For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગાંધી પરિવારની બંને વહુઓ સોનિયા અને મેનકા વચ્ચેની કડવાશ દૂર થઈ

- સમયની થાપટ ખાઇને બંને થાક્યા છે

- મેનકા-વરૂણ કોંગ્રેસમાં જોડાઇ જવાની અટકળો...

Updated: Feb 27th, 2022

Article Content Image- કિસાન આંદોલન વખતે વરૂણની ભૂમિકા ભાજપ વિરોધી જોવા મળતા મામલો બિચક્યો હતો 

દિલ્હીના રાજકીય સર્કલમાંથી એક એવી અફવા ઉડી છે કે સોનિયા ગાંધી અને મેનકા ગાંધીના પરિવાર વચ્ચેના ખટરાગનો અંત આવ્યો છે અને બંને પરિવાર વચ્ચે ઇલુ-ઇલુ થઇ રહ્યું છે. આ અફવાનો અર્થ એવો કઢાઇ રહ્યો છે કે  મેનકા ગાંધી પરિવાર એટલેકે મેનકા ગાંધી અને વરૂણ ગાંધી હવે સોનિયા ગાંધી પરિવાર સાથે જોડાઇ જશે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે મેનકા ગાંધી પરિવારનું પત્તું ભાજપમાંથી કપાઇ રહ્યું હોવાનું કહેવાય છે.  મેનકા ગાંધી અને વરૂણ ગાંધીને ઉત્તર પ્રદેશ ભાજપ વચ્ચેનો ખટરાગ વધી રહ્યો હોવાનું દેખાઇ આવે છે. ભાજપ સાથે ખટરાગનો એક અર્થ એ કાઢી શકાય કે સોનિયા ગાંધી પરિવાર સાથેની તેમની મતભેદોની ખાઇ સાંકડી થઇ રહી છે. ટૂંકમાં લખીયે તો વરૂણ ગાંધીમાં છુપાયેલા કોંગ્રેસના ડીએનએ ગમે ત્યારે સપાટી પર આવી શકે છે. હવે જ્યારે મેનકા ગાંધી અને વરૂણ ગાંધી સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવાયા નથી ત્યારે પ્રજા પણ સમજવા લાગી છે કે ભાજપને મેનકા ગાંધી પરિવારમાં રહેલો મોહ ઓસરી ગયો છે. 

ખેડૂત આંદોલન દરમ્યાન વરૂણ ગાંધીએ આંદોલન કરતા કિસાનોને ખુલ્લો ટેકો આપ્યો હતો. જેમ વરૂણ સરકારની ટીકા કરતા હતા એમ મેનકા ગાંધી તેમના એનિમલ પ્રેમના આર્ટીકલોમાં સરકારી અધિકારીઓની ટીકા કરતા હતા. મોદી સરકારની નજરમાં આ બંને મા -બેટાનો ભાજપ વિરોધ આવી ગયો હતો. મોદી સરકારે પ્રથમ ટર્મમાં મેનકા ગાંધીને પ્રધાન મંડળમાં લીધા હતા પરંતુ બીજી ટર્મમાં તેમને ક્યાંય સ્થાન નહોતું અપાયું તે તો ઠીક પણ ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાંથી પણ બંને મા-બેટાને પડતા મુકાયા હતા. 

મોદી સરકારની નજરમાં આ બંને મા -બેટાનો ભાજપ વિરોધ આવી ગયો હતો. મોદી સરકારે પ્રથમ ટર્મમાં મેનકા ગાંધીને પ્રધાન મંડળમાં લીધા હતા પરંતુ બીજી ટર્મમાં તેમને ક્યાંય સ્થાન નહોતું અપાયું તે તો ઠીક પણ ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાંથી પણ બંને મા-બેટાને પડતા મુકાયા હતા. 

વરૂણ ગાંધી એ વારંવાર ટ્વિટર હેન્ડલનો ઉપયોગ કરીને લખ્યું હતું કે  કિસાન આંદોલન કરનારાઓને ન્યાય મળવો જોઇએ. મુસ્લિંમ કોમ્યુનિટી સામેની હોટ સ્પીચમાં વરૂણ ગાંધીને ૧૮ દિવસ જેલમાં રહેવું પડયું હતું. ત્યારે પ્રિયંકા ગાંધીએ તેમને મગજ શાંત રાખવા જણાવ્યંું હતું.

કેન્દ્રના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા ટેનીએ જ્યારે તેની કાર નીચે કિસાનોને ચગદી માર્યા ત્યારે પણ વરૂણ ગાંધીે પોતાની ભડાસ ભાજપ સરકાર પર કાઢી હતી. તેમણે ઉપરા છાપરી નિવેદનો કરીને આશિષ મિશ્રા પર ત્વરીત પગલાં નહીં ભરતી સરકારની ટીકા કરી હતી. આ કિસાનો મારા મત વિસ્તારના છે માટે મારે ટીકા કરવી પડે અને તેમના પડખે ઉભા રહેવું પડે એમ પણ વરૂણ ગાંધી કહેતા હતા.

આ એવો સમય હતો કે જ્યારે ભાજપ પર ચારે બાજુએથી ટીકાનો મારો ચાલતો હતો ત્યારે પોતાના પક્ષના ટેકામાં ઉભા રહેવાના બદલે વરૂણ ગાંધી પક્ષ વિરૂધ્ધ બોલતા હતા. ભાજપના લોકોએ વરૂણ ગાંધીને ચૂપ રહેવાની સલાહ પણ આપી હતી પરંતુ તે કહેતા હતા કે પહેલાં મતદાર પછી પક્ષ. આવા નિવેદનો વરૂણને ભારે પડી રહ્યા છે. સાત તબક્કામાં યોજાનાર ઉત્તર પ્રદેશના જંગમાં ચૂંટણી પ્રચારના    પાંચ તબક્કા પુરા થયા છે પણ હજુ આ મા-બેટામાંથી કોઇને બોલાવાયા નથી. પ્રચારમાંથી વરૂણ ગાંધી અને મેનકા ગાંધીના બાદબાકી અનેક શંકા કુશંકા  ઉભા કરી રહ્યા છે. બંને જે વિસ્તારના સાંસદો છે તેમના વિસ્તારમાં પણ તેમને પ્રચાર માટે મોકલવાના નથી. મેનકા ગાંધી અને વરૂણગાંધી માટે ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે હવે તે ભાજપનો લાભ નહીં ઉઠાવી શકે. નહોતી લેવાઇ. ઉત્તર પ્રદેશના વર્તમાન વિધાનસભાના મહાજંગમાં તેમના મતવિસ્તાર સુલ્તાનપુર અને પીલીબીતમાં તેમનેા પ્રચારમાં ઉપયોગ પણ નહોતો કરાયો. 

ભાજપના નેતાઓ આ મત વિસ્તારમાં પ્રચાર માટે જાહેર સભાઓ કરી આવ્યા છે પરંતુ સ્ટેજ પર ત્યાંના મત વિસ્તારના  સાંસદ તરીકે મેનકા ગાંધી કે વરૂણ ગાંધીની ખુરશી જોવા નહોતી મળતી. સામાન્ય રીતે વિસ્તારના સંસદને પ્રચાર દરમ્યાન સાથે રખાય છે કેમકે વિસ્તારના લોકો તેમને ઓળખતા હોય છે. 

જેમ ગાંધી પરિવારના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અમેઠી તેમજ રાયબરેલીમાં મજબૂત પકડ ધરાવે છે એમ મેનકા ગાંધી પીલીભીત સંસદીય વિસ્તારમાં પકડ ધરાવે છે પરંતુ ભાજપે તેમની મતદારો પરની વગનેા ઉપયોગ નથી કર્યો તે બતાવે છે કે મેનકા ગાંધી પરિવાર અને ભાજપ વચ્ચેની તિરાડ વધુ પહોળી થઇ છે.

વાચકોનું  એ મુદ્દા તરફ પણ ધ્યાન દોરવું જરૂરી છે કે જ્યારે ઉત્તર પ્રદેશમાં ગઇ વિધાન સભામાં ભાજપે ભવ્ય જીત મેળવી ત્યારે ત્યારે મુખ્ય પ્રધાનની પસંદગી કરવાની હતી. ત્યારે યોગી આદિત્યનાથનું નામ ટોપ પર ચાલતું હતું અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પસંદ હોવા છતાં વરૂણ ગાંધીને મુખ્ય પ્રધાન બનાવવા તેમના ટેકેદારોેએ રજૂઆત કરી હતી. આ રજૂઆત માટે વરૂણગાંધીએ ઉભી કરેલી લોબીના લોકોએ દિલ્હીમાં પણ દેખાવો કર્યા હતા અને તે હિન્દુવાદી હોઇ તેમને મુખ્ય પ્રધાન બનાવવા જોઇએ એવી રજૂઆતો વરૂણ ગાંધીના ફોટા સાથે થઇ હતી.  ત્યારે આ ટેકેદારોએ યોગી આદિત્યનાથ માટે બાવો શબ્દ પણ વાપર્યો હતો. તેમના મમ્મી મેનકા ગાંધી પણ પોતાનો દિકરો મુખ્યપ્રધાન બને તે વાત સાથે સંમત હતા પરંતુ મુખ્ય પ્રધાનના નામની પસંદગીમાં વિવાદ થાય તે ભાજપને પસંદ નહોતું એટલે રજૂઆતોને ધ્યાનમાં નહોતી લેવાઇ. મેનકા ગાંધીની લાઇફ સંઘર્ષથી ભરેલી છે. કટોકટી કાળ વખતે તે સંજય ગાંધીના પડછાયાની જેમ સાથે રહેતા હતા. જ્યારે સંજય ગાંધીનું વિમાન અસ્માતમાં અવસાન થયું ત્યારે મેનકા ગાંધી ૨૧ વર્ષના હતા અને તેમનો પુત્ર વરૂણ ૧૦૦ દિવસનો હતો. 

દિવંગત ઇન્દિરા ગાંધી સારેના તેમના સંબંધો સાવ ખાડે ગયા હતા અને સૂર્યા મેગેઝીનના કારણ ેતેમનો પાસપોર્ટ પણ જપ્ત કરાયો હતો. તે કેસ મેનકા ગાંધી વિરૂદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતો બન્યો હતો. મેનકા ગાંધીને કેવી રીતે ઘરમાંથી બહાર કઢાયા તે વાત આજે અહીં નથી કરવી પરંતુ મેનકા ગાંધીને દેશના સર્વોચ્ચ પરિવારનું કોઇ સુખ મળ્યું નહોતું તે હકીકત છે. સંજય ગાંધી પરિવારના જોરે તે આગળ નથી આવ્યા પણ પોતાના આપબળે આગળ આવ્યા છે.

ભાજપના અટલ બિહારી વાજપેઇએ તેમનો હાથ પકડીને રાજકીય સ્થિરતા આપી હતી. કોગ્રેસના સર્વેસર્વા એવા ગાંધી પરિવારની વહુ હોવા થતાં તે ભાજપ સરકાર સાથે સેટ થઇ ગયા હતા અને તેમના પુત્ર વરૂણને પણ ટિકીટ મળી હતી.

લોકસભામાં જ્યારે અધ્યક્ષની પસંદગી કરવાની હતી ત્યારે સોનિયા ગાંધી સતત અપમાનજનક સ્થિતિમાં રહે અને મશ્કરી સમાન સ્થિતિ ઉભી કરવાનો પ્લાન વડાપ્રધાન મોદી સમક્ષ મુકાયો હતો. આ પ્લાન અનુસાર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ મેનકા ગાંધીને સર..સર..કહેવું પડે એમ હતું. આ પ્લાન અનુસાર મેનકા ગાંધીને લોકસભાના અધ્યક્ષ બનાવાય તો સોનિયા અને રાહુલને સામે નીચે બેસવું પડે અને અધ્યક્ષની ખુરશી સામે ડેકોરમ પ્રમાણે વર્તન કરવું પડે. 

વિચારો કે સોનિયા ગાંધીને મેનકા ગાંધી અધ્યક્ષની રૂએ એમ કહે કે સિટ ડાઉન તો કેવું લાગે ? બધું નક્કી હતું પણ કહે છે કે વડાપ્રધાન મોદી સોનિયા ગાંધી પરિવારને શરમમાં મુકવા તૈયાર નહોતા.  ભાજપનો એક વર્ગ માનતો હતો કે મેનકા ગાંધીને અને વરૂણ ગાંધીને દયાના ધોરણે ભાજપમાં સમાવાયા છે. 

ભાજપ સાથે મેનકા ગાંધીને બધું સુખરૂપ ચાલતું હતું પરંતુ વરૂણગાંધીની મુખ્યપ્રધાન બનવાની મહેચ્છાએ બાજી બગાડી હતી. કિસાન આંદોલન વખતે વરૂણની ભૂમિકા ભાજપ વિરોધી જોવા મળતા મામલો બિચક્યો હતો. 

મેનકા ગાંધી અને વરૂણ ગાંધીને ભાજપ સાથે બહુ ગોઠતું નથી. ભાજપવાળા તેમને જોઇતું માન પણ નથી આપતા. આજે સ્થિતિ એ છે કે આ મા-બેટો બંને ભાજપથી અલિપ્ત છે. તે કોંગ્રેસ સાથે એેટલેકે સોનિયા ગાંધી  સાથે ફરી જોડાઇ શકે છે. કેંાગ્રેસની દયનીય સ્થિતિ બાદ સોનિયા પણ કૂણા પડયા છે. ગમે ત્યારે મેનકા ગાંધી પાટલી બદલી શકે છે. 

પરિવારની બે વહુઓ એકલી છે અને હવે થાકી છે..બંને એક બીજાનું સન્માન કરતા આવ્યાં છે       

મેનકા ગાંધીને જ્યારે ગાંધી પરિવાર છોડવાની ફરજ પડાઇ પછી ક્યારેય આ બંને પરિવારોએ એક બીજા સામે કાદવ નથી ઉછાળ્યો. જ્યારે સોનિયા ગાંધી યુપીએ સરકારમાં સર્વે સર્વા હતા ત્યારેે પણ મેનકા ગાંધીને પરેશાન કરવા માટે કોઇ પ્રયાસ નહોતા કર્યા. કેટલાક  સોશ્યલ ફંકશનમાં બંને પરિવારો ભેગા પણ થતા હતા. કહે છે કે વરૂણ ગાંધી અને પ્રિયંકા વાઢરાને બહુ સારૂં બને છે. જ્યારે વરૂણ ગાંધી જેલમાં હતા ત્યારે પણ તેને  શાંત રહેવાની સલાહ પ્રિયંકા ગાંધી આપતા હતા.

મેનકા ગાંધી અને સોનિયા ગાંધી બંને સમયના વહેણની થાપટ ખાઇને જુની દુશ્મનાવટ ભૂલી ગયા હોય એમ લાગે છે તેા તેમના સંતાનો લહેરથી  એક બીજાને ભેટી રહ્યા છે. એક જ પરિવારની બે વહુઓ સમાધાનના પંથે છે.

આજની નવી જોક

લીલીએ ટેક્સી ડ્રાઇવરને પૂછ્યું... મારે એસ.ટી. સ્ટેન્ડ જવું છે કેટલા થશે ? જવાબ મળ્યો ૨૫૦ રૂપિયા... લીલીએ ફરી કહ્યું કે મારા પતીને સાથે લઈને આવું તો કેટલા થાય. ડ્રાઇવરે કહ્યું તો પણ ૨૫૦ જ થાય...

લીલીએ છગન સામે જોઈને કહ્યું જોયું મેં નહોતું કહ્યું તમારી કોઈ કિંમત નથી...

Gujarat