News Focus

વધુ એક દેશને બરબાદ કર્યો : ઈરાકમાંથી 23 વર્ષે અમેરિકાનું પલાયન!

By GS Team
18 Aug 20268 mins read
TukuTouch Logo
અમેરિકી સેના 23 વર્ષ સુધી યુદ્ધ લડીને ઈરાકને ધનોતપનોત કરીને 30 સપ્ટેમ્બરે પરત ફરશે. 2003માં સદ્દામ હુસૈન પાસે સામૂહિક વિનાશના હથિયારો હોવાના આરોપ સાથે શરૂ થયેલું યુદ્ધ હવે અંતિમ તબક્કામાં છે. અમેરિકાના ગયા બાદ ઈરાકમાં ગૃહયુદ્ધની આશંકા છે, જેમાં ISIS અને ઈરાન સમર્થિત જૂથો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વધુ એક દેશને બરબાદ કર્યો : ઈરાકમાંથી 23 વર્ષે અમેરિકાનું પલાયન!
  • ૨૩વર્ષ સુધી યુદ્ધ લડીને ઈરાકનું ધનોતપનોત કાઢનારી અમેરિકી સેના આખરે ૩૦ સપ્ટેમ્બરે પરત ફરશે
  • વર્ષ ૨૦૦૩માં તત્કાલીન અમેરિકી પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ. બુશના શાસનકાળ દરમિયાન, ઇરાકી સરમુખત્યાર સદ્દામ હુસૈન પાસે માસ ડિસ્ટ્રક્શન વેપન્સ (જૈવિક અને રાસાયણિક શસ્ત્રો) હોવાના આક્ષેપો સાથે શરૂ કરાયેલું યુદ્ધ બરાબર ૨૩ વર્ષ પછી પૂરું થયું નથી અને અમેરિકા વધુ એક દેશને ખેદાનમેદાન કરીને નાસી છુટવાની તૈયારીમાં છે : વર્તમાન ૨૬ વર્ર્ષના આંકડા જોઈએ તો ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ (૯/૧૧) પછી અમેરિકી કરદાતાઓની ૮.૮ ટ્રિલિયન ડોલરથી વધુ રકમ માત્ર સૈન્ય અભિયાનો, વિદેશી એજન્સીઓ અને યુદ્ધ સંબંધિત વ્યાજ ચૂકવવામાં વપરાઈ ગઈ છે. તેવી જ રીતે અમેરિકી યુદ્ધ ઝોનમાં પ્રત્યક્ષ હિંસાથી ૯.૨૯ લાખથી વધુ લોકો માર્યા ગયા છે. તે સિવાય પરોક્ષ રીતે અંદાજે ૪૫ લાખ લોકો માર્યા ગયા અને ૪ કરોડ લોકો વિસ્થાપિત થયા છે : અમેરિકી સેના નાસી છૂટશે તેની સાથે જ ઈરાકમાં ગૃહયુદ્ધની સ્થિતિ સર્જાવાનો ભય છે. આઈએસઆઈએસના લડવૈયાઓ, ઈરાન સમર્થિત હશદ અલ-શાબી નામના સશસ્ત્ર જૂથો અને ઈરાની મિલિશિયાના લડવૈયાઓ વચ્ચે પોતાનું પ્રભુત્વ સાબિત કરવા અને ઈરાન ઉપર પકડ જમાવવા લોહિયાળ જંગ જામશે જે દેશને બરબાદ કરી નાખશે

પશ્ચિમ એશિયા (મધ્ય-પૂર્વ)ના સૈન્ય અને રાજકીય ઇતિહાસમાં એક અત્યંત જટિલ અને રક્તરંજીત યુગનો અંત આવવા જઈ રહ્યો છે. ઓગસ્ટ ૨૦૨૧માં અફઘાનિસ્તાનની ધરતી પરથી અમેરિકી દળોની ઉતાવળી વાપસી અને કાબુલ એરપોર્ટ પર સર્જાયેલી અરાજકતા અને આંતરરાષ્ટ્રીય બદનામી બાદ, હવે વોશિંગ્ટને મધ્ય-પૂર્વના બીજા સૌથી મોટા મોરચેથી પણ પોતાના હાથ સંપૂર્ણપણે પાછા ખેંચવાની સત્તાવાર સમયમર્યાદા જાહેર કરી દીધી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇરાકી વડા પ્રધાન અલી અલ-ઝૈદી વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય વાટાઘાટો બાદ સંયુક્તપણે ઘોષણા કરવામાં આવી છે કે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં યુનાઇટેડ સ્ટેટ્સની સેના ઇરાકની ધરતીને સંપૂર્ણપણે ખાલી કરી દેશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૩માં તત્કાલીન અમેરિકી પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ. બુશના શાસનકાળ દરમિયાન, ઇરાકી સરમુખત્યાર સદ્દામ હુસૈન પાસે માસ ડિસ્ટ્રક્શન વેપન્સ (જૈવિક અને રાસાયણિક શસ્ત્રો) હોવાના આક્ષેપો સાથે શરૂ કરાયેલું યુદ્ધ બરાબર ૨૩ વર્ષ પછી તેના અંતિમ પડાવ પર પહોંચ્યું છે. પરંતુ આ ઘોષણા માત્ર એક સૈન્ય વાપસી નથી; આ નિર્ણયે આંતરરાષ્ટ્રીય સંબંધો, જીયોપોલિટિક્સ અને માનવાધિકાર ક્ષેત્રે અત્યંત ઘેરા અને આકરા પ્રશ્નો ઊભા કર્યા છે. અફઘાનિસ્તાનની તાલિબાનોના હાથમાં આવ્યા પછીની સ્થિતિ હોય કે હવે મધ્ય પૂર્વમાં આઈએસઆઈએસની હિંસક કામગીરીઓ કે પછી બગદાદમાં શિયા મિલિશિયા જૂથ દ્વારા કરાતો નરસંહાર હોય આ બધું જ અમેરિકાના પાપે થયું છે તેવું લોકો માને છે. અમેરિકાએ આ સદીમાં કેટલાય દેશોને બરબાદ કરીને મરવાના વાંકે છોડી દીધા છે.
મહત્ત્વની વાત એ છે કે, બીજા વિશ્વયુદ્ધ (૧૯૪૫) પછી અમેરિકાએ પોતાને લોકશાહીના રક્ષક અને જગતજમાદાર તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. તેણે જે કર્યું છે તેની વિગતો જોઈએ તો ખ્યાલ આવશે કે તેણે ચારેતરફ નરસંહાર કરાવવા સિવાય અને નાના દેશોને ખેદાનમેદાન કરવા સિવાય કોઈ મોટા કામ કર્યા નથી. માત્ર વર્તમાન ૨૬ વર્ષના આંકડા જોઈએ તો તે પણ ભયાનક દ્રશ્ય ઊભું કરી શકે તેમ છે. ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ (૯/૧૧) પછી અમેરિકી કરદાતાઓની ૮.૮ ટ્રિલિયન ડોલરથી વધુ રકમ માત્ર સૈન્ય અભિયાનો, વિદેશી એજન્સીઓ અને યુદ્ધ સંબંધિત વ્યાજ ચૂકવવામાં વપરાઈ ગઈ છે. તેવી જ રીતે અમેરિકી યુદ્ધ ઝોન (અફઘાનિસ્તાન, ઇરાક, સીરિયા, યમન, પાકિસ્તાન આદિ)માં પ્રત્યક્ષ હિંસાથી ૯.૨૯ લાખથી વધુ લોકો માર્યા ગયા છે, જેમાં અંદાજે ૪૫ ટકા એટલે કે ૪.૩૫ લાખ થી વધુ તો માત્ર નિર્દોષ નાગરિકો હતા.
તે સિવાય અમેરિકાના ઉન્માદને પગલે થયેલા યુદ્ધના કારણે પીવાના પાણીની તંગી, હોસ્પિટલોનો વિનાશ, કુપોષણ અને રોગચાળાને કારણે માર્યા ગયેલા લોકોનો આંકડાકીય અંદાજ ૩૫ થી ૪૫ લાખની વચ્ચે મૂકવામાં આવે છે. અમેરિકી સૈન્ય પગલાં અને તેના પરિણામે ફાટી નીકળેલા ગૃહયુદ્ધોને કારણે વિશ્વભરમાં ૩.૮ કરોડથી વધુ લોકો પોતાના ઘરબાર છોડીને શરણાર્થી બનવા મજબૂર થયા છે. આ આંકડો બીજા વિશ્વયુદ્ધ પછીનો સૌથી મોટો માનવ વિસ્થાપનનો આંકડો છે. ૨૦૦૧ પછીના યુદ્ધોમાં ૭,૦૫૦ થી વધુ અમેરિકી સૈનિકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ૩૦,૦૦૦ થી વધુ સૈનિકો ગંભીર રીતે ઘાયલ અથવા શારીરિક-માનસિક વિકલાંગતાનો ભોગ બન્યા છે. ૧૯૪૫ પછી અમેરિકાએ ૫૦થી વધુ દેશોમાં ગુપ્ત અથવા તો પ્રત્યક્ષ રીતે સૈન્ય કામગીરી કરી છે. તેણે વિદેશોમાં ૮૦૦થી વધુ અમેરિકન સૈન્ય બેઝ બનાવ્યા છે.
ઇતિહાસ સાક્ષી છે કે જ્યાં જ્યાં અમેરિકી સૈન્યના પગ પડયા છે અથવા જ્યાં સીઆઈએ દ્વારા લોકશાહી સ્થાપવાના નામે દખલગીરી કરવામાં આવી છે, ત્યાં મોટાભાગે સંસ્થાઓનું પતન, આર્થિક કંગાળિયત અને અનંત ગૃહયુદ્ધ જ સર્જાયું છે. અફઘાનિસ્તાનમાં ૨૦૦૧થી ૨૦૨૧ સુધી ૨૦ વર્ષ દરમિયાન નિષ્ફળ યુદ્ધ લડાયું. અલ-કાયદાનો વિનાશ, ઓસામા બિન લાદેનને પકડવો અને તાલિબાન શાસનનો અંત આણી મહિલા અધિકારોની સ્થાપના કરવી. અહીંયા ૨.૩૧ ટ્રિેલિયન ડોલરનો ખર્ચ થયો, ૭૦ હજારથી વધુ અફઘાન નાગરિકોનાં મોત થયા. અફઘાન સેના અને પોલિસના ૬૬ હજારથી વધુ જવાનોના મોત થયા. ૨૦ વર્ષે, ઓગસ્ટ ૨૦૨૧માં અમેરિકી દળોએ અચાનક રાતોરાત બાગરામ એરબેઝ ખાલી કરી દીધું. તાલિબાને ફરીથી કાબુલ પર કબજો કરી લીધો. આજે અફઘાનિસ્તાનની ૯૭% વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે અને મહિલાઓ પર મધ્યયુગીન પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
તેવી જ રીતે ઈરાકમાં ૨૩ વર્ષ સુધી ખોટા બહાના હેટળ હિંસાનો જઘન્ય ખેલ ખેલવામાં આવ્યો અને હવે ત્યાંની જનતાને ભુખી, તરસી છોડી દેવામાં આવી. સદ્દામ હુસૈન પાસેના રાસાયણિક શસ્ત્રો ખતમ કરવા અને મધ્ય-પૂર્વમાં લોકશાહીનો પાયો નાખવો પડશે તેવું કહીને અમેરિકા ઈરાકમાં ઘુસ્યું હતું. આ યુદ્ધમાં ૨,૦૯,૦૦૦થી વધુ નાગરિકોનાં મોત થાય છે. બ્રિટિશ મેડિકલ જર્નલ 'ધ લેન્સેટ'ના રિપોર્ટ મુજબ આ હિંસાની સ્થિતિમાં અન્ય અથવા પરોક્ષ કારણોસર ૬,૫૫,૦૦૦ થી વધુ ઇરાકીઓ માર્યા ગયા. તે ઉપરાંત ૯૨ લાખ ઇરાકીઓ વિસ્થાપિત થયા. વાસ્તવિકતા એવી છે કે, ૨૩ વર્ષે અમેરિકાએ ઈરાકને અંદરથી ખતમ કરી નાખ્યું છે, ખોખલું કરી નાખ્યું છે અને તમામ મોરચે તેનું પતન થયું છે. આક્રમણ પછી અમેરિકાને ઇરાકમાં એક પણ જૈવિક કે રાસાયણિક શસ્ત્ર મળ્યું નહીં. અમેરિકી વહિવટદાર પોલ બ્રેમરે ડી-બાથિફિકેશનની નીતિ હેઠળ ઇરાકી સેના અને સરકારી વહિવટને બરખાસ્ત કરી દીધો. આ નિર્ણયથી બેરોજગાર બનેલા ઇરાકી સૈન્ય અધિકારીઓએ આગળ જતાં વિશ્વના સૌથી ક્રૂર આતંકવાદી જૂથ ISIS (ઇસ્લામિક સ્ટેટ)ની રચના કરી. ઇરાક જે ક્યારેક આરબ જગતનું શૈક્ષણિક અને આર્થિક કેન્દ્ર હતું, તે આંતરિક હિંસા અને ભ્રષ્ટાચારનો ગઢ બની ગયું છે.

લિબિયામાં પણ તેવી જ રીતે મુઅમ્મર ગદ્દાફીના દમન સામે અરબ સ્પ્રિંંગના પ્રદર્શનકારીઓને બચાવવા માટે નાટો અને અમેરિકા દ્વારા માનવતાવાદી હસ્તક્ષેપ કર્યો હતો. ૨૦૧૧માં થયેલા આ હસ્તક્ષેપ પહેલાં એટલે કે ૨૦૧૧ પહેલાં લિબિયા આફ્રિકા ખંડમાં સૌથી ઊંચો માનવ વિકાસ સૂચકાંક, મફત શિક્ષણ, મફત આરોગ્ય અને પ્રતિ વ્યક્તિ ઊંચી આવક ધરાવતો દેશ હતો. દરરોજ લોહિયાળ જંગે આખો દેશ ખતમ કરી નાખ્યો છે. આ ઉપરાંત સામ્યવાદ રોકવાના નામે વિયેતનામ, લાઓસ અને કમ્બોડિયામાં અમેરિકાએ સૈન્ય પગલાં ભર્યા હતા. તેમાં ૨૦ થી ૩૦ લાખ વિયેતનામી નાગરિકોના મોત થયા. લાઓસ પર અમેરિકાએ ૧૯૬૪ થી ૧૯૭૩ દરમિયાન ૨૬ કરોડથી વધુ ક્લસ્ટર બોમ્બ ફેંક્યા. લાઓસ ઇતિહાસમાં પ્રતિ વ્યક્તિ સૌથી વધુ બોમ્બમારો સહન કરનારો દેશ બન્યો. આજે ૫૦ વર્ષ પછી પણ વિયેતનામ અને લાઓસમાં હજારો બાળકો જન્મજાત વિકલાંગતા સાથે જન્મે છે અને જમીનમાં દાટેલા બોમ્બના કારણે દર વર્ષે નિર્દોષ લોકો જીવ ગુમાવે છે.
લેટિન અમેરિકાની વાત કરીએ તો અહીંયા ભ્રષ્ટ સરમુખત્યારશાહી દૂર કરવા અને સત્તા પરિવર્તન કરવા માટે સીઆઈએ દ્વારા સૈન્ય કામગીરી કરાવવામાં આવી. ચિલીમાં ચૂંટાયેલા પ્રમુખ સાલ્વાડોર એલેન્ડેની હત્યા કરાવીને ક્રૂર લશ્કરી સરમુખત્યાર ઓગસ્ટો પિનોચેને સત્તા પર બેસાડવામાં આવ્યો, જેણે ૩,૦૦૦ થી વધુ રાજકીય વિરોધીઓની હત્યા કરી. તેવી જ રીતે ગ્વાટેમાલામાં યુનાઇટેડ ફ્રૂટ કંપનીના વ્યાપારી હિતો સાચવવા માટે લોકશાહી સરકારનો તખ્તાપલટ કરાયો, જેણે દેશને ૪૦ વર્ષના ગૃહયુદ્ધમાં ધકેલી દીધો અને ૨૦,૦૦,૦૦૦થી વધુ લોકોનાં મોત થયા.
આ ઉપરાંત પનામા ખાતે પોતાના જ પૂર્વ સીઆઈએ એજન્ટ અને લશ્કરી શાસક મેન્યુઅલ નોરિએગાને હટાવવા માટે પનામા પર આક્રમણ કરી હજારો નાગરિકોને મારી નાખ્યા.

અમેરિકાએ ધનોતપનોત કાઢયા બાદ પણ ઈરાક સામે ઘણા ભયસ્થાનો રહેશે
જાણકારો માને છે કે, ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ ઇરાકમાંથી અમેરિકી સૈન્યની આખરી વાપસી માત્ર સૈનિકોની ઘરવાપસી નથી, પરંતુ મધ્ય-પૂર્વના ભૂરાજકારણમાં એક મોટો ભૂકંપ છે. અમેરિકા અને ઇરાક વચ્ચે થયેલા કરાર મુજબ વાપસી બે મુખ્ય તબક્કામાં પૂર્ણ થશે. પહેલા તબક્કામાં સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી બગદાદમાં આવેલા અઈન અલ-અસદ એરબેઝ અને પાટનગરના સૈન્ય મથકોમાંથી અમેરિકી અને નાટો દળોની સંપૂર્ણ વાપસી. ત્યારબાદ બીજા તબક્કામાં સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી ઉત્તર ઇરાકના સ્વાયત્ત કુર્દિશ પ્રદેશમાં આવેલા અર્બિલ એરબેઝ પરથી બાકી બચેલા ૨,૫૦૦ સૈનિકો અને સલાહકારોની સંપૂર્ણ વિદાય થશે. અમેરિકાના સૈનિકોના પલાયન બાદ ઈરાકની મોટી અગ્નિપરીક્ષા શરૂ થશે. તેની સામે ઘણા મોરચે સમસ્યાઓ આવશે જેનો સામનો તે કરી શકશે કે નહીં તે ચિંતાજનક છે. ૨૦૧૭ માં આઈએસઆઈએસનો પ્રાદેશિક પરાજય થયો હતો, પરંતુ તેના હજારો આતંકવાદીઓ આજે પણ સીરિયા અને ઇરાકની સરહદ નજીક અંબારના રણપ્રદેશમાં 'સ્લીપર સેલ્સ' તરીકે સક્રિય છે. અમેરિકી સેના પાસે અત્યાધુનિક સેટેલાઇટ ટ્રેકિંગ, સિગ્નલ ઇન્ટેલિજન્સ અને એર સપોર્ટ સિસ્ટમ છે. અમેરિકાના ગયા પછી ઇરાકી સેના માટે એકલા હાથે આ ગુપ્ત આતંકવાદી નેટવર્કને પરાસ્ત કરવું અત્યંત કઠિન બનશે. તેવી જ રીતે ઇરાકમાં આજે સૌથી મોટો રાજકીય અને લશ્કરી પ્રભાવ ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથોનો છે, જેને હશદ અલ-શાબી કહેવામાં આવે છે. આ જૂથો પાસે ૨,૦૦,૦૦૦થી વધુ સશસ્ત્ર લડવૈયાઓ છે અને તેમને ઇરાકી બજેટમાંથી નાણાં મળે છે. અમેરિકી સેનાની હાજરી ઈરાન માટે એક મોટો અવરોધ હતી. વાપસી પછી તેહરાન માટે બગદાદ પર પોતાનું સંપૂર્ણ રાજકીય, ધાર્મિક અને લશ્કરી વર્ચસ્વ સ્થાપિત કરવાનો રસ્તો ખુલ્લો થઈ જશે. આ સિવાય ઉત્તર ઇરાકનો કુર્દિશ પ્રદેશ હંમેશા અમેરિકાનો મજબૂત પીઠબળ રહ્યો છે.
કુર્દિશ પેશમરગા દળોએ આઈએસઆઈએસ સામેની લડાઈમાં અમેરિકાને સાથ આપ્યો હતો. વાપસી બાદ કુર્દ સમુદાય બગદાદની શિયા પ્રભુત્વ ધરાવતી સરકાર અને ઈરાની મિલિશિયાના સીધા દબાણ હેઠળ આવી જશે, જેનાથી ઉત્તર ઇરાકમાં નવા ગૃહયુદ્ધની શક્યતા નકારી શકાય તેમ નથી.