કોઈ હુમલો નથી. અમેરિકા અને ચીન બંને જાણે છે કે એઆઈની સ્પર્ધા જેટલી તીવ્ર બનશે, ભૂલની કિંમત એટલી જ ભારે ચૂકવવી પડશે. અને હાલમાં એઆઈ ક્ષેત્રે આ બંને દેશો જ સર્વોચ્ચ મહાસત્તાઓ છે. તેથી ભલે તેઓ એકબીજા પર ભરોસો ન કરતા હોય, પરંતુ સમગ્ર વિશ્વના હિત માટે જરૂરી છે કે આ બંને દેશો સમયસર વોર્નિંગ સિસ્ટમ નક્કી કરી લે. નહીંતર ભુલના એક નાનકડા તણખલાથી સમગ્ર વિશ્વ ભડકે બળશે.