News Focus

યુપીઆઈ ઉપર ચાર્જ : અંતે ખિસ્સું તો પ્રજાનું જ કપાવાનું છે

By GS Team
17 Sep 20267 mins read
TukuTouch Logo
સરકાર દ્વારા 2,000 રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર 0.4% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલવાની કવાયત હાથ ધરાઈ છે. આ ચાર્જ વેપારીઓ પર લાગશે, પરંતુ તેનો બોજ આખરે ગ્રાહકો પર આવશે. તિજોરીના ખાડા પૂરવા સરકાર ઉત્સવો અને PR પાછળના કરોડોના ખર્ચા ઘટાડે, નહીં તો પ્રજાનો આક્રોશ મોટો થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુપીઆઈ ઉપર ચાર્જ : અંતે ખિસ્સું તો પ્રજાનું જ કપાવાનું છે
  • ઉત્સવપ્રિય સરકારનું અનર્થશાસ્ત્ર : આપણા તાયફા અટકવા ન જોઈએ, પ્રજા ઉપર ગમે તેમ બોજો નાખતા રહો
  • સરકાર પાસે દેશમાં રોજગારીની નવી તકો ઊભી કરવાની કોઈ નક્કર યોજના નથી, આર્થિક ઉત્પાદકતા વધારીને વાજબી રીતે આવક પેદા કરવાની દીર્ઘદ્રષ્ટિ નથી, ત્યારે સત્તાધીશો આવી શોર્ટકટ નીતિઓ અપનાવીને પ્રજાના ખિસ્સા કાતરવાનો ધંધો આદરી બેસે છે : આ અગાઉ ક્રેડિટ કાર્ડ પર પણ ૨.૫ ટકાથી લઈને ૫ ટકા સુધીના ચાર્જીસ ઝીંકીને ડિજિટલ લેવડદેવડને મોંઘી બનાવી દેવાઈ હતી. હવે એ જ કાળો ઇતિહાસ યુપીઆઈમાં પૂનરાવર્તિત થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. આ શાસનની લોકકલ્યાણકારી ભાવના નથી, પરંતુ સીધી આર્થિક છેતરપિંડી છે : તિજોરીના ખાડા પૂરવા માટે સામાન્ય માણસનું લોહી ચૂસવાને બદલે શાસકોએ પોતાના બિનજરૂરી તાયફાઓ, કરોડોના ડોમ અને પીઆર એજન્સીઓ પાછળ થતા આંધળા ખર્ચાઓ પર તાત્કાલિક પૂર્ણવિરામ મૂકવું પડશે. પ્રજા મૌન રહીને બધું જુએ છે, પરંતુ જ્યારે તેના ચૂલા અને રોજીરોટી પર સીધો ઘા થાય છે, ત્યારે એ મૌન મોટા આક્રોશમાં ફેરવાતા વાર નથી લાગતી

ભારતમાં જ્યારે પણ સામાન્ય નાગરિકના હિતની વાત આવે છે ત્યારે શાસકો મોટી મોટી ગુલબાંગો પોકારે છે, પરંતુ જ્યારે તિજોરી ખાલી થવા લાગે ત્યારે તેનો સીધો બોજ આ જ સામાન્ય માણસના ખિસ્સા પર ઝીંકી દેવામાં આવે છે. દેશમાં ડિજિટલ ક્રાંતિના નામે કરોડો રૂપિયાની જાહેરાતોના તાયફાઓ કરીને નાગરિકોને રોકડ છોડીને ઓનલાઇન વ્યવહારો તરફ વાળવામાં આવ્યા. 'કેશલેસ ઇન્ડિયા'ના નામે ગલી-ગલીમાં ક્યૂઆર કોડ લગાવડાવ્યા અને સામાન્ય લારી-ગલ્લાવાળાથી લઈને મોટા વેપારીઓને યુપીઆઈ (UPI) પદ્ધતિ અપનાવવા મજબૂર કર્યા. હવે જ્યારે સમગ્ર દેશ આ વ્યવસ્થાનો બંધાણી બની ચૂક્યો છે, ત્યારે ધીમે રહીને ૨,૦૦૦ રૂપિયા કે તેથી વધુના યુપીઆઈ પેમેન્ટ પર ૦.૪ ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (સ્ઘઇ) વસૂલવાની કવાયત હાથ ધરાઈ છે. શાસકો કાગળ પર ભલે એવો દાવો કરે કે આ ચાર્જ માત્ર વેપારીઓ અને સેવા આપનારાઓ પર લાગશે, પણ આ દાવો પોકળ અને આંખમાં ધૂળ નાખવા સમાન છે. બજારનો અફર નિયમ છે કે વેપારી ક્યારેય પોતાના નફામાંથી એક પૈસો પણ જતો કરતો નથી; તે આ ભાર આખરે ચીજવસ્તુઓના ભાવ વધારીને કે સેવાઓનો દર વધારીને સામાન્ય લોકોના માથે જ ઢોળવાનો છે.
જાણકારોના મતે આ સમગ્ર નીતિ પાછળ સરકારનો દંભ અને પોલિસી પેરાલિસિસ સાબિત થાય છે. જ્યારે સરકાર પાસે દેશમાં રોજગારીની નવી તકો ઊભી કરવાની કોઈ નક્કર યોજના નથી, આર્થિક ઉત્પાદકતા વધારીને વાજબી રીતે આવક પેદા કરવાની દીર્ઘદ્રષ્ટિ નથી, ત્યારે સત્તાધીશો આવી શોર્ટકટ નીતિઓ અપનાવીને પ્રજાના ખિસ્સા કાતરવાનો ધંધો આદરી બેસે છે. આ અગાઉ ક્રેડિટ કાર્ડ પર પણ ૨.૫ ટકાથી લઈને ૫ ટકા સુધીના ચાર્જીસ ઝીંકીને ડિજિટલ લેવડદેવડને મોંઘી બનાવી દેવાઈ હતી. હવે એ જ કાળો ઇતિહાસ યુપીઆઈમાં પૂનરાવર્તિત થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. આ શાસનની લોકકલ્યાણકારી ભાવના નથી, પરંતુ સીધી આર્થિક છેતરપિંડી છે.
ઉલ્લેખનીય છે કે, વેપારીઓ પર ૦.૪ ટકા ચાર્જ ઝીંકવાનો નિર્ણય એ પણ દર્શાવે છે કે આર્થિક નીતિઓ ઘડનારા નેતાઓ અને બાબુઓ વાસ્તવિક બજારના ગણિતથી કેટલા અજાણ અને સંવેદનહીન છે. એક કરિયાણાનો વેપારી કે નાનો દુકાનદાર માંડ બેથી ત્રણ ટકાના માર્જિન પર વેપાર કરતો હોય છે. તેના પર જ્યારે આ વધારાનો બોજ આવે છે ત્યારે તેની પાસે માત્ર બે જ વિકલ્પો બચે છે. એક તો તે રૂપિયા ૨,૦૦૦થી વધુની ખરીદી પર ગ્રાહક પાસેથી આડકતરો ચાર્જ વસૂલે અથવા તો ફરીથી જૂની પદ્ધતિ પ્રમાણે રોકડ વ્યવહારનો આગ્રહ રાખે. પરિણામે, જે ડિજિટલ પારદર્શિતા લાવવાના દાવા કરવામાં આવ્યા હતા તે તમામ દાવાઓનો છેદ ઊડી જાય અને બજારમાં ફરીથી રોકડ અને બ્લેક મનીનું ચલણ વધવા લાગે. નાના વેપારીઓ માટે આ ચાર્જ વ્યવસાય બંધ કરવાની નોબત લાવી શકે છે, જ્યારે મોટા કોર્પોરેટ મોલ્સ આ ચાર્જ સરળતાથી ગ્રાહકના બિલમાં 'સર્વિસ ચાર્જ' કે 'કન્વિનિયન્સ ફી'ના નામે જોડી દેશે.
સૌથી મોટો અને સળગતો પ્રશ્ન એ છે કે, આ રીતે સામાન્ય પ્રજા અને વેપારીઓ પાસેથી ઉસેડવામાં આવતા કરોડો-અબજો રૂપિયા જાય છે ક્યાં? જો આ રકમનો ઉપયોગ દેશના ગરીબોના ઉત્થાન માટે, સરકારી શાળાઓને આધુનિક બનાવવા માટે, હોસ્પિટલોમાં વિનામૂલ્યે જીવનરક્ષક દવાઓ પૂરી પાડવા માટે કે ખેડૂતો અને બેરોજગાર યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે થતો હોત, તો પ્રજા કદાચ આ કડવો ઘૂંટડો ગળી પણ લેત. વાસ્તવિકતા આનાથી તદ્દન વિપરીત છે. સામાન્ય નાગરિકો પાસેથી લોહી-પરસેવાની કમાણીમાંથી સેરવી લેવાયેલા રૂપિયા સત્તાધીશોના આંધળા ઉત્સવો, ભવ્ય સમિટો, રાજકીય તાયફાઓ, નેતાઓના અતિરેકભર્યા પ્રવાસો અને અબજો રૂપિયાના પબ્લિક રિલેશન્સ પાછળ પાણીની જેમ વહાવી દેવાય છે. કરૂણતા એ છે કે, આજના શાસકો માટે લોકશાહી એ માત્ર એક કાયમી ઇવેન્ટ બની ગઈ છે જ્યાં દર અઠવાડિયે કોઈ ને કોઈ તાયફો યોજવો અનિવાર્ય થઈ પડયો છે. ઉદ્ધાટનો અને ખાતમુહૂર્તો પણ હવે સાદગીથી થતા નથીત એક નાનકડા પુલ કે ફ્લાયઓવરના લોકાર્પણ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરીને મંચ બાંધવામાં આવે છે, ભાડેથી ભીડ ભેગી કરવામાં આવે છે અને સરકારી તંત્રને દિવસો સુધી કામે લગાડી દેવાય છે. વીવીઆઈપી મુલાકાતો દરમિયાન થોડા કલાકો માટે રસ્તાઓ પર તાજો ડામર પાથરી દેવાય છે અને મહેમાન જતા રહેતાં જ એ જ રસ્તાઓ પર ખાડા પડી જાય છે. આ તમામ આભાસી વૈભવ પાછળ જે નાણાં વપરાય છે, તેની ભરપાઈ કરવા માટે જ સરકાર હવે સામાન્ય નાગરિકના દરેક ડિજિટલ વ્યવહાર પર તરાપ મારી રહી છે.
બીજી બાજુ, દેશના વાસ્તવિક આર્થિક માળખા તરફ નજર કરીએ તો ચિત્ર અત્યંત ચિંતાજનક છે. દેશમાં બેરોજગારીનો દર છેલ્લા કેટલાક દાયકાઓના સૌથી ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. કરોડો શિક્ષિત યુવાનો પટાવાળા કે ક્લાર્કની પરીક્ષાઓ આપવા માટે લાંબી લાઇનો લગાવી રહ્યા છે અને પેપર લીકના કૌભાંડોમાં પોતાનું ભવિષ્ય બરબાદ થતું જોઈ રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં ખેતી મોંઘી થતી જાય છે અને ખાતર તથા બિયારણના ભાવ આસમાને પહોંચ્યા છે. નાના અને લઘુ ઉદ્યોગો જીએસટીની ગૂંચવણો અને આર્થિક મંદીના કારણે એક પછી એક બંધ થઈ રહ્યા છે. સરકાર પાસે આ મુશ્કેલીઓનો કોઈ નક્કર ઉકેલ નથી, ઉત્પાદન વધારીને રોજગારી સર્જવાની કોઈ દાનત નથી; તેમની પાસે માત્ર એક જ સરળ રસ્તો છે : ગમે તે રીતે જનતાના ખિસ્સામાંથી વધુને વધુ નાણાં ખેંચી લેવા.
સામાન્ય નાગરિક પહેલેથી જ ચોતરફી કરવેરાના બોજ હેઠળ કચડાઈ રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર અને રાજ્યો દ્વારા વસૂલાતો અસહ્ય સેસ, રાંધણગેસના સિલિન્ડરના આસમાને પહોંચેલા ભાવો, લોટ-દૂધ-દહીં જેવી જીવનજરૂરી ચીજો પરનો જીએસટી, અને હવે ટોલ ટેક્સના સતત વધતા દરો-આ તમામ બાબતોએ મધ્યમ વર્ગનું માસિક બજેટ વેરવિખેર કરી નાખ્યું છે. લોકો પોતાના બાળકોના શાળાના શિક્ષણ અને દવાખાનાના ખર્ચાઓ પહોંચી વળવા માટે કરકસર કરી રહ્યા છે, ત્યારે સરકાર આ જ નાગરિકોના ડિજિટલ પેમેન્ટ પર ૦.૪ ટકાની નવી કાતર ચલાવી રહી છે. એક ૫,૦૦૦નું ટ્રાન્ઝેક્શન થાય એટલે સીધા ૨૦ કપાઈ જાય; દેખીતી રીતે આ આંકડો નાનો લાગે, પણ કરોડો વ્યવહારોના સરવાળે આ રકમ હજારો કરોડોમાં પહોંચે છે, જે સીધી પ્રજાના ખિસ્સામાંથી સેરવી લેવાય છે. આવી નીતિઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે દેશનું વહીવટી તંત્ર આજે 'પોલિસી પેરાલિસિસ' અને પ્રાથમિકતાઓના ભયંકર સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. સરકારી આયોજનના કેન્દ્રમાં પ્રજાનું હિત હોવું જોઈએ, તેના બદલે ઇવેન્ટ અને પ્રચાર કેન્દ્રસ્થાને આવી ગયા છે. સરકારી બાબુઓ અને સલાહકારો એવી યોજનાઓ ઘડી રહ્યા છે જેનો હેતુ માત્ર હેડલાઇનમાં ચમકવાનો કરવાનો છે. ડિજિટલ વ્યવહારોને શરૂઆતમાં જ્યારે મફત જાહેર કરાયા ત્યારે તેને દેશભક્તિ અને પારદર્શિતા સાથે જોડી દેવામાં આવ્યા હતા; હવે જ્યારે આખી સિસ્ટમ તેના પર નિર્ભર બની ગઈ છે ત્યારે ચાર્જીસ લાદીને સામાન્ય માણસને બાનમાં લેવામાં આવી રહ્યો છે. આ એક પ્રકારની ડિજિટલ જાળ છે, જેમાં એકવાર ફસાયા પછી નાગરિક પાસે છૂટવાનો કોઈ રસ્તો રહેતો નથી. જો સરકારે ડિજિટલ ઇન્ડિયાના વિશ્વાસને ટકાવી રાખવો હોય, તો યુપીઆઈ જેવા સામાન્ય વ્યવહારો પર આવા ચાર્જીસ લાદવાના નિર્ણયો તુરંત પાછા ખેંચવા પડશે. તિજોરીના ખાડા પૂરવા માટે સામાન્ય માણસનું લોહી ચૂસવાને બદલે શાસકોએ પોતાના બિનજરૂરી તાયફાઓ, અતિરેકભર્યા પ્રવાસો, કરોડોના ડોમ અને પીઆર એજન્સીઓ પાછળ થતા આંધળા ખર્ચાઓ પર તાત્કાલિક પૂર્ણવિરામ મૂકવું પડશે. લોકશાહીમાં પ્રજા મૌન રહીને બધું જુએ છે, પરંતુ જ્યારે તેના ચૂલા અને રોજીરોટી પર સીધો ઘા થાય છે, ત્યારે એ મૌન મોટા આક્રોશમાં ફેરવાતા વાર નથી લાગતી.

સરકારે જી-૨૦ અને બ્રિક્સ પાછળ જ અંદાજે ૫,૦૦૦ કરોડ રૂપિયા વાપરી કાઢયા

છેલ્લાં પાંચ વર્ષના સરકારી તાયફાઓ અને ઇવેન્ટ મેનેજમેન્ટ પાછળ થયેલા ખર્ચના આંકડા તપાસીએ તો આંખો પહોળી થઈ જાય તેવી સ્થિતિ છે. માત્ર સરકારી યોજનાઓના પ્રચાર-પ્રસાર અને મીડિયા જાહેરાતો પાછળ જ કેન્દ્ર અને રાજ્ય સ્તરે મળીને છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે ૪,૦૦૦ થી ૫,૦૦૦ કરોડથી વધુનો ધુમાડો કરી નાખવામાં આવ્યો છે. સંસદમાં રજૂ થયેલા સરકારી આંકડાઓ અનુસાર, બ્યુરો ઓફ આઉટરીચ એન્ડ કોમ્યુનિકેશન (મ્ર્ંભ) દ્વારા પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને આઉટડોર મીડિયા પાછળ દર વર્ષે સરેરાશ ૮૦૦ થી ૧,૦૦૦ કરોડ ખર્ચાયા છે. આ ખર્ચ માત્ર સત્તા પક્ષના નેતાઓના ચહેરા ચમકાવવા માટે થાય છે.
આ ઉપરાંત ભવ્ય વૈશ્વિક સમિટો અને ઉત્સવોના ખર્ચનો હિસાબ તો ક્યાંય મોટો છે. વર્ષ ૨૦૨૩ દરમિયાન યોજાયેલી જી-૨૦ (ય્૨૦) સમિટ માટે પ્રારંભિક બજેટ ૯૯૦ કરોડ રાખવામાં આવ્યું હતું, પરંતુ વિવિધ મંત્રાલયો, શહેરોના બ્યુટિફિકેશન, લાલ જાજમો, અને સુરક્ષા વ્યવસ્થાઓ મળીને સમગ્ર આયોજન પાછળ અંદાજે ૪,૦૦૦ કરોડથી પણ વધુ રકમ ખર્ચી કાઢવામાં આવી હતી. દેશના ૬૦ જેટલા શહેરોમાં યોજાયેલી આ બેઠકો પાછળ સ્થાનિક ગરીબી છુપાવવા માટે હજારો મીટર લાંબા લીલા પડદા બાંધવા અને હંગામી ફૂવારા ઊભા કરવા પાછળ જ જનતાની પરસેવાની કમાણીના અબજો રૂપિયા સ્વાહા થઈ ગયા. આ સિવાય તાજેતરમાં ભારતમાં જે બ્રિક્સ સમિટ યોજાઈ હતી તેની પાછળ પણ અંદાજે પ્રારંભિક ધોરણે ૫૦૦ કરોડનો ખર્ચ કરાયાની વિગતો સામે આવી છે. હજી બે-ચાર મહિના બાદ કુલ આંકડો સામે આવશે તેવું દેખાઈ રહ્યું છે. આમ પ્રજાની લોહ-પરસેવાની કમાણી પોતાના નબળા કાર્યોને ગિલેટ કરીને દુનિયાભરમાં સોનાની બતાવવાના પ્રયાસ થઈ રહ્યા છે.