જીવનરક્ષક કે જીવલેણ? ડેક્સ્ટ્રોમેથોર્ફન કફ સિરપના કારણે રાજસ્થાન-મધ્ય પ્રદેશમાં 11 માસુમના મોત!
Cough Syrup Death: રાજસ્થાનમાં 'ડેક્સ્ટ્રોમેથોર્ફન હાઇડ્રોબ્રોમાઇડ' નામની કફ સિરપ પીવાથી બાળકોમાં આવેલી શારીરિક તકલીફો અને બે કિસ્સામાં મૃત્યુની ઘટનાઓએ સમગ્ર દેશના લોકો અને સ્વાસ્થ્ય વિભાગને સ્તબ્ધ કરી દીધા છે. આ સંજોગોમાં 'ડેક્સ્ટ્રોમેથોર્ફન હાઇડ્રોબ્રોમાઇડ' સુરક્ષિત છે કે નહીં, તેની તપાસની જરૂરિયાત ઊભી થઈ છે. ડૉક્ટરો આ દવાના ઉપયોગ, ફાયદા અને સંભવિત જોખમો સમજાવે છે.
રાજસ્થાનના કિસ્સો: દવા કે દૂષણ?
મધ્ય પ્રદેશના છિંદવાડામાં કફ સિરપના કારણે નવ બાળકોના મોત થયા છે. જ્યારે રાજસ્થાનમાં ભરતપુર અને સીકર જેવા જિલ્લામાં કફ સિરપ પીવાથી બે બાળકોનાં મૃત્યુની ઘટનાઓએ ગંભીર પ્રશ્ન ઊભા કર્યા છે. આ ઘટનાઓમાં એક સામાન્ય પાસું એ હતું કે બધા બાળકોએ 'ડેક્સ્ટ્રોમેથોર્ફન હાઇડ્રોબ્રોમાઇડ' ધરાવતી સિરપ પીધી હતી.
તીર્થરાજ સાથે શું બન્યું હતું?
ભરતપુરના બે વર્ષના તીર્થરાજને ઉધરસ અને શરદી હોવાથી તેને 23 સપ્ટેમ્બરના રોજ સવારે વીરની જિલ્લા હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ડૉક્ટરે તેને કફ સિરપ લખી આપ્યું હતું. તીર્થરાજને બપોરે સિરપ આપવામાં આવ્યું હતું, જે પીધા પછી એ સૂઈ ગયો હતો. જ્યારે તીર્થરાજ ચાર કલાક સુધી જાગ્યો નહીં, ત્યારે પરિવાર તેને ફરીથી તે જ હૉસ્પિટલમાં લઈ ગયો. ત્યાંથી તેમને ભરતપુરની ઝેનાના હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. ભરતપુરના ડૉક્ટરોએ તીર્થરાજની સારવાર કરી જોઈ, પણ તેની તબિયતમાં સુધાર ન થતાં તેને 24 સપ્ટેમ્બરના રોજ જયપુરની હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યો. ત્રણ દિવસ પછી જયપુરની હૉસ્પિટલમાં તેનું મૃત્યુ થયું. એ જ રીતે સીકરના પાંચ વર્ષના એક બાળકનું પણ મૃત્યુ થયું હતું.
ડેક્સ્ટ્રોમેથોર્ફન: દવાનો પરિચય અને ઇતિહાસ
ડેક્સ્ટ્રોમેથોર્ફન હાઇડ્રોબ્રોમાઇડ એક પ્રકારની કફ-નિયંત્રક દવા છે, જેની શોધ 1950ના દાયકામાં થઈ હતી. શરુઆતમાં તેને કોડીન જેવી વ્યસનકારક દવાઓનો સુરક્ષિત વિકલ્પ ગણવામાં આવતો હતો. દિલ્હીના એપોલો સ્પેક્ટ્રા હૉસ્પિટલના બાળરોગ ચિકિત્સક ડૉ. સુનિલ સરીનના મતે, "આ દવા મગજમાં જઈને ઉધરસની પ્રેરણા આપતા સંકેતોને અવરોધિત કરે છે. તેનો મુખ્ય ઉપયોગ સૂકી ઉધરસમાં રાહત આપવા થાય છે, જેથી દર્દીને શાંતિ અને સારી ઊંઘ મળી શકે." આ દવા સામાન્ય રીતે સિરપ સ્વરૂપમાં ઉપલબ્ધ હોય છે, જે બાળકો અને પુખ્ત વયના લોકો માટે સેવનમાં સરળ છે.
કોણે, કેટલી માત્રામાં સિરપ લેવી?
આ દવાનો ઉપયોગ કરતી વખતે ઉંમર અને માત્રાનું ધ્યાન રાખવું આવશ્યક છે. ડૉ. સરીન જણાવે છે કે, બે વર્ષથી ઓછી ઉંમરના શિશુઓને આ દવા આપવી જોઈએ નહીં. બે થી છ વર્ષની વચ્ચેના બાળકોને ફક્ત ડૉક્ટરની કડક દેખરેખ હેઠળ અને ચોક્કસપણે નિર્ધારિત માત્રામાં જ આપવી જોઈએ. છ વર્ષથી ઉપરના બાળકો અને પુખ્ત વયના લોકો પણ ડૉક્ટરના માર્ગદર્શન વિના આ દવા ન લે.
સંભવિત આડઅસરો શું છે?
કોઈપણ દવાની જેમ ડેક્સ્ટ્રોમેથોર્ફનની પણ કેટલીક આડઅસરો શક્ય છે. ડૉ. સરીનના મતાનુસાર, "કેટલાક દર્દીઓમાં નિદ્રા, ચક્કર આવવા, મુડમાં ફેરફાર થવા અથવા પેટમાં દુખાવા જેવી સમસ્યાઓ જોવા મળી શકે છે. કેટલાકને ત્વચા પર સોજા, શ્વાસ લેવામાં તકલીફ જેવી ગંભીર એલર્જીની પ્રતિક્રિયા પણ થઈ શકે છે." ડૉક્ટરના મતે જે લોકોને પહેલેથી જ યકૃત (લીવર), મૂત્રપિંડ(કિડની)ની બીમારી અથવા શ્વસન સંબંધી અન્ય સમસ્યાઓ હોય તેમણે તો ડૉક્ટરને જણાવ્યા વિના આ દવા બિલકુલ લેવી જોઈએ નહીં.
સમસ્યા દવામાં છે કે ગુણવત્તામાં?
જયપુરના વરિષ્ઠ બાળરોગ નિષ્ણાત ડૉ. સુશીલ સાંઘી જણાવે છે કે, "ડેક્સ્ટ્રોમેથોર્ફન એ એક સામાન્ય દવા છે જેનો દાયકાઓથી સુરક્ષિત રીતે ઉપયોગ થાય છે. પરંતુ, બે વર્ષથી નીચેના બાળકોને એ આપવાની નથી હોતી. જો યોગ્ય માત્રા કરતાં વધુ લેવાય (ઓવરડોઝ) તો તે મગજ પર અસર કરીને દર્દીને કોમામાં ધકેલી શકે છે અથવા શ્વાસ રોકાઈ જવાનું જોખમ ઊભું કરે છે." તેમનું માનવું છે કે રાજસ્થાનની ઘટનાઓમાં સમસ્યા દવાના મૂળ ઘટકમાં નહીં, પરંતુ તેને બનાવવામાં વપરાયેલી સામગ્રીની ગુણવત્તા અથવા કોઈ ભેળસેળના કારણે થઈ હોઈ શકે છે.
વિવાદોમાં ઘેરાયેલી ફાર્મા કંપની
આ વિવાદાસ્પદ દવા બનાવનાર ફાર્માસ્યુટિકલ કંપની 'કેયસન્સ ફાર્મા' પર ભૂતકાળમાં પણ દવા બનાવવાના નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપો લાગેલા છે, જેને લીધે તેને 6 જૂન, 2022થી બે વર્ષ માટે પ્રતિબંધિત પણ કરવામાં આવી હતી.
સરકારે તપાસના આદેશ આપ્યા
આ ગંભીર ઘટનાઓના આધારે રાજસ્થાન સરકારે સક્રિયતા દાખવી છે. રાજ્યના આરોગ્ય પ્રધાન ગજેન્દ્ર સિંહ ખીમસરાએ જણાવ્યું છે કે, સંદર્ભિત સિરપના નમૂના પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તબક્કાવાર રીતે સંદિગ્ધ બેચની દવાઓ પાછી ખેંચી લેવામાં આવી છે અને એક તટસ્થ તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી છે.