6 કલાકમાં 126 તાલુકામાં મેઘમહેર, નવસારીના વાંસદામાં સૌથી વધુ 3 ઈંચ જેટલો વરસાદ, અમદાવાદમાં પણ ભિંજાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Rain Updates : ગુજરાતમાં આજે વરસાદી માહોલ જામી ગયો છે. ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ આજે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા એટલે કે માત્ર 6 કલાકના ગાળામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન રહ્યા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ 6 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 126 જેટલા તાલુકાઓમાં વરસાદનો વ્યાપ સારો જોવા મળ્યો છે. જ્યારે અમદાવાદમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. અમદાવાદના વિવિધ વિસ્તારો જેવા કે એસજી હાઇવે, મકરબા, જુહાપુરા, સરખેજ, આનંદનગર સહિતમાં વરસાદ જામ્યો છે.



સૌથી વધુ વરસાદ ક્યાં પડ્યો?
વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો, નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સૌથી વધુ 2.95 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સુરતના અંબિકા વિસ્તારમાં 2.60 ઈંચ અને નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં 2.24 ઈંચ વરસાદ નોંધાયો છે. આ વિસ્તારોમાં મેઘરાજાના હેત વરસવાથી નદી-નાળાઓ અને જળાશયોમાં પાણીની આવક જોવા મળી છે, જે ખેડૂતો માટે પણ રાહતરૂપ સાબિત થઈ રહી છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન
આ સાથે જ નર્મદાના ડેડિયાપાડામાં 2.05 ઈંચ, નવસારી શહેરમાં 2.05 ઈંચ, વલસાડના ધરમપુરમાં 1.85 ઈંચ અને વાપીમાં 1.73 ઈંચ વરસાદ નોંધાયો છે. ભરૂચના વાગરા તાલુકામાં 1.57 ઈંચ તેમજ તાપીના ડોલવણમાં 1.42 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતના આ પ્રદેશોમાં સવારથી જ ઘેરાયેલા વાદળો વચ્ચે મેઘરાજા અવિરત વરસી રહ્યા છે.

આ સમયગાળા દરમિયાન ડાંગ, કપરાડા, નાસવાડી, નાનાપોંઢા, લિલીયા, ઉમરપાડા અને સાગબારા સહિતના અન્ય તાલુકાઓમાં પણ 1.00 ઈંચ થી લઈને 1.35 ઈંચ સુધીનો સારો વરસાદ નોંધાયો છે. રાજ્યના બાકીના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ સતત ચાલુ રહ્યો છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં ચોમાસાનો માહોલ વધુ મજબૂત બન્યો છે.





