'પાકિસ્તાન વિચારી લે કે તેને ભૂગોળમાં રહેવું છે કે નહીં', આતંકવાદ મુદ્દે ભારતના સેના પ્રમુખની ચેતવણી
Indian Army Chief Upendra Dwivedi Warning to Pakistan : ભારતીય થલ સેનાધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને આકરી ચેતવણી આપતાં કહ્યું છે કે, આ વખતે ભારત ઓપરેશન સિંદૂર 1.0 જેવો સંયમ નહીં રાખે. શુક્રવારે નવી મંડી ઘડસાણાના ગામ સ્થિત સરહદી વિસ્તારની મુલાકાત લીધા બાદ તેમણે સ્પષ્ટ કહ્યું કે, ‘જો પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે તો ભારત એવી કાર્યવાહી કરશે કે પાકિસ્તાનનો નકશો જ બદલાઈ જશે. પાકિસ્તાને વિચારવું પડશે કે તેને ઇતિહાસ અને ભૂગોળમાં રહેવું છે કે નહીં.’
‘ઓપરેશન સિંદૂરની સફળતાનો શ્રેય સેના-સ્થાનિક લોકોને’
તેમણે ઓપરેશન સિંદૂરની સફળતાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ‘આ ઓપરેશનમાં પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણા તોડી પાડવામાં આવ્યા હતા, જેમાં 100 પાકિસ્તાની સૈનિકો અને અનેક આતંકીઓ માર્યા ગયા હતા.’ તેમણે આ સફળતાનો શ્રેય સેના અને સ્થાનિક લોકોને આપ્યો હતો. તેમણે ઓપરેશનમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ BSFની 140મી બટાલિયનના કમાન્ડન્ટ પ્રભાકર સિંહ, રાજપૂતાના રાઇફલ્સના મેજર રિતેશ કુમાર અને હવલદાર મોહિત ગૈરાને સન્માનિત કર્યા હતા.
‘પાકિસ્તાન આતંકવાદને મદદ કરવાનું બંધ કરે નહીં તો...’
જનરલ દ્વિવેદીએ જણાવ્યું કે, ‘આ ઓપરેશનનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાખ્યું હતું અને ભારતે તોડી પાડેલા આતંકી ઠેકાણાઓના પુરાવા સમગ્ર વિશ્વને આપ્યા હતા, જેથી પાકિસ્તાન તેને છુપાવી ન શકે. આ વખતે ભારત સંપૂર્ણ રીતે તૈયાર છે અને ઓપરેશન સિંદૂર 1.0ની જેમ સંયમ નહીં રાખે. ભારત એવી કાર્યવાહી કરશે, જેમાં પાકિસ્તાને વિચારવું પડશે કે, તેણે ઇતિહાસ કે ભૂગોળમાં રહેવું છે કે નહીં. જો તેણે ભૂગોળમાં રહેવું હોય તો આતંકવાદને મદદ કરવાનું બંધ કરવું પડશે.’
આ પણ વાંચો : 3 બાળકોને ગળે ફાંસો આપી પિતાએ કરી આત્મહત્યા, હરિયાણાની હચમચાવતી ઘટના