'પાકિસ્તાનમાં ઘર જેવો અનુભવ થાય છે', કોંગ્રેસ નેતા સામ પિત્રોડાનો વધુ એક બફાટ
Sam Pitroda on Pakistan: ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા ફરી એકવાર પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળને લઈને પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં આવ્યા છે.
પડોશી દેશોમાં 'ઘર જેવી' લાગણી
પડોશી દેશો વિષે વાત કરતાં પિત્રોડાએ કહ્યું કે, 'જ્યારે હું પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ જાઉં છું, ત્યારે મને ઘર જેવો અનુભવ થાય છે. મને એવું નથી લાગતું કે હું કોઈ વિદેશી ધરતી પર છું. મને એવું લાગે છે કે ભારતની વિદેશ નીતિનું મુખ્ય ધ્યાન તેના પડોશી દેશો સાથેના સંબંધો સુધારવા પર હોવું જોઈએ.'
આ અંગે સામ પિત્રોડાએ કહ્યું કે, 'મારા મતે, આપણી વિદેશ નીતિનું ધ્યાન આપણા પડોશી દેશો પર હોવું જોઈએ. શું આપણે પડોશીઓ સાથેના આપણા સંબંધો સુધારી શકીએ? હું પાકિસ્તાન ગયો છું અને મને ત્યાં ઘર જેવું લાગે છે. હું બાંગ્લાદેશ અને નેપાળમાં પણ રહ્યો છું અને મને ત્યાં પણ ઘર જેવું જ લાગે છે. આ દેશોમાં જઈને મને એવું નથી લાગતું કે હું કોઈ વિદેશી ધરતી પર છું.'
આ પહેલીવાર નથી જ્યારે પિત્રોડા વિવાદમાં ફસાયા હોય
વિવિધતા પર નિવેદન: ગયા વર્ષે પિત્રોડાએ ભારતમાં વિવિધતા અંગે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'ભારતમાં પૂર્વના લોકો ચીની, પશ્ચિમના લોકો આરબ, ઉત્તરના લોકો શ્વેત અને દક્ષિણના લોકો આફ્રિકન જેવા દેખાય છે.' આ વિવાદ વધતા તેમણે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું.
આ પણ વાંચો: પ્રત્યાર્પણથી બચવા નીરવ મોદીની નવી ચાલ, ભારતના પ્રયાસોને ઝટકો લાગવાની શક્યતા
વારસા વેરા (Inheritance Tax) પરના તેમના નિવેદનથી અગાઉ પણ વિવાદ થયો હતો. આ ટિપ્પણી તેમણે રાહુલ ગાંધીના એ નિવેદનના સંદર્ભમાં કરી હતી, જેમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો લોકોની સંપત્તિનો સર્વે કરવામાં આવશે. આના જવાબમાં, પિત્રોડાએ અમેરિકામાં અમલમાં મુકાયેલા વારસા વેરાનો ઉલ્લેખ કર્યો હતો.