Get The App

શું હવે આપણે હિન્દીની સાથે ગુજરાતી પણ શીખવી પડશે? એકનાથ શિંદેના નારા પર ઉદ્ધવ ઠાકરેની સેના ભડકી

Updated: Jul 4th, 2025

GS TEAM

Google News
Google News
શું હવે આપણે હિન્દીની સાથે ગુજરાતી પણ શીખવી પડશે? એકનાથ શિંદેના નારા પર ઉદ્ધવ ઠાકરેની સેના ભડકી 1 - image


Maharashtra News : મહારાષ્ટ્રના થાણેમાં ગુજરાતીને લાફો ઝિંકી દેવાની ઘટના ગરમાઈ છે, ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ‘જય ગુજરાત’નો નારો લગાવતા રાજકીય ઘમસાણ શરૂ થઈ ગયું છે. વાસ્તવમાં રાજ્યમાં ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં જયરામ સ્પોર્ટ્સ એન્ડ કન્વેન્શન સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અમિત શાહ બાદ શિંદેએ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે અમિત શાહના ભરપૂર વખાણ કર્યા હતા, ત્યારબાદ સંબોધનના અંતે તેમણે ‘જય હિંદ, જય મહારાષ્ટ્ર, જય ગુજરાત’નો નારો લગાવ્યો હતો, જેના કારણે રાજકીય ખળભળાટ મચી ગયો છે. શિંદેના નારાથી શિવસેના યુબીટીએ કડક શબ્દોમાં વિરોધ કર્યો છે.

શિંદેના ‘જય ગુજરાત’ નારાથી શિવસેના યુબીટીને વાંધો પડ્યો

શિવસેના યુબીટી (Shiv Sena UBT)ના નેતા કિશોર પેડનેકરે કહ્યું કે, ‘આજે એકનાથ શિંદે (Eknath Shinde)એ અમિત શાહની સામે ‘જય ગુજરાત’ કહ્યું, તો શું આપણે હવે હિંદીની સાથે ગુજરાતી પણ શીખવી પડશે? તમે બાળાસાહેબ ઠાકરે (Bal Thackeray)ના આદર્શને વળગી રહ્યા હોવાનો ઢિંઢોરો પીટો છો, તો શું બાળાસાહેબ ક્યારેય ‘જય ગુજરાત’ કહ્યું? શું રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (CM Devendra Fadnavis) પણ આવું કહ્યું? તેઓને પણ આ સારું નહીં લાગે.’

આજનો દિવસ ગુજરાતી સમાજ માટે ઐતિહાસિક

સંબોધનમાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે, ‘ગુજરાતી સમાજ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. અહીં કોઈપણ ચીજવસ્તુની અછત નથી, કારણ કે તમે બધા લક્ષ્મીના પુત્ર છો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જે કામનું ભૂમિપૂજન કરે છે, તે કામ ઝડપથી થાય છે. પીએમ મોદીએ જયરામ સ્પોર્ટ્સ એન્ડ કન્વેન્શન સેન્ટરનું ભૂમિપૂજન કર્યું, પરંતુ આજે અમિતભાઈ દ્વારા જાહેર લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે.’

આ પણ વાંચો : ચૂંટણી પહેલા બિહારની રાજનીતિમાં મોટી હલચલ, ચિરાગ પાસવાને કહ્યું- 'DyCM અમારી પાર્ટીમાંથી બનવા જોઈએ'

વિવાદ બાદ શિંદેનું સ્પષ્ટીકરણ

પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન ‘જય મહારાષ્ટ્ર, જય ગુજરાત’ના તેમના નિવેદન પર શિંદે એ કહ્યું કે, ‘આજે પુણેમાં 3-4 કાર્યક્રમો થયા હતા જેમાં ગુજરાતી સમુદાયના ભાઈ-બહેનો હાજર રહ્યા હતા. તેઓ ઘણા વર્ષોથી ત્યાં રહે છે. મરાઠી અને ગુજરાતી લોકો સુમેળથી સાથે રહે છે અને તેમણે એક મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવ્યું છે. મેં તે કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યાં મારા ભાષણ પછી મેં જય હિંદ, જય મહારાષ્ટ્ર, જય ગુજરાત કહ્યું હતું, કારણ કે જય હિંદ આપણા દેશનું ગૌરવ છે, જય મહારાષ્ટ્ર એટલે કે, અમને મહારાષ્ટ્ર પર ગર્વ છે અને મેં જય ગુજરાત કહ્યું, કારણ કે ગુજરાતી સમુદાયે સાથે મળીને ત્યાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવ્યું છે. તેથી જ મેં તેમનું સન્માન કર્યું છે. હું ફક્ત એટલું જ કહીશ કે જે લોકો આપણી ટીકા કરે છે તેઓએ પહેલા પોતાની અંદર જોવું જોઈએ. મરાઠી આપણી ઓળખ છે અને હિન્દુત્વ આપણો આત્મા છે. અમે મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાનું કામ કર્યું છે. મરાઠી ભાષા સાથે કોઈ સમાધાન થશે નહીં. બીજાઓ પર આંગળી ચીંધતા પહેલા, તેમણે પોતાની અંદર જોવું જોઈએ.’

થાણેમાં MNSના કાર્યકર્તાઓએ ગુજરાતીને ઝિંક્યો હતો લાફો

રાજ્યના થાણે વિસ્તારમાં બે દિવસ પહેલા ગુજરાતીને થપ્પડો ઝિંકી દેવાની ઘટના બની હતી. રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ ગુજરાતી દુકાનદારને લાફા ઝિંકી દીધા હતા. દુકાનદારે કાર્યકર્તાઓને એટલું જ પૂછ્યું હતું કે, મરાઠી બોલવું કેમ જરૂરી છે. તેના જવાબમાં કાર્યકારે તેમને કહ્યું હતું કે આ મહારાષ્ટ્ર છે, તેથી અહીં મરાઠી બોલવી પડશે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ત્યારબાદ મંગળવારે પોલીસે સાત MNS કાર્યકર વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

આ પણ વાંચો : રશિયાનો યુક્રેન પર ભયાનક હુમલો, કીવમાં 540 ડ્રોન, 11 મિસાઈલ ઝિંકી, ઝેલેન્સ્કી ટ્રમ્પ સાથે કરશે વાત

Tags :