મહારાષ્ટ્રમાં 'મરાઠી' વિવાદ પર આખરે મુખ્યમંત્રીએ મૌન તોડ્યું, કહ્યું- ભાષાના નામે ગુંડાગીરી નહીં ચાલે
Maharashtra News : મહારાષ્ટ્રના થાણેમાં MNSના કાર્યકર્તાઓએ ગુજરાતી વેપારીને થપ્પડ માર્યા હતા, ત્યારબાદ ભારે વિવાદ ઉભો થયો હતો. હવે આ મામલે રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (CM Devendra Fadnavis) આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે, ‘મરાઠીના નામે ગુંડાગીરી સહન કરવામાં આવશે નહીં. મરાઠીનું સન્માન કરવું જોઈએ, પરંતુ કોઈને પણ માર મારવો સહન કરવામાં આવશે નહીં.
ભાષાના નામે ગુંડાગીરી કરનારાઓને છોડીશું નહીં : ફડણવીસ
થાણેમાં ગુજરાતી દુકાનદારને થપ્પડ મારવા મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ‘મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા પર ગર્વ કરવો ખોટું નથી. પરંતુ જો કોઈ ભાષાના કારણે ગુંડાગીરી કરે છે, તો અમે તેને સહન કરીશું નહીં. જો કોઈ ભાષાના આધારે લોકોને માર મારશે, તો આ સહન કરવામાં આવશે નહીં. પોલીસે આ ઘટના પર FIR દાખલ કરી છે અને કાર્યવાહી કરી છે અને જો ભવિષ્યમાં કોઈ આવો ભાષા વિવાદ ઉભો કરશે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. અમને અમારી મરાઠી પર ગર્વ છે, પરંતુ આ રીતે ભારતની કોઈપણ ભાષા સાથે અન્યાય થઈ શકે નહીં, આપણે તે ધ્યાન રાખવું દોઈએ. ક્યારેક મને આશ્ચર્ય થાય છે કે, આ લોકો અંગ્રેજી અપનાવે છે અને હિન્દી પર વિવાદ ઉભો કરે છે. આ કેવા પ્રકારની વિચારસરણી છે અને કેવા પ્રકારની કાર્યવાહી છે? તેથી, કાયદો પોતાના હાથમાં લેનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’
થાણેમાં MNSના કાર્યકર્તાઓએ ગુજરાતીને ઝીંક્યો હતો લાફો
રાજ્યના થાણે વિસ્તારમાં બે દિવસ પહેલા 48 વર્ષિય ગુજરાતીને થપ્પડો ઝિંકી દેવાની ઘટના બની હતી. રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ ગુજરાતી દુકાનદાર બાબૂલાલ ચૌધરીને લાફા ઝીંકી દીધા હતા. દુકાનદારે કાર્યકર્તાઓને એટલું જ પૂછ્યું હતું કે, મરાઠી બોલવું કેમ જરૂરી છે. તેના જવાબમાં કાર્યકરે તેમને કહ્યું હતું કે આ મહારાષ્ટ્ર છે, તેથી અહીં મરાઠી બોલવી પડશે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ત્યારબાદ મંગળવારે પોલીસે સાત MNS કાર્યકર વિરુદ્ધ કેસ નોંધ્યો છે.