News Focus

100% ઈથેનોલ : ઊર્જા આત્મનિર્ભરતાનું વરદાન કે આકરી પરીક્ષા !

By GS Team
28 Oct 20268 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે 100% ઇથેનોલથી ચાલતા વાહનોને મંજૂરી આપતાં દેશમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે. મારુતિ-સુઝુકીએ વેગન-આર ફ્લેક્સ ફ્યુઅલ લોન્ચ કરી છે. જોકે, આ પદ્ધતિ ખાદ્ય સુરક્ષા, મોંઘવારી અને પાણીના સંકટને આમંત્રણ આપી શકે છે. ઇથેનોલ ઉત્પાદન માટે શેરડી અને મકાઈનો ઉપયોગ થતાં ખાંડ અને મકાઈના ભાવ બમણા થવાની શક્યતા છે, જેનાથી સામાન્ય જનતા પર આર્થિક બોજ વધશે.

Summarized by AI; it may make mistakes. Check important info

100% ઈથેનોલ : ઊર્જા આત્મનિર્ભરતાનું વરદાન કે આકરી પરીક્ષા !
  • ક્રૂડ આયાતમાં ઘટાડો કરવા લેવાયેલો રાજકીય નિર્ણય હાલ પૂરતો સારો પણ ભવિષ્યમાં ક્યાંક પ્રજા ઉપર આર્થિક બોજો વધારી ન દે તે જોવું પડશે
  • આપણો દેશ જ્યારે ૧૦૦ ટકા સ્વદેશી ઇંધણ તરફ ડગ માંડે ત્યારે કાગળ પર આ યોજના સ્વર્ગ જેવી લાગે છે. ક્રૂડ આયાતનું બિલ ઘટશે, વિદેશી હૂંડિયામણ બચશે અને ખેડૂતો ઊર્જાદાતા બનશે એવા સુવર્ણ દાવાઓ ચારેબાજુ ગૂંજી રહ્યા છે. પરંતુ ચમકતી તસવીરની પાછળ રહેલી કડવી વાસ્તવિકતા એ છે કે શું ભારત આ અતિ-મહત્ત્વાકાંક્ષી પ્રયોગ માટે જમીની સ્તરે ખરેખર તૈયાર છે? : હાલમાં દેશભરમાં પેટ્રોલ પંપો પર ઈ૨૦ ઇંધણ પહોંચાડવાના ફાંફા પડી રહ્યા છે, ત્યારે ૧૦૦ ટકા ઈથેનોલ માટે અલગ ડિસ્પેન્સિંગ યુનિટ્સ, વિશિષ્ટ અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ ટાંકીઓ અને સપ્લાય ચેઇન ઊભી કરવી એ કોઈ રમતવાત નથી. ઉપરાંત આ ફ્યૂઅલ માટે અનુકુળ ટેકનોલોજી સાથે નવી કાર કે બાઇક બજારમાં આવશે ત્યારે તેની પ્રારંભિક કિંમત સામાન્ય વાહનો કરતાં ૨૫,૦૦૦થી ૮૦,૦૦૦ રૂપિયા સુધી મોંઘી હોવાની શક્યતા છે : જ્યારે સરકાર ડિસ્ટિલરીઓને આકર્ષક ભાવે ઈથેનોલ ખરીદવાની ખાતરી આપશે, ત્યારે મિલો અને વેપારીઓ ખાંડ કે ગોળ બનાવવાને બદલે સીધો શેરડીનો રસ ઈથેનોલમાં ઉપયોગમાં લેશે. પરિણામે સ્થાનિક બજારમાં ખાંડ હાલ કરતા બમણાં ભાવે તો નવાઈ નહીં. મકાઈની સ્થિતિ તો એના કરતાં પણ બદતર થશે. તેમાં ઘટાડો માણસો ઉપરાંત પશુ આહારમાં પણ અછત અને મોંઘવારી બંનેને આવકારશે

કેન્દ્રના માર્ગ અને પરિવહન મંત્રાલયે ૧૦૦ ટકા ઈથેનોલથી ચાલતા વાહનોને મંજૂરી આપી દીધી છે. તેનાથી દેશમાં ઈથેનોલ બ્લેન્ડિંગના સેક્ટરમાં મોટું પરિવર્તન આવશે. કેન્દ્ર સરકારનું માનવું છે કે, ૧૦૦ ટકા ઈથેનોલ ફ્યુઅલમાં ચાલે તેવા ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનના વાહનો માટે માર્ગ મોકળો થયો છે. આ વર્ષે જૂન માસમાં જ હજુ પહેલું વહેલું ૧૦૦ ટકા ઈથેનોલથી ચાલતું ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન લોંચ થયું હતું. મારૂતિ-સુઝીકીએ વેગન આર ફ્લેક્સ ફ્યુઅલ લોંચ કરીને દેશમાં નવો ટ્રેન્ડ સેટ કર્યો હતો. તેના પગલે હવે ટોયોટા, ટાટા અને હ્યુન્ડાઈ જેવી કાર મેકર કંપનીઓ પણ ફ્લેક્સ ફ્યુઅલ કારના મોડલ પર કામ કરી રહી છે.
જાણકારોના મતે ભારત સરકાર દ્વારા ૧૦૦ ટકા ઈથેનોલ (ઈ૧૦૦)થી ચાલતા ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને લીલી ઝંડી આપવાનો નિર્ણય માત્ર પરિવહન નીતિનો ફેરબદલ નથી, પરંતુ દેશના ઊર્જા, કૃષિ અને અર્થતંત્રના સમીકરણોને હચમચાવી નાખનારો એક ક્રાંતિકારી અને તેટલો જ જોખમી નિર્ણય છે.
દર વર્ષે લાખો કરોડ રૂપિયા વિદેશી ક્રૂડ ઓઇલ પાછળ વહાવી દેતો આપણો દેશ જ્યારે ૧૦૦ ટકા સ્વદેશી ઇંધણ તરફ ડગ માંડે ત્યારે કાગળ પર આ યોજના સ્વર્ગ જેવી લાગે છે.
ક્રૂડ આયાતનું બિલ ઘટશે, વિદેશી હૂંડિયામણ બચશે અને ખેડૂતો ઊર્જાદાતા બનશે એવા સુવર્ણ દાવાઓ ચારેબાજુ ગૂંજી રહ્યા છે. પરંતુ ચમકતી તસવીરની પાછળ રહેલી કડવી વાસ્તવિકતા એ છે કે શું ભારત આ અતિ-મહત્ત્વાકાંક્ષી પ્રયોગ માટે જમીની સ્તરે ખરેખર તૈયાર છે? શું આપણે ક્રૂડ ઓઈલની પરાધીનતામાંથી મુક્ત થવાના ઉતાવળા ઉત્સાહમાં દેશની ખાદ્ય સુરક્ષા, જમીનની ફળદ્રુપતા અને સામાન્ય નાગરિકના ખિસ્સાને અંધારા તરફ ધકેલી રહ્યા નથી? આ નિર્ણય બજાર, કૃષિ, ઓટોમોબાઇલ ઉદ્યોગ અને સામાન્ય જનતા માટે સાચે જ વરદાન સાબિત થશે કે પછી વિનાશકારી આર્થિક ભૂલ, તેનું સચોટ વિશ્લેષણ કરવું અનિવાર્ય બની ગયું છે.
હાલમાં દેશભરમાં પેટ્રોલ પંપો પર ઈ૨૦ (૨૦ ટકા ઈથેનોલ મિશ્રિત) ઇંધણ પહોંચાડવાના ફાંફા પડી રહ્યા છે, ત્યારે ૧૦૦ ટકા ઈથેનોલ માટે અલગ ડિસ્પેન્સિંગ યુનિટ્સ, વિશિષ્ટ અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ ટાંકીઓ અને સપ્લાય ચેઇન ઊભી કરવી એ કોઈ રમતવાત નથી. ઓટોમોબાઇલ ઉત્પાદકો માટે પણ પડકાર નાનો નથી; ૧૦૦ ટકા ઈથેનોલ પર ચાલતા વાહનો માટે સંપૂર્ણપણે અલગ 'ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન' ટેક્નોલોજી, કાટ-પ્રતિરોધક ફ્યુઅલ લાઇન્સ, ખાસ ઇન્જેક્ટર્સ અને સેન્સર્સ વિકસાવવા પડશે. જ્યારે આવી ટેકનોલોજી સાથે નવી કાર કે બાઇક બજારમાં આવશે ત્યારે તેની પ્રારંભિક કિંમત સામાન્ય વાહનો કરતાં ૨૫,૦૦૦થી ૮૦,૦૦૦ રૂપિયા સુધી મોંઘી હોવાની પૂરી શક્યતા છે.
જો સરકાર ઈથેનોલ પર ભારે સબસિડી અથવા ટેક્સમાં જંગી રાહત નહીં આપે, તો સામાન્ય ગ્રાહક મોંઘું વાહન ખરીદવાની હિંમત કેમ કરશે? બજારમાં જૂના વાહનોની રીસેલ વેલ્યુ ઘટી જશે અને અચાનક બદલાતી ઇંધણ નીતિથી ગ્રાહક અવઢવમાં મુકાશે.
ઈથેનોલના જંગી ઉત્પાદન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો ભારત સામે સૌથી મોટો સવાલ ક્ષમતાનો ઊભો થાય છે. ભારત દર વર્ષે અંદાજે ૨,૬૦૦થી ૩,૦૦૦ કરોડ લિટર પેટ્રોલનો વપરાશ કરે છે.
જો દેશના ૧૦૦ ટકા વાહનોને ઈથેનોલ પર લાવવા હોય તો ઓછામાં ઓછા ૩,૫૦૦ થી ૪,૦૦૦ કરોડ લિટર શુદ્ધ ઈથેનોલની જરૂર પડે, કારણ કે ઈથેનોલની ઊર્જા ઘનતા પેટ્રોલ કરતાં ઓછી હોવાથી વધુ પ્રમાણમાં બળતણ વપરાય છે.
આજે આપણી વાર્ષિક ઈથેનોલ ઉત્પાદન ક્ષમતા માંડ ૧,૩૦૦ થી ૧,૫૦૦ કરોડ લિટરની આસપાસ પહોંચી છે, જેમાંથી અડધોઅડધ તો કેમિકલ અને દારૂ ઉદ્યોગમાં વપરાઈ જાય છે. તો બાકીના હજારો કરોડ લિટરનું ઉત્પાદન રાતોરાત ક્યાંથી થશે?
નવી ડિસ્ટિલરીઓ સ્થાપવા માટે અબજો રૂપિયાનું રોકાણ, સેંકડો પર્યાવરણીય મંજૂરીઓ અને વર્ષોનો સમય લાગે છે. વળી, ઈથેનોલનું વિતરણ પણ સરળ નથી; ઈથેનોલ વાતાવરણમાંથી ભેજ ખૂબ ઝડપથી ખેંચી લે છે, જેથી તેનું પાઈપલાઈન દ્વારા પરિવહન કરવું અશક્ય જેવું છે. તેના માટે હજારો સ્પેશિયલ ટેન્કરો રોડ પર દોડાવવા પડશે, જેના કારણે પરિવહન ખર્ચ અને કાર્બન ફૂટપ્રિન્ટ બંને વધશે. આટલા વિશાળ માળખા વિના ૧૦૦ ટકા ઈથેનોલની જાહેરાત કરવી એ ઘોડા વિનાની ગાડી દોડાવવા સમાન છે.
સૌથી ભયાનક અસર દેશની ખાદ્ય સુરક્ષા અને સામાન્ય ગૃહિણીના રસોડા પર પડવાની છે. ઈથેનોલનું ઉત્પાદન મુખ્યત્વે શેરડીના રસ, બી-હેવી મોલાસીસ, ચોખા અને મકાઈમાંથી થાય છે. જ્યારે સરકાર ડિસ્ટિલરીઓને આકર્ષક ભાવે ઈથેનોલ ખરીદવાની ખાતરી આપશે, ત્યારે મિલો અને વેપારીઓ ખાંડ કે ગોળ બનાવવાને બદલે સીધો શેરડીનો રસ ઈથેનોલમાં ઉપયોગમાં લેશે. પરિણામે સ્થાનિક બજારમાં ખાંડ અને ગોળની ભારે કૃત્રિમ અછત સર્જાશે. જે ખાંડ આજે ૪૦-૪૫ રૂપિયે કિલો મળે છે તે વધીને ૭૦-૯૦ રૂપિયા સુધી પહોંચી જાય તો નવાઈ નહીં.
મકાઈની સ્થિતિ તો એના કરતાં પણ બદતર થશે. મકાઈ એ માત્ર માણસોનો ખોરાક નથી, પરંતુ ભારતમાં મરઘાં ઉછેર અને પશુપાલન માટે પશુ આહારનો મુખ્ય પાયો છે.
જો મકાઈ મોટાપાયે ઈથેનોલ બનાવવામાં વપરાશે, તો મકાઈના ભાવ આસમાને પહોંચશે, જેનાથી પશુ આહાર મોંઘો થશે અને દૂધ, ઘી, ઈંડાં તથા ચિકનના ભાવમાં અસહ્ય મોંઘવારીનો ભડકો થશે. આ પરિસ્થિતિ સીધી રીતે ફૂડ વિરુદ્ધ ફ્યૂઅલનું એક એવું જીવલેણ યુદ્ધ છેડી દેશે, જેમાં દેશના ગરીબ અને મધ્યમ વર્ગને પોતાના પેટનો કોળિયો વાહનોની ટાંકીમાં હોમવો પડશે.
ખેતી અને ખેડૂતોના દ્રષ્ટિકોણથી આ નીતિ શરૂઆતમાં ફાયદાકારક જણાશે, પણ લાંબા ગાળે તે વિનાશક સાબિત થઈ શકે છે. ટૂંકા ગાળામાં શેરડી અને મકાઈ પકવતા ખેડૂતોને તેમના પાકના સારા અને રોકડા ભાવ મળશે, ખાંડ મિલો પાસે ખેડૂતોના બાકી નીકળતા નાણાં ઝડપથી ચૂકવાશે એ વાત સાચી. પરંતુ તેની બીજી બાજુ અત્યંત ચિંતાજનક છે. વધુ નફાની લાલચમાં ખેડૂતો કઠોળ, તેલીબિયાં, બાજરી, જુવાર જેવા પરંપરાગત પાકો છોડીને માત્ર શેરડી અને મકાઈની એકધારી ખેતી (મોનોકલ્ચર) તરફ વળશે. શેરડી એ અત્યંત પાણી માંગી લેતો પાક છે; એક કિલો ખાંડ કે લિટર ઈથેનોલ પેદા કરવા માટે હજારો લિટર પાણી જમીનમાંથી ચૂસાઈ જાય છે.
મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને દક્ષિણ ગુજરાત જેવા પ્રદેશોમાં ભૂગર્ભ જળસ્તર પહેલેથી જ તળિયે પહોંચી ગયા છે. જો શેરડીનું વાવેતર અનિયંત્રિત રીતે વધશે, તો આગામી દાયકામાં આ રાજ્યો ગંભીર જળ સંકટ અને દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ જશે. વધુ પડતા રાસાયણિક ખાતરોના ઉપયોગથી જમીન કાયમ માટે બિનફળદ્રુપ બની જશે. એટલે કે ખેડૂતોને આજે મળનારો તાત્કાલિક નફો આવતીકાલની પેઢીઓની જમીન અને પાણી છીનવી લેશે.
ઉલ્લેખનીય છે કે, ઓટોમોબાઇલ ક્ષેત્રે ફ્લેક્સ વાહનોના ટેકનિકલ પાસાઓ અને એન્જિનના નુકસાન અંગે ઉઠતા સવાલો બિલકુલ વાસ્તવિક અને આધારભૂત છે. સામાન્ય પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવામાં આવે ત્યારે તેનાથી જૂના વાહનોના એન્જિનને પારાવાર નુકસાન થાય છે એ જગજાહેર છે, પરંતુ ૧૦૦ ટકા ઈથેનોલવાળા નવા વાહનોમાં પણ આંતરિક સમસ્યાઓ રહેવાની છે. ઈથેનોલ એ હાઇગ્રોસ્કોપિક પદાર્થ છે, જે હવામાનમાંથી ભેજ ખેંચીને એસિડિક ગુણધર્મ ધારણ કરે છે. આ એસિડિક સ્વભાવને કારણે તે એલ્યુમિનિયમ, રબરની ટયુબ્સ, પ્લાસ્ટિક ગાસ્કેટ્સ અને સ્ટીલના ભાગોને ધીમે ધીમે કોરી ખાય છે, જેને કારણે ફ્યુઅલ સિસ્ટમમાં કાટ લાગવાની અને લીકેજ થવાની પ્રબળ સંભાવના રહે છે. આ સિવાય, શુદ્ધ ઈથેનોલ શિયાળામાં કે ઠંડા પ્રદેશોમાં સરળતાથી સળગતું નથી, જેથી કોલ્ડ સ્ટાર્ટિંગની ગંભીર સમસ્યા ઊભી થશે. વાહન માલિકો માટે સૌથી મોટો ફટકો માઇલેજ એટલે કે એવરેજનો છે.
પેટ્રોલની તુલનામાં ઈથેનોલનું કેલરીફિક વેલ્યુ લગભગ ૩૦થી ૩૩ ટકા ઓછું છે. તેનો સીધો અર્થ એ છે કે જે કાર પેટ્રોલમાં ૧૫-૧૭ કિમીની એવરેજ આપે છે, તે ૧૦૦ ટકા ઈથેનોલ પર માત્ર ૧૦ થી ૧૧ કિમીની એવરેજ આપશે. જો ઈથેનોલનો ભાવ પેટ્રોલ કરતાં નોંધપાત્ર રીતે સસ્તો ન રાખવામાં આવે, તો કિલોમીટર દીઠ ખર્ચ ઘટવાને બદલે ઊલટાનો વધી જશે અને ગ્રાહક પર આર્થિક બોજ વધશે.

આ પગલું મોંઘવારી અને ભૂખમરાને સામે ચાલીને આમંત્રણ આપવા જેવું
આ તમામ પાસાઓનો સરવાળો માંડીએ તો સ્પષ્ટ થાય છે કે ૧૦૦ ટકા ઈથેનોલથી વાહનો ચલાવવાનું આ પગલું સૈદ્ધાંતિક રીતે રાષ્ટ્રહિતનું લાગતું હોવા છતાં, વર્તમાન પરિસ્થિતિમાં અત્યંત ઉતાવળિયું અને અનિશ્ચિતતાઓથી ભરેલું છે. બ્રાઝિલ જેવા દેશે ઈથેનોલ પર સફળતા મેળવી છે કારણ કે ત્યાં જમીન વિશાળ છે, વસ્તી ભારત કરતાં છઠ્ઠા ભાગની છે અને વરસાદ પુષ્કળ પડે છે; જ્યારે ભારત ૧૪૦ કરોડની ભૂખી વસ્તી ધરાવતો અને જળસંકટ સામે ઝઝૂમતો દેશ છે. ભારત જેવા દેશમાં પ્રથમ પેઢીના પાક (શેરડી, અનાજ)માંથી ઈથેનોલ બનાવીને વાહનોમાં બાળવું એ આર્થિક અને નૈતિક રીતે કેટલું વાજબી ગણાય? જ્યાં સુધી ભારત કૃષિ કચરા, પરાળી અને ઘાસમાંથી બનતા સેકન્ડ જનરેશન (2G) ઈથેનોલનું વિશાળ પાયે ઉત્પાદન ન કરી શકે, ત્યાં સુધી સીધા ખાદ્ય પાકો પર નિર્ભર રહેવું એ મોંઘવારી અને ભૂખમરાને સામે ચાલીને આમંત્રણ આપવા જેવું છે. ભારત માટે આ પગલું જો કોઈ સંતુલિત નિયમન વગર, ઉદ્યોગપતિઓના નફા ખાતર કે માત્ર ક્રૂડ આયાતના આંકડા નીચા બતાવવાની રાજકીય ઘેલછામાં અંધાધૂંધ રીતે અમલમાં મૂકાશે, તો તે દેશના અર્થતંત્ર માટે આત્મઘાતી સાબિત થઈ શકે છે. ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવી એ આવકાર્ય લક્ષ્ય છે, પરંતુ તે લક્ષ્ય દેશના ગરીબોના અનાજ, રસોડાની મોંઘવારી અને ધરતીના ભૂગર્ભ જળની આહુતિ આપીને સિદ્ધ ન થવું જોઈએ. બાકી આ ઊર્જાની આત્મનિર્ભરતાનું વરદાન ગણાતું ફયૂઅલ ભારતીયો માટે આર્થિક અભિશાપ બની જશે.