‘તમારું આચરણ વિશ્વસનીય નથી, તમે હાજર જ કેમ થયા..’, જસ્ટિસ વર્માને સુપ્રીમ કોર્ટના આકરા સવાલ
Justice Yashwant Varma Case : કેશ કાંડમાં ફસાયેલા જસ્ટિસ યશવંત વર્માએ પોતાની વિરુદ્ધ તપાસ કરી રહેલી ઈન હાઉસ કમિટીની પ્રક્રિયા અને તેમને પદ પરથી હટાવવાની ભારતના મુખ્ય જસ્ટિસની ભલામણ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, ત્યારે સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનાવણી હાથ ધરી વર્માની આકરી ઝાટકણી કાઢી છે. કોર્ટે યશવંત વર્માનું આચરણ વિશ્વનીય ન હોવાનું કહી તેમને આકરા પ્રશ્નો પૂછ્યા છે. કમિટીએ રિપોર્ટમાં વર્માને ભ્રષ્ટાચાર બદલ દોષિત ઠેરવ્યા છે. કોર્ટે વર્માને પૂછ્યું કે, તેઓ કમિટી સમક્ષ હાજર કેમ થયા અને સમિતિ સમક્ષ પડકાર કેમ ન ફેંક્યો?
સમિતિની રિપોર્ટ વિરુદ્ધ જતા પહેલા જ સુપ્રીમ કોર્ટમાં આવવાની જરૂર હતી : બેંચ
કોર્ટે વર્માને કહ્યું કે, તેમણે સમિતિની રિપોર્ટ વિરુદ્ધ જતા પહેલા જ સુપ્રીમ કોર્ટમાં આવવાની જરૂર હતી. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એ.જી.મસીહની બેંચે કહ્યું કે, જો ભારતના મુખ્ય જસ્ટિસ સમક્ષ એવું માનવાનો કોઈ દસ્તાવેજ છે કે, કોઈ જસ્ટિસને ભ્રષ્ટાચાર માટે દોષિત ઠેરવાયા છે, તો તેઓ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને સૂચિત કરી શકે છે. બેંચે કહ્યું કે, કેસમાં આગળ વધવું છે કે નહીં, તે રાજકીય નિર્ણયથી નક્કી કરવામાં આવશે, પરંતુ ન્યાયપાલિકાને પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હોવાનો સમાજને સંદેશ આપવો છે.
કમિટીએ વર્માને હટાવવાની કરેલી ભલામણ ગેરબંધારણીય : કપિલ સિબ્બલ
યશવંત વર્માના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, કમિટીએ તેમને હટાવવાની કરેલી ભલામણ ગેરબંધારણીય છે. આવા પ્રકારની કાર્યવાહીની ભલામણ કરવાથી સમાજમાં અયોગ્ય સંદેશ જઈ શકે છે. વર્માએ પહેલા કોર્ટમાં અરજી એટલા માટે કરી ન હતી, કારણ કે ટેપ જાહેર થઈ ગયું હતું અને તેમની છબિ પણ ખરાબ થઈ ગઈ હતી. કોર્ટે વર્મા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની વિનંતી કરનારા વકીલ મેથ્યૂજ જે.નેદુમ્પરાને પણ પ્રશ્નો પૂછ્યા છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ દત્તાએ નેદુમ્પરાને પૂછ્યું કે, શું તેમણે એફઆઈઆર નોંધાવવાની વિનંતી કર્યા પહેલા પોલીસને ઔપચારિક ફરિયાદ કરી છે?
સુપ્રીમ કોર્ટે બંને આદેશ સુરક્ષિત રાખ્યા
સુપ્રીમ કોર્ટે વર્માની અરજી પરનો નિર્ણય અને એફઆઈઆર નોંધાવવા મામલે નેદુમ્પરાએ કરેલી અરજી પરનો આદેશ પણ સુરક્ષિત રાખ્યો છે. મુખ્ય જસ્ટિસ સંજીવ ખન્નાએ આઠમી મેના રોજ વર્માને હટાવવા ભલામણ અને વર્મા વિરુદ્ધ સંસદમાં મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવાનો આગ્રહ કર્યો હતો, ત્યારે વર્માએ ભલામણ રદ કરવા વિનંતી કરી છે.
વર્માએ શું આક્ષેપ કર્યા હતા?
જસ્ટિસ વર્મઆએ આક્ષેપ કર્યા છે કે, ‘કમિટીનો રિપોર્ટ પહેલેથી કરાયેલ ચર્ચા-વિચારણા પર આધારીત છે અને એવું લાગે છે કે, કમિટીએ પ્રક્રિયાની નિષ્પક્ષતાની ચિંતા કર્યા વગર કેસ ઉકેલવાની ઉતાવળમાં તપાસ કરી છે. કમિટીએ તેમને સંપૂર્ણ-નિષ્પક્ષ પોતાનો પક્ષ રાખવા માટે તક આપી નથી અને પ્રતિકૂળ તારણ કાઢ્યા છે.’ કેસની તપાસ કરી રહેલી કમિટીએ રિપોર્ટમાં કહ્યું હતું કે, ‘જ્યાં આગ લાગ્યા બાદ મોટા પ્રમાણમાં સળગેલી નોટો મળી આવી, તે સ્ટોર રૂમ પર જસ્ટિસ વર્મા અને તેમના પરિવારના સભ્યોનું કોઈને કોઈ પ્રકારનું નિયંત્રણ હતું. આ ઘટનાથી જસ્ટિસ વર્મા કદાચાર માટે દોષિત દેખાઈ રહ્યા છે અને આ એટલી ગંભીર ઘટના છે કે, તેમને પદ પરથી હટાવવા જોઈએ.’
આ પણ વાંચો : જેસલમેરમાં 4500 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિના અવશેષ મળ્યાં, થારના રણમાં અનોખું સંશોધન