Get The App

'મારી હાફિઝ સઈદ સાથે મુલાકાત પર મનમોહન સિંહે આભાર માન્યો હતો', યાસિન મલિકના દાવાથી રાજકારણમાં હડકંપ

Updated: Sep 19th, 2025

GS TEAM

Google News
Google News
'મારી હાફિઝ સઈદ સાથે મુલાકાત પર મનમોહન સિંહે આભાર માન્યો હતો', યાસિન મલિકના દાવાથી રાજકારણમાં હડકંપ 1 - image


Manmohan Thanked Malik For Meeting Hafiz : ટેરર ​​ફંડિંગ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના આતંકવાદી યાસીન મલિકના ચોંકાવનારા દાવાથી રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. તેણે કહ્યું કે, 2006માં તેણે 26-11 હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ સાથે પાકિસ્તાનમાં મુલાકાત કરી હતી અને આ મુલાકાત માટે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે તેનો વ્યક્તિગત આભાર માન્યો હતો. આ દાવો મલિકે 25 ઓગસ્ટના રોજ દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કર્યો છે.

મલિકે ભારતીય ગુપ્તચર એજન્સીના કહેવા પર હાફિઝ સાથે કરી મુલાકાત

મલિકે સોગંદનામામાં લખ્યું છે કે, તેણે હાફિઝ સાથે વ્યક્તિગત મુલાકાત કરી ન હતી, પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી ગુપ્ત શાંતિ પ્રક્રિયાના ભાગરૂપે ભારતીય ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓના કહેવા પર મુલાકાત કરી હતી. મલિકે એમ પણ કહ્યું છે કે, 2005માં કાશ્મીરમાં આવેલા ભૂકંપ બાદ, તેની પાકિસ્તાન યાત્રા પહેલા ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના પૂર્વ વિશેષ નિર્દેશક વી.કે.જોશીએ દિલ્હીમાં તેની સાથે મુલાકાત કરી હતી. જોશીએ મલિકને વિનંતી કરી હતી કે, તે પાકિસ્તાની રાજકીય નેતૃત્વ અને હાફિઝ સઈદ જેવા આતંકવાદી નેતાઓ સાથે વાતચીત કરીને મનમોહન સિંહના શાંતિ પ્રયાસોને આગળ વધારે.

મલિકે પાકિસ્તાન જઈને હાફિઝ સાથે કરી મુલાકાત

મલિકે (Yasin Malik) દાવો કર્યો કે, તેને કહેવાયું હતું કે આતંકવાદી નેતાઓને ચર્ચામાં સામેલ કર્યા વગર પાકિસ્તાન સાથેની ચર્ચા સાર્થક થઈ શકે નહીં. આ વિનંતી બાદ મલિક પાકિસ્તાનમાં સઈદ અને યુનાઈટેડ જેહાદ કાઉન્સિલના અન્ય નેતાઓને મળવા સંમત થયો હતો. મલિકે કહ્યું કે, હાફિઝે એક સંમેલનનું યોજ્યું હતું, જેમાં તેણે ભાષણ કરીને આતંકવાદીઓને હિંસાને બદલે શાંતિ પર ભાર મૂકવા કહ્યું હતું.

હાફિઝ સાથે મુલાકાત કર્યા બાદ મલિક મનમોહન સિંહને મળ્યો

મલિકે કહ્યું કે, ત્યારબાદ તે પાકિસ્તાનથી ભારત પરત ફર્યો હતો અને પછી IB સાથેની ચર્ચા કર્યા બાદ જોશીએ વડાપ્રધાનને હફિઝ સાથેની મુલાકાતની માહિતી આપવા કહ્યું હતું. મલિકે સાંજે મનમોહન સિંહ (Manmohan Singh) અને પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એન.કે.નારાયણ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં મલિકે મનમોહન સિંહને હાફિઝ (Hafiz Saeed) સાથેની મુલાકાતો અને શાંતિની સંભાવનાઓ અંગે માહિતી આપી હતી, જે બદલ વડાપ્રધાને તેનો આભાર માન્યો હતો. મલિકે એવો પણ દાવો કર્યો છે કે, 1990માં તેની ધરપકડ થયા બાદ વી.પી.સિંહથી લઈને મનમોહન સિંહ સુધીની 6 સરકારો તેના સંપર્કમાં રહી હતી અને તેને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય મંચ પર બોલવાની તક પણ આપી હતી.

આ પણ વાંચો : 'પાકિસ્તાનમાં ઘર જેવો અનુભવ થાય છે', કોંગ્રેસ નેતા સામ પિત્રોડાનો વધુ એક બફાટ

મલિક-હાફિઝ-મનમોહન સિંહ મામલે ભાજપે કોંગ્રેસ પર સાધ્યું નિશાન

આ સોગંદનામા અંગે ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયા (Amit Malviya)એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આશ્ચર્ય વ્યક્ત કરવાની સાથે સોગંદનામાની નકલ શેર કરી છે. માલવિયાએ લખ્યું છે કે, ‘આતંકવાદીઓને ફંડ મોકલવા મામલે આજીવન જેલ ભોગવી રહેલા મલિકે ચોંકાવનારો દાવો કર્યો છે.’

આ ઉપરાંત ભાજપના મહાસચિવ તરુણ ચુગે (Tarun Chugh) આ મામલે કોંગ્રેસ પર નિશાન સાધી કહ્યું કે, આ સોગંદનામાથી સ્પષ્ટ થાય છે કે. નિર્દોષ લોકોનો હત્યારો યાકુબ મલિક અગાઉની કોંગ્રેસ સરકારના કહેવા પર ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ સાથે વાતચીત કરી રહ્યો હતો.

ચુગે આરોપ લગાવ્યો કે, 2004થી 2014 સુધી યુપીએ સરકારે આતંકવાદીઓ માટે રેડ કાર્પેટ બિછાવ્યું હતું. તેમણે રાહુલ ગાંધી (Rahul Gandhi)ને સવાલ કર્યો કે, જમ્મુ-કાશ્મીર અને દેશભરમાં થયેલી આતંકવાદી ઘટનાઓને લઈને તેમની પાર્ટી પડદા પાછળ શું રમત રમી રહી હતી.

આ પણ વાંચો : પ્રત્યાર્પણથી બચવા નીરવ મોદીની નવી ચાલ, ભારતના પ્રયાસોને ઝટકો લાગવાની શક્યતા

Tags :