Get The App

'હાઈવે પર અચાનક બ્રેક લગાવવી બેદરકારી માનવામાં આવશે', રોડ અકસ્માતો પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
'હાઈવે પર અચાનક બ્રેક લગાવવી બેદરકારી માનવામાં આવશે', રોડ અકસ્માતો પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો 1 - image


Supreme Court: સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપતાં કહ્યું છે કે, હાઈવે પર કોઈપણ ચેતવણી વિના અચાનક બ્રેક લગાવવી બેદરકારી ગણાશે. આ પ્રકારના વલણથી જો દુર્ઘટના-અકસ્માત સર્જાય તો કારચાલકને જવાબદાર ઠેરવવામાં આવશે. જસ્ટિસ સુધાંશુ ધૂલિયા અને જસ્ટિસ અરવિંદ કુમારની બેન્ચે મંગળવારે આ મુદ્દે ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ ધૂલિયાએ જણાવ્યું કે, હાઈવે પર ફૂલસ્પીડે ગાડીઓ દોડે છે. અને જો કોઈ ચાલક પોતાની ગાડી રોકવા માગે છે. તો તેણે પાછળ આવતી ગાડીને સંકેત આપવો જરૂરી છે. 

શું હતો મામલો?

આ મામલો તમિલનાડુના કોઇમ્બતુરમાં 7 જાન્યુઆરી, 2017ના રોજ સર્જાયેલા માર્ગ અકસ્માત સંબંધિત હતો. એન્જિનિયરિંગ વિદ્યાર્થી એસ. મોહમ્મદ હકીમ પોતાની બાઈક પર જઈ રહ્યો હતો, ત્યારે એક કાર ચાલકે અચાનક બ્રેક મારતાં કારની પાછળ આવતી હકીમની બાઈક કાર સાથે અથડાઈ હતી. તે દરમિયાન તે નીચે પડી જતાં તેની પાછળ આવી રહેલી બસે તેને કચડી નાખ્યો હતો. આ અકસ્માતમાં હકીમે પોતાનો ડાબો પગ ગુમાવવો પડ્યો હતો. આ મામલે સુનાવણી કરતાં કારચાલકે કોર્ટમાં પોતાના બચાવમાં કહ્યું કે, મેં એટલા માટે બ્રેક મારી હતી કારણકે, મારી ગર્ભવતી પત્નીને ઉલ્ટી થઈ રહી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તેની દલીલ નામંજૂર કરી હતી.

આ પણ વાંચોઃ 100માંથી 2-4 છોકરીનું જીવન જ પવિત્ર હશે, એવું જ છોકરાઓનું પણ હોય છે... પ્રેમાનંદ મહારાજના નિવેદનથી ચર્ચા

કોર્ટે દલીલ પર શું કહ્યું?

આ દરમિયાન કોર્ટે કહ્યું કે, કારચાલકે પોતાની તરફથી આપેલી સ્પષ્ટતા જરા પણ યોગ્ય નથી. જો કોઈ આપત્તિજનક સ્થિતિ હોય તો પણ હાઈવે પર અધવચ્ચે અચાનક બ્રેક મારવી જોખમી અને બિન-જવાબરદાર કૃત્ય ગણાય. સુપ્રીમ કોર્ટે દુર્ઘટના માટે ત્રણ પક્ષોને જવાબદાર ઠેરવ્યા હતાં. જેમાં કાર ચાલકને 50 ટકા, બસ ચાલકને 30 ટકા અને બાઈક સવારને 20 ટકા જવાબદાર ઠેરવ્યો હતો. કોર્ટનું માનવુ હતું કે, હકીમ પાસે માન્ય ડ્રાઈવિંગ લાઈસન્સ ન હોવા છતાં તે બાઈક હંકારી રહ્યો હતો. બીજી તરફ કારની પાછળ અમુક નિશ્ચિત અંતરે બાઈક હંકારી રહ્યો ન હતો. જે તેની બેદરકારી દર્શાવે છે.

હકીમને 91.2 લાખનું વળતર અપાવ્યું

સુપ્રીમ કોર્ટે હકીમ માટે કુલ રૂ. 1.14 કરોડનું વળતર નિર્ધારિત કર્યું હતું. પરંતુ હકીમની 20 ટકા બેદરકારીના કારણે તેના વળતરની રકમ ઘટાડી રૂ. 91.2 લાખ કરવામાં આવી હતી. આ રકમ કાર અને બસની વીમા કંપનીઓને ચાર સપ્તાહની અંદર ચૂકવવા આદેશ આપ્યો છે.

'હાઈવે પર અચાનક બ્રેક લગાવવી બેદરકારી માનવામાં આવશે', રોડ અકસ્માતો પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો 2 - image

Tags :