For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શું ઝુનઝુનવાલાના અવસાન બાદ તેમના કારોબાર અને માર્કેટ પર અસર પડશે?, જાણો પિયૂષ ગોયલનો જવાબ

Updated: Aug 14th, 2022

Article Content Image

- વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રયી ગૃહમંત્રી અમિત શાહે રાકેશ ઝુનઝુનવાલાના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હી, તા. 14 ઓગષ્ટ 2022, રવિવાર

ભારતના વોરેન બફેટ તરીકે પ્રખ્યાત એવા શેર માર્કેટના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાકેશ ઝુનઝુનવાલાના મૃત્યુનું દુઃખ વ્યક્ત કર્યું છે. 

વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં લખ્યું હતું કે, 'રાકેશ ઝુનઝુનવાલા અદમ્ય હતા. જીવનથી ભરપૂર, મજાકિયા અને વ્યાવહારિક. તેઓ પોતાની પાછળ નાણાકીય દુનિયામાં એક અમીટ યોગદાન છોડીને ગયા છે. તેઓ ભારતના વિકાસ માટે ખૂબ જ ઉત્સાહી હતા. તેમનું જવું દુઃખદ છે. તેમના પરિવાર અને પ્રશંસકોને મારી સંવેદનાઓ. ઓમ શાંતિઃ'

પિયૂષ ગોયલે જૂનો સંબંધ યાદ કર્યો

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે પણ રાકેશ ઝુનઝુનવાલાના મૃત્યુને દુઃખદ ગણાવીને તેમના સાથેની યાદો તાજી કરી હતી. પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે, 'મેં રાકેશને આજથી 30 વર્ષ પહેલા જોયો હતો કારણ કે તેમના પિતાજીને અમારા પરિવાર સાથે સારા સંબંધો હતા. માટે જ અમારો પરિચય થયો હતો. રાકેશ ઝુનઝુનવાલા એક દેશભક્ત હતા અને તેમના મનમાં દેશ માટે આર્થિક વિકાસ લાવવાની તડપ હતી. તેમનો સંકલ્પ હતો કે ભારતને આત્મનિર્ભર બનાવવા જે થઈ શકે તે કરશે.' 

આ પણ વાંચોઃ શેર માર્કેટના કિંગ, દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું અવસાન

ઝુનઝુનવાલા-ગોયલે સાથે કરેલું છે કામ

પિયૂષ ગોયલ અને રાકેશ ઝુનઝુનવાલાએ એક આદિવાસી વિકાસ પ્રોજેત્ટ માટે સાથે કામ કર્યું હતું. તે પ્રોજેક્ટ અંતર્ગત આદિવાસી વિસ્તારોમાં શાળાઓ ચલાવવામાં આવે છે. ગોયલે જણાવ્યું કે, ઝુનઝુનવાલા અનેક હોસ્પિટલ અને શાળાઓ બનાવવા ઈચ્છતા હતા અને આ સંજોગોમાં તેમનું મૃત્યુ તેમના નજીકના મિત્રો માટે દુઃખદ સમાચાર છે. 

ઝુનઝુનવાલાએ તાજેતરમાં જ આકાસા એરલાઈન્સનો પાયો નાખ્યો હતો. વાણિજ્ય મંત્રીને જ્યારે એવો સવાલ કરવામાં આવ્યો કે, શું ઝુનઝુનવાલાના અવસાન બાદ તેમના કારોબાર અને માર્કેટ પર અસર પડશે? ત્યારે પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે, ભારત પાસે એ શક્તિ છે કે, તે દરેક પડકાર બાદ આગળ વધતું રહ્યું છે અને રાકેશ ઝુનઝુનવાલાને સાચી શ્રદ્ધાંજલિ પણ એ જ રહેશે કે, દેશ હોય કે પછી માર્કેટ હોય, તે સતત આગળ વધતા રહે. જોકે તેમની કમી જરૂર અનુભવાશે. 

આ પણ વાંચોઃ રાકેશ ઝુનઝુનવાલા કહેતા- તમારા બાપના કે સસરાના પૈસે શેર બજારમાં રોકાણ ન કરો

ગૃહમંત્રી શાહે પણ શોક પ્રગટ કર્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ રાકેશ ઝુનઝુનવાલાના અવસાન મામલે શોક પ્રગટ કર્યો છે. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, 'રાકેશ ઝુનઝુનવાલાજીના અવસાન અંગે જાણીને દુઃખ થયું. તેમના વિશાળ અનુભવ અને શેર માર્કેટની સમજણે અનેક રોકાણકારોને પ્રેરિત કર્યા છે. તેમને તેમના બુલંદ દૃષ્ટિકોણ માટે હંમેશા યાદ કરવામાં આવશે. તેમના પરિવાર પ્રત્યે મારી ગાઢ સંવેદનાઓ. ઓમ શાંતિઃ શાંતિઃ'


Gujarat