3 બાળકોને ગળે ફાંસો આપી પિતાએ કરી આત્મહત્યા, હરિયાણાની હચમચાવતી ઘટના
Haryana Suicide Case: હરિયાણાના બલ્લભગઢના ગામ નેકપુરમાં ગઈકાલે ગુરૂવારે મોડી રાત્રે એક પિતાએ પોતાના ત્રણ બાળકો સાથે આપઘાત કર્યો છે. જેમાં પિતા અને 12 વર્ષીય પુત્રીનું મોત થયુ છે, જ્યારે એક પુત્ર અને એક પુત્રીની સ્થિતિ ગંભીર છે. જે હાલ હોસ્પિટલના આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે.
ઘરકંકાસના કારણે પિતાએ પોતાના ત્રણ બાળકો સાથે આપઘાત કર્યો હોવાનું પ્રારંભિક ધોરણે જાણવા મળ્યું છે. પત્ની સાથે ઘરકંકાસ તેમજ પોલીસ કાર્યવાહીના કારણે પિતા આ અંતિમ પગલું લેવા મજબૂર બન્યો હતો.
પોલીસે જણાવ્યા પ્રમાણે, નેકપુરના 30 વર્ષીય કર્મવીરે ગઈકાલે મોડી રાત્રે ત્રણ બાળકો સાથે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પિતા અને 12 વર્ષીય પુત્રીનું મોત થયુ હતું. અન્ય બે બાળકોને ગંભીર સ્થિતિમાં સર્વોદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કર્મવીર અને તેની પત્ની વચ્ચે લાંબા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો.
પત્ની છ દિવસ પહેલાં જ ઘરે આવી
પતિ અને પત્ની વચ્ચે રોજ નાની-મોટી વાતે ઝઘડો થતો હોવાથી પત્ની રિસાઈને પિયર જતી રહી હતી. જે છ દિવસ પહેલાં જ પોતાના ઘરે પરત ફરી હતી. તે દરમિયાન બંને વચ્ચે ફરી ઝઘડો અને મારપીટ થઈ હતી. જેથી પત્નીએ પોલીસ સમક્ષ પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસ ઘરે પહોંચી હતી. પરિવારે જણાવ્યું કે, પોલીસની કાર્યવાહી અને ધમકીના કારણે કર્મવીર ડરી ગયો હતો અને બાળકો સાથે આપઘાત કરવાનો નિર્ણય લીધો.
પોલીસે મૃતકોના શબ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. બે બાળકોની સ્થિતિ હજુ પણ ગંભીર છે. ગામમાં આ દર્દનાક ઘટનાથી માહોલ ગમગીન બન્યો છે.